Gujarat
ભજન-પ્રભાતિયા-પ્રાર્થના

ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ

ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ,
રહે છે હરિ એની પાસ રે,
એવી રે ભક્તિ ક્યારે ઉરમાં આવે,
જ્યારે થાવ સદગુરુના દાસ રે … ભક્તિ હરિની

અભયભાવના લક્ષણ બતાવું તે,
સુણો તમે એકાગ્રચિત્ત રે,
એનાં રે લક્ષણ સાંભળતા પાનબાઈ,
અભયભાવ ચિત્તમાં પ્રગટાય રે … ભક્તિ હરિની

સદગુરુ વચનમાં સુરતાને રાખો,
તો હું ને મારું મટી જાય રે,
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે,
ત્યારે અભયભાવ થયો કેવાય રે … ભક્તિ હરિની

અભયભાવ વિના ભક્તિ ન આવે,
મરને કોટિ કરો ઉપાય રે,
ગંગાસતી એમ બોલિયા પાનબાઈ,
તે વિના જીવપણું ન જાય રે … ભક્તિ હરિની

– ગંગા સતી