Madhavpur Ghed
ઈતિહાસ

કાઠી અને કાઠીયાવાડ

Jogidas Khuman on His Manki
જોગીદાસ ખુમાણ

સૌરાષ્ટ્ર-કચ્છમાં આવીને વસેલી કાઠીકોમનો શરૂઆતનો સમય સંઘર્ષમય રહ્યો હતો. કચ્છના ભદ્રાવતીથી વાગડમાં આવેલ કંથરોટ સુધી પોતાની રાજસત્તા સ્થાપી પાવરગઢથી શાસન કરતા કાઠીઓ સામે કચ્છના યદુવંશી ફુલ્લપુત્ર લાખા કુલાણીએ વિક્રમ સંવત ૯૯૮થી ૧૦૩૨ દરમ્યાન તથા લાખા ફુલાણી પછી કચ્છની ગાદીએ આવેલા રાજાઓએ પણ કાઠીઓ સામે સંઘર્ષ ચાલુ રાખતા અનેક ખુંખાર જંગ ખેલાયા હતાં. જેમાં કચ્છના રાજા રા’પુંઆજીને કાઠીઓએ યુદ્ધમાં મારી પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. રા’પુંઆજી પછી રા’વહેણજી અને તેના પછી રા’મુળવોજીએ પોતાના દાદા રા’પુંઆજીના મોતનો બદલો લેવા પાવરગઢના શાસક કાઠી એભલ પટકીર પર આક્રમણ કરતા યુદ્ધના મેદાનમાં રા’ મુળવોજી પણ મરાયા હતા. રા’મુળવોજી કાઠીઓના હાથે મરાતા રા’કાંયોજી ગાદીનશીન થયા હતા. કચ્છની સત્તા હાથમાં લેતા રાજા રા’ કાંયોજીએ છુપી તૈયારીઓ હાથધરી કાઠીઓ પર ચારેબાજુથી આક્રમણ કર્યુ હતું. તથા રા’ કાંયોજીએ કાઠીઓને આશરો આપનાર ગેડી (તા. રાપર)ના શાસક ઉમી વાઘેલા પર આક્રમણ કરી તેને મારી નાંખ્યો હતો. કાઠીઓને કચ્છમાં ટકવું મુશ્કેલ લાગતા તેઓ વાગડ થઈ માંડવ ધરામાં આવેલ સૂર્યમંદિર આગળ એકત્ર થતા એભલ પટકીરની આગેવાની હેઠળ એકત્ર થઈ પોતાના મુળવતન મુલતાનની યાદમાં આ સ્થળને થાન તરીકે ઓળખાવ્યું હતું.

લગભગ છસ્સો વર્ષથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સતત સંઘર્ષ કરતી કાઠીકોમે સદીઓના સંઘર્ષોથી કંટાળી એક આખરી યુદ્ધ લડી લેવાની થાનગઢમાં તૈયારી આદરી હતી. એ વખતે થાનગઢમાં બાબરીયા રાજપૂતોનું શાસન હતું. કાઠીઓના સરદાર એભલ પટકીરને થાનગઢના બાબરીયાઓની મદદ મળી હતી, તે સાથે મૂળ વલભી મૈત્રક વંશના ઢાંકના રાજા ધાનવાળાના કુંવર વેરાવળજી સેના સાથે પડખે ઉભા રહ્યા હતા. એ વખતે દ્વારકાધીશના દર્શન કરવા નીકળેલા મારવાડના કાળુજી રાઠોડની સેનાની પણ અણધારી મદદ મળી રહી હતી. આ ઉપરાંત ઝાલોરગઢ રાજસ્થાનના વિરમદેવ ચૌહાણ અને ઝાલાવાડના ઝાલાઓ કાઠીઓની સાથે ઉભા રહેતા કચ્છના સાતમા જામ રા’ કાંયોજીને થાનગઢ નજીક કારમી હાર આપી હતી.

કચ્છસેનાને હરાવતા કાઠીઓએ થાનગઢને પોતાનું મુખ્ય મથક બનાવી એભલ પટકીરે સૌરાષ્ટ્રમાં કાઠીઓની તાકાત વધારવા ઢાંકના સૂર્યવંશી રાજા ધાનવાળાના કુંવર સાથે પોતાની દીકરીના લગ્ન કરી સામાજિક તાકાત વધારી હતી. મારવાડના રાજપૂત કાળુજી રાઠોડના વંશજો ‘ધાધલ’ તરીકે તો આરંભડાના વાઢેરોને ‘ગીડા’ તરીકે કાઠીઓમાં ભળ્યા હતા. રાજસ્થાનના વિરમદેવ ચૌહાણ અને તેના વંશજો કાઠીમાં ‘જળુ’ તરીકે ઝાલાવાડના ઝાલા રાજપૂતો ‘ખવડ’, પરમાર ક્ષત્રીયો ‘જેબલીયા’, બાબરીયા ક્ષત્રીયો ‘કોટીલા’ તરીકે કાઠીમાં ભળ્યા હતા. આ ઉપરાંત કપરા સમયે કાઠીઓ સાથે રહેતા ‘કાંમળીયા’, ‘મોભ’ વગેરે શાખાના આહીરો સાથે લગ્નેત્તર સંબંધોથી જોડાયા હતા. ઢાંકના રાજા વેરાવળજીની આગેવાની કાઠીઓએ સ્વીકારી પોતાની વિજ્ય યાત્રા સૌરાષ્ટ્રમાં આગળ વધારી હતી. વેરાવળજી વાળાને શક્તિશાળી ત્રણ પુત્રો ખાચર, ખુમાણ, વાળા થયા હતા. જોકે એક માન્યતા મુજબ ચાર કુંવર હોવાનું પણ કહેવામાં આવે છે. વેરાવળજી વાળાએ અંદર-અંદરના લડાઈ-ઝઘડા અને ખટપટોથી નબળા પડેલા સૌરાષ્ટ્રના નાના-મોટા રજવાડાઓ ઉપર ચડાઈ કરી ચોટીલા, જસદણ, જેતપુર, મેંદરડા, કુંડલા, ખેરડી (વિરપુર) જેવા સ્વતંત્ર રજવાડા ઉભા કર્યા હતા. તે સાથે ગોહીલવાડ, હાલાર, સોરઠ, ચુડા, લીંબડી, લખતર, વાંકાનેર, રાજકોટ જેવા રજવાડાઓને હંફાવવાનું શરૂ કર્યુઁ હતું.

સૌરાષ્ટ્રમાં કાઠીઓની આગવી સત્તા ઉભી કરતા વાળા વેરાવળજીએ પોતાના ત્રણેય શુરવીર પુત્રો ખાચર, ખુમાણ અને વાળા વચ્ચે પોતાના તાબાનાં ૬૬૦૦ ગામો સરખે ભાગે વહેંચતા કુંવર ખાચરજીના ભાગમાં ચોટીલા તાબાના ૨૨૦૦ ગામો આવેલા હતા.

કાઠીરાજ ખાચરજીને (૧) મોકાજી (૨) રામાજી (૩) લાખાજી (૪) ઠેબાજી નામે ચાર પુત્રો થયા હતાં. ખાચરજીના વંશજો ખાચર તરીકે ઓળખાવા સાથે મોકાણી, રામાણી, લાખાણી અને ઠેબાણી ખાચર તરીકેની પણ અલગથી ઓળખ ઉભી થઈ હતી. અવરતીયા કાઠીની 93 અટકો જે મૂળ કાઠી ગણાય છે, જયારે ઢાંકના વેરાવળ વાળાના વંશજો શાખાયત કાઠી તરીકે ઓળખાયા હતાં. ખાચર, ખુમાણ અને વાળાના નામે ઓળખાયેલા શાખાયત કાઠીમાં પણ અનેક પેટા શાખ જોવા મળે છે. ખાચરોમાં રામાણી, મોકાણી, ઠેબાણી, લાખાણી ઉપરાંત ચોમાડીયા, દાદુ, જેબલીયા, લોમસરીયા, હીપા વગેરે આવે છે. ખુમાણ કાઠીમાં ચન્ડા, ચન્ડસુર, લુમસર, માણ, મોતીયા, ઝામર વગેરે તથા વાળા કાઠીમાં વીસેક જેટલી અટકો જેવી કે ભોજગ, ભોગરા, લાલુ, વીકમા, વાજા, જોગીયા, કરપડા વગેરે આવે છે.

ઘોડી અને ભેંસ કાઠી અસ્મિતાના આગવા અંગ માનવામાં આવે છે. ગૃહ શણગાર અને અશ્વ શણગારમાં હીર ભરત અને મોતીકામની કાઠીઓમાં જોવા મળતી કુમાશભરી માવજત સાથેની સજીવકલા અન્ય કોમોમાં જોવા મળતી નથી. રસલક્ષી અને કલાલક્ષી દ્રષ્ટિ સાથે વસ્ત્ર-અલંકારના શણગારમાં કલામયતા અને જીવનપ્રત્યેની ભાવનામયતા સાથે ત્યાગની મૂર્તિ સમાન કાઠિયાણી સ્ત્રીનો આદર સત્કાર અજોડ માનવામાં આવે છે. પ્રસિદ્ધ ઇતિહાસકાર સ્વ. શ્રીશંભુપ્રસાદ હ. દેસાઇના મંતવ્ય મુજબ કાઠી પ્રજાનું મૂળ વતન કયાં આવેલ છે ? તે અંગે ભલે કોઈ ઐતિહાસીક પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ ન હોય, પરંતુ એટલું તો ચોકકસ છે કે ઘોડી અને ભાલા સાથે સૌરાષ્ટ્રમાં સૌથી છેલ્લે આવેલા કાઠીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

લેખક : જયંતિભાઈ આહીર