શુરવીરો શૌર્ય કથાઓ

મહેર જવાંમર્દ ભીમશી અરશી થાપલીયાની વીરગાથા

વી. સી. ૧૮૦૦ ના દશકા માં જૂનાગઢ માં નવાબી હતું, અને ધંધુસર ગામ એ જૂનાગઢ નવાબના રાજ્યનો એક ભાગ હતો, જૂનાગઢ માં એ સમયે મહેર અને આહીર સમાજના લોકો વસતા હતા. મહેર અને આહીર ડાયરાના મુખી પુંજા પટેલ અને કરશન ડાંગર હતા.

કોઈ પ્રંસગે એક દિવસ ધંધુસર ગામ માં આહીર અને મહેર માતાઓ દીકરીઓ રાસડા રમતી હતી આ વાત નવાબના કોઈ માણસે નવાબ ને જણાવી કે ધંધુસર ગામમાં જે મહેરાણીઓ અને આહીરાણીઓ રાસડા લ્યે છે. તે ખુબજ જોવા લાયક છે. આ વાત ને ધ્યાને લઇ નવાબે હુકમ કર્યો અને પુંજા પટેલ તથા કરશન ડાંગરને જૂનાગઢ બોલાવી ને કહ્યું કે તમારી બયરાઓ જે રાસડા લય છે તે અમારે જોવા છે અને એ બધાને અહીં લાવો. આ સાંભળી ઉભા થઇ ગયા અને કહ્યું અમારાથી આ નહિ બને અમારી સ્ત્રીઓ રાસડા લેવા માટે અહીં નો આવે, નવાબ ગુસ્સે થયો અને કહ્યું, તો આજે જ ધધૂસર ખાલી કરો આ સાંભળી બન્ને જણે કહ્યું તો આજે જ ખાલી કરીશું.

મહેર આહીરો ધંધુસર ખાલી કરી ને આગળ નીકળ્યા એ સમય દરમિયાન તેના ખાસ સલાહકાર ખોજા એ નવાબને સમજાવ્યા અને કહ્યું કે આ ગામ ખાલી કરાવી તમે ખોટું કર્યું, આ મહેર અને આહીર કામ આવે એવી વફાદાર કોમ છે માટે એમને રોકી લ્યો, નવાબે તેના માણસોને મોકલ્યા અને બન્ને ડાયરાને પાછું ધંધુસર આવવા માટે આજીજી કરી, મહેર પાછા વળ્યાં પરંતુ આહીરો પાછા ન વળ્યાં અને આગળ ભગીરથસિંહ ના રાજ્યમાં સ્થાયી થયા (હાલમાં આ આહીર પરિવાર વેરવા ગામમાં સ્થાયી થયેલ છે)

મુગ્ધા જેવી હેમંત ઋતુ ભરયુવાનીમાં મહાલતી હતી, સૂર્યોદય થયા છતાં આંબાવાડીઓમાં પક્ષી સળવળતા ન હતા, પુષ્પો નયન રંગમાં ખીલી અને સૂર્ય સામે જાણે હસી રહ્યા હતા. આખી રાત્રી જાણે વધારે ઠંડી પડવાથી સૂર્ય મહારાજ ઊંચે ચડીને આભના ઓવારે આવ્યા છતાં પણ એક ખેડૂત ધંધુસરની સિમ માં ફરકતો ન હતો. અને ગિરનાર આભની અટારીયે પલોંઠી વાળીને બેઠેલા મહાન જોગીની પેઠે પોતાની જટાને આભને આંબવા જાણે મથી રહ્યા હોય તેવા સંકેતો નજરે જણાતા હતા.

આજે ધંધુસર ગામમાં સવાર થી જ સર્વે ઘરોમાં ખુશીનો માહોલ છે. સર્વ ગામના નગરજનો ના હૈયામાં હેત વરસી રહ્યા છે. ધંધુસર ગામના મહેર ભાઈઓ – બહેનો તથા સમસ્ત ગામ આજે પોતપોતાના ગાડાં બળદ શણગારી રહ્યા છે અને ધંધુસર ગામના સર્વે માહેર કુટુંબો પોતપોતાના અસલ પોશાકમાં તૈયાર થઇ ગયેલ છે. આજે વેરવા ગામ (માણાવદર પાસે) ના ગોવિંદ ડાંગર જે આહીર જ્ઞાતિના છે. તેમના મોટા દીકરાના લગ્ન આવેલા એટલે જ્યાં ચાલીશ વર્ષથી માહેર અને આહીર જ્ઞાતિ ભાઈ ચારાની જેમ સાથે રહી આજે લોહીમાં ભળેલા સંબંધો હતા જે ભાઈઓના સંબંધ હતા એટલે ગોવિંદ ડાંગરે ધંધુસરના રહેવાસી તમામ માહેર કુટુંબોને કંકુ છાંટીને શુભ કંકોત્રીઓ સઘરીયા (સૌ કોઈ ઘરના સભ્યો) પધારવા લખેલી અને આ ધંધુસરમાં જે માહોલ હતો તે ગામના સર્વે મહેરોને તથા કુટુંબીજનોને આનંદ વિભોર કરતો હતો.

ગાડાં બળદોને શણગારી બળદો ઉપર જુલુ નાખી, જે ભરત ભરેલીઓ હતી, માથાવટીઓ, ગાળામાં ઘુંઘરમાળ, બળદને શીંગડે ચાંદીના ખોભર ચમકે છે. ધંધુસર ગામમાંથી ઘોડા અને ગાડાની હૈયડુંએ વેરવા ગામનો મારગ લીધો અને દૂર દૂર સુધી ધૂળની ડમરીઓ ચડાવતા ગાડાં ખેડુ અને બળદો અને ઘોડાઓ ચાલ્યા જાય છે.

આખું ધંધુસર ગામ તથા સર્વે માહેર કુટુંબો આજે વેરવા ગમે લગ્ન માણવા તથા જમણવારમાં જતા હતા. આખું ધંધુસર ગામ સાવ સુનમુન જણાતું હતું કારણકે આખા ગામ માં દશ બાર બુઢ્ઢા – મોટી ઉંમરના મહેરો સિવાય કોઈ હતું જ નહિ. પંખીઓ પણ ઝાડવા ઉપર બેસી તેની ભાષાઓ માં વાતો કરતા હતા. ગામના ચોરા એ આ બુઢ્ઢા મહેરો બેઠા બેઠા સત્સંગ કરી રહ્યા હતા અને તેમાં એક આધેડ ઉંમરનો ભીમશી થાપલીયો માહેર પણ સામેલ હતા. ઘણા સમય થી ધંધુસર ભાંગવાના કોડ સંધિઓ ના અભરખા (મનમાં) હતા તે આજે પાર પડશે તેવી આશાએ આજે મોકો છે તેમ જાણી. સંધિઓ ધંધુસર ગામને ભાંગવા મેદાને પડે છે.

એકત્રીસ શાખાના મેર ધંધુસર ગામમાં રહે છે. એવા ધંધુસર ગામને ભાંગી ને મૂછને તાવ દેવા મનમાં મનોરથ સેવતા સંધિઓ ત્રણ ત્રણ વખત તો ધંધુસરના મહેરો નો માર ખાઈ ને હારી ને ઝાંપે થી પાછા વાળેલ હતા, કેમેય તેની કરી ફાવતી નહોતી પણ આજેતો “આકડે મધ અને તે પણ માખીઓ વિનાનું” એટલે આજે મહેરના દીકરાઓની આબરૂ પર હાથ નાખવા અને ગામડે ગામડે સોપો પડાવતા કાળવળ સંધિઓ ઉબેણ નદીને કાંઠે ઘટાટોપ કાંટ (ઝાડી) માં ભરાઈ ને બેઠા છે. દિવસ આથમેં એની રાહ જુવે છે.

સંધિઓ આજે ધંધુસરની લક્ષ્મી લૂંટવા ઉતાવળા થઇ રહ્યા છે, સોપો પડતા અને સૂર્ય મહારાજનો અસ્ત થતા જ સંધીઓની ટોળી ધંધુસર ગામ ઉપર ત્રાટકી, ત્યાંજ ભડવીર મહેર ભીમશી અરશી થાપલીયા એ સિંહ ગર્જના કરી ને પડકારો કર્યો – ભીમશી એ પાંસઠ પાંસઠ ચોમાસાઓ જોયા છે. મોઢા ઉપર કરચલીઓથી ઉમર દેખાય છે. દાઢી – મૂછ ધોળી થઇ ગયેલ છે. બેઠી દડીનો દેહ છે. પણ ભીમશીના રૂંવાડે રૂંવાડે શૂરવીરતા રમી રહી છે. તુરત જ પળની પણ વાર કાર્ય વગર ભીમશીએ માં ભાવની નું સ્મરણ કરી મ્યાનમાંથી તલવાર ખેંચી, જેમ રાફડામાંથી નાગની નીકળે તેમ ભીમશી ની તલવાર ઝબકારા કરતી બહાર નીકળી, અને જેમ ગાડરના ટોળાં ઉપર સિંહ ત્રાટકે તેમ ભીમશી વિષ વિષ સંધિ જુવાનો ઉપર ત્રાટકે છે.

જુવાનો તલવારના દાવ ખેલી રહ્યા છે અને ભીમશી સંધીઓના માથા ધાડથી જુદા કરતો કરતો જુવાનની પેઠે આગળ વધી રહ્યો છે. સંધિઓ ભીમશીને ઘેરી લ્યે છે પણ બહાદુરી અને શુરાતન ભીમશીની નાસે નાસમાં છે અને દેવી શક્તિથી તે ઉભરાય છે અને તે કોઈ થી ગાજ્યો જાય તેમ નથી, વાંભ ભરી ભરીને તલવારના ઘાવ કરે છે. ભીમશી ખરેખર આજ મોતને માથા ઉપર બાંધીને ખાંડાના ખેલ ખેલી રહ્યો છે.

આજે ભીમશી ધંધુસરની આબરૂ બચાવી રહ્યો છે. મોરાણી માતાના ધાવણ ને ઉજળું કરી રહ્યો છે. પાંચ સાત સંધીઓને પાછા જમીન ઉપર ઢાળી દે છે, તેથી સંધિઓ પાછા પગે ભાગે છે, અને પાછળ ભીમશી થાપલીયો તલવાર વીંઝતો જાય છે. ગામના ઝાંપા સુધી લુંટારાઓને તાગડીને ભીમશી ચોકમાં આવે છે. હાથમાં લોહી નીતરતી તલવાર છે. શરીર ઉપર લોહીના ટસિયાઓ ઉભરાય ગયા છે. શરીર હાથમાં રહેતું નથી તેવી શૂરવીરતા અંગે અંગમાં જ્વાળાની જેમ પ્રગટી રહી છે.

સંધિઓ જાપે જઈ અને નક્કી કરે છે કે “મારવું કે મરવુ” અને વિચારે છે કે એક બુઢિયા મહેર થી ડરી ને ભાગી જાશું તો, આપણે મોઢું શું બતાવીશું ? સંધિઓ પાછા વળે છે આ જોઈ તરત જ ભીમશી થાપલીયો તેના સામે ડોટ મૂકે છે અને ફરીવાર ધીંગાણું જામે છે. ધંધુસર ગામની આબરૂ રાખવા ભીમશી ના હ્રદય માં જે તાકાત – શૂરવીરતા – ભીરુતા – ભડવીરતા – રુદ્રતા – જોમ જુસ્સો અને પાણીરાય હતી, તે તમામ શક્તિને એકથી કરી ભીમશી ખાંડાના ખેલ ખેલી રહ્યો છે. તલવારોના ઘાવથી ભીમશી થાપલીયાનું શરીર વેતરાય ગયું છે. પણ ગામની આબરૂ ગયા પછી જીવનમાં માજા નથી તેમ સમજી ભીમશી સંધીઓનો ખાત્મો બોલાવી રહ્યો છે.

સંધિઓ જાણી ગયા કે આ માહેર બુઢિયાએ કાળો કેર વર્તાવી દીધો છે. એટલે સંધિઓ યુક્તિ પૂર્વક એક સંધિ ને ગામ ની રાંગ (દીવાલ) ટપાડી ભીમશી લડતો હતો તેના પાછળના ભાગે મોકલે છે અને બીજા સંધિઓ સામે થી આવે છે અને પાછળથી આવેલો સંધિ ભીમશીને જનોઈ – વઢ ઘા ઉતારે છે અને ભીમશી ના મોઢામાંથી શબ્દો નીકળે છે : નામલાઓ દગો કર્યો, દગો કર્યો આમ બોલતા બોલતા તે જમીન ઉપર ઢળી પડે છે. ભીમશી જમીન ઉપર સૂતો સૂતો નવદુર્ગાને મનોમન સમરે છે અને કહે છે કે માં જગદંબે ધંધુસર ગામને આ સંધીઓની નાગચૂડમાંથી બચાવો ત્યાંતો ખરેખર માતાજી એ ભીમશીની આરાધના સાંભળી હોય એમ દૂર દૂરથી હાકલા પડકારા થતા સંભળાય છે. ગાળાના પૈડાના ઘુઘવાટો સાવ નજીકથી સાંભળવા લાગ્યા. વેરવા ગમે જમણવારમાં ગયેલ માહેર જવાનો પાછા આવી રહ્યા છે એમ જોઈ સાવ ખાલી હાથે બચેલા સંધિઓ જીવ બચાવી ભાગી છૂટે છે, ધંધુસરને ભાંગવાનો તથા લૂંટવાનો તેનો અભરખો ભીમશીએ પર પાડવા દીધો નહિ.

ગામ આખું આવે છે. ઝાંપા સુધી લોહીની નિકો બોલે છે. આ જોઈ ચોરાના ચોક માં સૌ આવે છે. ભીમશી થાપલીયો ધરતીમાતા ઉપર છેલ્લા શ્વાસ ઘુંટતો હતો ત્યાં સર્વ માહેર બોલ્યા કે ભીમશી તું ખરો માહેર જવાંમર્દ, તે ધંધુસર ગામનું પાણી રાખ્યું. ધન્ય ધન્ય તારા માતા પિતાને તથા ધન્ય હો ભીમશી તમો ને, આ સમયે ભીમશીએ ત્રુટક અવાજે ગામ લોકોને પૂછ્યું તમે આવી ગયા? ગામ નથી લુંટાયું હવે મને રાજા આપો, ત્યાંતો આત્મ મંથન કરી અને ઇશવરના દરબાર માં જવા પહેલ કરી. ભીમશી અરશી થાપલીયાએ ધંધુસર ગામને બચાવીને શાહિદ થયા તે સ. ૧૮૩૩નો સમય હતો.

“ટોડે જો ધંધુસર તણા – થાપલીયો ન થાત
તો મહેરોને માથે ભોંઠપ બેસત ભીમશી”
“પશુ રોયાને પ્રાણી રોયા, રોઈ લીલી વનરાઈ
આજે ભીમશી જતારે રોયા ધંધુસર નરનાર”

ભીમશી બાપા વિશે પરિચય

ભીમશી અરશી થાપલીયા એ ધંધુસર ગામના પઢીયાર સાંખના (થાપલીયા) મહેર હતા. જેની જન્મ તિથિ વિશે કહીયે તો ૧૮૩૩માં જયારે તે શાહિદ થયા ત્યારે તેની ઉમર આશરે ૬૦ થી ૬૫ વર્ષની માનવામાં આવે છે.

ભીમશી બાપા એ ચાર ભાઈઓ હતા જેમાં ભીમશીબાપા ને સંતાનમાં દીકરી હતી જેના સાગા ભાણેજનું નામ હોથી હતું જે ભાણેજ પરિવાર હજુ પણ ધંધુસરમાં જ છે . અને ભીમશી બાપાને પોતાનો પુત્ર ન હતો તેના સાગા ભાઈઓનો પરિવાર આજે પણ ધંધુસર માં જ છે.

ધંધુસર ગામ માટે બલિદાન આપનાર મહેર જવાંમર્દ ભીમશી થાપલીયાની રણ ખાંભી ધંધુસર રામ મંદિરની નીચે છે, તથા બાજુમાં તેનું મંદિર છે. મંદિરમાં તેની મૂર્તિ અને જે જગ્યાએ ધીંગાણું થયું હતું તેની આબેહૂબ ફોટો આર્ટ લગાવેલું છે .

ધંધુસર ગામવાસીઓ અને થાપલીયા પરિવાર હુતાસણીના પહેલા પાડવાના દિવસે સવારે બાપાને જુરી દઈ પછેડી ઓઢાડી નાળિયેર વધારે છે. તથા નિવેદમાં ચોખા અને શ્રીફળ ધરાવે છે.

“ખપતા બાપ અમારો, ખપનય ખોરડે અમારે,
જોને આજેય ઉભો , અડીખમ પાળીયો એનો બજારે”

માહિતી સૌજન્ય : નાથાભાઈ થાપલીયા (જૂનાગઢ)