Jamnagar
ઈતિહાસ શહેરો અને ગામડાઓ

જામનગર ઈતિહાસ

Jam Saheb શ્રી જામ રાવળે ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશ નું શાસન દેદા તમાચી પાસે હતું તેમનું વધ કર્યું અને ત્યાર બાદ આમરણ અને જોડિયા પંથક જીત્યા. ત્યાંથી જામ રાવલે આગેકુચ કરી ખીલોશ પર વિજય મેળવી. ઈ.સ. ૧૫૪૦ માં બેડ ગામે પોતાની વ્યવસ્થીત ગાદી સ્થાપી. ત્યારબાદ ખંભાળિયા નું પરગણું જીતી લઈ બેડ થી ખંભાળિયા ગાદી બદલાવી. ખંભાળિયા અને બેડ વચે કુળદેવી માતા શ્રી આશાપુરા ની સ્થાપના કરી જે હાલ જોગવડ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ થોડા સમય માં તેઓ એ કચ્છના અખાત નો ઘણો ભાગ જીતો લીધો.

જામ રાવળે નાગનેશ પરગણા ના રાજા નાગ જેઠવા ને ભોજન માટે નિમંત્રી દગા થી તેમનો વધ કરી તેમનું નાગના એટલે કે નાગનેશ બંદર જીતી લીધું. જામ રાવળે સૌરાષ્ટ્ર માં શાસન ચલાવતા વાઢેર, જેઠવા, ચાવડા અને કાઠી ને પરાજિત કરી સૌરાષ્ટ્ર પર સતા સ્થાપી. આ પંથક તેમના વડવા હાલાજી ના નામ પર થી હાલાર તરીકે જાણીતો થયો. હાલાર પર વિજય અપાવવામાં જામ રાવળ ના ભાઈઓ હરઘોળજી, રવોજી અને મોડજી એ મદદ કરી હતી.

અંતિમ પ્રયત્નો રૂપે જેઠવા, વાળા, કાઠી અને વાઢેર રાજપૂતો એ જામરાવળ પર આક્રમણ કર્યું આ યુદ્ધ ખંભાળિયા ના મીઠોઈ ગામે થયું જેમાં જામ રાવળ નો વિજય થયો. જામ રાવળ ને મધ્યસ્થ રાજધાની ની જરૂર જણાતા તેઓએ જુના નાગના એટલે જુના નાગનેશ ની બાજુ માં રંગમતી અને નાગમતી નદી ના સંગમ સ્થાને ઈ.સ ૧૫૪૩ માં શ્રાવણ માસ ને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું જે પાછળ થી નવાનગર તરીકે જાણીતું થયું. નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

સૌરાષ્ટ્ર નું પેરીસ ગણાતું જામનગર શહેર જામ રાવળે ૧૫૪૦ માં વસાવ્યું હતું. શહેર ની વચ્ચે આવેલા રણમલ તળાવ માં આવેલાલાખોટા મહેલ વીરતા અને પ્રેમ નું પ્રતિક છે. અનેક મંદિર અને સંસ્કૃત પાઠશાળાઓને કારણે જામનગર “છોટીકાશી” તરીકે ઓળખાય છે. ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલ ઝંડુ ફાર્મસી અહી છે. અહી ના સમશાન ” માણેકબાઈ મુક્તિધામ ” માં વિવિધ સંતો અને દેવોની પ્રતિમાઓ છે. જામનગર ની બાંધણી, કંકુ અને સુરમો દેશ-વિદેશ માં પ્રખ્યાત છે. જામનગર માં ખંભાળિયા નો દરવાજો, દરબારગઢ, વિભા પેલેસ, પ્રતાપ પેલેસ અને ઘુમલી ના શિલ્પ સ્થાપત્યો અનેરું આકર્ષણ ધરાવે છે. અહી ની આયુર્વેદ યુનિવર્સિટી અને સોલેરીયમ વિશ્વ માં આયુર્વેદ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. રણમલ તળાવ ના કાઠે આવેલું બાલા હનુમાન નું મંદિર ૧ ઓગસ્ટ ૧૯૬૪ થી ચાલતી નિરંતર રામધૂન ના કારણે ” ગીનીસ બૂક ઓફ વર્લ્ડ ” માં નામ ધરાવે છે. જામનગર માં સેના ની ત્રણે પાંખો એટલે કે એરફોર્સ, નેવી અને મીલીટરી કાર્યરત છે. જામનગર માં નૌકા સેના નું તાલીમ કેન્દ્ર વાલસુરા માં આવેલું છે અને નજીક માં બાલાચડી માં સૈનિક શાળા આવેલી છે. જામનગર ના દરિયા કાઠે પરવાળાના સુંદર રંગબેરંગી ખડકો વાળા પીરોટન અને નરારા ટાપુ આવેલા છે. જે ” દરિયાઈ રાષ્ટીય ઉદ્યાન” તરીકે જાહેર કરમાવા માં આવેલ છે. જામનગર વિદેશી પક્ષીઓ નો મેળાવડો રણમલ તળાવ, રણજીતસાગર, ઢીચડા અને ખીજડીયા માં નયનરમ્ય દર્સ્યો સર્જે છે. ખીજડીયા ને “પક્ષી અભ્યારણ” તરીકે જાહેર કરેલ છે. જામનગર માં આવેલ ઓઈલ રિફાયનરીઓ રિલાયન્સ અને એસ્સાર ને કારણે જામનગર ઓઈલ ઉધોગ માં આગવું સ્થાન ધરાવે છે. જામનગર માં પીતળ ઉધોગ ના બહોળા વિકાસ ને કારણે જામનગર વિશ્વમાં “બ્રાસસીટી” ની આગવી ઓળખ ધરાવે છે
-રમેશભાઈ ભદ્ર નો બ્લોગ