Chorwad Beach near Somnath
ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ સેવાકીય કર્યો

શ્રી રતુભાઇ અદાણી

Ratubhai Adaniજન્મ : ૧૩ એપ્રિલ, ૧૯૧૪, ભાણવડ, જિ. જામનગર
પિતા : મૂળશંકર
પત્ની : કુસુમબહેન
અભ્યાસ : બી.કોમ, એલએલ.બી,
વ્યવસાય : બિલ્ડર

ગાંધીમૂલ્યોના સાચા વારસદાર, વિરાટ સંસ્થા સમાન રતુભાઈ અદાણીનો જન્મ તા. ૧૩-૪-૧૯૧૪ના દિવસે ભાણવડ મુકામે થયો હતો. પ્રાથમિક શાળામાં શિક્ષણ દરમિયાન જ ખાદી ધારણ કરી ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકનાં લખાણો વાંચી રાષ્ટ્રભાવના દ્રઢ થઈ. ધોલેરા છાવણી પર કૂચ લઈ જતા તેમને ગિરફતાર કર્યો, જેલના જડ નિયમોના વિરોધમાં જેલમાં પણ સત્યાગ્રહ આરંભ્યો. જેલમાં રવિશંકર મહારાજના સહવાસથી ‘ગીતા’ શીખ્યા. જેલમાંથી છૂટયા બાદ રચનાત્મક પ્રવૃત્તિનું થાણું નાંખી ‘સર્વોદય મંદિર’ સંસ્થા શરૂ કરી. ગામડાઓમાં લોકશિક્ષણનું કાર્ય કર્યુ. ‘આરઝી હકુમત’ની લોકસેનાના સરસેનાપતિ તરીકે આયુધો ધારણ કરી રતુભાઈએ જૂનાગઢના મોરચા પર પ્રશસ્ય કામગીરી બજાવી. ગૃહખાતા તરફથી રતુભાઈની માનદ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી. ચૂંટણીમાં કેશોદમાંથી જંગી બહુમતીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ગુજરાત રાજ્યની સ્થાપના પછી મંત્રીમંડળમાં અગત્યનું સ્થાન મેળવ્યું. રતુભાઈ પાસે કુશળ સ્થપતિની કલાદ્રષ્ટી અને અનોખા આયોજનશક્તિ હતી. કેશોદની અક્ષયગઢની હોસ્પિટલને માત્ર રુગ્ણાલય જ નહિ પણ રળિયામણું આરોગ્યધામ બનાવ્‍યું. તેમણે ગ્રામજીવનના અનુભવી લખવા કલમ ઉઠાવી. ઉતરાર્ધમાં શારીરિક પીડાને પણ ધીરજથી સહન કરી લીધી. ઈ. સ. ૧૯૯૭ના વર્ષમાં એક દિવસે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની ચિરવિદાયથી ગુજરાતે ગાંધીયુગનો મુઠ્ઠી ઊંચેરો માનવી ગુમાવ્યો.

ગુજરાતનો સાચો વિકાસ ગાંધીવિચાર, રચનાત્મક પ્રવૃત્તિઓ, ખાદીકાર્ય, દારૂબંધી, સર્વધર્મ સમભાવ અને ગ્રામોત્થાનના પાયામાં જ છે.

રચનાત્મક આગેવાન:
૧૯૩૦માં ગાંધીજીની રાહબરી હેઠળ દેશભરમાં આઝાદી માટે લોકલડતનો જુવાળ ફાટી નીકયો ત્યારે રતુભાઈ ૧૬ વર્ષના હતા. સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાઈને તેમણે જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૩૪માં જેલમાંથી છૂટ્યા પછી અમરેલી જિલ્લાના તરવડા ગામે રચનાત્મક પ્રવૃત્તિ શરૂ કરી. ૧૯૩૬માં કાઠિયાવાડ રાજકીય પરિષદની કાર્યવાહીમાં પણ તેમણે ભાગ લીધો હતો. ૧૯૪૨ની ‘હિન્દ છોડો’ ચળવળ દરમિયાન તેઓ બે વર્ષ સુધી ભૂગર્ભમાં રહ્યા અને પોતાના વિસ્તારમાં લડતનું સંચાલન કરતા રહ્યા. જૂનાગઢને મુક્તિ અપાવવા નવું આંદોલન શરૂ થયું હતું, જે ‘આરઝી હકૂમત ચળવળ’ તરીકે જાણીતું છે. તેમાં રતુભાઈએ લોકસેનાના સરસેનાપતિ તરીકે કામગીરી બજાવી હતી. પોતાના જીવના જોખમે તેમણે નવાબી થાણાં કબજે કર્યા હતા.

સર્વોદય આશ્રમના સ્થાપક:
જૂનાગઢ જિલ્લાના શાહપુરમાં ૧૯૪૮માં તેમણે સર્વોદય આશ્રમની સ્થાપના કરી ગાંધીજીની પ્રવૃત્તિઓને આગળ ધપાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો. એ વખતે નિમ્ન કોટીનું ગણાતું ચર્મકામ તેમણે શરૂ કરાવ્યું હતું. મરેલાં ઢોરનાં ચામડાં ઉતારીને તેમાંથી સુંદર ચંપલ બનાવવા સુધીના ચર્મઉદ્યોગના અન્ય ક્ષેત્રોમાં તેમણે ગરીબ-પછાત લોકોને જોડી સ્વરોજગારી અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.

દેશને જોડવાની કપરી કામગીરી પાર પાડી:
આઝાદી બાદ ભારત દેશ એક સંઘ રૂપે સંગિઠત બનાવવાનો કપરો પડકાર તત્કાલીન નેતાગીરી સામે સર્જાયો હતો. રતુભાઈએ અમરેલી પંથકનાં નાનાં દેશી રજવાડાંને ભારત સંઘ (ઇન્ડિયન યુનિયન)માં જોડવાની કામગીરી બજાવી હતી. આ રજવાડાંના રાજવીઓની સહીઓ મેળવવાનું ડિપ્લોમેટિક કામ તેમણે પોતાની કુનેહ અને છાપને લીધે સહેલાઈથી પાર પાડ્યું હતું.

પંચાયત રાજ્યના જનક:
ઈ. સ. ૧૯૪૮માં તેઓ સૌરાષ્ટ્ર બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. એ વખતે સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું. ઈ. સ. ૧૯૫૨માં સૌરાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ચૂંટાયા હતા અને આયોજન, કૃષિ, સહકાર, પછાતવર્ગ કલ્યાણ, પંચાયત અને વિકાસ ખાતાના પ્રધાન બન્યા હતા. ૧૯૫૬-૫૭માં પુન:રચિત મુંબઈ રાજ્યમાં તેઓ ગ્રામપંચાયત, મધનિષેધ અને કુટિર ઉદ્યોગ વિભાગના પ્રધાન બન્યા હતા. ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ડો. જીવરાજ મહેતાના પ્રધાનમંડળમાં ગ્રામવિકાસ, જાહેરબાંધકામ અને મજૂર વિભાગના પ્રધાન બન્યા હતા. ૧૯૬૨ની રાજ્ય વિધાનસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી પછી ગ્રામવિકાસ, માર્ગ-મકાન ખાતાના પ્રધાન તરીકે રહ્યા હતા. ગુજરાતમાં આ ગાળા દરમિયાન પંચાયતી રાજ્યની સ્થાપના થઈ હતી. એટલે પંચાયત રાજ્યના જનક તરીકે રતુભાઈનું નામ આજેય ગૌરવપૂર્વક લેવાઈ રહ્યું છે.

બાગાયતના શોખીન
:
૧૯૬૩ પછી જૂનાગઢ જિલ્લામાં સોરઠ ક્ષયનિવારણ સમિતિ, રૂપાયતન નિસર્ગ ઉપચાર કેન્દ્ર, વિનય મંદિર, સાર્વજનિક કુમાર છાત્રાલય અને બીજી રચનાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ સતત સંકળાયેલા રહ્યા હતા. બાગાયત તેમનો એક રસનો વિષય હતો. તેમણે ‘દીઠું મેં ગામડું જ્યાં’, ‘ગંગાવતરણ’ (ભાગ-૧ અને ૨) તથા ‘નવો જમાનો આવ્યો છે’ વગેરે પુસ્તકો પણ લખ્યાં છે. ૧૯૯૩ના સપ્ટે.માં અસ્તિત્વમાં આવેલી બળવંતરાય મહેતાની સરકારમાં તેઓ કૃષિ, વન, સહકાર, પંચાયતો તથા સંસદીય બાબતોના પ્રધાન તરીકે કાર્યરત રહ્યા હતા.