મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર

Jay Jalaram

યાત્રાધામોની શ્રેણીમાં વીરપુર એ એક અનન્ય યાત્રાધામ છે. જલારામ બાપાના નામ સાથે સંકળાયેલું આ સ્થળ સમગ્ર ગુજરાતનું તીર્થઘામ છે. ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરમાં રામનું મંદિર આવેલું છે. કારણ કે જલારામ બાપા નાનપણથી રામના પ્રેમી હતા. જલારામ બાપાની ઈચ્છાનુસાર અહીં સદાવ્રત ચાલે છે અને બારે માસ યાત્રાળુઓની ભીડ રહે છે. જરાલામ બાપાના નામે ચાલતા ટ્રસ્ટ તરફથી શિક્ષણના વિકાસની પ્રવૃત્તિઓ ચાલે છે. સંસ્કૃત ભાષાની ઉન્નતી માટે શિષ્યવૃત્તિ અપાય છે.

જલારામ બાપા નો જન્મ સં. 1856 ના કારતક સુદ સાતમને સોમવારે તારીખ 4-11-1799 ના રોજ વિરપુરમાં થયો હતો. જલારામના પિતા વેપારી હતાં. ખપ પૂરતુ ભણાવવા જલારામને ગામઠી નીશાળમાં ભણવા માટે મૂક્યા હતા.પરંતુ જલારામનું મન ભણવા કરતાં સાધુ સંતમાં વધારે નમેલું રહેતું હતું. પોતાની હાટ ઉપરથી જલારામ સાધુ સંતોને દાળ,ચોખા, લોટ કે ગોળનું પોટલુ આપી દેતો.પરણ્યા છતાં તેમનું મન સંસાર કરતાં સાધુસંતોના સમાગમમાં રહેતું હતું. આથી જ તેમને એકાએક મનમાં જાત્રા કરવા જવાનો સંકલ્પ કરી લીઘો અને દોકુળ-મથુરા અને બદ્રીનારાયણ અયોધ્યા,કાશી,પ્રયાગ,ગયા અને જગન્નાથપુરી, રામેશ્વર એમ સકળ તીર્થનાં દર્શન કરી ઘરે પાછા ફર્યા.જાત્રાઓથી પાછા ફરીને આવ્યા બાદ જલારામ ભોજા ભગતના દર્શને ગયા અને એમને ગુરૂ તરીકે સ્વીકાર્યા. ગુરૂએ કંઠી બાંધી અને રામ મંત્ર આપ્યો.ભગતે પત્નિ વિરબાઈ સાથે વિરપુરમાં સદાવ્રત સ્થાપ્યુ. અને રામનું નામ લઈને ભૂખ્યાને ટુકડો આપવાનું શરૂ કર્યું.એક વાર જલારામને ગુરૂને કહ્યુંકે,મહારાજ મારે સદાવ્રત બંધાવવું છે,આપની આજ્ઞા માંગું છું, ગુરૂએ આજ્ઞા આપી અને કહ્યું કે,

સૌને સરસ કહેવું, આપ નીરસ થવું,
આપ આધીન થઈ દાન દેવું,
મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી,
દાતા ભોક્તા હરિ એમ કહેવું.

આમ ઈશ્વવર ઉપરની શ્રદ્ધા અને સંકલ્પશક્તિને કારણે સંવત 1876ના મહા સુદ બીજના રોજ સદાવ્રતની શરૂઆત થઈ. વીરપુરમાં જલારામ ભગતને મળેલી લાલજીની મૂર્તિ, પ્રગટ થયેલી હનુમાનજી મૂર્તિની સ્થાપના કરીને નાનકડા આશ્રમ જેવું બનાવ્યું.સદાવ્રત ચલાવતા એક વાર દાણાપાણી ખૂટતાં વીરબાઈએ પોતાના ધરેણા વેચી નાંખ્યા અને સાધુઓને રોટલા ખવડાવ્યા.પણ એનો જલારામને કે વીરબાઈને કોઈ રંજ નહોતો.જલારામબાપા પ્રાણી માત્રમાં રામનાં દર્શન કરતા અને એમની સેવા કાજે સદા તત્પર રહેતા. તેઓ નિસ્પૃઃહી હતાં.


જલારામ બાપાના આશ્રમમાં એક વાર ભગવાન પોતે તેમની પરીક્ષા લેવા આવ્યા હતાં. અને તેમણે આવીને બાપા પાસે વીરબાઈની માંગણી કરી હતી.બાપાએ સાધુની સેવા કરવા માટે ખુશીથી પોતાની પત્નિને અર્પણ કરી દીધા.પરંતુ માત્ર પરિક્ષા કરવા માટે આવેલા ભગવાન વીરબાઈમાતાને ઝોળી ધોકો દઈને જતાં રહ્યા.તે દિવસથી ઈશ્વરે આપેલી ઝોળી અને ધોકો આજે પણ મંદિરમાં પૂંજાય છે.

જલારામબાપાના મંદિરમાં ઊંચ,નીચ,ધર્મ કે જાતિના ભેદભાવ વગર દરેકને પ્રસાદ લેવાની છૂટ છે. જલારામબાપા નીચા ઘાટના હતાં,નહિ દુબળા કે નહિ જાડા.ગોઠણ સુંધીનું તેમનું અંગરખું અને ટૂંકી પોતડી તેઓ પહેરતા હતાં,માથે મોટી પાઘડી બાંધતા હતાં.એક હાથમાં લાકડી રાખતા અને આખો દિવસ માળા ફેરવતા તેઓ રામનું નામ લેતા હતાં. જલારામબાપાએ ભજન કરતા કરતાં સં.1937 ને મહાવદ દશમને 81 મા વરસે વૈકુઠવાસ કર્યો હતો. એમ કહેવાય છે કે –

જલારામ બાપાના ભંડાર અખૂટ છે, તેમનું નામ અમર છે, કીર્તિ અખંડ છે.
પૂજય રણછોડદાસજી મહારાજના શબ્દોમાં કહું તો-
પરદુઃખ દેખે દવે હિય, સંતન સૌ અતિ પ્રીત,
ભૂખે કો ચૂકડા મિલે, બના, જલા કી રીત,
જય જલારામ, જય જલિયાણ.

વીરપુર એ જલારામ બાપાની તીર્થભૂમિ છે. અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી જુનાગઢ જતા રસ્તામાં વચ્ચે જ વીરપુરનું સ્ટેશન આવે છે. વીરપુર જવા માટે બસો પણ આખા ગુજરાતના કોઈ પણ સ્થળેથી હવે તો આસાનીથી મળી રહે છે. સ્ટેશને ઉતરીને ગામ તરફ જતા માત્ર 10 મીનીટ ચાલવાથી જલારામ અતિથિ ગૃહ આવી જાય છે. તેમાં 100 થી પણ વધારે ઓરડીઓ આવેલી છે. આ ધર્મશાળામાં અતિથિઓ માટે ગાદલા,ગોદડા,વાસણો, ધોડિયા વગેરેની સેવાઓ મળી રહે છે.જો કે હવે તો આ યાત્રાઘામની ખ્યાતિ દેશ વિદેશમાં પણ એટલી બધી વિસ્તરી છે કે દાનનો વિશાળ પ્રવાહ અત્યારે મંદિર ચાલુ જ રહેતો હોય છે. તેથી યાત્રાળુઓનો ઘસારો વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. આ ઘસારાનો લાભ લઈને હવે સ્થાનિક જગ્યામાં ઘણી બધી હોટલો ઉપરાંત પ્રાઈવેટ ગેસ્ટ હાઉસો પણ એટલા બધા ખુલી ગયા છે કે રહેવા માટે કોઈ વિકલ્પ વિચારવાનો રહેતો નથી, જલારામ બાપાના મંદિરમાં બારે મહિના 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે જ્યા દરેકે દરેકને જમવાનું મળી રહે છે જેના બદલામાં તમારે જે કાંઈ પણ દાન દક્ષિણા આપવી હોય તે ઈચ્છાનુસાર ત્યાં ભેટ આપી દઈએ તે ચાલે છે.અત્યારના સમયમાં પણ લોકોમાં એવી માન્યતા રહેલી છે બાપાની બાંધા રાખવાથી મનની ઈચ્છાઓ પુરી થાય છે.

આમ જલારામ બાપાનું આ વિશાળ મંદિર શાંતિ, સંતોષ અને ત્યાગની અનુભૂતિ કરાવે છે. જો કે અત્યારે એક વાત ખાસ નોંધનિય છે કે શ્રદ્ધાળુઓનો દાનનો પ્રવાહ અત્યાર સુધીમાં એટલી વિશાળ માત્રામાં આવ્યો છે કે હાલની પરિસ્થિતિએ કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ સ્વીકારવામાં આવતી નથી.આવા સંતોષની ચરમસીમાં એ ખરેખર વિરલ વ્યક્તિઓના સ્થાનોમાં જ બનતી હોય છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators