ઈતિહાસ મંદિરો - યાત્રા ધામ

સોમનાથ પ્રભાસ-પાટણ

Somnath Temple
સોમનાથ મંદિર

Somnath Mahadev Templeજૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે.

પુરાણકથા
પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્‍નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું તેજ નાશ થઈ ગયું અને પૃથ્‍વી ઉપર અમૃત વરસાવવા ચંદ્ર અશક્ત થઈ ગયો. ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી ૨૭ પત્‍નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામવાળી પત્‍ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્‍ન રહેતાં. બાકીની ૨૬ પત્‍નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિ‘ પિતા દક્ષ દિકરીઓને દુ:ખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્‍નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહીઉ ૨૬ દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજે આથી ‘ચંદ્ર તારો ક્ષય થાવ‘ આવો શ્રાપ આપ્‍યો.
દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્‍ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્‍ટ થવા લાગી. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્‍વી અને અવકાશ વચ્‍ચેના આ સ્‍થળે પ્રભાની આશા સાથે તપસ્‍યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુન: પ્રભાયુક્ત થઈ ગયો અને ત્‍યારથી આ મુખ્‍ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્‍યાત થયું છે. ત્‍યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્‍થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્‍યું. ત્‍યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લીંગ ગણાય છે.

ઈતિહાસ
પ્રભાસ આ સમયકાળનું સૌથી વધારે પવિત્ર સ્‍થળ હતું પાપ નિવારણ કરવાનો આ ક્ષેત્રનો ગુણધર્મ હતો. કૃષ્‍ણ – બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખુબ જ પ્રિતિ હતી. ભગવાન શ્રી કૃષ્‍ણએ જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળીને દેહત્‍યાગ પણ અહીંજ કર્યો છે. દેવયોગે પ્રૌત્ર વ્રજનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું છે. પતન સંસ્‍કૃત શબ્‍દ છે જે ઉપરથી પાટણ થયું છે. યાદવોનાં પતન પછી ભગવાન શ્રી કૃષ્‍ણ દ્વારકા છોડીને આ સ્‍થળે વૃક્ષ નીચે, સ્થિર આસને આડો પગ રાખી બિરાજતા હતા ત્‍યારે જર નામના શિકારીનું બાણ આડા પગનાં તળીયામાં લાગ્‍યું. ભલ્‍લ કહેતા બાણથી ઘવાઈ શ્રી કૃષ્‍ણે દેહત્‍યાગ કર્યો તેથી ભાલકા તીર્થ કહેવાયું છે. અહિં ભગવાન શ્રી કૃષ્‍ણનાં આ અંતિમ સ્‍વરૂપનાં દર્શન થાય છે વેરાવળથી પાટણ જતા રસ્‍તામાં પ્રથમ ભાલકા તીર્થના દર્શન થાય છે.

શ્રી કૃષ્‍ણના નશ્વર દેહનો અગ્નિ સંસ્‍કાર થયો તે સ્‍થળ અરબી સમુદ્રના કાંઠે ત્રિવેણી સંગમ ઉપર છે. સરસ્‍વતી, કપિલા અને હિરણ નદીના ત્રિવેણી સંગમ સ્‍થાને આવેલ આ સ્‍થળને દેહોત્‍સર્ગ ક્ષેત્ર કહેવાયું છે. ઘાટ ઉપરનાં પીપળાનાં વૃક્ષને ભાવિકો પાણી સિંચે છે. આ સ્‍થળે શ્રી કૃષ્‍ણ ભગવાનનું સુંદર મંદિર છે. મંદિરનાં ૧૮ આરસનાં સ્‍તંભ ઉપર ગીતાનાં દરેક અધ્‍યાય કોતરેલા છે. જેથી ગીતામંદિર પણ કહેવાય છે. શ્રી કૃષ્‍ણના મોટાભાઈ બલરામજી પણ શ્રી કૃષ્‍ણની જીવન લીલા પુરી થતા, દેહોત્‍સર્ગનું અંતિમ કાર્ય પુરૂ કરી આ સ્‍થળેથી અતલ પાતાળમાં માનવ રૂપ બદલાવી શેષનાગના સ્‍વરૂપે પ્રવેશ કરી ગયા છે. આ સ્‍થળને બલદેવજીની ગુફા કહેવાય છે. અહીં શેષનાગની સિંદુર ચડાવેલ મૂર્તિ અને ગુફા વિવર છે.અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્‍ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્‍મી-વિષ્‍ણુનું સુંદર મંદિર છે. તથા અહીંયા વૈશ્નવાચાર્ય મહાપ્રભુ વલ્‍લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુની ૮૪ બેઠકમાંની એક બેઠકજી આ પાવન જગ્‍યાએ છે. આ સિવાય રૂદ્રેશ્વર મહાદેવ, જીર્ણ સૂર્ય દેવળ, શંકરાચાર્યજીની ગાદી, વેણેશ્વર મહાદેવ, દૈત્‍યસુદન વિષ્‍ણુનું મંદિર અને ભીડીયા પાસેના સમુદ્રનાં જળમાં બાણગંગા શિવલિંગ, ભીડીયા ગણેશજી, શશિભૂષણ મહાદેવ વગેરે પ્રાચીન પાવનકારી સ્‍થળો છે.


સોમનાથના બસ સ્‍ટેશન પાસે જ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દુર રાણી અહલ્‍યાબાઈનું સ્‍થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્‍ટ્ર સર કર્યું. ત્‍યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્‍યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ. સ. ૧૭૮૩માં બંધાવ્‍યું છે. નીચે ભૂગર્ભમાં ભવ્‍ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતે જ લઈ શકે છે. સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્‍યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચદન કાષ્‍ટનું વિશાળ શિવમંદિર બનાવેલ. કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે. અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્‍ણુતાથી રત્‍નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે. સમયાંતરે ભારતની સંસ્‍કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્‍થાપના કર્યા જ કરી છે.

સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્‍યારે ઈ. સ. ૧૯૪૭માં ભારતના લોકપ્રિય ‘લોખંડી પુરૂષ‘ સરદાર વલ્‍લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના જીર્ણ – શીર્ણ પુરાણા ખંડીયેર, ભગ્ન શિવમંદિરની જગ્‍યાએ જ નવું સોમનાથનું મંદિર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈ. સ. ૧૯૫૦ના ૮મી મેના રોજ થયો. ઈ. સ. ૧૯૫૧ના ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ – ૫ ના દિવસે પ્રભાતે ૯ – ૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્‍ઠા વિધિ કરી છે.

છેલ્‍લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે, જ્યાં આજે જ્યોતિર્લીંગ સોમનાથ નવા બંધાયેલ ‘મહામેરૂ પ્રસાદ‘ મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુન:પ્રતિષ્‍ઠાને ઈ. સ. ૨૦૦૦માં ૫૦ વર્ષ પુરા થતા મંદિરનો સુવર્ણ મહોત્‍સવ થયો હતો. સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્‍ય, બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અને સાંજે સૂર્ય અસ્‍ત થવાના સમયે થાય છે. સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્‍યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્‍થાનકો આ ચોગાન મધ્‍યે છે. પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્‍વીજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્‍યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાંજ રાજ્ય સરકારનું મ્‍યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્‍થરના શિલ્‍પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators