ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

ગિરનાર

Girnar Mountain Junagadh

સ્થળ અને મહત્વ:
ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે. દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર ઓછામાં ઓછો સમય ૪૫ મિનીટ નો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, અફળ ગિયો અવતાર.

સોરઠ શુરો ન સરજિયો, ન ચડયો ગઢ ગિરનાર;
ન નાહ્યો ગંગા-ગોમતી, એનો એળે ગિયો અવતાર.

હીન્દુ ધર્મમા શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનાર ના પગથીયા ચડવાથી સ્વર્ગની પ્રાપ્તી થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળો માંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે. જે હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં લોકો માટે મહત્વનું યાત્રાધામ છે. અહીં ઘણાબધા મંદિરો આવેલા છે. સુંદર હરીયાળી અને ગિરિમાળાઓ સરસ મજાનું ધાર્મિક વાતાવરણ રચે છે. આ બધા સાથે અહીં આવેલ મુસ્લિમનાં ધર્મ સ્થાનકો આવેલ છે જેથી મુસલમાન યાત્રાળુઓ ને પણ અહીં આકર્ષે છે. આમ ગિરનાર ભારતની ” અનેકતા મા એકતા ” નુ સચોટ ઉદાહરણ પુરૂ પાડે છે.


ઈતિહાસ:
સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઈતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી, ગણરાજયોને ખતમ કરી, ભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢશહેરને ગિરિનગર નાં નામથી ઓળખાતા હતાં.

આમ સમયનાં વહેણની સાથે જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવળ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખુબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા’ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અને ગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જુનાગઢ પર ચડાઇ કરી અને ત્યાંના રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇ જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યુ કે,

ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?

જેમકે તારો રાજા હણાયો છતા તુ હજી ઉભો છે ? આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યુ કે ‘પડમા પડમા મારા આધાર‘. ગિરનાર ત્યારે સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઇ ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શીલાઓ જોવા માટેના સ્થળ છે.

Girnar Mountain Junagadhr Mountainભારતને એકચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્યે ઈ.સ. પૂર્વે ૩૨૨ પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જુનાગઢ(ગિરિનગર)માં પુષ્યમિત્ર નામનો પોતાનો સુબો મુક્યો હતો. આમ આ મૌર્ય વંશના રાજાઓ એ કોતરાવેલ શિલાલેખો દ્રારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિધ્ધિ અપાવેલ છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજર્જ્યત અને જુનાગઢ શહેરને ગિરિનગરનાં નામથી ઓળખાતા હતાં.

જુનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યુ. ઈ.સ.૧૧૫૨ની આસપાસ ત્યાનાં રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા હતાં. ત્યાર બાદ સમયનાં પરિવર્તનની સાથે અત્યારે ખુબજ સારા પગથિયાનું નિર્માણ થયેલ છે. ગિરનાર પર્વતની સામે જ દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા’ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સતાપલટા અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પણ અહીં પ્રચલિત છે કે જયારે સિદ્ધરાજ જયસિંહએ જુનાગઢ પર ચડાઇ કરી.

પુરાણોમાં ઈતિહાસ:
પુરાણકારોએ, લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઈતિહાસ-[[પુરાણ]માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.

ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્રએ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.

ઈસુની સાતમી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવલિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.

ગિરનારની પરિક્રમા:
ગિરનારએ અગ્નિક્રૂત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પુનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.

પરિક્રમાનું મહત્વ:
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.

પરિક્રમાનાં સ્થળ:
જુનાગઢ શહેરથી ૫ કી.મી. દુર ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગીયારસે સવારથી જ ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તેજ દિવસે મધરાતે રૂપાયત, શ્રી દુધેશ્ર્વર મહાદેવ મંદીરેથી સંતો-મહંતો, જીલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દિપ પ્રગટાવીને બંધુકનાં ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે.

બીજા દિવસે આ કામણગારી ધરાને ખુંદતા પ્રક્રુતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે. અને બપોરનાં ભોજન માટે બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનુ બનાવીને તૂપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણાબાવાની મઢીએ થાય છે. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીં શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા આવેલી છે. તે પછી જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા નામનાં સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડયુ છે. પહેલા તો અહીં એક ઝુંપડી જ હતી. આજે તો અહીં ભગવાન શિવનું મંદીર અને જીણાબાવાનો ધુણો પણ આવેલો છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણીબધી સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ તેરસનાં દિવસે ભગવાન સુર્યનારાયણનાં પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે.

ત્રીજા દિવસે સવારથી જ નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત જેવા નારા લગાવતા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. અને સાંજ પડતા જ જંગલનાં ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારનાં જંગલનાં મધ્યમાં આવેલુ અતિ રમણીય છે. અહીં ખુબજ ઉચી વેલો થાય છે. જયાં દિવસનાં સુર્યના કિરણો પણ પહોંચી શકતા નથી અને તેથીજ તેનુ નામ માળવેલા પડયું છે. જયાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપુર જગ્યાએ ઉતારે છે. આમ ચૌદશની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે.

પરિક્રમાનાં સ્થળ:ચોથા દિવસે સવારે યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળીને ગિરનારની પુર્વમાં થઈને દક્ષિણ તરફ વળે છે. અને ધીરે ધીરે ચાલતા વિસામો લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણ હોવાથી શારિરીક રીતે અશક્ત વૂધ્ધ યાત્રિકો વિસામો લેતા લેતા ધીમે ધીમે આગળ વધતા હોય છે. અને સાંજનાં સમયે આવે છે બોરદેવી. આમ પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ આવે છે. રળીયામણા અને મનોહર એવા આ બોરદેવી માતાજીની જગ્યામાં જયાં ગાઢ જંગલ છે ત્યાં બોરદેવી માતાજીનું શિખરબંધ મંદીર આવેલુ છે. આ મંદીરના મહંત શ્રી રામનારાયણદાસ ગુરૂ શ્રી જનાર્દનદાસજીનાં જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તે મુજબ શ્રી ક્રુષ્ણનાં બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયેલ છે. જગદંબા માં અંબિકા માતાજી અહીં બોરડીમાંથી પ્રગટ થયેલ છે તેથી આ સ્થળનું નામ બોરદેવી પડેલ છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી અને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ જીવનનો તમામ થાક ઉતારી નાખે છે. આમ બોરદેવ માતાજીનાં દર્શન કરીને રાત્રિની મીઠી નિંદર માણી બધા સવારનાં યાત્રાનો પંથ આગળ કાપવાનો ચાલુ કરે છે.

યાત્રાનાં છેલ્લા અને પાંચમા દિવસે એટલેકે કારતક સુદ પુનમે દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમ આ યાત્રાનાં ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે. અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોનાં દર્શન કરે છે. તે સિવાયનાં યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરીને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પુર્ણ કરે છે. આમ આ કારતક સુદ અગીયારસથી શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારિરીક ક્ષમતાની કસોટીરૂપ પરિક્રમા પુરી થાય છે.

પરિક્રમામાં સેવાકીય પ્રવ્રૂતિ:
ગિરનાર ફરતે દરવર્ષે યોજાતી આ પાવનકારી પરિક્રમામાં લાખો લોકો આવતા હોવાથી તેમની વ્યવસ્થા જાળવવા માટે જુનાગઢનાં પોલીસ સ્ટાફ તરફથી સારી વ્યવસ્થા ગોઠવાય છે. પરંતુ આ ઉપરાંત મહત્વની બાબત એવી છેકે પરિક્રમામાં આવનાર યાત્રિકોને જમવાની તથા આરામ માટે સગવળતા મળે, તો આ કામ ઘણા વર્ષોથી સામાજીક સંસ્થાઓ કરી રહી છે. આમ પણ સૌરાષ્ટ્રની પ્રજા ભોજન કરાવવામાં અને ભજન કરવામાં આગળ છે. જેનાં દાખલા ગણ્યા ગણાય તેમ નથી.

(૧) શ્રી ખોડીયાર રાસ મંડળ-રાજકોટ:- આમ સમગ્ર પરિક્રમામાં સેવા અને અન્નક્ષેત્ર ચલાવવામાં મોખરાનું સ્થાન ધરાવતું રાજકોટ શહેરનું શ્રી ખોડીયાર રાસ મંડળ. આ સંસ્થા ઈ.સ.૧૯૬૧ થી સતત દર વર્ષે ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને બન્ને ટાઈમ ભોજન અને ભજન પીરસીને તૂપ્ત કરી રહી છે. રાજકોટનાં ગ્રીન મરચન્ટ વેપારી મિત્રો દ્વારા સ્વ. લાભુભાઈ પટેલ દ્વારા શરૂ કરાયેલ આ અન્નક્ષેત્રને આગળ ચલાવવામાં આવે છે. અને અત્યારે તો એક વટવ્રૂક્ષ બની ગયેલ છે. આ સેવા અત્યારે જીણાબાવાની મઢીએ પુરી પાડવામાં આવે છે.

આમ શ્રી ખોડીયાર રાસ મંડળ તરફથી રોજ યાત્રિકોને ચોખ્ખા ઘીની ગુંદી, ગાંઠીયા, લીલા શાકભાજી તથા કઠોળનું શાક, સંભારો, ખીચડી અને કઢી વગેરે પીરસવામાં આવે છે. આ ઉપરાંત ચા,દુધ અને પાણીની પ્રસાદી અવિરત ચાલુ હોય છે. તેમજ રાત્રે નાંમાંકીત કલાકારો દ્વારા ભજન અને ભવાઈ અને નાટકમંડળી દ્વારા લોકોનો થાક ઉતારવામાં આવે છે. આ ઉપરાંત કોઇ અકસ્માત સર્જાય તો પ્રાથમિક સારવાર મળી રહે તે હેતુથી એમ્બ્યુલન્સ તથા દવાઓ રાખવામાં આવે છે. આમ માનવતાનાં પ્રવાહને જીવંત રાખવા માટે તેઓ એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

(૨) વડાલ અન્નક્ષેત્ર:- ઈ.સ.૧૯૫૯ થી ગિરનારની પરિક્રમામાં આવતા યાત્રિકોને સગવળતા મળી રહે તે હેતુથી વડાલ ગ્રામજનો દ્વારા આ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવેલ હતું જે આજે પણ સતત ચાલુ જ છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને જળ અને જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો એ વાતને સાર્થક કરતા વડાલ ગ્રામજનો આ અન્નક્ષેત્ર સુરજકુંડથી માળવેલાની વચ્ચે શુકનાળા પાસે ચલાવવામાં આવે છે. જયાં યાત્રિકોને આરામ માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ ચા-પાણીની પ્રસાદી આપવામાં આવે છે.

(૩) મીરા દાતાર અન્નક્ષેત્ર:- આમ તો મીરા દાતારની જગ્યા એ અત્યારનાં સમયમાં કોમી એકતાનું ઉતમ ઉદાહરણ છે. કારણકે આ જગ્યામાં જમિયલશા પીરની દરગાહ આવેલી છે. જેનાં બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુ દ્વારા આશરે ઈ.સ.૧૯૫૨ની સાલથી શરૂ કરવામાં આવેલા આ અન્નક્ષેત્રને હાલ તેમના શિષ્ય અને હાલનાં મહંત ચલાવે છે. જે સુરજકુંડની જગ્યાએ ચાલે છે. આ જગ્યાએ જમવાની તથા ચા-પાણીની સારી વ્યવસ્થા કરવામાં આવે છે. આમ ગિરનારની પરિક્રમાએ આવતા દરેક ધર્મનાં યાત્રિકો તેનો લાભ લે છે. અને ભાઈચારાની ભાવના કેળવે છે.

આ ઉપરાંત અન્ય ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ ધાર્મિક કાર્યમાં પોતાનાથી થઈ શકે તેવુ યથાશક્તિ કાર્ય કરે છે. તેમજ બીજી ઘણી પ્રવૂતિ જુનાગઢ નગરપાલીકા દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. જેવીકે અશકત વૂધ્ધ યાત્રિકોને ટેકા માટે લાકડીનુ વિતરણ કરવું, અલગ અલગ જગ્યાએ પાણીનાં ટેન્કર ગોઠવવા તથા આગ ઓલાવવાનાં સ્ત્રોત, એમ્બ્યલન્સ તથા દવાખાનાને લગતી સુવિધાઓ પુરી પાડે છે.

પરિક્રમામાં યાત્રિકોએ ધ્યાનમાં રાખવા જેવી બાબત:
* યાત્રિકો જરૂર પુરતો સામાન સાથે રાખે તથા જરૂર મુજબ સુકો નાસ્તો, વોટરબેગ, નાનુ ચપ્પુ, પેપર, સાલ, સાબુ, ટુથબ્રશ, હાથપગ મોજા અને હાથબતી જેવી ચીજવસ્તુ સાથે રાખવી.
* યાત્રા દરમિયાન પ્રાથમિક સારવાર માટે દવા તથા ગ્લુકોઝના પાઉચ સાથે રાખવા.
* ૩૬ કી.મી.ની આ યાત્રા પગપાળા હોવાથી પરસેવો, ડંખ કે ફોડલા પડે છે. તે માટે મોજાઓ વારંવાર બદલવા અને કેનવાસનાં બુટ પહેરવા વધુ હિતાવહ છે.
* સામાન માટે કાપડનો થેલો રાખવો તેમજ સુતરાઉ કપડા પહેરવા અને યાત્રિક દીઠ ૫ કિલો વજન સાથે રાખવો જેથી વધુ થાક ન લાગે.
* યાત્રા સ્થળે સામાજીક સંસ્થા દ્વારા શુધ્ધ અને આરોગ્યવર્ધક ભોજન અપાતુ હોવાથી બહારનો વાસી નાસ્તો ન ખાવો જેથી તબિયત ન બગડે આમ છતા જો તબિયત બગડે તો તરતજ ડોકટરી સેવા આપતી સંસ્થાનો સંપર્ક કરી તપાસ કરાવવી.
* ચારે તરફ જંગલ હોવાથી રસોઈ બનાવતી વખતે આગ ન લાગે તેની કાળજી રાખવી. તેમજ પર્યાવરણની જાળવણી માટે વ્રુક્ષોને નુકશાન ન કરવું અને વન્ય પ્રાણીઓને છંછેડવા નહી.
* યાત્રા દરમિયાન કિંમતી સામાન સાથે રાખવો નહી, લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી ગીરદી થતી હોવાથી ખિસ્સાકાતરૂથી સાવધાન રહેવું. કોઇ આકસ્મિક ઘટના બને તો નજીકનાં અધિકારીને જાણ કરવી. વગેરે…

ભવનાથનો મેળો:
મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાની ખીણમાંથી પસાર થાય છે. એણે જે કંઈ સહન કર્યુ, જીરવ્યું, જોયું એની વેદના અથવા આનંદ વ્યકત કરતો રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય જેવાકે રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો ભરાય છે, ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે.

ભવનાથનો મેળો પુરાણો ઈતિહાસ:
ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઈતિહાસ છે.

(૧) ભવનાથ મહાદેવ :- આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદીરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રૂદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રૂદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રૂદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રૂદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.

જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતી કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પુનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.

(૨) મૃગીકુંડ :- ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતી કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.

ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

મૃગીકુંડ :- મહત્વ અને વર્ણન
ભવનાથનો મેળો ગિરનારનાં પ્રથમ પગથિયાની આસપાસ આવેલી ભવનાથ તળેટીમાં દરવર્ષે વૈશાખ સુદ નોમ થી પુનમ એટલેકે શિવરાત્રિ સુધી ભરાય છે. આ મેળો સ્વંયમભુ છે તેમજ આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ નહીં પરંતુ સાધુઓ છે. આ મેળાનો પ્રારંભ નોમને દિવસે ભવનાથ મહાદેવનાં મંદીરે ધજા ચડાવીને કરવામાં આવે છે. તે સમયે દેશ-વિદેશમાંથી વિવિધ સંપ્રદાયોના સાધુ-સંતો-મહંતો એકઠા થાય છે. આ મેળામાં સાધુઓને રહેવા માટેના અખાડાની વ્યવસ્થા જુનાગઢનાં અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એક બાજુએ સાધુ-સંતોના ઉતારા તો બીજી બાજુએ આ મેળામાં સેવાકીય પ્રવ્રૂતિ કરતી સામાજીક સંસ્થાઓ, ધાર્મિક જગ્યાઓની રાવટીઓ ગોઠવવામાં આવે છે.

આ મેળામાં અત્યારે તો સમયનાં પરિવર્તનની સાથે ઘણોબધો ફેરફાર થઈ ગયો છે. જેમ કુંભનો મેળો યોજાય ત્યારે તેમાં સાધુ-સંતોને રહેવા માટેની સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, કારણકે એક સાથે વધુ સંખ્યામાં સાધુ તથા સંસારીઓ ગંગા નદીમાં શાહી સ્નાન કરવા માટે એકત્રિત થતા હોય છે. આમ અહીં ગરવા ગિરનારની ગોદમાં શિવરાત્રિએ યોજતા ભવનાથનાં મેળામાં પણ સાધુ-સંતોને રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે, કારણકે અહીં ઘણા બધા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે. આ મેળામાં ભારતભરમાંથી દશમનાં દિવસથી જ સાધુ-સંતો તથા સંસારી લોકો આવવા લાગે છે.

ગિરનારની ભવનાથ તળેટીમાં ભવનાથ મંદીરની જમણી બાજુએ ફકત સાધુઓને રહેવા માટે, તેમના ધુણા માટે અલગ અલગ સાઈઝની રાવટી બનાવવામાં આવે છે. જે સામે સામે બે લાઈનમાં ગોઠવવામાં આવે છે, કારણકે જાહેર જનતાને આ સાધુ મહાત્માઓના દર્શનનો લાભ મળી શકે છે. જયારે આ સાધુઓ આવે છે ત્યારે પોતપોતાના સેવકોને પણ સાથે લાવે છે. જેથી મેળામા રોકાણ દરમિયાન જે તે સાધુને જોઈતી તમામ વસ્તુઓ તેના સેવકો જ પુરી પાડે છે. જેવીકે ચા-પાણી, દુધ, ધુણા માટેનાં લાકડા વગેરે… જયારે નોમને દિવસે સવારે ભવનાથ મહાદેવનાં મંદિરે ધજા ચડે ત્યારે બધા સાધુ ત્યાં એકઠા થાય છે. ત્યાર બાદ તેને ફાળવવામાં આવેલ જગ્યાએ પોતાના ધુણા ધખાવે છે.

નાગાબાવાનું સરધસ:
ભારત વર્ષનાં ઈતિહાસમાં રથયાત્રા, શોભાયાત્રા, ઝુલુસ, સરઘસ જેવા અનેક જગ્યાએ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજાતા હોય છે. જેવી રીતે અષાઢ સુદ બીજને દિવસે એટલેકે અષાઢી બીજને દિવસે ઓરિસ્સાનાં પુરી, ગુજરાતનાં અમદાવાદ અને ભાવનગર જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે, તેમજ ભાદરવા સુદ ચોથના દીવસે એટલેકે ગણેશ ચતુર્થી નાં દિવસે મહારાષ્ટ્રનાં મુંબઈશહેરમાં તેમજ દેશનાં અન્ય શહેરોમાં પણ ભગવાન ગણેશની રથયાત્રાનીકળે છે. મહોરમ માસમાં તાજીયાનું ઝુલુસ નીકળે છે. આવીજ રીતે ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ શિવરાત્રિનાં રોજ રાત્રે ૯ વાગ્યેથી નાગાબાવાઓનું સરઘસ છે.

આ સરઘસ જે જે જગ્યાએથી નીકળવાનું હોય છે તે સ્થળે લોકો શિવરાત્રિની સવારથી તડકો, ગરમીની પરવા કર્યા વિના ભુખ્યા તરસ્યા બેસી રહે છે. આજુબાજુમાં આવેલા ધર્મશાળાની દિવાલો ઉપર ચડીને તથા જયાં જગ્યા મળે ત્યાં લોકો બેસી જાય છે. આ દિવસે સવારથીજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય જાય છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવાઓ પોતાની ઈન્દ્રીય વડે વાહનોને ખેંચીને લોકોને મંત્રમુગ્ધ કરી મુકે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આમ આ સરઘસ ફરતુ ફરતુ છેલ્લે ભવનાથ મંદીરનાં બીજે દરવાજેથી બાજુમાં આવેલ મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર બાદ નાગાબાવાઓ અન્ય સાધુ-સંતો અને મહંતો વારા ફરતી આ મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહત્વ છે તેમ આ ભવનાથનાં મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહત્વ ખુબજ છે. કહેવાય છેકે આ કુંડમાં નહાવા પડેલ અમુક સાધુઓ બહાર આવતા નથી અને ત્યાથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીથી સ્નાન કર્યાબાદ ભવનાથ મહાદેવની આરતી તથા મહાપુજા કરે છે.

શિવરાત્રિનાં સવાર સુધીમાં આ મેળો પુરો થઈ જાય છે. બીજે દિવસે સવારે નાગાબાવાઓ, સાધુ-સંતો અને અલગ અલગ જગ્યાએથી પધારેલા મહંતો પોત પોતાના સ્થાનોએ જવા રવાના થઈ જાય છે. આમ જુનાગઢ શહેરમાં આવેલ ગરવા ગિરનારમાં યોજાતા ભવનાથનાં આ ભાતિગળ અને ભક્તિના પ્રતિક સમા મેળામાં સૌલોકો છ દિવસનાં અંતે પુણ્યનું ભાથુ બાંધીને પોતપોતાના કામમાં લાગી જાય છે. તેમજ સાધુ-સંતો અને મહંતો પણ ભગવાનનાં ધ્યાનમાં લીન થાય છે

રાવટી અને ઉતારા:
જેમ સૌરાષ્ટ્રનાં સાધુ-સંતોની આગવી છાપ રહી છે કે જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો, સંત કબિર કહે કમાલકુ દો બાતે સીખલે, કર સાહેબકી બંદગી ઔર ભુખે કો અન્ન દે. તેને સાર્થક કરતી સૌરાષ્ટ્રની ધાર્મિક જગ્યાઓ, સામાજીક સંસ્થાઓ અને તેને સહકાર આપતા દાતાશ્રીઓ પોતાનો કાફલો લઈને ભવનાથનાં શિવરાત્રિના આ મેળામાં લગભગ પાંચમથી જ આવી જાય છે. જે સંસ્થાઓ આ મેળામાં સેવા કરવા આવે છે તેની પહેલેથી કોઈ ચોકકસ જગ્યા નક્કી હોય છે તે લોકો દર વર્ષે ત્યાંજ પોતાનો મુકામ રાખે છે જેને બધા રાવટી અથવા ઉતારો બોલે છે. આ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ તથા ગામની જગ્યા તથા ઉતારા આવેલા હોય છે. આમ આ રાવટી તથા ઉતારા દ્વારા લોકોને જમવાનુ તથા રહેવાની સગવળ કરવામાં આવે છે.

ઘણાં વર્ષોથી યોજાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો દેશ વિદેશમાં પણ ખ્યાતિ મેળવે છે. આ મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, પરબનો ઉતારો, ભુરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડીયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, તેમજ અલગ અલગ જ્ઞાતિની જગ્યાઓ દ્વારા સવાર, બપોર અને સાંજે નાં ત્રણેય ટાઈમનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાત્રે સુવામાટેની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત જયાં ભોજન હોય ત્યાં ભજન કેમ ભુલાય. જેમાં ગિરનારી ઉતારો, તોરણીયાનો ઉતારો, લક્ષ્મણ બારોટનો ઉતારો, પરબનો ઉતારો, ભારતી આશ્રમ જેવા સ્થળોએ ભોજનની સાથે રાત્રે ભજન એટલેકે સૌરાષ્ટ્રનાં નામાંકિત કલાકારો દ્વારા સંતવાણી રાખવામાં આવે છે. જે જે રાવટી તથા ઉતારાનાં પડાવ હોય છે તેને જરૂરી તમામ વસ્તુઓ પોતાની રીતે સાથે લાવે છે. તેમજ જે જગ્યાઓ તે વાપરતા હોઈએ તેનુ ભાડુ પણ તેજ ચુકવે છે. આમ ભવનાથનાં આ મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને લોકેને ભોજન અને અલખને આરાધવા માટેનું જે માધ્યમ ભજન છે તેની વ્યવસ્થા આ સંસ્થાઓ જ કરે છે.

આ સિવાય આ મેળામાં ખાવા-પીવાનાં સ્ટોલ તેમજ ભક્તિની સાથે મનોરંજન મળે તે હેતુથી થોડા સમયથી અલગ અલગ જારનાં ફજર, ચકરડીઓ તેમજ રોશની ગોઠવવામાં આવે છે. આ આયોજન જુનાગઢ શહેરની નગરપાલિકા તરફથી તથા પોલીસ ડિવીઝન દ્વારા ગોઠવાય છે. આમ તો જ્યારે મેળો ચાલુ થાય ત્યારથી જ બહારથી પધારેલા સાધુ-સંતો અને મહંતોને પાસ ફાળવવામાં આવે છે જેથી તેની ગાડીઓ રોકવામાં આવતી નથી બાકીનાં તમામ વાહનોને અમુક હદ સુધી જ જવા દેવાય છે. જેથી વધારે ગિરદી ન થાય અને વ્યવસ્થા જળવાય રહે. આ ઉપરાંત જુદા જુદા ક્ષેત્રોમાંથી આવતા લોકોને આવવા તથા જવા માટે વધારાની ટ્રેન અને બસની વ્યવસ્થા સરકાર તરફથી કરવામાં આવે છે. આમ આ મેળાનો લાભ લેવો તે જીદંગીનો એક લાહવો ગણાય છે. અને સામુહિક સાધુ-સંતોના દર્શનનો લાભ પણ મળે છે.

મંદિરો:
નેમીનાથજીનાં દેરાસર
નેમીનાથજી ભગવાન – ગિરનાર (જુનાગઢ)
ગિરનારની મહતા ધાર્મિક દ્રષ્ટિએ પણ ઘણી મોટી આંકવામાં આવી છે. જૈન ધર્મના જે પાંચ યાત્રાધામ આવેલા છે તેમાનું એક યાત્રાધામ એટલે ગિરનારન્પર્વત પરનાં નેમીનાથજીનાં દેરાસર. ગિરનાર સાથે નેમીનાથજી અને રાજમતીનું નામ જોડાઈ ગયુ છે. પોતાના લગ્ન સમારંભ વખતે વધ કરવામાં આવનારા પશુઓનાં ભાંભરડા સાંભળીને રાજકુમાર નેમીનાથનું હદય હચમચી ઊઠયું. જેથી રાજપુત કુંવરે ત્યાગની દિશા લીધી, રાજમતીએ પણ સ્વેચ્છાએ ત્યાગની વાટ પકડી. ગિરનાર એમની તપસ્યા ભુમિ બન્યો. નેમીનાથજી અને રાજમતીની અપૂર્વ ત્યાગભાવનાથી ગિરનાર જૈનોનું તીર્થધામ બન્યો છે. આ જૈન દેરાસરનું જમીનથી લગભગ શિખર ૩૩૦૦ ફુટ ઉંચે છે.

ગિરનાર ઉપર દેવકોટ દરવાજામાંથી અંદર જતા જૈન દેરાસરો દ્રષ્ટિગોચર થાય છે. ગિરનારનાં તિર્થનાયક નેમીનાથજી છે. એટલે વિશાળ મુખ્ય દહેંરૂ તેમનું છે. મંદીર ફરતો બહારનો રંગ મંડપ, ચોક અને નિજમંદીર કલાના મનોહરી નમુના છે. તેમાં નેમીનાથજીની શ્યામ મુર્તિ બિરાજમાન છે. આ દેરાસર વિક્રમ સંવત ૬૦૯ માં કાશ્મિરવાસી રતનશા નામના શ્રાવકે બંધાવ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ સમય જતાં દેરાસરનો જીર્ણોધાર વિક્રમ સંવત ૧૨૮૫ માં થયેલ છે. નેમીનાથજીના દેરાસર પાસે ઋષભદેવની આસનસ્થ વિશાળ પ્રતિમા છે. જૈનો તેને અદબદજી દાદા તરીકે ઓળખે છે. નેમીનાથજીના આ દેરાસરમાં ચાર શિલાલેખો છે. તેમાં રા’માંડલિકએ આ દેરાસરને સોનાનાં પતરાથી મઢાવ્યું હતું અને મેવાડા જ્ઞાતિના સૂત્રધાર ગાંગના પુત્ર હરિપાલને મંદીરોના લેખો કોતરવાનો હક વંશપરંપરાએ આપ્યાનો ઉલ્લેખ છે. નેમીનાથજીના મંદીરની પાછળ જગમાલ ગોરધનનું દહેરૂં છે. જગમાલ જૈન મંદીરોના મુનીમ હતાં. તેમના નામ ઉપરથી જુનાગઢ શહેરમાં જગમાલ ચોક પણ છે.

આ સિવાય સગરામ સોની અને માનસંગ ભોજરાજે બંધાવેલા દેરાસરો, સુર્યકુંડ, રા’ના સમયના અવશેષો, કુમારપાળે બંધાવેલું દેરાસર, સંપ્રતિ રાજાનું મંદીર, હાથીકુંડ, રાજુલની ગુફા વગેરે યાત્રિકો પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર પર સૌથી કલાત્મક અને શ્રેષ્ઠ કારીગરીવાળા દેરાસરો તો વસ્તુપાલ અને તેજપાલે બંધાવ્યા છે. ઈ.સ.૧૨૩૨ થી ૧૨૪૨ વચ્ચે બંધાયેલા પાર્શ્ર્વનાથજીના આ દેરાસરો સ્થાપત્યકલાના ઉતમ નમુના છે. મંદીરમાં સાતેક અભિલેખો છે. જૈન શ્ર્વેતાંબર મુર્તિપુજક સંધના વહીવટ નીચે ગિરનારના દેરાસરો આવે છે. દિગંબરી સંધના પણ કેટલાક દેરાસરો છે. આમ શ્રી નેમીનાથજીના દેરાસરો ગિરનાર પર્વત પર ખુબજ જુનાં વખતથી આવેલા છે.

અંબાજીનું મંદિર
ગિરનારનાં દર્શને આવનાર દરેક યાત્રાળુઓ ઘણી વખત બધાજ શિખરો ઉપર ચડી શકતા નથી પરંતુ જમીનથી લગભગ ૩૩૦૦ ફુટની ઉંચાઈએ આવેલ શ્રી અંબાજી મંદીરે પહોંચીને ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પ્રથમ પગથિયાની આસપાસનાં સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા જેવાં સ્થાનો આવે છે. આ ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગ્યા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે. તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટુક થઈને નેમીનાથજીનાં દેરાસર આવે છે. દેરાસર પછી હિંદુઓનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે છે ત્યાંથી અંબાજી મંદીરે જતા એક રસ્તો સાતપુડાની ગુફાઓ તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે છે. ત્યાંથી થોડે દુર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામની જગ્યા આવે છે, બરોબર તેની સામે જ ભૈરવજપનો પથ્થર આવેલો છે ત્યાંની એક પ્રચલિત માન્યતા છેકે આ પથ્થર પરથી પડતુ મુકીને આપઘાત કરવાથી રાજપદ મળે છે. પણ અત્યારનાં સમયમાં આવુ બનતુ નથી. ભૈરવજપ પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવીને વસેલા યોગી સેવાદાસજીની જગ્યા છે. અહીંથી નીચે ઉતરતા શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનકો આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જુનો મારગ છે.

આમ ભીમકુંડથી અંબાજી મંદીરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મુળ રસ્તે આવીને અંબાજી મંદીરે પહોંચે છે. આમ ‘જય ગિરનારી’ નાં નામનો નાદ જેના નામે ગાજે છે તે અંબાજીનું ભવ્ય મંદીર પશ્ચિમાભિમુખ આવેલું છે, જે ગુર્જર ઢબનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોકોમાં એક પ્રકારની શ્રધ્ધા છે. જેમ ભારતમાં અન્ય જગ્યાએ ડુંગર ઉપર અંબાજી માતાજીનાં બેસણા છે તેમ ગિરનાર જેવા પવિત્ર ડુંગર ઉપર પણ છે.

ગોરખનાથનો ધુણો: ગોરખનાથની ટુક:
આમ અંબાજીમાતાજીનાં દર્શન કર્યા બાદ ગુજરાત રાજયનાં સૌથી ઉંચા સ્થળમાં જેમની ગણના થાય છે. તે ગિરનાર પર્વતની સૌથી ઉંચી ટુંક એટલે કે ગોરખટુંક. જે ૩૬૦૦ ફુટની ઉંચાઈ વાળુ ગોરખ શિખર આવે છે. અહીં નાથ સંપ્રદાયનાં નવનાથ માનાં ગોરખનાથજીનો ધુણો અને તેમની ચરણ પાદુકા આવેલી છે. આ જગ્યાએ પહોચતાની સાથે જ કોઈ પણ માણસનાં ઉરમાં આનંદ ઉભરાવા માંડે છે. અહીંથી પુર્વબાજુ ઓઘડનાથની ટુંક આવેલી છે.

અહીંથી પગથિયાં નીચે ઊતરીને કમંડળ કુંડ તરફ જવાય છે. કુંડ પાસે ગુફા, દત્તાત્રેય ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે જેમા દત્તાત્રેયનો ધુણો છે. અહીં સાધુઓનું અન્નક્ષેત્ર નિયમિત ચાલે છે. આવનાર તમામ યાત્રિકોને પ્રેમથી દાળ, ભાત, શાક અને રોટલીનો પ્રસાદ જમાડે છે. બાજુમાંજ નંદીશ્ર્વર મહાદેવનુ મંદીર આવેલુ છે. થોડે દુર અનસુયાની ટુંક આવેલી છે. આમ આગળ જતા રસ્તો ખુબજ થકાવનારો હોય છે. તેમજ અહીનું દ્રશ્ય ખુબજ સુંદર દેખાય છે કારણકે વાતાવરણમાં ઘુમ્મ્સનું પ્રમાણ જોવા મળે છે. અને એવુ લાગે છેકે આપણે વાદળની વચ્ચે જ ઉભા હોય. આમ ગિરનારની ઉંચામાં ઉંચી ટુંક ગોરખનાથ ટુંકથી આગળ વધાય છે.

દતાત્રેયનો ધુણો
ગોરખનાથ ટુંકથી દત્તાત્રેય ટુંક સુધી પહોંચવા માટેનો રસ્તો ખુબજ કઠીન ગણાય છે. અહીં ચડવા માટે પગથિયા તો છે, પરંતુ સમગ્ર આરોહણનો થાક ભેગો થાય છે. આમ ધીરે ધીરે થાક ખાતા યાત્રિકો પહોચી શકે તેવી આખરી દત્તાત્રેયટુંક આવે છે. અહીં ભગવાન દત્તાત્રેય નું મંદિર ત્રેતાયુગના સમયનું એટલે કે ભગવાન રામના જન્મ પહેલાનું છે. કહેવાય છે કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સ્વરૂપે અનસૂયાની કોખે પ્રગટેલા દત્તાત્રય ભગવાને અહીં ૧૨૦૦૦ વર્ષ તપ કર્યું હતું. તેમનાં પગલાં અહીં સ્વયંભૂ પ્રગટ્યા છે. અનેક સિદ્ધ લોકો અને દિવ્ય ચેતનાઓ આ સ્થળની મુલાકાત લે છે. ષટકોણ આકાર મંદિરમાં ભગવાન દત્તનાં પગલાં બિરાજે છે. તેમનું સુંદર સ્વરૂપ અને પાદુકાઓ રાખવામાં આવેલી છે. આ સ્થળે એક ઘંટ પણ આવેલ છે. જે ત્રણ વખત વગાડવાની માન્યતા છે.

આ શિખરથી આગળ ‘કાલકા ટુંક’ આવેલી છે. ત્યાં જવા માટે પગથિયાં નથી, પુર્વ બાજુની આ ટુંક ઉપર કાલિકામાતાનાં બેસણા છે. જેના દર્શન અહીંથી કરવા પડે છે. આ દત્તાત્રેય ટુંકથી સંપુર્ણ વિહંગ દ્રશ્ય થાય છે. દુર તળેટી માળવેલો, બોરદેવી, ગબ્બરનો ડુંગર જોઈ શકાય છે. આમ ગિરનારનાં એક છેડે ગુરૂદત્તનાં બેસણા છે, તો નૈઋત્યમાં જમિયલશા દાતારનું આસન છે. અહીંથી ઉતરવા માટે પરત ફરવાનું હોય છે. ઉતરતી વખતે લગભગ બપોર પછીનો સમય થઈ ગયો હોય છે જેથી તડકાનો તાપ પણ વધારે લાગે છે. જેથી થાક ખાતા ખાતા નીચે ઉતરાણ થાય છે. જે દરમિયાન ઘણા સ્થળો જોવાના બાકી રહી ગયા હોય તો જોતા જવાય છે.

દાતાર:
ગિરનારનાં એક છેડે ગુરૂદતના બેસણાં છે, તો નૈઋત્યમાં પ્રુથ્વીની સપાટીએથી ૨૭૫૦ ફુટની ઉંચાઈએ મીરા દાતારની જગ્યા આવેલી છે. ત્યાં જમિયલશા દાતારનું આશન છે. કહેવાય છે કે જમિયલશા ઈરાનથી સિંધ થઈને ઈ.સ.૧૪૭૦ માં અહીં આવીને વસ્યા હતા. આ દાતારની જગ્યાની પાછળ ભવનાથનો ધુણો આવેલો છે. મીરા દાતારની જગ્યાએ હિંદુ, મુસલમાન અને દરેક કોમનાં માણસો દર્શનાર્થે આવે છે. જેથી કોમી એકતાનું પ્રતિક સમુ આ સ્થળ આવેલું છે. જયાં આજથી ૫૦ વર્ષ પહેલા ત્યાંના મહંત પટેલ બાપુએ શરૂ કરેલ અન્નક્ષેત્ર હજુ પણ ચાલુ છે. જયાં કોઈ પણ જાતનાં ભેદભાવ વગર પ્રસાદ આપવામાં આવે છે. તેમજ આ જગ્યા તરફથી ગિરનારમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં ભક્તોને જમવાની વિનામુલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ તમામ વ્યવસ્થા હાલનાં મહંત શ્રી તરફથી કરવામાં આવે છે. એક ભજનમાં પણ દાતારનો મહીમા ગાવામાં આવ્યો છે કે ઉંચો છે ગરવો દાતાર, નીચે છે જમિયલશા દાતાર.

અન્ય સ્થળો:
અશોકનો શિલાલેખ:
અશોકનો શિલાલેખ જુનાગઢથી ગિરનારનાં દર્શને જતા રસ્તામાં જમણી બાજુએ એકાદ કિલોમીટરે આવતુ પ્રથમ ઐતિહાસીક સ્થળ છે. આ શિલાલેખ મૌર્ય વંશમાં થયેલ અશોકના નામથી પ્રચલિત છે. આ ૭૫ ફુટનાં ઘેરાવામાં આશરે ૨૨૦૦ વર્ષથી પડેલા ઈતિહાસના અમુલ્ય વારસા સમા અશોકનાં શિલાલેખમાં ૧૪ આજ્ઞાઓ કોતરેલી છે. તેમાં યજ્ઞ કે શિકાર માટે પશુવધ ન કરવાનો, માણસો અને જનાવરો માટે ઔષધિઓનું વાવેતર કરવાનો, લોકોને ધર્મ બરાબર પાળવાનો, મિત્રો, બ્રાહ્મણો અને શ્રમણોનો સત્કાર કરવાનો, દરેક ધર્મ અને સંપ્રદાય પ્રત્યે સહિષ્ણુતા કેળવવાનો એમ વિવિધ ઉપદેશ અપાયા છે. ૨૨૦૦ વર્ષથી સચવાયેલ આ શિલાલેખને અત્યારે ભારત સરકારનાં પુરાતન વિભાગ દ્વારા સાચવવામાં આવ્યો છે. અને તેની દેખરેખ નીચે છે. ગિરનારની યાત્રાએ જતા યાત્રિકોએ આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.

શિવરાત્રિનો મેળો : જાણવા જેવો, માણવા જેવો
ગિરનાર અદભુત છે. એને હિમાલયનો પણ પ્રપિતામહ ગણવામાં આવે છે. આભને આંબતા એના ઊતંગ શિખરો પર સદીઓ-યુગોથી ધર્મની ઘ્વજા ફરકતી રહે છે. ગિરનાર એ માત્ર કાળમિંઢ પથ્થરોનો સીધો સાદો પર્વત નથી. એના કણકણમાં ચેતના છે. સાધકો, મુનિઓ, તપસ્વીઓ અને અલખના આરાધકો માટે એ પ્રચંડ-અખૂટ આઘ્યાત્મિક શકિતઓનો સ્ત્રોત છે. હજારો-લાખો વર્ષોથી સઘ્ધિ સાધુ, સંતો, સાધકોની આ તપશ્ચર્યા ભૂમિ છે.

હા ! આ આખો પર્વત, એનો તસુ એ તસુ ભાગ એક પવિત્ર તિર્થધામ છે. અને એટલે જ આ પર્વત ઉપર દત-દાતારના બેસણા છે. જગતજનની મા અંબા આ પર્વતના ઉચેરા શિખર ઉપર બેસીને આ સૃષ્ટિની રક્ષા કરે છે. મહાકાલેશ્વર પ્રભુનું આ પર્વતની ગુફામાં બેસણું છે. ૩૩ કરોડ દેવતાઓ, ચોંસઠ જોગણીઓ અને બાવન વિરો અહીં બિરાજમાન છે. ગિરનાર તો ગિરનાર છે. એ ભવ્ય છે, એ દિવ્ય છે અને એ ગેબી છે.

ગિરનારના અનેક રૂપ છે. એના વિશાળકાય ખડકો ઉપરની લીલીછમ વનરાઈઓ એને અદભુત સૌંદર્ય બક્ષે છે. જાણે કે કદી પૂરી જ ન થવાની હોય એવી એની ગિરિમાળાઓ બેમિસાલ સુંદરતા, એની અણસ્પર્શી તાજગી અને કદી કલ્પના પણ ન કરી હોય એવી નિરવ શાંતિથી છલકાય છે. પુનમની રાત્રે ગિરનારની ટોચ ઉપરથી નજરે પડતું એની માઈલો સુધી પથરાયેલી કંદરાઓનું અવર્ણનીય સૌંદર્ય ઇશ્વરની અલૌકીક સર્જનાત્મકતાની ઝલક આપે છે.

તો અમાસની કાજલધેરી અંધારી રાત્રે પર્વત પર વ્યાપેલા સન્નાટામાં જાતને ડુબાડીને અબજો તારલિયાઓથી ચમકતા અસીમ આકાશનું દર્શન માનવીને બ્રહ્માંડની ભવ્યતાનું ભાન કરાવે છે. ગિરનાર તો ગિરનાર છે અને આ ગિરનારનું સૌથી રહસ્યમય પાસુ હોય તો એ એનું ગેબીતત્ત્વ છે.

ગિરનારને કોઈ પૂરેપૂરું પીછાણી શકયું નથી. આ ભૂમિ, આ પર્વતના આધિપતિ દેવાધિદેવ મહાદેવ શંકર ભગવાન છે. કૈલાસની જેમ જ ગિરનાર ઉપર પણ શિવજીનું નિવાસસ્થાન છે. ભોળિયો નાથ અહીં સાક્ષાત ડમરું વગાડે છે અને એ અલગારી ભોળિયા ભગવાનને રિઝવવા સાધુઓ, નાગાબાવાઓ જિંદગી આખી અલખના ધૂણા ધખાવીને બમ બમ ભોલેના નાદ લગાવ્યે રાખે છે. શરીરે ભસ્મો લગાવી, દિશાઓને જ વસ્ત્રો બનાવીને દિગંબર અવસ્થામાં શિવજીની ભકિતમાં મસ્ત રહેતા આ નિર્લેપ-અલગારી સાધુઓના દર્શન કરવાની તક જૂનાગઢના ભગનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળામાં પ્રાપ્ત થાય છે.

સંસારનો મોહ ત્યજીને પોતાને શિવમય બનાવી દેનારાઓ સાધુઓ કોણ છે ? એમની સાધના કઈ હોય છે ? એમની દિનચર્યા શું છે ? એમની સિઘ્ધિઓ કેવી હોય છે ? એ કયાંથી આવે છે ? કયાં જાય છે ? કયાં રહે છે ? વગેરે વગેરે પ્રશ્નો સદીઓથી ઉત્સુકતા જગાવતા રહ્યા છે.સાધુ જીવનનો એક વણલખ્યો નિયમ છે. સાધુનું કૂળ અને એનું મૂળ કદી પૂછવામાં નથી આવતા. ભગવા ધારણ કર્યા પછી સાધુ એનો ભૂતકાળ સદા માટે દફનાવી દે છે. સંસારી લોકોનું સાધુઓ અંગેનું જ્ઞાન ખૂબ અલ્પ અને ઉપરછલ્લું હોય છે.

શિવરાત્રિના મેળાનું મુખ્ય આકર્ષણ પણ નાગાસાધુઓ હોય છે. આ સાધુઓના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રના આઠથી દસ લાખ લોકો દર વર્ષે આ મેળામાં ઊમટી પડે છે. સાધુઓ પણ આ ચાર દિવસ દરમિયાન લોકોને ખુશીખુશીથી દર્શન અને આશીર્વાદ આપે છે.

જાણકારોના કહેવા પ્રમાણે ગીર તળેટીમાં વિવિધ પંથના સાધુઓના છ અખાડા છે. અખાડા એટલે કે જે તે પંથના સાધુઓની જગ્યા. ભવનાથ તળેટીમાં શિવ શંભુ પંથ દશનામ અખાડા, શિવ શંભુ પંથ અગિ# અખાડા, શિવ શંભુ પંથ દશનામ આહ્વાન અખાડા, નિરંજન અખાડા, અટલ અખાડા અને ઉદાસી અખાડા અસ્તિત્વ ધરાવે છે. એ પૈકીના ઉદાસી અખાડાને બાદ કરતા બાકીના તમામ પંથ શૈવપંથી છે અને બધા દિગંબર પંથી સાધુઓ છે.

આ તમામ અખાડાઓમાં જે તે પંથના કેટલાક સાધુઓ કાયમી નિવાસ કરી, પંથે નિર્માણ કરેલ વિધિ વિધાન મુજબ એ અખાડાઓનું જતન કરે છે. શિવપંથમાં અખંડ ધૂણાનું ગેબી મહત્ત્વ છે. ધૂણામાંથી દિન-રાત પવિત્ર અવિરત ધુમ્રસેરો ઊઠતી રહે છે. અને ધૂણે બેસી, શરીરો પર ભસ્મો લગાવી અલગારી સાધુઓ શિવોહમ શિવોહમના નાદ લગાવ્યે રાખે છે.

મહાશિવરાત્રિના મેળા દરમિયાન આ પંથોના અન્ય સ્થળે વસતા નાગાબાવાઓનું જૂનાગઢમાં પોતપોતાના અખાડાઓમાં આગમન થાય છે. જાણકારસૂત્રોના જણાવ્યા મુજબ કદી જાહેરમાં ન આવતા આ નાગાસાધુઓ શિવરાત્રિ ઉપર અચુક જૂનાગઢ આવે છે. આ ક્ષેત્રમાં ગળાડૂબ બનેલા જાણકારોની મત મુજબ શિવરાત્રિ ઉપર કાશી, હરિદ્વાર, નાસકિ, ત્રયંબક અને નેપાળ જેવા સ્થળઓએ આખું વર્ષ આકરી તપશ્ચર્યા કર્યા બાદ એ પાવનકારી તિર્થધામોમાંથી નાગાબાવાઓ ગિર તળેટીમાં આવી જાય છે. અને પોતપોતાના અખાડાઓમાં બિરાજમાન થઈ ભાવિકોને દર્શન આપે છે. મહાશિવરાત્રિની મધરાત્રે સરઘસ પૂરું થયા બાદ મૃગીકુંડમાં સ્નાન કરીને પછી આ બાવાઓ ચૂપચાપ પોતાના મૂળસ્થાને સિધાવી જાય છે.

મહાશિવરાત્રિની રાત્રે નીકળતું નાગાબાવાઓનું આ સરઘસ અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. સાધુઓ પોતપોતાના શસ્ત્રો, ચિહ્નો વગેરે સાથે દિગંબર અવસ્થામાં ભવનાથ મંદિર ભણી કૂચ કરી જાય છે. એ સમયે એવું લાગે છે કે, આ પૃથ્વી ઉપર જો કોઈ સાચા શહેનશાહ હોય તો એ આ બાવાઓ જ છે. નાગાસાધુઓ સરઘસ દરમિયાન હઠયોગ થકી પ્રાપ્ત થયેલી પ્રચંડ શકિતઓનું પ્રદર્શન કરે છે.

તળેટીના ઢાળવાળા રસ્તાઓ ઉપર ઈન્દ્રિય સાથે દોરડું બાંધીને ભારેખમ વાહનો ખેંચતા સાધુઓ, કે લિંગમાંથી આરપાર પસાર કરેલા લોખંડના સળિયાઓની બન્નો બાજુ ઉપર એક એક માણસને ઊભા રાખવાનું કૌવત દેખાડી શકતા આ સાધુઓ કઈ હદની શારીરિક, માનસકિ અને આઘ્યાત્મિક સિઘ્ધિઓ ધરાવતા હશે એના અચંબિત કરી દેતો પરિચય આપે છે.

પણ વાત માત્ર આ શકિતઓ કે સિઘ્ધિની નથી. એવું માનવામાં આવે છે કે, આ સરઘસની આગેવાની નાગાસાધુ સ્વરૂપે ખૂદ દેવાધિદેવ શંકર ભગવાન લે છે. ગિરનારના ટોચના શિખર પરથી નીચે ઊતરીને દત ભગવાન પણ એ સરઘસમાં જોડાય છે અને શિવજી અને દત ભગવાનની આગેવાની હેઠળ સનાત ધર્મના, અલખના ભોળેનાથના આરાધક એવા નાગાબાવાઓ જયારે મૃગીકુંડમાં ધૂબાકા મારે છે ત્યારે એ ક્ષણની સાક્ષી થવા ૩૩ કરોડ દેવતાઓ ગિર તળેટીના આકાશમાં ઊમટી પડે છે. દર વર્ષે લાખો લોકો આ દિવ્ય ક્ષણની દિવ્ય અનુભૂતિ પામવા ઊમટી પ઼ડે છે.

મહાશિવરાત્રિનો મેળો શહેરોના સુંવાળા લોકો માટે નથી. આ મેળો છે સૌરાષ્ટ્રની ખડતલ ગામઠી પ્રજાનો. માથે ભાતાના ડબ્બા અને કાંખમાં છોકરું રાખીને કલાકો સુધી એક સ્થળે ઊભા રહીને શિવસ્વરૂપી નાગાબાવાઓના દર્શન કરવાની અખૂટ ભકિત અને શ્રઘ્ધા ધરાવતી સોરઠની, કાડિયાવાડની, હાલારની અને ઝાલાવાડ કે ગોહિલવાડની અસલ સૌરાષ્ટ્રીયન સંસ્કતિ ધરાવતી તાકાતવાળી મહિલાઓનો આ મેળો છે. ઈશ્વરમાં અતૂટ શ્રઘ્ધા ધરાવતા, સીધા સાદા ભોળ્યા ભાવિકોનો આ મેળો છે. અને કદાચ ! આવા ભોળ્યાઓને જ ભોળેનાથ મળે છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. એકા’દ દિવસ, બાકીનું બધું વિસારીને, મોહ, માયા, સ્વાર્થ, વેપાર, ધંધા, નોકરી, પ્રપંચ અને બુઘ્ધિ-તર્કનું પડીકું વાળીને અલખના સાચા આરાધકો વચ્ચે પહોંચી, સાચા દિલથી હર હર મહાદેવના નારા લગાવવાની આ તક ઝડપી લેવા જેવી છે. ભોળ્યો નાથ રિઝી જાય તો બેડો પાર થઈ જાય.

અનુભૂતિ, કિવંદતીઓ અને ચમત્કારો:
શિવરાત્રિના મેળા દરમિયાન અનેક લોકોને અનેક પ્રકારની અનુભૂતિઓ થાય છે. ઘણા લોકોને નાગાસાધુઓ તરફથી આશીર્વાદની સાથે અલભ્ય અને અમુલ્ય ગણાય એવી વસ્તુઓ પણ પ્રસાદરૂપે મળે છે. એકને એક સાધુ એક જ સમયે બે અલગ અલગ સ્થળે દેખાયા હોય એવી કિવંદતીઓ પણ મેળા દરમિયાન સાંભળવા મળે છે.

ચમત્કારો થાય છે કે, નહીં એ હંમેશા વિવાદનો વિષય રહ્યો છે. આ બધા વચ્ચે એક ખૂબ જાણીતી ઘટના હરહંમેશ ગવાતી રહે છે. શિવરાત્રિના મેળામાં આવતા મોટાભાગના લોકો દાતારના દર્શને પણ જાય છે. પણ, જયારે સરઘસ નીકળવાનું હોય ત્યારે દાતાર ઉપર એ રાત્રે એકપણ યાત્રાળુ નથી હોતા.

બધા ગિર તળેટીમાં હોય છે. ચમત્કારની જે ઘટના ભાવિકો યાદ કરે છે એ વાત ૧૯૮૬ની મહાશિવરાત્રિએ બની હતી. દાતાર ઉપર ત્યાંના મહંત અને સઘ્ધિપુરુષ પટેલબાપુ, કેટલાક સેવકો અને માત્ર એક યાત્રાળુ હતા. એ યાત્રાળુએ પટેલબાપુ પાસે ‘શિવજીની પ્રસાદી’ માંગી.

પટેલબાપુ હળવું હસ્યા અને પછી રાબેતા મુજબ જગ્યામાં આવેલા કોઠાર રૂમમાં રાત્રે સાધના માટે ચાલ્યા ગયા. સવારે ચાર વાગ્યે બહાર આવ્યા ત્યારે એ યાત્રાળુને એમણે કહ્યું. ‘‘જાવ પ્રસાદી લઈ લ્યો…’’ અતિ રોમાંચિત થયેલા એ યાત્રાળુ કોઠાર રૂમમાં ગયા ત્યારે ત્યાં ફર્શ ઉપર ગુલાબની પાંદડીઓનો થર હતો.

બીજા દિવસે આવેલા તમામ યાત્રાળુઓને બાદમાં એ પ્રસાદીરૂપે આપવામાં આવી હતી. વાત સાચી માનવી કે ખોટી એ દરેકની વ્યકિતગત શ્રઘ્ધા, સમજણની વાત છે. પણ, એ વાત ખરી કે શિવજીને યાદ કરનારને ભૌતિક સ્વરૂપે નહીં તો અનુભૂતિના રૂપે, દિવ્ય પ્રસાદી અચૂક મળે છે.

ગુફાઓમાંથી આવે છે સિઘ્ધો:
શિવરાત્રિના મેળા સાથે અનેક રહસ્યો ગુંથાયેલા છે. આઘ્યાત્મિક ક્ષેત્રે સાચું જ્ઞાન પ્રાપ્તિ કરનારાઓનો એક મત એવો છે કે, પૃથ્વી ઉપર દૈવી અને આસૂરી તત્ત્વોની સમતુલા જાળવવા માટે દરેક સમયે પાંચસો જેટલા આત્મસાક્ષાત્કારી સાધકોની ઉપસ્થિતિ મોજુદ હોય છે. આ એક કુદરતી વ્યવસ્થા છે. સર્વ શકિતમાન તત્ત્વએ કરેલી એ ગોઠવણ છે.

એ પૈકી વીસથી પચ્ચીસ સાધકોના ગિરનારમાં બેસણા છે.શ્રઘ્ધાળુઓ અને જાણકારોના મતે આ સાધકો ગિરનારની ગેબી ગુફાઓમાં આખું વર્ષ અજ્ઞાતવાસમાં સાધના કરે છે. લોકો સાથે એમનો સંપર્ક નથી હોતો. આ સિઘ્ધો માત્ર એક જ વખત મહાશિવરાત્રિના મેળામાં જાહેરમાં આવે છે અને પછી પરત ચાલ્યા જાય છે.

આ થિયરી સદીઓથી કણોપકર્ણોઊતરી આવી છે. એની સાબિતી કે પૂરાવા નથી હોતા. પણ, ગિરનારમાં ગેબી ગુફાઓના અસ્તિત્ત્વ વિશે કોઈશંકા કરી શકે તેમ નથી. આનું એક જવલંત ઉદાહરણ દાતારની ગુફા છે. ગિરનાર પર્વત ઉપરની આ કદાચ સૌથી વધારે રહસ્યમય જગ્યા છે. હજારો લોકો ત્યાં દર્શને જાય છે.

આ ગુફાના પ્રવેશસ્થાન ઉપર લાકડાનો દરવાજો છે જે પ્રાકતિક નથી, માણસોએ બનાવેલો છે. હવે બે ઘડી વિચારો કે એ દરવાજાની જગ્યાએ એક મોટો પથ્થર હોય તો કોઈને ખ્યાલ પણ ન આવે કે એની પાછળ એક ગુફા છે.

ગિરનારને પીછાણતા લોકો કહે છે કે, આવી તો અનેક ગુફાઓ મોજુદ છે અને કદાચ એ ગુફાઓમાં જ આ સઘ્ધિસાધુઓ તપશ્ચર્યા કરતા હશે. ગિરનાર બહારથી દેખાય છે એવો નથી. આ નરસૈયાની ભૂમિ છે. શ્રાપિત અમરત્વ પામેલો અશ્વસ્તથામા એની ગીરીકંદરાઓમાં ઘૂમે છે. ગિરનારમાં ચમત્કારો થતાં જ રહે છે.

PHOTO GALLERY: Girnar Mountain Junagadh

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators