ઈતિહાસ શૌર્ય કથાઓ

ખોળામાં ખાંભી

Sahido na Paliya

વિધવા રજપુતાણીને સાત ખોટનો એક જ દિકરો હતો. ધણી મરતા ચૂડા દરબારે જમીન આંચકી લીધી હતી. ચૂડામાં તે સમયે રાયસંગજીનાં રાજ.

“બાપુ!” લાજ કાઢીને વિધવા રજપૂતાણી દરબારની ડેલીએ ઉભી રહી. “બાપુ, આજ અમારે બેઠાની ડાળ્ય ભાંગે છે; અને, દરબાર, આ મારો અભલો કોક ટાણે પાણીનો કળશિયો લઈને ઊભો રહેશે, હો!”

દરબારને અનુકંપા આવી. ગામને દખણાદે પડખે કંટાળુંમાં અભલાને જમીનનો એક કટકો આપ્યો. એક ખભે તરવાર અને બીજે ખભે પાણીની ભંભલી: એમ જુવાન અભલો હંમેશા સાંતી હાંકે છે.

એક દિવસ ચૂડા ઉપર ધીંગાણાની વાદળી ચડી. પાળિયાદથી સોમલો ખાચર ચડ્યા છે. સામે દરબાર રાયસંગજીની ગિસ્ત મંડાઈ. વેળાવદર, કુંડલા અને ચૂડા વચ્ચે બગથળાની પાટીમાં ધીંગાણું મંડાણું. સાંતીડું હાંકતા હાંકતા અભલે તરઘાયો સાંભળ્યો. સાંભળતા જ એણે ગડગડતી દોટ મેલી. મોખરે રાયસંગજીનું કટક દોડે છે, અને એને આંબી લેવા અભલો વંટોળિયાને વેગે જાય છે.


ચૂડા અને ધીંગાણાની વચ્ચે માર્ગે નાની વેણ્ય આવે છે. રાયસંગજી વેણ્યને બરોબર વળોટી ગયા તેજ ઘડીએ ત્યાં અભો પહોંચ્યો. સામે ઉભા ઉભા કાઠીના ઘોડા ખોંખારી રહ્યા છે.

“બાપુ !” અભે બૂમ પાડી : “બાપુ, થોડીક વાર વેણ્યમાં ઉભા રહો અને મારૂ ધીંગાણું જોઈ લ્યો.”

“અભા, બેટા વેણ્ય તો રાશવા વાંસે રહી ગઈ. હવે હું પાછલા ડગલાં શી રીતે દઉ? મારું મોત બગડે, દીકરા !”

“બહુ સારૂં, બાપુ, તો મારે તમારા ખોળામાં મરવું છે.”

એટલું બોલીને અભો રાયસંગને મોખરે ગયો. સંગ્રામ મચ્યો. કાઠીઓ જાડા જણ હતા. રજપૂતો થોડા હતા. રાયસંગજીને અભો બેઉ ઘામાં વેતરાઈ ગયા.

મરતો મરતો અભો ઊઠ્યો. પૂંઠ ઘસતો ભંભલી લઈને રાયસંગજીની લાશ આગળ પહોંચ્યો. દરબારનો પ્રાણ હજી ગયો નહોતો. દરબારના મોંમાં અંજલિ આપીને અભે યાદ દીધુ : “બાપુ, આ પાણી; માનું વેણ…”

“અભલા ! બેટા ! તારી ખાંભી મારા ખોળામાં…” રાયસંગજી ફક્ત એટલું જ બોલી શક્યા.

બેઉના પ્રાણ છૂટી ગયા.

આજ ત્યાં ઘણી ખાંભીઓ છે. એક ઠેકાણે બે જુદી જુદી ખાંભીઓ ઊભી છે. એ ખાંભીઓ અભલાની અને એના ધણીની છે. મોખરે અભલાની અને પાછળ રાયસંગજીની. આજ પણ ‘અભલાની ખાંભી દરબારના ખોળામાં’ એમ બોલાય છે.

॥ ધન્ય ક્ષાત્ર ધર્મ ॥
॥ ધન્ય કાઠિયાવાડ ॥

– ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધારમાંથી સાભાર

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators