Devayat Bodar
ઈતિહાસ શૌર્ય કથાઓ

રખાવટ

રખાવટ -લોકસાગરના મોતી
Rakhavat Shauryakathaવિજોગણ નારીની ઘેઘુર આંખ જેવો રાતોચોળ સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અંધારું થવામાં હતું. આવા સાંજના સમયે એક ઘોડેસવાર ગામના ચોરે આવીને ઊભો રહ્યો. ગામ માટે પોતે અજાણ્યો હતો અને પોતાના માટે ગામ અજાણ્યું હતું. પણ રાતવાસો કર્યા વગર છૂટકો નહોતો.

તેમણે ચોરા પર બેઠલા ડાયરાને રામ..રામ…કર્યા. સામે રામ..રામ..નો જાણે વરસાદ વરસ્યો. પછી કોઈએ પૂછ્યું: ‘ભાઇ, અજાણ્યાં લાગો છો!?’

‘હા, આવું છું અમરેલી પાસેના વાંકિયા ગામથી….ને આ પંથકથી સાવ અજાણ્યો છું!’ પછી આગળ કહ્યું : ‘દ્વારકાની જાત્રાએ નીકળ્યો છું, અહુર થઇ એટલે થયું કે, આ ગામમાં રાતવાસો કરતો જાઉં!’

ઘોડેસવાર આટલું બોલે ત્યાં તો આવકારાની ઝડી વરસી. કોઈ કહે મારા ઘેર આવો, બીજો કહે મારા ઘેર… હવે જાવું કોના ઘેર! અસવાર માટે મીઠી મૂંઝવણ થઇ પડી.પણ પછી તેમાંથી રસ્તો કાઢતા વાર ન લાગી. અસવારે કહ્યું: ‘જેના ઘેર ચારણ-બારોટના બેસણાં હોય તેનાં ઘેર રાત રોકવાના અબળખા છે!’

ચોરા પર ઘડીભર સોંપો પડી ગયો.સૌના ઘેર આવાં બેસણાં નહોતા.પણ ત્યાં એક દશ-બાર વરસનો દીકરો આગળ આવીને ઊભો રહ્યો ને બોલ્યો: ‘બાપુ, હાલો મારાં ઘેર..!’

નાનકડો રામ ઘોડાની લગામ ઝાલી, અસવારને પોતાના ઘેર લઇ આવ્યો.પછી ફળીયામાં ઊભા રહી સાદ કર્યો: ‘મા, મેં’માન…’

દીકરાનો સાદ સાંભળી મેરાણી માકબાઇ ઘરમાંથી એકદમ બહાર આવ્યા. જોયું તો કોઈ અજાણ્યાં મહેમાન હતાં. પણ મહેમાનને જોતાં જ મેરાણી અછો-અછોવાના કરવા લાગ્યા.તરત જ તેમણે ઓસરી પર ઢોલિયો ઢાળ્યો. માથે મુંઢા હાથ જેટલી જાડી રૂની તળાઈ બિછાવી.પછી કહ્યું :‘લ્યો ભાઇ, નિરાંતવા બેહો!’

મહેમાન ઢોલિયા પર બેઠા.

પોતાનો ઘરવાળો ઘેર નથી તેની ગેરહાજરી લાગે નહિ તેથી માકબાઇએ પૂરતી કાળજી રાખી, પોતાના મા જણ્યાં ભાઈને જમાડે તેમ પાસે બેસીને જમાડ્યા.

દરબાર આલીગ વાળાને આખા દિવસનો થાક હતો એટલે પથારીમાં લાંબા થતાં જ આંખો મળી ગઈ. સવાર ક્યારે થઈ તેનો ખ્યાલ જ રહ્યો નહિ.

સવારે ઉઠી, પરવારી લીધું. બાજરાનો રોટલો, ગોળ અને દહીંનુ શિરામણ કરી લીધું. ત્યારે પણ માકબાઈએ અદકા હેતથી શિરામણ કરાવ્યું. ‘મારાં વીરા! લાંબી ખેપ છે, ધરાઈને ખાય લ્યો એટલે પછી દિ’ આખો નિરાંત..!’.

રાત્રિએ આલીગ વાળાએ પોતાનો સર-સમાન ભરોલો ખડિયો માકબાઈને ઘરમાં મૂકવા આપ્યો હતો. તે માંગતા કહ્યું: ‘બેનબા! મારો ખડિયો લાવો તો…’

આમ તો અલીગ વાળાને ખાડિયામાંથી રૂપિયા કાઢી, નાનકડાં રામના હાથમાં બે ચાર રૂપિયા આપવાની ગણતરી હતી.માકબાઈએ ઘરમાંથી ખડિયો લાવીને આપ્યો. આલીગ વાળાએ ખડિયાના ખિસ્સામાં હાથ નાખ્યો..પણ હાથ એમને એમ રહી ગયો. થયું કે હવે ખાલી હાથને બહાર કાઢવો કેમ!? તેમનાં પેટમાં વીઘા જેવડી ફાળ પડી. મોં પર ઝાંખપ છવાઈ ગઈ.

ચકોર એવાં માકબાઈના મનમાં અજુગતું બન્યું હોય તેવો ભાસ થયો. તેમણે બે ડગલાં ચાલી, આલીગ વાળાની સાવ પડખે આવી પૂછ્યું: ‘ભાઇ, કાંઇ મૂંઝવણ થઇ…!?’

‘ના..ના, બેનબા એતો અમસ્થા જ…’આલીગ વાળાની જીભ લોચા વાળવા લાગી.

માકબાઈએ દીકરાના સોગંદ આપતાં કહ્યું: ‘ભાઇ, સાચું નો બોલો તો રામ દુવાય છે!’

આલીગ વાળો એકદમ ઊભા થઇ ગયાં. સાચું કહેવું કેમ? જેમના ઘેર રોકાયા, અન્ન-પાણી લીધાં તેમનાં પર આરોપ મૂકવો કેમ!? પણ દીકરા સોગંદ દીધા એટલે સાચું કહ્યાં વગર રહેવાય તેમ નહોતું.

આલીગ વાળાએ સોખમણ સાથે કહ્યું: ‘ઘેરથી નીકળ્યો ત્યારે કાઠિયાણીએ આ ખાડિયાના ખિસ્સામાં રૂપિયાની કોથળી મૂકી હતી, ઇ કોથળી નથી…’

Rakhavat Shauryakatha

દરબાર અલીગ વાળાએ કહ્યું તે સાંભળી માકબાઇ બે ઘડી વિચારમાં પડી ગયાં. ખડિયો તો મને જ ઘરમાં મુકવા આપ્યો. અને મેં હતો એમ જ પાછો આપ્યો છે.તો પછી રૂપિયાની કોથળી જાય કયાં? માકબાઇ માટે આ એક કોયડો બની ગયો. વળી સામેના માણસની ખાનદાની જોતાં તેમની વાતમાં પણ અવિશ્વાસ રાખવાને કોઈ કારણ નથી.માકબાઇ બરાબરના ધર્મસંકટમા મુકાઈ ગયાં. હવે કરવું ? શું જવાબ આપવો મહેમાનને !?

પણ પળના પા ભાગમાં મેરાણી માકબાઈએ નિર્ણય લઇ લીધોને પછી સાવ હળવેકથી કહ્યું :’ ભાઇ, રૂપિયાની કોથળી મેં લીધી’તી. રાતે એક મજુરીયો માણસ આવ્યો’તો. ઘેર સુવાવડનો ખાટલો હતો, સુવાવડી બાઈને ખવડાવવા ઘરમાં અન્નનો દાણોય નો’તો…કરગરવા લાગ્યો. પણ મારાં પાસે રૂપિયા નો’તા તે તમારી કોથળીમાંથી આપ્યા છે….મારો ગુનો હોય તો માફ કરજ્યો. પણ હમણાંજ રૂપિયાની વે’વસ્થા કરી દઉં છું !’ આમ કહી માકબાઇ ગામમાં ગયાં.

માકબાઇએ એક ઘેરથી ઉછીના રૂપિયા લીધાં. દરજી પાસે ઊભા ઊભા કોથળી સીવડાવી, તેમાં રૂપિયા મુકાયા…ને પાછાં આપતા કહ્યું : ‘લ્યો ભાઇ આ તમારાં રૂપિયા…!’

માકબાઇ ના પડતા રહ્યાં તોય નાનકડા રામના હાથમાં ખણખણતો રૂપિયો આપ્યો. પછી જય માતાજી કહી, ઘોડી પર રાંગ વળવા ગયાં ત્યાં તેમનાં જેવો જ એક અસવાર માકબાઇના ફળિયામાં આવીને ઊભો રહ્યો.

આલીગ વાળો પોતાના દીકરાને ઓળખી ગયાં એટલે નવાઈથી પૂછ્યું :‘ભાઇ, આમ પાછળ કેમ આવવું પડ્યું !?’

આલીગ વાળાના દીકરાએ રૂપિયાની કોથળી સામે ધરીને કહ્યું :‘મારાં બા, રૂપિયાની આ કોથળી ખડિયામાં મૂકતા ભૂલી ગયાં હતાં !’

આમ બન્યું તેથી આલીગ વાળાનો દીકરો પાછળ પગ દબાવતો આવ્યો અને છેક પહોંચી ગયો. પણ સામે આલીગ વાળાની સ્થિતિ કફોડી થઇ પડી.વાઢોતો લોહી ન નીકળે…!

આલીગ વાળાને આખી ઘટના શીરાના કોળિયા માફક ગળે ઉતરી ગઈ, સઘળું સમજાય ગયું. તેમણે માકબાઇ સામે જોયું, જગદંબા જેવી માકબાઇ થોડે દૂર ઊભા મરક મરક હસતાં હતાં.

‘મારી બેન…’ આલીગ વાળા આગળ બોલી શક્યાં નહિ. તેમનાં ગળે ડૂમો બાઝી ગયો હતો.

‘મારા વીરા..!’ માકબાઇ પોરસાઈને બોલ્યા : ‘કાલ સવારે મલકમા વાતું થાય કે, ઘેર આવેલા મેં’માનને એકલી બાઈએ આમ લૂંટી લીધો !’

‘ના..ના.. બેનબા,તુંતો બાપલા સાક્ષાત જોગમાયા છોતારાં માથે કોણ આવાં કલંક ઓઢાડે..!’આલીગ વાળાનુ હૈયું હાથ રહ્યું નહોતું. તેમણે મોં ભરીને કહ્યું : ‘તમે તો મેરકુળની મૂઠી ઉંચેરી આબરુનો નવગજ નેજવો આખા મલક માથે ફરકાવી દીધો.’

આલીગ વાળાએ ખાડિયામાંથી રૂપિયાની કોથળી બહાર કાઢી. પછી અદકા ભાવથી કહ્યું : ‘ લે બેનબા,આ તારાં રૂપિયા પાછાં…’

માકબાઈએ પોતે આપેલી રૂપિયાની કોથળી પછી લીધી.

આલીગ વાળાએ કહ્યું : ‘બેનબા ! મારી જાતરા આયાં પુરી થઇ. અઠ્ઠે જ દ્વારકા..તારાં ચરણ થી પવિત્ર મંદિર બીજે ક્યાં મળશે !’

પછી પોતાના દીકરાએ આપેલી કોથળી માકબાઇ સામે ધરીને કહ્યું :‘બેનબા ! આ મારા તરફથી કાપડું…!’

‘ના..ના..મારાં વીરા, આટલું બધું નો હોય..’

‘હવે કાંય બોલ્ય તો મને મરતો ભાળ્ય…’આલીગ વાળા ગળગળા સાદે બોલ્યા : ‘ જેટલું દઉં એટલું ઓછું છે !’

માકબાઈએ ભાઇનુ કાપડું સમજી કોથળી લઇ લીધી.

આ વિરલ દ્રશ્ય જોવા સૂરજ પણ બમણા તેજથી પ્રકાશવા લાગ્યો

સૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.