મંદિરો - યાત્રા ધામ

ખોડિયાર મંદિર -રાજપરા

Shri Khodiar Temple Rajpara Sihor Bhavnagar
શ્રી ખોડિયાર મંદિર - રાજપરા

ખોડિયાર માતાજીનું રાજપરા મંદિર  સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લા નાં સિહોર તાલુકાનાં રાજપરા (ખોડિયાર) ગામે આવેલ છે. જે ભાવનગર થી ૧૫ કિ.મી. તથા સિહોર થી ૪ કિ.મી. નાં અંતરે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારત ભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.

Aai Shri Khodiaarભાવનગર નો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરા ગોહિલવાડનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલ એ બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગર નાં રાજવી ભાવસિંહજી ગોહિલ એ આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે છે. ભાવનગર નાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં ? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ ખલ્લાસ, આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગર થી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.

આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. અહીં આવવા ભાવનગર થી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ ખોડિયાર તળાવ આવેલું છે જેનું બાંધકામ ૧૯૩૦થી ૧૯૩પ દરમિયાન રૂ. ૩,૩૮,૦૪૫ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે. ભાવનગર (શહેર), સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે. આ ધાર્મિક સ્થળ રેલવે તથા એસ.ટી.ની સેવાથી જોડાયેલું છે.

 


PHOTO GALLERY:Shri Khodiar Temple Rajpara

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators