જટો હલકારો

Jato Halkaro Shauryakathaશૌર્ય કથા

બાયલા ધણીની ધરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા.

એવી નમતી સાંજને ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની આરતીની વાટ જોવાય છે. નાનાં નાનાં, અરધાં નાગાંપૂગાં છોકરાંની ઠઠ્ઠ જામી પડી છે. કોઈના હાથમાં ચાંદા જેવી ચમકતી કાંસાની ઝાલરો ઝૂલે છે; ને કોઈ મોટા નગારા ઉપર દાંડીનો ઘા કરવાની વાટ જુએ છે. સાકરની એક્કેક ગાંગડી, ટોપરાની બબ્બે કરચો અને તુળસીના પાનની સુગંઘવાળા મીઠા ચરણામૃતની અક્કકે અંજળિ વહેંચાશે એની આશાએ આ ભૂલકાં નાચી રહ્યાં છે. બાવાજીએ હજી ઠાકરદ્વારનું બારણું ઉઘાડ્યું નથી. કૂવાને કાંઠે બાવાજી સ્નાન કરે છે .

મોટેરાંઓ પણ ધાવણાં છોકરાંને તેડી આરતીની વાટે ચોરાની કોર ઉપર બેઠાં છે. કોઈ બોલતું નથી. અંતર આપોઆપ ઊંડાં જાય એવી સાંજ નમે છે.

‘‘ આજે તો સંધ્યા જરાય ખીલી નથી. ’’ એક જણે જાણે સંધ્યા ન ખીલવી એ મોટું દુ:ખ હોય તેવે સાદે હળવેથી સંભળાવ્યું.

‘‘દશ્યું જ જાણે પડી ગઈ છે. ’’ બીજાએ અફસોસમાં ઉમેરો કર્યો.

‘‘કળજુગ ! કળજુગ ! રત્યું હવે કળજુગમાં કોળતી નથી ભાઈ ! ક્યાં થી કૉ‌ળે !’’ ત્રીજો બોલ્યો.

‘‘ને ઠાકોરજીની મૂતિનું મુખારવંદ પણ હમણાં કેવી ઝાંખપ બતાવે છે ! દસ વરસ ઉપર તો શું તેજ કરતું !’’ ચોથે કહ્યું.

ચોરામાં ધીરે સાદે ને અધમીંચી આંખે બુઢૂઢા ઓ આવી વાતે વળગ્યા છે, તે ટાણે આંબલા ગામની બજાર સોંસરવાં બે માનવી ચાલ્યાં આવે છે : આગળ આદમી ને પાછળ સ્ત્રી છે. આદમીની ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે, સ્ત્રીના માથા ઉપર મોટું એક પોટકું છે. પુરુષ તો એકદમ ઓળખાય તેવો નહતો , પણ રજપૂતાણી એના પગની ગતિ ઉપરથી ને ઘેરદાર લેંઘાને લપેટેલ ઓઢણા ઉપરથી અછતી ન રહી.

રજપૂતે જ્યારે દાયરાને રામ રામ ન કર્યા ત્યારે ગામલોકોને લાગ્યું કે કોઈ અજાણ્યા પંથકનો વટેમાર્ગુ હશે. દાયરે એને ટપાયો : ‘‘બા, રામરામ !’’

‘‘રામ !’’ તોછડો જવાબ દઇને મુસાફર ઝટપટ આગળ ચાલ્યો પાછળ પોતાની પેનીઓ ઢાંકતી ગરાસણી ચાલી જાય છે.

એકબીજાનાં મોં સામે જાઇને દયરાના માણસોએ સાદ કર્યો : ‘‘અરે ઠાકોર, આમ કેટલેક જાવું છે ?’’

‘‘આઘેરાક.’’ જવાબ મળ્યો.

‘‘તો તો, ભાઈ, આંહીં રાત રોકાઈ જાવને ?’’

‘‘કાં ? કેમ તાણ કરવી પડે છે, બા ?’’ મુસાફરે કતરાઇને વાંકી જીભ ચલાવી.

‘‘બીજુ તો કાંઇ નહિ, પણ અસૂર ઘણું થઇ ગયું છે, ને વળી ભેળાં બાઇ માણસ છે. તો અંધારાનુ ઠાલું જોખમ શીદને ખેડવું ? વળી આંહીં ભાણે ખપતી વાતછે : સહુ ભાઇયું છીએ. માટે રોકાઈ જાવ, ભા !’’

મુસાફરે જવાબ દીધો :‘‘બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું. ઠાકોરો ! મરદોને વળી અસૂર કેવાં ! હજી તો કોઈ વડીયો દેખ્યો નથી.’’

તાણ કરનાર ગામલોકોનાં મોં ઝંખવાણાં પડી ગયાં. કોઈએ કહ્યું : ‘ઠીક ! મરવા ધો એને !’

રજપૂત ને રજપૂતાણી ચાલી નીકળ્યાં .

વગડા વચ્ચે ચાલ્યાં જાય છે. દિવસ આથમી ગયો છે. આઘે આઘેથી ઠાકરની આરતીના રણકાર સંભળાય છે. ભૂતાવળો નાચવા નીકળી હોય એમ દૂરનાં ગામડાંના ઝુંડમાં દીવા તબકવા લાગ્યા. અંધારે જાણે કાંઈક દેખાતાં હોય અને વાચા વાપરીને એ દીઠેલાંની વાત સમજાવવા મથતાં હોય તેમ પાદરનાં કૂતરાં ભસી રહ્યાં છે.

મુસાફરોએ ઓચિંતાં પછવાડે ઘૂઘરાના અવાજ સાંભળ્યાં. બાઈ પાછળ નજર કરે ત્યાં સણોસરાનો હલકારો ખંભે ટપાલની થેલી મૂકી, હાથમાં ઘુઘરાળું ભાલું લઈને અડબૂથ જેવો ચાલ્યો આવે છે. કેડમાં નવી સજાવેલી, ફાટેલા મ્યાનવાળી તલવાર ટીંગાય છે. દુનિયાના શુભ- અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાક પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાય દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને – છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહિ, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારે દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુંબંધ બન્યા છે.

જોતજોતામાં જટો પછવાડે ચાલતી રજપૂતાણીની લગોલગ થઈ ગયો. બેય જણાંને પૂછપરછ થઈ. બાઈનું પિયર સણોસરામાં હતું. એટલે જટાને સણોસરાથી આવતો જોઈને માવતરના સમાચાર પૂછવા લાગી, પિયરને ગામથી આવનારો અજાણ્યો પુરુષ પણ સ્ત્રીજાતને મન સગા ભાઈ જેવો લાગે છે. વાત કરતાં કરતાં બેય જણ સાથે ચાલવા લાગ્યાં.

રજપૂત થોડાં કદમ આગળ ચાલતો હતો. રજપૂતાણીને જરા છેટી પડેલી જોઈને એણે પછવાડે જોયું. પરપુરુષ સાથે વાતો કરતી સ્ત્રીને બેચાર આકરા વેણ કહી ધમકાવી નાખી.

બાઈએ કહ્યું : ‘‘મારા પિયરનો હલકારો છે, મારો ભાઈ છે.’’

‘‘હવે ભાળ્યો તારો ભાઈ ! છાનીમાની ચાલી આવ ! અને મા’રાજ , તમે પણ જરા માણસ ઓળખતા જાવ !’’ એમ કહીને રજપૂતે જટાને તડકાવ્યો.

‘‘ભલે બાપા !’’ એમ કહીને જટાએ પોતાનો વેગ ધીરો પાડ્યો. એક ખેતરનું છેટું રાખીને જટો ચાલવા લાગ્યો.
જયાં રજપૂત જોડલું આધેરાક નહેરામાં ઊતેરે છે, ત્યાં તો એકસામટા બાર જણાએ પડકાર કર્યો : ‘‘ખબરદાર તલવાર નાખી દેજે !’’

રજપૂતના મોંમાંથી બેચાર ગાળો નીકળી ગઈ. પણ મ્યાનમાંથી તલવાર નીકળી ન શકી. વાટ જોઈને બેઠેલા આંબલા ગામના બાર કોળીઓએ આવીને એને રાંઢવાથી બાંધ્યો, બાંધીને દૂર ગબડાવી દીધો.

‘‘એ બાઈ, ઘરેણાં ઉતારવા માંડ.’’ લૂંટારાએ બાઈને કહ્યું.

અનાથ રજપૂતાણીએ અંગ ઉપરથી એક એક દાગીનો કાઢવાનું શરૂ કયુઁ. એના હાથ, પગ, છાતી વગેરે અંગો ઉઘાડાં પડવા લાગ્યાં. એની ઘાટીલી નમણી કાયાએ કોળીઓની આંખોમાં કામના ભડકા જગાવ્યા. જુવાન કોળીઓએ પહેલા તો જીભની મશ્કરી શરૂ કરી. બાઈ શાંત રહી. પણ જયારે કોળીઓ એના અંગને ચાળો કરવા નજીક આવવા લાગ્યા, ત્યારે ઝેરીલી નાગણ જેમ ફૂંફાડો મારીને રજપૂતાણી ખડી થઈ ગઈ.

‘‘અલ્યા, પછાડો ઈ સતીની પૂંછડીને .’’ કોળીઓએ અવાજ કર્યો.

અંધારામાં બાઈએ આકાશ સામે જોયું. ત્યાં જટાના ઘૂઘરા ઘમક્યા. ‘‘એ જટાભાઈ !’’ બાઈએ ચીસ પાડી : ‘‘દોડજે !’’

‘‘ખબરદાર એલા ! કોણ છે ત્યાં ?’’ એવો પડકાર કરતો જટો તલવાર ખેચીને જઈ પહોંચ્યો. બાર કોળી લાકડી લઈને જટા ઉપર તૂટી પડ્યા. જટે તલવાર ચલાવી, સાત કોળીના પ્રાણ લીધા. પોતાને માથે લાકડીઓના મે વરસે છે. પણ જટાને એ ઘડીએ ઘા કળાયા નહિ. બાઈએ બુમરાણ કરી મૂક્યું. બીકથી બાકીના કોળી ભાગી છૂટ્યા, તે પછી જટો તમ્મર ખાઈને પડયો.

બાઈએ જઈને પોતાના ધણીને છોડ્યો. ઊઠીને તરત રજપૂત કહે છે : ‘‘હાલો ત્યારે.’’

‘‘હાલશે ક્યાં ? બાયલા ! શરમ નથી થાતી ? પાંચ ડગલાં હારે હાલનારો ઓલ્યો બ્રાહ્મણ ઘડીકની ઓળખાણે મારા શિયળ સાટે મરેલો પડ્યો છે; અને તું – મારા ભવ બધાનો ભેરુ – તને જીવતર મીઠું થઈ પડ્યું ! જા ઠાકોર, તારે માગે . હવે આપણા – કાગ ને હંસના – સંગાથ ક્યાંથી હોય ? હવે તો આ ઉગારનાર બ્રાહ્મણની ચિતામાં જ સોડ્ય તાણીશ.’’

‘‘તારા જેવી કૈંક મળી રહેશે. ’’એમ કહીને ધણી હાલી નીકળ્યો.

જટાના શબને ખોળામાં ધરી રજપૂતાણી પરોઢિયા સુધી અંધારામાં ભયંકર વગડે બેઠી રહી. પ્રભાતે આજુબાજુથી લાકડાં વીણી લાવીને ચિતા ખડકી, શબને ખોળામાં લઈને પોતે ચડી બેઠી; દા પ્રગટાવ્યો. બન્ને જણાં બળીને ખાખ થયાં.પછી કાયર ભાયડાની સતી સ્ત્રી જેવી શોકાતૂર સાંજ જ્યારે નમવા માંડી ત્યારે ચિતાના અંગારા ધીરી ધીરી જ્યોતે ઝબૂકતા હતા.

આંબલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં આજ પણ જટાનો પાળિયો ને સતીનો પંજો હયાત છે.

– ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધારમાંથી સાભાર

Posted in ઈતિહાસ, શૌર્ય કથાઓ Tagged with: , ,

આ પણ વાંચો...

1)    વત્સરાજ સોલંકી -વાછરા દાદા 2)    જેસાજી જેઠવા ડાડા ની શૌર્ય કથા
3)    વીર યોદ્ધા – નાથા મોઢવાડિયા 4)    રાણપુરની સતીઓ
5)    ઝાલાવાડ ની ખાનદાની 6)    જામગરીના જોરે
7)    શ્રી શીતળા માતાજી મંદિર -કાલાવડ 8)    મુળુ માણેક અને પાંચ પાળિયા
9)    વીર મોખડાજી ગોહિલ 10)    જગાવાળા અને સંગ્રામસિંહ
11)    આનાથી મોટી કઈ વાત હોઈ શકે! 12)    महर्षि कणाद
13)    જોગીદાસ ખુમાણની આબરૂ 14)    ઉંદસરવૈયા અને બાબરિયાવાડ પંથક
15)    આહીર જ્ઞાતિ ઈતિહાસ 16)    મોટપ
17)    ગોહિલવાડ 18)    ગુજરાતના-જોવાલાયક સ્થળોમાં -વાંકાનેર
19)    લીરબાઈ 20)    રબારી જાતિનો ઇતિહાસ
21)    શ્રી ચામુંડા માતાજી -ઉંચા કોટડા 22)    કલાપી તીર્થ સંગ્રહાલય
23)    વાંકાનેર 24)    ભા’ કુંભાજી – ગોંડલ
25)    બારાડી – લીલી નાઘેર પંથક 26)    ભૂપત બહારવટિયો
27)    બ્રહ્મભટ્ટ બારોટ 28)    ગોરખનાથ જન્મકથા
29)    મહેમાનગતિ 30)    હૈયા કેરાં હેતની સરવાણી
31)    આરઝી હકૂમત 32)    ઘેડ પંથક
33)    ગોંડલ રજવાડા ની રાજવી ગાડીઓ 34)    બારોટો ની વહી -ચોપડા
35)    ચારણ જ્ઞાતિનો ઇતિહાસ 36)    ગોરખનાથ
37)    ડુબી ગયેલ દ્વારકા 38)    સર પ્રભાશંકર પટ્ટણી
39)    સર પટ્ટણીનું જીવનઃ પ્રેરણાનો અખંડ સ્‍ત્રોત 40)    લોકમેળાની ગઈકાલ અને આજ
41)    ઓખા બંદર 42)    વિર ચાંપરાજ વાળા
43)    જનેતાના દૂધમાં ભાગ 44)    જુનાગઢને જાણો
45)    કથાનિધિ ગિરનાર 46)    સતી રાણકદેવી
47)    કહેવતો એટલે સત્યનો નીચોડ 48)    ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા
49)    શ્રી રાણી માં શ્રી રૂડી માં 50)    જેસોજી-વેજોજી
51)    જનની જણ તો ભક્ત જણ જે 52)    જોગીદાસ ખુમાણ
53)    સત નો આધાર -સતાધાર 54)    હરસિદ્ધમાતા મંદિર -જામનગર
55)    હાલાજી મેરામણજી અજાણી 56)    મોડ૫૨નો કિલ્લો
57)    દેપાળદે 58)    આનું નામ તે ધણી
59)    મહેર શુરવીર શહીદ નાગાજણ સિસોદિયા 60)    રા’ખેંગાર વાવ જુનાગઢ
61)    જાંબુર ગીર 62)    ખોડીયારમાં નું પ્રાગટ્ય
63)    મુક્તાનંદ સ્વામી 64)    ઘોડાખરા હિંદુ પીર
65)    સૌરાષ્ટ્રની ઐતિહાસિક -અડી કડી વાવ 66)    ગિરનાર
67)    ત્રાગા ના પાળીયા 68)    નાથા ભાભા મોઢવાડિયા
69)    પીરમબેટ -ભાવનગર જીલ્લો 70)    ગિરનાર
71)    ઐતિહાસિક જીલ્લો -અમરેલી 72)    વિર દેવાયત બોદર
73)    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 74)    મેર જ્ઞાતિ
75)    માધવપુર ઘેડ 76)    અણનમ માથા
77)    કલાપી 78)    મહાભારત
79)    વીર રામવાળા 80)    ચાલો તરણેતરના મેળે
81)    ઉપરકોટ કિલ્લો -જુનાગઢ 82)    તુલસીશ્યામ
83)    મણી(વાઘ) મંદિર -મોરબી 84)    પરબ ધામ -પરબ વાવડી, જુનાગઢ
85)    સૌરાષ્ટ્ર અથવા સોરઠ કે કાઠીયાવાડ 86)    સોમનાથ મંદિર
87)    સ્વામી ધર્મજીવનદાસજી અને ચૈતન્ય મંદિર 88)    જલા સો અલ્લા
89)    હમીરજી ગોહિલની વાત 90)    વીર યોધ્ધા હમીરજી ગોહિલ
91)    કનકાઇ માતાજી -ગીર 92)    મોંઘામૂલો માનવી -મેઘાણી
93)    અગ્નિકુળ રાજપૂતો નું જન્મ સ્થળ 94)    શહીદો ને કોટી કોટી વંદન
95)    લાઠી-તલવાર દાવ 96)    રાજકોટ અને લાઠી
97)    સંગીત કળા અને પ્રેમાનંદ સ્વામી 98)    રા’ ના રખોપા કરનાર
99)    વંશ ચિન્હ/રાજ્ય ચિન્હ Coat of Arms 100)    23 માર્ચ, શહીદ દિવસ