તેહવારો

રામ નવમી -ચૈત્ર શુક્લ નવમી

Aarzi Hakumat Junagadh
કબ્‍જે કરાયેલા પ્રદેશમાં રોન મારતા સૈનીકોની ઘોડેશ્ર્વાર ટુકડીમાં સાફાવાળા શ્રી નાગ્રેચા છે.

Ram Navmiભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ ગણાય છે, જ્યારે શ્રી કૃષ્ણચંદ્રજી પૂર્ણ પુરુષોત્તમ ગણાય છે. શ્રીરામનો જન્મ ચૈત્ર સુદ નવમીના રોજ થયો હતો તેથી રામનવમીનું માહાત્મ્ય અનેરું, અનોખું અને અદ્વિતીય છે. રામ નવમી એટલે ભગવાન શ્રીરામના પ્રાદુર્ભાવનો પવિત્ર દિવસ.

આ રામ નવમી વ્રતના પ્રારંભે ભાવિક ભક્તો, ઉપાષકો, આરાધકો અને રામાયણના પ્રખર અભ્યાસીઓ શ્રીરામ નામ જપ, રામ નામની માળા, રામ નામનું લેખન, રામનું ભજન-કીર્તન, રામચરિત માનસ – રામાયણનું વાચન, રામ પંચાયતન (રામ, લક્ષ્મણ, સીતા, ભરતજી, શત્રુઘ્ન અને હનુમાનજી) નું અર્ચન-પૂજન, ધૂપ-દીપ અને નૈવેદ્ય સમર્પણ વ્રત ચૈત્ર સુદ નોમના તોજ ભક્તિભાવથી કરે છે.

‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે. ‘રામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો ! સપ્તર્ષિઓએ આ રત્નાકર (વાલિયો લૂંટારા) ને ‘રામનામ’ નો મહિમા સમજાવ્યો અને ઉપદેશ આપ્યો કે તું રામનામનો જપ કર. તેના હ્રદયમાં રામનામની લગની લાગી ગઈ. તેના રોમ રોમમાંથી ‘મરા…મરા…’ નો જપ થઈ રહ્યો હતો. તેના શરીર પર માટાના રાફડા બંધાયા. સંસ્કૃતમાં રાફડાને ‘વાલ્મીક’ કહે છે, તેથી તેમનું નામ વાલ્મીકિ પડ્યું.

રાવણે ત્રિલોકમાં ત્રાસ ફેલાવ્યો હતો, તે દેવોને પણ અનેક પ્રકારે દુઃખ આપતો હતો તેથી ભગવાન વિષ્ણુએ ‘રામાવતાર’ લઈ આ દૃષ્ટ રાવણનો સંહાર કર્યો હતો.


રામનવમી આપણો ધાર્મિક તહેવાર છે. લોકો તે દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસનો અર્થ એવો છે કે, ‘ઉપ’ એટલે પાસે અને ‘વાસ’ એટલે વસવું અથવા રહેવું.

ઉપવાસ એક પ્રકારનું વ્રત છે. પ્રભુ પ્રાપ્તિ માટેની આ પણ એક સાધના છે. આ સાધનામાં જો તન્મયતા અને એકાગ્રતા હોય તો આત્મબળ અવશ્ય મળે છે, માટે વ્રત દરમિયાન સાધનામાં વિઘ્ન આવે કે ઉત્સાહ ઓસરી જાય ત્યારે શ્રીરામની કૃપા માટે પ્રાર્થના કરો.

આ પરમ પવિત્ર દિવસે જે ચોવીસ કલાક પરમાત્મા સમીઅ રહે તેનો જ ઉપવાસ સાચો, તેનું જ રામ નવમીનું વ્રત સાચું. તુલસીદાસજી શ્રીરામને લોકવિશ્રામા કહે છે. કારણ રામ એ સંસારનો વિશ્રામ છે. જીવમાત્ર આરામને શોધે છે, પણ રામ વગર આરામ નથી.

શ્રીરામ ધર્મનું સાક્ષાત સ્વરૂપ છે. સર્વ આપત્તિના હર્તા અને સર્વ સંપત્તિના દાતા છે. માટે રામનવમીની વ્રતકથા વાંચવાથી કે સાંભળવાથી બ્રાહ્મણ શબ્દબ્રહ્મના પારને પામે છે, ક્ષત્રીયને રાજનીતિ પ્રાપ્ત થાય છે, અને વૈશ્યને વ્યાપાર કુશળતા તથા શુદ્રને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. આ વ્રત આયુષ્યમાં અભિવૃદ્ધિ કરનારું છે. અ વ્રત કરનાર પુત્ર, પૌત્ર અને સંબંધીવર્ગ સહિત સુખ ભોગવવા માટે સ્વર્ગના અધિકારી બને છે.

રામાયણના બાલકાંડમાં શ્રીરામના જન્મનું વર્ણન આવે છે. જેનું મન બાળક જેવું છે, એની ભક્તિ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. બાળક નિર્દોષ અને રાગદ્વેષ રહિત છે.

‘રામનામ’ ના મંત્રનો મહિમા અવર્ણનીય છે. ધ્રુવજીએ ‘ॐ नमो वासुदेवाय’ મંત્રનો જપ કરતાં પ્રભુનાં દર્શન કર્યા હતા ને પ્રભુની વાણી તેમના અંતરમાં પ્રગટ થઈ હતી. મંત્ર ગમે તે દેવનો હોય પણ સર્વ દેવોને કરેલાં પ્રણામ પ્રભુને જ પહોંચે છે. પરંતુ જપ કરતી વખતે મન પ્રભુમાં જ તન્મય હોવું જોઇએ. ઉચ્ચારણ પણ શુદ્ધ હોવું જોઇએ. વાલ્મીકિ ‘રામ…રામ…’ જપતાં ‘મરા…મરા…’ જપવા લાગ્યા, તો પણ મંત્રસિદ્ધિ થઈ, એ દલીલ વ્રતધારી માટે અસ્થાને છે. વાલ્મીકિનું ‘મરા…મરા…’ એ માનસી જપની પરાકાષ્ઠા હતું, તેમને તો રામનું સર્વવ્યાપી સ્વરૂપ પ્રત્યક્ષ થયું હતું, સાક્ષાત્કાર થયો હતો ! ભક્તિ તે વ્રત કે મહાન પુરુષાર્થનું પ્રતીક છે. અનન્ય ભાવનું વ્રત એ મનુષ્યનો પુરુષાર્થ છે. રામનામ અને રામકથા સૌને ફળ દેનારી છે, તે સુંદર સરોવર સમી છે, જેમાં રામજન્મનું અને રામલીલાનું નિર્મળ નીતર્યું નીર છે, તેમાં નિષ્ઠા અને ભક્તિની શીતળ છાયા છે. અનન્ય ભક્તિ સિવાય માનવીનો અહંકાર ઓગળતો નથી, એ માટે રામનામ અનિવાર્ય છે.

‘રામ’ શબ્દમાં ર, અ, મ – આ ત્રણ અક્ષરો છે. ‘ર’ એ અગ્નિનું બીજ છે. તે શુભ-અશુભ કર્મને બાળી નાખે છે. ‘અ’ એ સૂર્યનું બીજ છે. તે મોહાંધકારનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ કરે છે. ‘મ’ એ ચંદ્રનું બીજ છે. તે ત્રિવિધ તાપ, આધિ, વ્યાધિ અને ઉપાધિને હરે છે. સર્વ પ્રકારના સંતાપને દૂર કરે છે. ‘ર’ કાર બ્રહ્મમય છે, ‘અ’ કાર વિષ્ણુમય છે. અને ‘મ’ કાર શિવમય છે. આ રીતે ‘રામનામ’ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સાક્ષાત સ્વરૂપ છે. ‘રામનામ’ એ ‘ઓમકાર’ સમાન છે. ઓમકાર જ બ્રહ્મા છે. ઓમકાર આત્મારૂપ છે. ઓમકારની ઉપાસના વ્રતધારી માટે સાક્ષાત્કારનું સાધન છે.

તુલસીદાસજીએ તાકતને ડાંગર જેવા કહ્યા છે અને ભક્તિને વર્ષાઋતુની ઉપમા આપી છે. નામી કરતાં નામનો મહિમા વિશેષ છે. જો શરીરની અંતર-બાહ્ય શુદ્ધિ જોઇતી હોય તો જીભે રામનું નામ લો રામનામ એ તો મણિ-દીપક છે.

જીભના ઉંબરા પર એ દીપકને સ્થિર કરશો તો તમારા સારાયે ઘરમાં અને જીવનમાં અજવાળું પથરાઇ જશે, પ્રકાશ ઝળહળી ઊઠશે.

વ્રતધારીને પ્રભુના નામમાં તેનું નિર્ગુણ અને સગુણ બન્ને સ્વરૂપ દેખાય છે. આ રામનામ સગુણ-નિર્ગુણ વચ્ચે સાક્ષીરૂપે છે. રામનામ નદી ઉપરના સેતુ સમાન છે, તે ભવસાગર તરવાનું અમોઘ શસ્ત્ર છે.

દશરથ રાજાએ પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો. દશરથને ‘પાયસ’ નું દાન આપ્યું. આ ખીરનો પ્રસાદ રાણીઓને આપવાથી તેમને પુત્રો થશે તેમ ઋષ્યશૃંગે જણાવ્યું. પ્રસાદનો અર્ધભાગ કૌશલ્યાને આપ્યો. બાકીના અર્ધા ભાગના બે ભાગ કર્યાને એક કૈકયીને આપ્યો. ત્યારબાદ બાકી રહેલાના બે ભાગ કરી કૌશલ્યા અને કૈકયી દ્વારા સુમિત્રાજીને અપાવ્યા.

ચૈત્ર સુદ નોમના રોજ કૌશલ્યાનીના ઉદરે રામચંદ્રનો જન્મ થયો. કૈકયીએ ભરતને અને સુમિત્રાએ લક્ષ્મણ-શત્રુઘ્નને જન્મ આપ્યો. યોગીઓ જ્યાં રમે છે અને સર્વને રમાડે છે તે રામ. રામનામ લેવાથી ભયંકર અશાંતિ દૂર થાય છે. જીવનમાં જ્યારે ‘રામ’ ભૂલાય છે ત્યારે જ ‘કામ’ આવે છે. આખો દિવસ રામનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય તો એવા નામજપથી ઝાઝો ફાયદો થતો નથી. નામજપની સાથે એકાગ્રતા પણ જોઇએ. આપણે કામકાજ કરવું, પણ રામકાજ ભૂલવું જોઇએ નહિ.

રામનામ સ્મરણનો મહિમા જ અનોખો છે. ઇશ્વરની ઉપાસના બે પ્રકારે થાય, સગુણ ઉપાસના અને નિર્ગુણ ઉપાસના. સગુણ એટલે સાકાર અને નિર્ગુણ એટલે નિરાકાર. જેમ બધી નદીઓ સાગર તરફ જાય છે. તેમ બધી સાધના કે વ્રત-ઉપાસના અંતે તો ઈશ્વર તરફ જાય છે. આ કળિયુગમાં નામ-સ્મરણનો મહિમા વિશેષ છે.

‘રામનામ’ એ તો રામ કરતાં પણ શ્રેષ્ઠ છે ! શ્રીરામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો, જ્યારે તેમનાં નામથી તો કેટલાયની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો, જ્યારે તેમનાં નામે તો કેટલાયના અહંકાર રૂપી ધનુષ્યનો નાશ કર્યો, રામનામ જીભ પર રાખો તો હ્રદયમાં અને બહાર બધે પ્રકાશનો તેજપૂંજ ઝળહળી ઊઠશે.

‘રામ’ શબ્દ કેટલો સરળ છે? એટલો જ એમનો જીવન વ્યવહાર પણ સરળ અને સહજ છે. રામ કૌશલ્યાપુત્ર અને દશરથનંદન છે, પણ સર્વને તે સરખો આનંદ આપે છે. રામનામ નિષ્કામ ભાવે લેવું જોઇએ. કોઇએ કહ્યું છે –

માગવાનું કહે છે તો, માગી રહું છું ઓ પ્રભુ !
દઇ દે મન એવું કે માગે એ કશુંય નહિ !

‘રામનામ’ તો પતિતોનું ઉદ્ધારક છે, એ જ રોગહારક છે, તે ભવતારક છે ! આમ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપને હરાવવાની શક્તિ રામનામ સ્મરણમાં છે.

ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શ્રીરામ રૂપે પ્રગટ થયું એટલે આ પરમ પવિત્ર દિવસ ‘રામ નવમી’ તરીકે ઓળખાય છે. શ્રીરામચંદ્રજી દશાનન રાવણનો સંહાર કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે અસુરોનો ધ્વંસ કરવા માટે અને સંત મહાત્માઓના રક્ષણાર્થે આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ પામ્યા છે.

વ્રતધારીએ ચાર પ્રહર સુધી શ્રીરામનું પૂજન કરવું, અને રાત્રે જાગરણ કરી ભજન-કીર્તન વાજિંત્ર સહિત કરવા. બીજે દિવસે બ્રાહ્મણોને શક્તિ અનુસાર દાન આપવું અને પછી પારણું કરવું. આ રામનવમી વ્રત અતિ કલ્યાણકારી, હિતકારી અને પ્રતીકારી અને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ માટે અમોઘ સાધન છે.

(“વ્રત ઉપાસના” પુસ્તક માંથી)

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators