Morari Bapu
ઈતિહાસ સંતો અને સતીઓ સેવાકીય કર્યો

કચ્છના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા

Sant Mekran Dada
ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા કરનાર ઓલિયો

આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું. દાદા મેકરણ જન્મ બાપા જલારામની જેમ લોકકલ્યાણઅર્થે જ થયો હતો. દાદા મેકરણ બાળપણનું નામ મોકાયજી હતું, દાદા નાનપણથી જ લોકસેવામાં અને પ્રભુભક્તિમાં રચ્યાપચ્યા રહેતા તેમાં તેમને અનેરો આનંદ આવતો હતો આથી પિતાના પારંપારિક ધંધામાં રસ ન દાખવી માત્ર ૧૨વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે દીક્ષા લીધી હતી અને મોકાયજી માંથી મેકરણ થયા અને ગીરનારી સંતો ની આજ્ઞા અને ઈચ્છા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું. તેઓ જાતે પોતાના ખભા પર પાણીનાં માટલાં તથા રોટલા ભરેલી કાવડ લઈને પગપાળા જ વિચરતા રહેતા અને કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને શોધી શોધીને ભોજન તથા જળ પીવડાવી તેઓની સેવા કરતા હતા. દાદા અંહિ શ્રી ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા. દાદા મેકરણ મહાન સમર્થ સંત હતા. જેથી તેમના કાપડી પંથ માં એક નવી શાખા શરું થઈ જે હાલમાં મેકાપંથી નામે ઓળખાય છે.

એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેંકરણથી આ કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેંકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું. “પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?” અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહી” આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને દાદાના ચરણે પડી ગયા. આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય જતા એક કુતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’ રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવાકાર્યમાં જોડાય ગયા હતાં. દાદાની ઉંમર થતા લાલીઓ પાણી, રોટલા નો ભાર વાહન કરતો અને મોતીયો ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા, ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.

મેકરણ દાદાનું સમાધી સ્થળ:
આમ દાદાએ પોતાના જીવનમાં સતત ૬૫વર્ષ ક્ચ્છના રણમાં લોકસેવામાં વિતાવી સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે તેમના અન્ય ૧૧ શિષ્યો સાથે જીવતા સમાધી લિધી પાછળથી લાલદાસ અને મોતીરામ નામના દાદાના સાથીદારો એ પણ સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧ સમાધી ના દર્શન છે. તેમની શિષ્ય પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે.


કચ્છ સંતસભર પુણ્યભૂમિ છે. કચ્છના કાવડિયા સંત તરીકે દાદા મેકણ સુવિખ્યાત છે. તેઓની તપશ્વર્યા અને અનેકવિધ ઐશ્વર્યોની વાતો આજે પણ લોકોના હૈયામાં ધરબાયેલી છે. સામાન્ય રીતે સંતોનું અવતરણ લોકહિતાર્થો થતું હોય છે. મેકણ દાદા માનવ સેવાને પ્રભુ સેવા જ માનતા.

કચ્છમાં નાની ખોંભડી ગામે તેમનો જન્મ માતા ફાયાબાઇની કુખે થયો. પિતાનું નામ હળદોરજી,માતાએ પુત્રનું નામ મેકોજી રાખ્યું. મેકોજી લગભગ બાર વરસના થયા ત્યારે પિતાએ તેમને ગાયોને ચરાવવાનું કામ સોંપ્યું. બીજી તરફ પોતાના મકાનને રિપેર કરાવવા માટે જ્યારે મજૂરો દ્વારા ખોદકામ કરાવી રહ્યા હતા ત્યારે જમીનમાંથી વસ્તુઓ ભરેલી પોટલી નીકળી.આ પોટલીમાં તુંબડી, પતર, ચાખડી, પાવડી, ટોપી, ચુંદડીને જોઇ હળદોરજી આશ્ચર્ય પામ્યા. તેમણે આ બધી વસ્તુઓ કોઇ સંતને આપી દેવા વિચાર્યું. પરંતુ જ્યારે મેકોજીએ આ વસ્તુઓ નિહાળી ત્યારે આ વસ્તુઓ પોતાની જ છે એવો દાવો કર્યો.

બાલ્યાવસ્થાથી જ તેમનો વૈરાગ્યવાન સ્વભાવ હતો. બાળપણથી જ ભજન ભકિત કરવાનું તેમનું સવિશેષ અંગ હતું. તેઓએ કચ્છમાં અનેકાઅનેક ઉત્કૃષ્ટ પદોની રચના કરી છે તેઓ લખે છે કે –

પીર પીર કુરો કર્યોતા, નાંય પીરેજી ખાણ
પંજ ઈન્દ્રિયું વસ કર્યો ત પીર થીંઓ પાણ

પીર જન્મતા નથી, પીરોની કોઇ ખાણ નથી કે જેમાંથી પીર નીકળે પરંતુ કોઇપણ માનવી પોતાની પાંચ ઈન્દ્રિયને વશમાં રાખે તો પીર કે પછી યોગી બની શકે. તેમણે સાંસારિક જીવનનો ત્યાગ કરી કચ્છના માતાના મઢના મહંત કાપડી સાધુ ગંગારામ પાસે દિક્ષા લીધી. ત્યારબાદ તેઓ સિંધમાં તથા ખાસ તો સૌરાષ્ટ્રમાં તીર્થ સ્થાનોમાં ઘૂમ્યા. ગીરનારમાં ૧૨ વર્ષ ઉગ્ર તપશ્વર્યા આદરી માત્ર કંદમુળ અને ઝરણાના પાણી પર દેહ નિભાવ કરતા. ગિરનારની પરિક્રમા સમયે તેમને ગુરૂ દત્તાત્રેયે એક કાવડ આપી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણી આપતા રહે તેવા આશીર્વાદ આપ્યા. તેમને કાવડવાળા કાપડીની ઉપમા મળી.

સૌરાષ્ટ્રમાં બિલખા મધ્યે તપ કર્યું. ત્યારબાદ કચ્છ અને વાગડમાં જંગી અને પાવર પટ્ટીના લોડાઇ ગામે પધાર્યા. ત્યારે તેમને સંત નિર્મલગિરિનો ભેટો થયો. આ ધ્રંગ ગામે પધાર્યા.સંત મેકણ દાદાની જીવનકાર્યની કર્મભૂમિ તે ધ્રંગ. ભુજ તાલુકાનું આ ગામ ભુજથી ૪૦ કિ.મી. ના અંતરે છે. ધ્રંગ આવતી વખતે દશનામી સંત માયાગિરિજી સ્વામી તથા માતાજી વીરબાઇનો પરિચય થયો. કચ્છના રાજવી મહારાવ દેશળજીએ દાદા મેકણનું ગુરૂપદ સ્વીકારેલું. ‘‘જીનામ-જીનામ’’નો આલેખ જગાવનાર કચ્છના કબીરનું ઉપનામ દાદાને મળેલું છે. તેઓ સાિત્વક પદાવલિ માનવતાની શીખ આપે છે –

જીયો ત ઝેર ન થિયો સક્ક થિયો મુંજા સેણ
મરી વેંધા માડુઆ પણ સેંધા ભલેંજા થેણ

તેઓએ જીવનમાં સાકર જેવા મીઠા શબ્દો બોલીને સદવર્તન કરવાનું જણાવ્યું.મીઠા શબ્દોથી મનુષ્યના સંબંધો વિકસતા જ રહે છે. માનવી આ ફાની દુનિયા છોડી જાય ત્યારે એણે વદેલા સારા શબ્દોને લોકો વાગોળતા જ રહે છે.આ ધ્રંગની ઉત્તરે અફાટ રણ આવેલું છે. આ રણમાં ભૂલો પડેલો માનવી ભૂખ તરસથી મૃત્યુ ન પામે તે સદ્ભાવથી સંત મેકણે મોતિયો નામે કૂતરો અને લાલિયો નામે ગધેડો આ બન્નેને સેવાર્થો તૈયાર કર્યા. ગધેડાની પીઠ પર જે છાંટો બાંધતા તેમાં એક તરફ પાણીનું માટલું રહેતું તો બીજી તરફ બાજરાના રોટલા રખાતા. મોતિયો ભૂલા પડેલા વટેમાર્ગુઓને શોધી કાઢતો. લાલિયો તેની સાથે રહેતો – પ્રવાસીઓ કે ભૂલા ભટક્યાના જીવ બચી જતા.તેઓ આ પ્રાણીઓ માટે કહેતા કે –

લાલિયો મુંજો લખણવંતોને મોતિયો જેડો ભા,
મૂછારાપર ધોરે ફગાઇયાં, ઇનીજી પૂછ મથાં.

આ મારો લાલિયો લખણવંતો છેતો મોતિયો ક્યાં ઓછો છે. આ બન્ને ભિન્ન ભિન્ન જ્ઞાતિમાં જન્મ્યા છે છતાં પણ બન્ને ભાઇઓ જેવા છે. ક્યારેક મને થાય છે કે મરદ-મૂછાળાઓને પણ આ બન્નેના કાર્યો જોતાં એમના મૂછરપથી જાણે ઓળ ધોળ કરી મુકું ! કચ્છના આ અમર સંતે સવંત ૧૮૮૬ ના આસો વદ -૧૪ ના દિવસે ધ્રંગ ગામે સમાધિ લઇ જીવનલીલા સંકેલી લીધી. દાદાની સમાધિની સામે જેમણે મુસ્લિમ ધર્મ સ્વીકારેલો તે પીર પતંગશાહનો કૂબો છે.

દાદાની સાથે સમાધિ લેનાર સાથીઓમાં આહિરાણી લીરબાઇ , સાધુ સુંદરદાસ, જોષી પ્રેમજી મહારાજ, ઠકરાણા પ્રેમાબા, કંથળ સુથાર, આહિર વીઘો, પ્રેમાબા જાડા, ખોઅચજી રાજપૂત, તુબર વાઘોજી, રામદે પક્ષેત્રા, મોકાના રાજપૂત, દશનામી સંત માયા ગિરજિીએ એમની સાથે જીવતે સમાધિ લીધેલી. દાદાના અખાડાની બહાર લાલિયા-મોતિયાની પણ સમાધિ આવેલી છે. આવા ભકિતધામના દર્શને હિન્દુ-મુસ્લિમ સૌ કોઇ આવે છે.