ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

ગોરી તારે ત્રાજૂડે રે

ગોરી તારે ત્રાજૂડે રે,
મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,
કોઈ દીસે છે ઈશ્વરી માયા રે.

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે,
ગોફણે ઘૂઘરી ઘમકે રે;
શીશ દામણી એણી પેર સોહે,
જેમ ગગન વીજળી ચમકે રે.

નિલવટ આડ કરી કેસરની,
માંહે મૃગમદની ટીલી રે;
આંખલડી જાણે પાંખલડી,
હીડે લીલાએ લાડગહેલી રે.

આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,
શણગટ વાળ્યો શું ધારી રે ?
આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી
જેણે મોહી વ્રજની નારી રે ?

ચંચલ દૃષ્ટિ ચહુદિશ નિહાળે,
માંહે મદનનો ચાળો રે;
નરસૈંયાનો સ્વામી જોવા સરખો,
કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.

– નરસિંહ મહેતા