ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં

ગિરનાર સાદ પાડે

Girnaar Mountain Junagadhકોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે
પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે

આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે
કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે

પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું
સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે

જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે
લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે

આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ
મીઠા પ્રભાતી સ્વરથી ગિરનાર સાદ પાડે

આખા નગરને થાતો એવો અકળ અનુભવ
જાણે સતત ભીતરથી ગિરનાર સાદ પાડે.

– ઉર્વીશ વસાવડા