Girnar Mountain Junagadh
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર

Bhavnagar

ભાવનગરની રાજ્ય સ્થાપના ઈ.સ. ૧૭૪૩ માં વૈષાખ સુદ ૩ ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજી ગોહીલ એ કરી હતી. જે હાલ ભાવનગર તરીકે ઓળખાય છે.

દેશી રાજ્યોના વીલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણે સૌ પ્રથમ પોતાનું રાજ્ય ધરનાર ભાવનગરના મહારાજા ક્રૃષ્ણ કુમાસિંહજી હતા.
ભાવનગર પાસે આવેલ અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.મારવાડના ખેરગઢથી સૌરાષ્‍ટ્રમાં ઉતરી આવેલા ગોહિલ રાજવંશના મુળ પુરુષ સેજકજીએ સાયલા પાસે સેજકપુર વસાવી પ્રથમ ગાદી સ્‍થાપી, ત્‍યાંથી રાણપુર, પછી ઉમરાળા, ઘોઘા, શિહોર અને ત્‍યારબાદ ઇ.સ.૧૭૨૩, સવંત ૧૭૭૯ના વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિને વડવા ગામ પાસે ભાવનગરની સ્‍થાપના કરી, બંદર તરીકે ભાવનગરની આબાદી ખીલવવાના ઉદેશ્‍ય સાથે નગરનો ઘણો વિકાસ થયો. ત્‍યારબાદ લડાઇ ચડાઇના એ યુગમાં ઠાકોર વખતસિંહજીએ ભાવનગર રાજયનો દક્ષિણમાં મહુવા, રાજુલા અને પશ્ચિમમાં છેક મીતીયાળા, સલડી, લીલીયા સુધી રાજયનો વિસ્‍તાર વધાર્યો.

શિક્ષણ, કલા, સાહિત્‍ય અને સંસ્‍કારીતાના સમન્‍વયથી ભાવનગરના રાજવીઓએ એ જમાનામાં આગવી લોક ચાહના પ્રાપ્ત કરી હતી. ફકત ખેતી અને મજૂરી પર જ નિર્ભર એ યુગમાં દુષ્‍કાળ કે અતિવૃષ્‍ટિ જેવા આપત્તિકાળમાં ભાવનગરના રાજવીઓએ ઉદારદીલે પ્રજાને મદદ કરવા ઠેર ઠેર કૂવા-તળાવો ખોદાવી, ગરીબખાના ખોલાવી, તગાવી માફ કરી રૈયતને રાહત આપી હતી. ભાવનગર રાજયના રાજા અને પ્રજાના વફાદાર તરીકે નામના પ્રાપ્ત કરનાર કાબેલ દિવાન તરીકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટૃણીનું યોગદાન આજે પણ ચીર સ્‍મરણીય છે.

વિસ્‍તારવાદી પ્રવૃતિના યુગથી માંડી આધુનિક યુગના પ્રભાત સુધીમાં ભાવનગરમાં અનેકવિધ વિકાસ, સુધારા અને પ્રજાકિય કાર્યો થયા છે.

શિક્ષણ ક્ષેત્રે આગવી પ્રગતિ સાધનાર ભાવનગરમાં ૧૮૫૨માં મહારાજા જશવંતસિંહજીના સમયમાં પ્રાથમિક શાળા શરૂ થઇ હતી ત્‍યારથી શિક્ષણનો પાયો નખાયો હતો. કન્‍યા કેળવણીને ઉત્તેજન આપવા જશવંતસિંહજીએ પોતાના કુંવરીને પણ શાળામાં દાખલ કર્યા હતા. ત્‍યારબાદ રાજયમાં ઉત્તરોતર શિક્ષણ સાથે કલા અને સાહિત્‍યની આગેકૂચ જારી રહી હતી.

આધુનિક ભાવનગરના શિલ્‍પી તરીકે મહારાજા તખ્‍તસિંહજીએ રેલ્‍વે, શાળાઓ, હાઇસ્‍કુલો, તખ્‍તસિંહજી હોસ્‍પીટલ, પુસ્‍તકાલયો તેમજ કૃષિ વિકાસ માટે અનેક કૂવાઓ, તળાવો બંધાવ્‍યા હતા. તખ્‍તસિંહજી બાદ ગાદીએ આવેલા મહારાજા ભાવસિંહજી (બીજા) કલાપ્રિય રાજવી હતા. તેમણે સુપ્રસિધ્‍ધ ચિત્રકાર રાજા રવિ વર્માને ભાવનગર નિમંત્રી કલાકારોને તેમની પાસે કલાવિદ્યા શીખવી હતી. ભાવસિંહજીને સંગીતનો જબરો શોખ હતો. નિલમબાગ પેલેસમાં તેમણે પિતળીયો બંગલો સંગીત દરબાર તરીકે અલગ રાખ્‍યો હતો. અહીં સવાર-સાંજ સંગીતના સુરો લહેરાતા ગવૈયાઓનો ઝમેલો રહેતો. ભાવનગરના કલાકાર ડાહ્યાલાલ તથા સુરજરામ નાયક વ્રજભાષામાં પદો રચી ગાતા. મશહુર બીન વાદક રહીમખાન તથા ગાયિકા ચંદ્રભાગા સંગીતની મહેફીલોમાં રંગ જમાવતા. ગાયકવૃંદના સહકારથી ભાવસિંહજીએ સંગીતમાળા ચાર ભાગમાં, સંગીત વિનોદ, સંગીત બાલોપદેશ, હોરેશીયમ અને ઇલીયડના છ ભાગ પુસ્‍તકરૂપે પ્રસિધ્‍ધ કરાવ્‍યા હતા. ભાવસિંહજીના રાજય અમલમાં દિવાન પ્રભાશંકર પટૃણીના સુદિર્ઘ વહીવટથી ભાવનગરની કિર્તી ચોમેર પ્રસરી હતી.

ભાવસિંહજી બાદ ગાદીએ આવેલા મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીએ ઉદારચરીત માનસથી ખરા અર્થમાં પ્રજાકિય શાસન ચલાવી સમગ્ર રાજયની પ્રજાના દિલ જીતી લીધા હતા. આ પ્રજાવત્‍સલ રાજવીએ આઝાદીના ઉષાકાળમાં પ્રજા પરિષદ અને પોતાની રૈયતને બધા અધિકારો આપ્‍યા હતા. આઝાદી સમયે સ્‍વતંત્ર ભારતને પોતાનું રાજય અર્પણ કરવામાં પહેલ કરનાર કૃષ્‍ણકુમારસિંહજીએ મદ્રાસના ગવર્નર તરીકે પણ અદભુત ચાહના પ્રાપ્ત કરી હતી.

ભાવનગરના ઉદારચરીત, ધર્મિષ્‍ઠ અને રૈયતની ખેવના રાખનાર રાજવીઓએ લોકકલ્‍યાણની વિવિધ યોજનાઓ અમલમાં મુકી છુટા હાથે નાણાનો યથાયોગ્‍ય ઉપયોગ કર્યો હતો. પરિણામે શહેરની ભાગોળે ગૌરી શંકર તળાવ, નગરમાં હાઇસ્‍કુલો, કોલેજો, અખાડા, વોટર ફિલ્‍ટર પ્‍લાન્‍ટ, હોસ્‍પિટલ, મંદિરો, મુસાફરખાના, શિક્ષણ સંસ્‍થાઓ, રોડ, ગટર, વીજ સાધનો વગેરે ઉપલબ્‍ધ થયા હતા.

આઝાદી બાદ નૂતન ઘડતરમાં ભાવનગરમાં આધુનિક શોધ સંશાધનો અને જ્ઞાન વિજ્ઞાનના સમન્‍વયથી સ્‍થપાયેલ સંસ્‍થાઓ તેમજ ઉદ્યોગથી આજે ભાવનગર ધમધમી રહયું છે.

આમ પૂર્વ સૌરાષ્‍ટ્રમાં આવેલા ગોહિલવાડ મુલકમાં ગોહિલોએ રાજકર્તા તરીકે યશસ્‍વી કારકિર્દી સાથે ઇતિહાસમાં આગવું સ્‍થાન મેળવ્‍યું છે.

જુના ભાવનગરની બાંધણી અને ત્‍યારબાદ આધુનિક શહેરના નિર્માણ સાથે છેક રાજવી કાળથી આજ દિન સુધી ભાવનગરે અનેકવિધ ક્ષેત્રે વિકાસ સાધ્‍યો છે.