Aksharwadi BAPS Swaminarayan Temple Junagadh
ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

દ્વારિકાનો સંક્ષિપ્‍ત ઈતિહાસ

Dwarika
ત્રૈલોક્ય સુંદર જગદમંદિર દ્વારિકાનો સંક્ષિપ્‍ત ઈતિહાસ

ઈ.સ. પૂર્વે ૪૦૦
વજ્રનાભે પોતાના પ્રપિતામહના સ્‍મરણમાં સમુદ્ર – મંથનમાં બચી ગયેલ હરિમંદિરની પૂર્વમાં છત્રી સ્‍થાપી. (હરિવંશ અને મંદિરના હાલના બાંધકામના અનુમાનથી)


ઈ.સ. પૂર્વે ૧૦૦
હરિમંદિર – (હાલના લાડવા મંદિરનો બે કે ત્રણ ભાગનો નાનો ભાગ)નો કદાચ આ સમયે જીર્ણોદ્ધાર થયો હોય એમ એની પશ્ચિમે પહેલે માળે બ્રાહ્મી લીપીમાં લખાયેલા લેખોના આધારે જણાય છે.


ઈ.સ. ૨૦૦
મહાક્ષત્રપ રુદ્રદામાએ દ્વારકાના રાજા વાસુદેવ બીજાને હરાવ્‍યો, દ્વારકાના રાજાના મૃત્‍યુ પછી એની રાણી ધીરાદેવીએ પોતાના ધર્મનાભાઈ પુલુમાવીને પૈઠણથી મદદ કરવા બોલાવ્‍યો ત્‍યારે રુદ્રદામાએ તેની સાથે સંધિ કરી પોતાની પુત્રી તેને પરણાવી અને પોતે વૈષ્‍ણવધર્મ અંગીકાર કર્યો, એ ઐતિહાસિક હકીકત ઉપરથી સમજાય છે કે ત્‍યારે દ્વારકામાં શ્રીકૃષ્‍ણ પૂજા પ્રચલિત હશે અને વજ્રનામે બંધાવેલ છત્રીમાં શ્રી કૃષ્‍ણની મૂર્તિની સ્‍થાપના કરવામાં આવી હશે. (પ્રાચિન ચરિત્રકોષ).


ઈ.સ. ૮૦૦
શ્રીમદ જગદગુરુ આદ્ય શંકરાચાર્યે દ્વારકાધીશ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, ચોથે માળે આદ્યશક્તિની સ્‍થાપના કરી.


ઈ. સ. ૮૮૫
શ્રીમદ જગદગુરુ શંકરાચાર્યના એ સમયના પીઠાધીશ શ્રીનૃસિંહાશ્રમે (પાટણમાં બૃહસ્‍પતિસૂરિ સાથે શાસ્‍ત્રાર્થ કરેલો અને જીત્‍યા હતા) મંદિરમાં સમારકામ કરાવ્‍યું (‘વિમર્શ‘ના આધારે).


ઈ.સ. ૯૦૦ થી ૯૫૦
દશમી સદીમાં ત્‍યાં શ્રીકૃષ્‍ણ મંદિર હતું (શ્રી સાંકળિયાના આધારે).


ઈ.સ. ૧૧૨૦
મીનળદેવીએ દ્વારકાની યાત્રા કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો.


ઈ.સ. ૧૧૫૬
ભક્ત બોડાણો મૂર્તિ લઈ ગયો એવો કોલાહલ થતાં દ્વારકાથી સં. ૧૨૧૨માં છ પુરુષો ત્‍યાં તપાસ કરવા ગયા. તેઓમાં મીન કુટુંબના રામજીભાઈના પુત્રો ઓધવજી અને રાઘવજી ગયા હતાં. ઈ. સ. ૧૧૬૨ માં છ વર્ષ પછી ઉદેપુરના રાણા યાત્રાએ આવ્‍યા ત્‍યારે અહીં કઈ મૂર્તિ હતી ભક્ત બોડાણાની હકીકતે જૈન ધર્મના ચમત્‍કાર સામે હિંદુઓ જૈન થતાં અટકી જાય એ માટે ઊભો કરેલો એક બનાવટી ચમત્‍કાર હશે, જેથી આ ગુગળીઓ તપાસ અર્થે ત્‍યાં ગયા.


ઈ.સ. ૧૧૬૨
ઉદેપુરના રાણા ભીમસિંહજીએ કારતક વદ ૧૩ રવિવારે સં.૧૨૧૮માં ગોમતી કાંઠે ગુગળી પૂજારીઓને ૭૦૦૦ વીઘા જમીન અર્પણ કરી (બ્રાહ્મણ કુટુંબના દસ્‍તાવેજના આધારે) ત્‍યારે એણે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હશે. એમ અનુમાન થાય છે.


ઈ.સ. ૧૨૪૧
સં. ૧૨૯૭માં અમદાવાદથી મહમદશાહ દ્વારકાધીશનું મંદિર તોડી ગયો ત્‍યારે મંદિર માટે પાંચ બ્રાહ્મણોએ (ઠાકર રાણા કુટુંબ) એમની સામે લડીને જાન આપ્‍યા તેમનાં નામ હતાં, વીરજી ઠાકર, નથુ ઠાકર, કરસન ઠાકર, વાલજી ઠાકર, તથા દેવજી ઠાકર. જેમની સમાધી હાલ મંદિરથી થોડેક દૂર છે. એને પંચપીરના નામે મુસ્લિમોએ ફેરવી નાખી છે.


ઈ.સ. ૧૨૫૦
ગુર્જર કવિ સોમેશ્વરે ‘‘ ઉલ્‍લાઘરાઘવ‘‘ નામનું નાટક શ્રીદ્વારકાધીશના મંદિરમાં ભજવી દ્વારકાધીશને અર્પણ કર્યું.


ઈ.સ. ૧૩૪૫
સં. ૧૪૦૧ ની સાલમાં ધ્‍વજા સંબંધી વસુદેવજીની ડેલીએ અબોટીઓ અને મીન કુટુંબ વચ્‍ચે ઝઘડો થતાં ચત્રભોજ નરભેરામ મીનનું મરણ થયું. અબોટી અને ગુગળી વચ્‍ચે મંદિરની પેદાશ વિશે વારંવાર ઝઘડા થતાં હતાં.


ઈ.સ. ૧૫૦૪
સં. ૧૫૬૦માં શ્રી વલ્‍લભાચાર્યજીએ લાડવા ગામે રુકમણી માતાએ સેવેલી દ્વારકાધીશની મૂર્તિ મંદિરમાં સ્‍થાપી. મુસ્લિમ આક્રમકોથી બચવા માટે કદાચ એ સમયે મૂર્તિને સાવિત્રીવાવમાં છુપાવી રાખવામાં આવી હશે, એટલે મંદિર મૂર્તિ વિનાનું જોઈ શ્રી વલ્‍લભાચાર્યજીએ આ મૂર્તિ ત્‍યાં સ્‍થાપી. અને ઈ. સ. ૧૫૫૧ સુધી ત્‍યાં બિરાજી, દરમ્‍યાન અજીજ નામના તુર્કે દ્વારકા ઉપર હુમલો કર્યો ત્‍યારે એ મૂર્તિ બેટ લઈ જવામાં આવી ત્‍યારે સાવિત્રીવાવમાંથી મૂર્તિ કાઢીને પધરાવવામાં આવી.


ઈ.સ. ૧૫૪૦
સં. ૧૬૧૬માં શંકરાચાર્ય શ્રી અનિરુદ્ધાશ્રમે ડુંગરપરથી મૂર્તિઓ બનાવડાવી મંદિરના ‍વિસ્‍તારમાં બીજા મંદિરોમાં પધરાવી મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્‍યો. એ અરસામાં કવિ ઈસર બારોટે ‘ હરિરસ ‘ ગ્રંથ શ્રી દ્વારકાનાથ મંદિરમાં સંભળાવી શ્રી દ્વારકાનાથને અર્પણ કર્યો ( ઈ.સ. ૧૫૪૦)


ઈ.સ. ૧૫૫૭
સં.૧૬૧૩માં શ્રી વિઠ્ઠલનાથજીએ ગુગળી બ્રાહ્મણો અને અબોટી બ્રાહ્મણો વચ્‍ચેની તીર્થ પેદાશની તકરારનું સમાધાન કરી તામ્રપત્ર લખી આપ્‍યું.


ઈ.સ. ૧૭૩૦
સં.૧૭૮૬ની અક્ષયતૃતિયાને દિવસે ગુરુવારે શ્રી પ્રકાશાનંદજીએ શંકરાચાર્યે લાખા ઠાકર પાસે વિષ્‍ણુયોગ યજ્ઞ કરાવ્‍યો અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. વાઘેર રાજાએ બ્રાહ્મણોનો અડધો કર માફ કર્યો.


ઈ.સ. ૧૮૬૧
મહારાજા ખંડેરાવે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, અંગ્રેજોએ વાઘેરોની લડાઈમાં તોડી પાડેલ શિખર સમુ કરાવ્‍યું.


ઈ.સ. ૧૯૦૩
મહારાજા સયાજીરાવ ગાયકવાડે દ્વારકાના જગદમંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્‍યો, શંકરાચાર્ય શ્રીમાધવતીર્થે જીર્ણોદ્ધાર કરાવ્‍યો. (સં. ૧૯૫૮)


ઈ.સ. ૧૯૬૦
થી હાલ સુધી ભારત સરકાર મંદિરનો ધીમે ધીમે જીર્ણોદ્ધાર કરાવી રહી છે


ઈ.સ. ૧૯૬૫
પાકિસ્‍તાને સ્‍ટીમર દ્વારા મંદિરનો નાશ કરવા પ્રયત્‍ન કર્યો અને એમાં એ નિષ્‍ફળ ગયા.


-જય દ્વારિકાધીશ