ઈતિહાસ સંતો અને સતીઓ

અઠે દુવારકા

Dwarika Temple

સંત આપા રતા

જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઇને જિંદગી ટુંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા’તા એણે આપઘાત કર્યો.

રાત રમઝમ વહે છે. અંધકારના વનમાં સ્તબ્ધતા ખખડે છે. આપા રતાના હૈયામાં અજંપો ઉછાળા લ્યે છે. એની આસપાસમાં હતાશા અને બેઅદબીનાં અડાબીડ જંગલો ઊગી નીકળ્યાં છે… આપા રતાની ચારેકોર જાણે મશ્કરી થાય છે. ‘આપા રતાએ પોતાની ભક્તિને મોટી દેખાડવા હડુલો હાંકયો કે મને રણછોડરાયનાં દર્શન થયાં…’

‘સાંભળ્યુંને ભાઇ, થાન મોલડીનો આપો રતો જાત્રા કરી આવ્યો ઇ? ’‘હા ભાઇ, જાત્રા એટલે જાત્રા વળી! માળા આપાએ સુખડીનો! આખો ડબરો ભર્યો… અર્ધો કે ગાઉ હાલ્યો અને મોઢામાં પાણી આવ્યું. ચારેકોર જોઇ લઇને પછે ડબરો ઉઘાડ્યો અને જંદગી આખીની ભૂખ કાઢી નાખી… દશ શેર સુખડી આપો એકલે પડ્યે ઝાપટી ગયો…’

‘હત તારી હા પાડે! દશ શેર સુખડી?’‘હા ભાઇ હા… ખાવાનું ધાર્યું ન રિયું… દુવારકા (દ્વારકા) પછે પડ્યું રિયું. શું લઇને દુવારકા જાય? ભાતા વગર જાત્રા કેમ થાય? પછી આપાએ ગતકડું કરી દીધું કે મને મારગમાં રણછોડરાયે દર્શન દીધા.’


‘ભાઇ જાત્રા! વાહ જાત્રા!’‘મને દર્શનની કાંઇક ખાતરી દે દુવારકાવાળા!’ આપો રતો ભાંગતી રાતે લવે છે. ‘હે મોરલીધર! મારાથી આ બધું સહન નોં થાય… હું મારો પ્રાણ છોડી દઇશ… હવે મોલડીની બજારમાં મોઢું નૈં દેખાડું. મારી વહાર કરવી હોય તો નાથ, મને સાબિતી મળવી જોઇએ…’

રાત ધીરે ધીરે ગળે છે. આપા રતાની આંખ છેવટે મળે છે. એનો સંતપ્ત આત્મા આખરે નિદ્રાને અંકે લપેટાય છે. અને પુન: એના બંધ થયેલાં પોપચાંઓ સામે પીતાંબરધારી મોરલીધર દ્વારિકેશની મનમોહક છબી પ્રગટ થાય છે. એ રતા ભગતને ઢંઢોળે છે. આપો રતો માથું ધુણાવે છે. ‘ના રે ના… હવે તો તારો ભરોસો થાય?’

માવાની મૂર્તિ ખડ-ખડ હસે છે: ‘તારે ખાતરી જોઇએ છે ને! ’‘હાસ્તો… ખાતરી! જગબત્રીસી ચૂપ થઇ જાય એવી ખાતરી નીકર પ્રભુ! ઘણું જીવ્યો છું… જીવવાનો હવે મોહ નથી. પેટ કટારી ખાઇને જિંદગી ટુંકાવી નાખીશ, પણ કલંક તને લાગી જશે કે જે માણસને રણછોડરાયે દર્શન દીધા’તા એણે આપઘાત કર્યો.’

‘તને ખાતરી આપું છું ભગત! તારા ગામના પાદરના કૂવામાં દિવસ ઊગતાં ગંગાજી પ્રગટ થાશે. તારું આખું ગામ જોઇ લેશે ત્યાં લગી કૂવાનાં પાણી શ્વેત રહેશે અને છતાંય તને આ અધૂરું લાગતું હોય તો હું મારા પરમ સેવક હનુમાનજીને મોકલું છું… મોલડીથી ઉત્તર દિશામાં જે ધાર આવેલી છે એ ધારે તું ખોદકામ કરાવજે ત્યાંથી મારુતિ સાથે એની વાંદરાઓની સેનાની ખૂબ મૂર્તિઓ નીકળશે અને કોઇથી પૂરી ગણી શકાશે નહીં બસ!’

આપા રતાની આંખ ઊઘડી ગઇ. દ્વારકાધીશે સપનામાં આવીને પોતાની લાજ રાખી… આપાની આંખમાં હર્ષની અશ્રુધારાઓ વહી… ‘અરેરે, મેં ભગવાનને કષ્ટી આપી!’કૂકડે બાંગ દીધી, અને આપો રતો જાગ્યા. ઠંડા પાણીએ સ્નાન કરીને ઠાકોરજીની પૂજા કરી અને મોં સુઝણામાં એ મોલડીના ગામવાસીઓના જાગવાની વાટ જોઇ રહ્યા.

સવિતા નારાયણ ઉદય પામ્યા. બજાર આખી માણસોથી ઊભરાઇ રહી. ચોરે ડાયરો ભરાણો. આપા રતાએ મજૂરોને, ખેડૂતોને સૌને ઊભા રાખ્યા. ચોરે જઇને આપાએ વાત મૂકી: ‘મારે સૌને ખાતરી કરાવવી છે.’‘સુખડી ખાધાની ખાતરી!’ ડાયરો વળી પાછો મર્મે ચડ્યો. ‘અમને ખાતરી થઇ ગઇ છે આપા રતા! આજ કાંઇ નવો હડુલો હાંકવો છે?’

‘હા બાપા મને મોરલીધરે ચિંધ્યું છે.’‘ભલે ચિંધ્યું મોરલીધરે! આજ આપા ચૂરમું ઝાપટો કાં લાડવા ઠપકારો બુંદીના… પછી કહેવું કે મને રણછોડરાયે ખાઇ જવાનું કીધું…’‘મશ્કરી કરો મા ભા! હાલો આપણા ગામના કૂવે.’‘શું કૂવે પડવા?’‘પડવા નૈ… જોવા મને ભગવાને દર્શન દીધાં ઇજો સાચું હશે તો કૂવામાં ગંગાજી પ્રગટશે. કૂવાનું પાણી ધોળું થઇ જશે.’

‘આપા ઇ કૂવાનાં પાણીમાં છાશ રેડી આવો એટલે પાછું પડવાનું ન થાય!’‘છાશ?’‘હા છાશ! છાશ રેડાય એટલે પાણી ધોળું થઇ જાય અને ગામને ઊંઠા ભણાવાય કે કૂવામાં ગંગાજી પધાર્યા.’‘તમે તો અનોઠી કરી હે! ભાઇ! કોઇની વાત નહીં માનો?’ આપાનો સાદ ગળગળો થઇ ગયો. ‘હું તમને બીજી ખાતરી કરાવું. આપણા ગામની ઓતરાદી સીમે જે ધાર આવેલી છે ત્યાં કોદાળીએથી ખોદાવો.’
‘પાણા કઢાવવા છે આપા! વગર દાડીએ?’

‘હવે રાખો તો સારું હોં.’ આપાનો ચહેરો ત્રાંબાવરણો થઇ ગયો: ‘મારા નાથની દયા કરો તો હનુમાનની સેના નીકળશે.’‘અને નૈં નીકળે તો?’‘તો ઇ કોદાળીઓ મારા માથા ઉપર પછાડજો અને જો ન પછાડો તો તમને મોરલીધરની આણ છે.’‘હાલો તંઇ…’

અને દિવસ ઊગતાંમાં ગામ આખું મોલડીના કૂવે ઊમટ્યું. કૂવો આખો ઉફાળે ચડ્યો છે. જુએ છે તો તિળયેથી સફેદ ધારાઓ કૂવાની ઉપલી સપાટી સુધી ઉછાળા મારે છે! સૌ ચરણામૃત લઇને માથે ચઢાવે છે. લોટા, કળશા અને હાંડા-ગાગરો ભરે છે. અંગ અંધોળે છે. રણછોડરાયની જય બોલાવે છે પણ આખાબોલા અને અવળા એવા આદમીઓ આ બધું માનવા તૈયાર નથી. એ કોદાળીઓ લઇને ગામની ઓતરાદી ધારે જાય છે. મનમાં હવે આપાની આગળ શું લાંઠી કરવી એની વેતરણ અને વલોણું ચાલે છે.

હવે તો એવો જ કોઇ તુક્કો ગોતવો પડે કે આપા રતાની આ કીર્તિ ઉપર અને અચંબા ઉપર પાણીના બંબા ઠલવાઇ જાય. પોતાની બુદ્ધિના પટારાને એક પછી એક કૂંચીઓ ચડાવે છે, બદલાવે છે પણ કોઇ નક્કર તરંગ હાથ લાગતો નથી. આવી અવઢવમાં ગામની છેટે આવેલી ધાર આવે છે. ત્રીસેક માણસો કોદાળીઓ લઇને આપા રતાએ બતાવેલી જગ્યા પર કોદાળીઓ વહેતી મૂકે છે.

પ્રથમ ઘાએ જ હનુમાનજીની મૂર્તિ નીકળે છે. તાજું સિંદૂર, મરક-મરક આંખો અને ચારેકોર સુવાસ-સુવાસ જોરદાર પવનના સુસવાટા થાય છે. ધૂળની ડમરીઓ ઊડે છે એક મોટો વંટોળ ઊભો થયો, જોનારા ગભરાયા.‘આ શું આપા? કાંઇ ઉલ્કાપાત છે?’

‘ના બાપ! મારો બજરંગી પધાર્યો એની આ નિશાની છે…’ આપા રતા હષૉવેશમાં આવે છે. હજી ખોદો બાપ! આપો આગળ વધારતા જાય છે અને એક પછી એક વાંદરોની મૂર્તિઓ નીકળતી જાય છે. બે-પાંચ, દશ, વીસ, ચાલીસ, પચ્ચાસ જેટલી મૂર્તિઓ નીકળતાં તો બપોર થઇ ગયા. ખોદનારા થાકી ગયા. ટીકાકારોનાં મોં કાળાં ભô થઇ ગયાં.

‘ગણી જુઓ ભાઇ! ઇ ગણાશે નૈં. ’‘ડંફાશ મારો મા ભગત… નૈં કેમ ગણાય?’‘ ગણો ત્યારે…’‘ પચ્ચાસ થઇ.’ ગણતરીકારે આંકડો દીધો. ‘હવે ફરીવાર ગણો…’ અને ફરી ગણતાં મૂર્તિઓ વળી પાછી બાવન થઇ… એકવાર પચ્ચાસ, બીજીવાર બાવન, ત્રીજીવાર એકાવન!! છેવટે ગણનારા પણ થાક્યા!

‘મેલ માથાકૂટ…’ કહીને પેલા ટીકાકારો ગામમાં આવ્યાં. પણ આપા રતાને વધ્યા નહીં. ગામ આખાએ આપા રતાના આ એંધાણને પ્રમાણ્યું, વંદ્યું, વધાવ્યું પણ પેલા ટીકાકારો એકના બે ન થયા….! ‘તમે જાણો ને મારો મોરલીધર જાણે બાપ!’ કહીને આપા રતાએ પોતાનો તાર અલખમાં જોડ્યો… પણ આસ્તે-આસ્તે આપાના આત્માને દુ:ખ થવા લાગ્યું અને નવી મોલડી બાંધવાનો વિચાર આવ્યો.

નોંધ : આ બધી જ મૂર્તિઓ આજે પણ મોલડી (તા. ચોટીલા) ગામના પાદરમાં છે.

તોરણ, નાનાભાઈ જેબલિયા
સૌજન્ય: દિવ્યભાસ્કર.કોમ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators