Vaman Avtar
તેહવારો

રક્ષાબંધન -બળેવ

બલિ રાજાની કથા:

રક્ષાબંધન સાથે અનેક દેવી-દેવતાઓની કથા જોડાયેલી હોવાથી આ તહેવારનું ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ છે. સ્કંદપુરાણ, પદ્મપુરાણ અને વામન અવતારની કથામાં રક્ષાબંધન પ્રસંગ સંબંધિત કથાઓ છે. ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી બલિ રાજાના અભિમાનને આ દિવસે જ ચકનાચૂર કરી દીધું હતું, તેથી આ તહેવાર બળેવને નામે પણ ઓળખાય છે. આ કથા મુજબ દાનવેન્દ્ર રાજા બલિએ જ્યારે ૧૦૦ યજ્ઞા પૂર્ણ કરીને રાજ્યને પોતાના નામે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી, ત્યારબાદ ભગવાને વામન અવતાર ધારણ કરીને રાજા બલિ પાસે ભિક્ષા માગી. ગુરુની મનાઈ હોવા છતાં પણ તેને ત્રણ ડગલાં ભૂમિ દાન કરી દીધી. ભગવાને ત્રણ પગલાંમાં આકાશ, પાતાળ અને ધરતી માપી લીધી અને બલિ રાજાને પાતાળમાં ઉતારી દીધો. આ રીતે ભગવાન વિષ્ણુ દ્વારા બલિ રાજાનું અભિમાન ચકનાચૂર થઈ ગયું, તેથી આ દિવસ બળેવના નામે પણ ઓળખાય છે. જ્યારે બલિ રાજા રસાતળ ગયા તો તેમણે તેમની ભક્તિના બળે ભગવાન પાસે રાત-દિવસ તેમની સામે રહેવાનું વચન માગી લીધું. ભગવાન વિષ્ણુ પણ વચન આપી બંધાઈ ગયા અને બલિ રાજા પાસે જ રહી ગયા. વિષ્ણુ ભગવાન ઘરે ન આવતાં લક્ષ્મીજી પરેશાન થઈ ગયાં ત્યારે નારદજીએ જણાવ્યું કે વિષ્ણુ ભગવાનને બલિ રાજાએ સદાય તેમની સામે રહેવાનું વચન માગીને પોતાની પાસે જ રાખી લીધા છે. ત્યારબાદ નારદજીએ વિષ્ણુ ભગવાનને લાવવાનો માર્ગ પણ બતાવ્યો. લક્ષ્મીજીએ નારદજીના બતાવેલ માર્ગ પ્રમાણે બલિ રાજાને રાખડી બાંધી અને રાખડીના ઉપહાર અને આશીર્વાદના બદલામાં વિષ્ણજીને માગી લીધા. કહેવાય છે કે જે દિવસે લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી તે દિવસે શ્રાવણી પૂર્ણિમા હતી. આ રીતે દેવી-દેવતાની જીવનકથા પણ રેશમના તાંતણે ગૂંથાયેલી છે.

સર્વે ભાઈઓ-બેહનોને કાઠીયાવાડી ખમીર તરફથી
રક્ષા-બંધનની ખુબ ખુબ શુભકામનાઓ