Uparkot Fort Junagadh
મનોરંજન

ભજન અને ભોજનનો મહિમા

Bhajan ane Bhojan no Mahimaગીતાજીમાં ધર્મના આચરણની વાતો ઉપરાંત આપણને તેમાંથી જીવન જીવવાની કળા અંગે અનેક ગુહ્ય વાતો પણ જાણવા મળે છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ગીતાજીની ગણના થવાનું કારણ તેનું વાંચન-ચિંતન કરવામાં આવે તો જ ખબર પડે ! ગીતાજીમાં આહાર વિષે કેટલીક સુંદર વાતો લખી છે તે જરા જોઈએ.

ભોજન એ આપણાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. ભોજન વગર કદાચ થોડા દિવસો ચલાવી શકીએ, પરંતુ કાયમ નહીં. જો કે અંબાજી નજીક રહેતા માન. શ્રી પ્રહલાદ જાની (માતાજી) જેવા કોઈક વિરલા વર્ષોથી ભોજન વગર અપવાદરૂપ અજાયબીની જેમ જીવતા જોવા મળે છે !
શ્રીમદ્ ભાગવત ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સર્વ પ્રાણીનાં શરીરમાં રહેલ પ્રાણ અને અપાન વાયુથી ઉત્પન્ન થતો વૈશ્વાનર અગ્નિના રૂપમાં પરમેશ્વર પોતે છે, અને તે નીચે દર્શાવેલ ચાર સ્વરૂપમાં આહારને પચાવે છે.

  1. ભક્ષ્ય : ચાવવું પડે તેવા ભોજનને ભક્ષ્ય ગણવામાં આવે છે. જેમ કે રોટલી, રોટલા, મીઠાઈ, ફળફળાદી વગેરે.
  2. ભોજ્ય : પ્રવાહીના રૂપમાં લેવાતા ભોજનને ભોજ્ય કહે છે. જેમાં દૂધ, દહીં, ફળફળાદીના રસ તેમજ અન્ય પ્રવાહી ખાદ્યપદાર્થ ગણાવી શકાય છે.
  3. લેહ્ય : ચાટીને ખાવામાં આવતા પદાર્થને લેહ્ય ભોજન કહે છે. જેમાં ચટણી વગેરે ખાદ્ય પદાર્થ ગણાવી શકાય.
  4. ચોષ્ય : ચૂસીને ખાવા પડતા ખોરાકને ચોષ્ય કહે છે. જેમાં શેરડી, સંતરા, મોસંબી વગેરે ગણાવી શકાય.

‘આહાર સ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિય :
ઉપરોક્ત ચાર સ્વરૂપે લેવામાં આવતા આહારને ગુણની રીતે ત્રણ ભાગમાં વહેંચવામાં આવેલ છે. માણસને ઓળખવા માટે માટે તે કેવા પ્રકારનો આહાર પસંદ કરે છે ? તે જાણવાથી તેની પ્રકૃત્તિ કેસ્વભાવ જાણી શકાય છે. એક વખત કોઈ અજાણી વ્યક્તિના આહારની જાણકારી મેળવી લેશો; તો તેને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે.

સાત્વીક માણસ રસયુક્ત, સ્નિગ્ધ, ઓજ વધારનારા, મનને ગમે તેવા ભોજન લે છે. અને આવું ભોજન લેનારા હંમેશા શાંત, સરળ, નિષ્કપટ અને સત્યનું આચરણ કરવામાં માનનારા હોઈ છે. ખારા, ખાટા, ગરમ, તીખા, શેકેલા-ભૂંજેલા, શરીરમાં દાહ પેદા કરનારા, દુ:ખ, ચિંતા અને રોગોને જન્માવનારા ભોજન રાજસી માણસોને પસંદ હોઈ છે. જે ભૌતિક સુખોમાં માનનારા, મહત્વાકાંક્ષી અને પોતાના હીત માટે અસત્યનો માર્ગ પણ અપનાવતા સંકોચ અનુભવતા નથી.

કાચા-પાકા, સુકાઈ ગયેલા રસવાળા, દુર્ગંધ મારતા, વાસી, એઠાં, માંસ, ઇંડા, દારૂ, ભાંગ, તમાકુ જેવા માદક પદાર્થ ઉપરાંત સંગદોષથી અપવિત્ર થયેલ ભોજન તામસ પ્રકૃત્તિ ધરાવતા લોકો પસંદ કરતા હોઈ છે. આવો આહાર લેનારાની વૃત્તિઓ અંગે જાજૂ લખવાની જરૂર નથી. હકીકતમાં તામસ આહાર લેનારા લોકો નિતીવિહીન, અસત્યના માર્ગે ચાલનારા જોવા મળે છે. સાત્વિક ખાદ્ય પદાર્થ ચોર-બદમાશ, જુઠ્ઠા કે અસત્યનું આચરણ કરનાર વ્યક્તિના સંયોગથી પ્રાપ્ત થયેલ હોય તો તેની સાત્વિકતા નાશ પામતા તેને અપવિત્ર ગણવામાં આવેલ છે. આવી રીતે અન્યાય-અધર્મથી ઉપાર્જીત અસત ધન વડે મેળવેલા ભોજનને પણ અપવિત્ર ગણવામાં આવે છે. પવિત્ર ભોજન અનીતિથી મેળવો કે કોઈ અસત્યનું આચરણ કરનારને ત્યાં મહેમાન થઈ ગ્રહણ કરો તો પણ આવા અપવિત્ર ભોજનની અસર તમારા શરીર અને મન પર અવશ્ય થતી હોય મહાત્મા ગાંધીજી તેથી જ સાધન શુદ્ધિનો આગ્રહ રાખતા હતા.

ગીતાજીમાં દર્શાવ્યા મુજબ અન્ન જીવસૃષ્ટીની ઉત્પત્તિનો મુખ્ય આધાર છે. શરીરને ચેતનવંતુ રાખનાર અન્નમાંથી લોહી અને વિર્યની રચના થાય છે, અને પ્રજોત્પત્તિ માટે વિર્ય આધાર છે. પ્રજોત્પત્તિ માટે મુખ્ય કારણભૂત અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે અને વરસાદ યજ્ઞથી ઉત્પન્ન થાય છે. જયારે યજ્ઞ વિહીત કર્મોથી શક્ય બને છે. વરસાદ વગર અનાજ સંભવ નથી, તેમ વરસાદ માટે વાદળાનું બંધાવું જરૂરી હોય યજ્ઞની ઉર્જા દ્વારા જ વાદળાઓ બંધાય છે.
યજ્ઞ કોને કહેવો ? આપણે મંત્રોચ્ચાર સાથેના હોમહવનને યજ્ઞ તરીકે ઓળખીયે છીએ; પરંતુ તે પુરતું નથી. હકીકતમાં યજ્ઞ જીવમાત્રના વિહિત કર્મો સાથે સંકળાયેલ છે. વિહિત કર્મ એટલે કોઈપણ પ્રાણી ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વગર રહી શકે નહીં તેવા કર્મો. દરેક મનુષ્ય/પ્રાણીએ પ્રકૃત્તિજનિત ગુણો વડે પરવશ થઈ કર્મ કરવા પડે છે. જેમ કે શ્વાસ લેવો, બોલવું, ચાલવું, જમવું-જમાડવું, પ્રસન્ન, દયા, કરૂણાભાવ, નિંદા, દ્વેષ, ક્રોધ, પ્રેમ, નામ-સ્મરણ, સત્ય-અસત્યનું આચરણ વગેરે વિહિત કર્મો છે. અને આ વિહિત કર્મોથી જે ઉર્જા ઉત્પન્ન થાય તે વરસાદને ઉત્પન્ન કરવામાં નીમિત્તરૂપ બને છે.

યજ્ઞમાં જપયજ્ઞ તથા અગ્નિમાં જઠરાગ્નિને ગીતાજીમાં શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. હવે વિચારો જપયજ્ઞમાં ક્યાં કોઈ હોમહવનની જરૂર પડે છે ? અને છતાં ભગવાન શ્રીકૃષ્ણ તેને શ્રેષ્ઠ યજ્ઞ ગણાવે છે. ઇશ્વર સ્મરણ (નામજાપ) સાથે જે વ્યક્તિ કોઇ ભુખ્યાની આંતરડી ઠારે તો તેનાથી કોઈ મોટો યજ્ઞ શાસ્ત્રોમાં દર્શાવેલ હોવાનું જોવા મળતું નથી. નામ-સ્મરણ સાથે ભૂખ્યાને ભોજન કરાવી તેના જઠરાગ્નિને તૃપ્ત કરવામાં આવે તો એનાથી કઈ મોટી વાત ગણાય ? અને તેથી જ સૌરાષ્ટૃના વિરપુર, સતાધાર, બગદાણા, પરબ વગેરે અનેક તિર્થસ્થાનોમાં મહાન સંતોએ શરૂ કરેલો ભજન સાથે ભોજનનો મહિમા આજેય અવિરત ચાલી રહેલો જોવા મળે છે.

ગીતાજીમાં ભૂખ્યાને ખવરાવી વધેલું ભોજન આરોગનારને શ્રેષ્ઠ મનુષ્ય ગણી તેને સર્વ પાપોથી મુક્ત ગણાવેલ છે. પરંતુ માત્ર અને માત્ર પોતાના માટે જ રાંધીને જે લોકો ખાય છે, તેનાથી કોઈ મોટું પાપી નથી.
આપણે દિવસ દરમ્યાન કેટલા હકારાત્મક કર્મો કરીએ છીએ ? અને જપયજ્ઞ મુજબ દિવસ દરમ્યાન કેટલું ઇશ્વર ભજન કરવા સાથે કોઈ ભૂખ્યાની આંતરડી ઠારીએ છીએ ખરા ? કે પછી ગીતાજીમાં દર્શાવ્યા મુજબ માત્ર આપણા માટે રાંધીને ખાનારા છીએ ? તે જરા વિચારવા જેવી વાત છે.

લેખક :જયંતિભાઈ આહીર