ઈતિહાસ બહારવટીયાઓ

કાઠીયાવાડના બહારવટિયા

Outlaws of Kathiyawad
કાઠીયાવાડના બહારવટિયાની વાતો અંગ્રેજ અમલદારની કલમે

ઓગણીસમી સદી પૂરી થવાને બે-ત્રણ વર્ષની વાર હતી ત્યારની આ વાત. અંગ્રેજ સરકારનો એક અધિકારી. બદલી થઈ છે કાઠિયાવાડમાં. ટ્રેનમાં બેસીને વઢવાણથી રાજકોટ જઈ રહ્યો છે. મુલક નવો છે. બારી બહાર સતત નજર ફર્યા કરે છે. એક પછી એક નાનાં મોટાં ગામો આવે છે ને જાય છે. પણ ચકોર નજર એક વાત નોંધી લે છેઃ લગભગ દરેક ગામની ફરતી દીવાલ ચણેલી છે અને ગામમાં આવવા જવાના રસ્તા ઉપર નજર રાખી શકાય તે માટે માંચડા બાંધેલા છે. મનમાં સવાલ થાય છે, આમ કેમ? પછી તો કાઠિયાવાડમાંના છએક વર્ષના વસવાટ દરમિયાન એ સવાલનો જવાબ મળે છે. બહારવટિયાઓના હુમલાથી બચવા માટે લોકો એ દીવાલો ચણતા અને માચડા બાંધતા, પણ એ આટલો જવાબ મેળવીને અટકતો નથી. બહારવટિયાઓ વિશેની બને તેટલી વાતો ભેગી કરે છે અને પછી એ વાતો અંગ્રેજીમાં લખીને પહેલા મુંબઈથી પ્રગટ થતા અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં અને પછી પુસ્તકરૂપે પ્રગટ કરે છે. એ પુસ્તકનું નામ આઉટ લોઝ ઓફ કાઠિયાવાડ એન્ડ અધર સ્ટડીઝ અને એનો લેખક તે ચાર્લ્સ કિનકેડ (૧૮૭૦-૧૯૫૪). જે અખબારમાં લેખો પ્રગટ થયા હતા તેના જ પ્રેસમાં છપાઈને ૧૯૦૫માં આ પુસ્તક બહાર પડેલું. બહારવટિયાઓ વિશેના લેખો ઉપરાંત બીજા થોડા લેખો પણ તેમાં સમાવ્યા છે. બહારવટિયાઓનાં લેખકે ત્રણ મુખ્ય જૂથ ગણાવ્યાં છેઃ ગરાસિયા બહારવટિયા, વાઘેર બહારવટિયા અને મિયાણા બહારવટિયા. અને પછી તેમને વિષે ભાટ તથા ચારણો પાસેથી સાંભળેલી કેટલીક કથાઓ આપી છે. રાણીંગવાળા, બાવાવાળા, મૂળુ માણેક વગેરેને લગતી વાતો કહેતી વખતે લેખકે ભાટ તથા ચારણોનાં કવિતાના પદ્યાનુવાદ પણ આપ્યા છે. જુદા જુદા બહારવટિયાઓની ઘોડીઓ વિષેની કથાઓનું પણ એક આખું પ્રકરણ છે.

પુસ્તકમાં સમાવેલ બીજા લેખોમાં આપણી ભાષાની પહેલી નવલકથા- નંદશંકર મહેતાની ‘કરણ ઘેલો’ વિષે પણ લાંબો લેખ છે. જોકે તેમાં લેખકે મુખ્યત્વે તેની કથાનો સાર જ આપ્યો છે.

ગુજરાતના ઈતિહાસ અને લોકકથાઓમાંના રસને કારણે લેખક આ નવલકથા તરફ આકર્ષાયા છે. પારસીઓ તેમનાં રીતરિવાજ, તેમની માન્યતાઓ, ભાષા વગેરેનો પરિચય આપતા લેખમાં પારસી બોલી અંગે વાત કરતાં ગુજરાતી લિપિમાં પણ શબ્દો છાપ્યા છે. પુસ્તકના છેલ્લા લેખમાં હરપાલ મકવાણાની વાર્તા આપી છે. લેખક આરંભમાં કહે છે કે અલેકઝાન્ડર ફાર્બસે રાસમાળામાં આ વાર્તા આપી છે અને નંદશંકરે પણ તેમની નવલકથામાં તેને વણી લીધી છે, છતાં હું અહીં આ વાર્તા ફરી આપું છું કારણ એ બંને-લેખકોને જે કથાકૃતિઓ જોવા મળી નહોતી તે મને જોવા મળી છે અને તેમાં કેટલીક નવી વિગતો આપેલી છે. પુસ્તકને અંતે પોતે અંગ્રેજીમાં લખેલું ચાર પાનાનું કાઠિયાવાડ વિશેનું કાવ્ય લેખકે મૂક્યું છે. અને પુસ્તક અર્પણ કર્યું છે કાઠિયાવાડના રાજવીઓને અને લોકોને. તેમની સાથે ગાળેલાં છ વર્ષ એ મારા જીવનના સૌથી વધુ સુખદ દિવસો હતા એમ પણ અર્પણમાં કહ્યું છે. અહીં જે લેખો સંગ્રહાયા છે તેમાંના કેટલાક બહેરામજી મલબારીના ‘ઈસ્ટ એન્ડ વેસ્ટ’ નામના સામયિકમાં છપાયા હતા. સોરઠી બહારવટિયાઓની વાતોને આકર્ષક રીતે ઝવેરચંદ મેઘાણીએ લોકો સમક્ષ રજૂ કરી તે પહેલાંનો કિનકેડનો આ પ્રયત્ન છે.

બહારવટિયાઓ બ્રિટિશ સરકાર સાથે પણ સંઘર્ષમાં ઉતરતા અને પોતે આ વાતો અંગ્રેજીમાં લખે છે તો પણ લેખકે અહીં તેમને સમભાવપૂર્વક જોવા અને આલેખવાનો પૂરો પ્રયત્ન કર્યો છે.


સૌજન્ય : બેકસ્પેસ -દીપક મહેતા (મુંબઈ સમાચાર)

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators