ઈતિહાસ

ભુલાઈ ગયેલી પત્ર લખવાની પરંપરા

Indian Post Card

આજે ઈન્ટરનેટ, ઇમેલ અને વ્હોટસ એપના યુગમાં, લાગણીની અભિવ્યક્તિ તો થાય છે, પણ, એ ઉષ્મા નથી રહી જે પત્રોના આદાન પ્રદાનમાં હતી, જે જે મિત્રોએ પ્રેમ-પત્રો લખ્યા હશે, તે સર્વ મિત્રો મારી વાત સાથે સહમત થશે કે, પત્રો લખવાની , લખીને મઠારવાની અને પત્રનો જવાબ આવે તેના ઇન્તઝારમાં વિતાવેલી પળોનો રોમાંચ અને નિર્ભેળ આનંદ કેવો હતો..!!

પત્ર વ્યવહારે જયારે સાહિત્યનુ સ્વરૂપ પકડવા માંડ્યું ત્યારે તે ”પત્ર સાહિત્ય ” તરીકે વર્ગીકૃત થયુ, પત્ર-સાહિત્યની વાત આવે ત્યારે નજર સામે,   રાજવી કવિ  કલાપીના પત્રો આવ્યા વગર રહે જ નહિ, તેમના 2-પત્ર સંગ્રહો બહાર પડ્યા છે, કાશ્મીરનું પ્રવાસ વર્ણન, તત્વજ્ઞાન વિષયક નિબંધ, અને પત્ની, પ્રેમિકાને લખેલા રસિક અરસિક શુંગારક પત્રો, મિત્રો અને ગુરુજનોને લખેલા, 800 થી વધુ પત્રો, એટલે ગુજરાતી ભાષા સાહિત્યનો ”લાગણીઓ નો ધોધ અને ઊર્મિઓનો ખજાનો”
આજે તેમના થોડા પત્રોનો આસ્વાદ કરીએ….


કાશ્મીર પ્રવાસ દરમિયાન લાહોરની એક હોટેલમાંથી કલાપીએ મોધીબાને લખેલા એક પત્રની -ઝલક


”મોંઘી, બેટા કહી તને કે’દી બોલાવીશ? પાણી પા, હાથ ધોવરાવ, ટુવાલ લાવ એમ તને કે’દી કહીશ? મેં તને ક્યારેય રોવરાવી નથી, હેરાન કરી નથી ,પણ કદાપી ભણાવતા ભણાવતા માથામાં ટાપલી મારી હોય તો માફ કરજે .. આ પત્રમાં મોંઘી પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે,પરંતુ નજર સામે મોટી થતી જતી મોંઘી પ્રત્યે ક્યારે પ્રણય ભાવ કવિના હૃદયમાં જાગ્યો, એ તેમને પણ ખબર નાં પડી…


”વ્હાલી ” તને નહિજ ગમતું હોય, મ્હારું જીવન તો હવે સર્વત્ર આનંદમય થઇ રહ્યું છે, મને તારી પાસે કે તારા થી દુર પણ સદા ભરપુર આનંદ રહે છે, કેમકે હું જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખું છું, ત્યાં ત્યાં ચોગમ તારા જ પ્રફુલ દર્શન ભમી રહ્યા છે, મીઠી છોડી, પ્રભુ તને સુખ આપે – સદાનો તારો સુરસિંહ


પટ્ટરાણી આનંદીબા સાથે ક્યારેક જ કોઈ અંગત પળો માણી હોય અને તેને મમળાવતાં પત્રો લખ્યા છે …


”પ્રાણ આત્મા ”
વ્હાલી, અહી મીત્ર છે , બધું છે, પણ વ્હાલી – આત્મા નથી . તેની ખોટ પૂરી પાડનાર કોઈ નથી . આપણા સુવાના ઓરડામાં બેસી આ કાગળ લખું છું ,બધું આંખ આગળ તરી આવે છે. પ્રાણ એ વખતતો હવે ગયો જ, આ આવાસમાં જ આપણો સંયોગ થયો, રાજકોટમાં આપણા પૂર્ણ પ્રેમનું બીજ રોપાયું.. રોપનાર તો ઈશ્વર પણ….. – તારો સ્નેહાધીન : સુરસિંહ


બાકી આનંદીબાને લખેલા પત્રો એક ઔપચારિક વ્યવહાર જેવા લખાયેલા જોવા મળે છે ..


”પ્યારી” તમારા હાથના લખેલા પત્ર નથી, તેથી મારા મનમાં તબિયત વિષે હજી શંકા રહે છે, તેથી જો બની શકે તો હાથે જ કાગળ લખવા, મારી તબિયત સારી છે . તમારી તબિયત હવે બિલકુલ સારી હશે !! – લી : સુરસિંહ


રોહાના કુંવરી રમાબા તેજ્તરાર, સ્વરૂપવાન, અને લગ્ન-સુખ મ્હાણવાની તમામ કળાઓ જાણતા હતા, કલાપી માટે એ ” કાર્યેષુ મંત્રી, ભોજ્યેશું માતા, અને શયનેષુ રંભા ” સમાન હતા તેથીજ કલાપીની આસક્તિ તેમના તરફ વધુ હતી, રમાબા વગરનું જીવન કલાપી કલ્પી પણ નહોતા શકતા, લગ્ન પછી રાજકોટમાં અભ્યાસ દરમિયાન રમાબાનો વિયોગ તેમને વિહવળ કરી દેતો, એવું તો તેમના કેટલાય પત્રોમાંથી ફળીભૂત થાય છે તેમના માટેની પ્રબળ ઝંખના વ્યક્ત કરતા કલાપીના શબ્દો વાચકોને પણ વિયોગનું અ-સુખ અનુભવાતું હોય તેવી પ્રતીતિ કરાવે છે ‘રંભાની રસિકતા રમાબામાં અને એ કારણે રમાંબાનું અસ્તિત્વ કલાપી માટે, નાગપાશ સમાન હતું, તેમની રમાબા માટેની ઝંખના સહરાની તરસથી વધારે હતી…. કાશ્મીરના પ્રવાસ દરમિયાન તેમણે રમાબાને કેટલીય વાર લખ્યું હતું કે ” તારા વિરહની વેદનાની શુળ એટલી તીક્ષણ છે કે, હું જીવતો લાઠી પાછો આવીશ કે કેમ એ મને શંકા છે ” આ રહી રમાબાને લખેલા પત્રોમાં છલકતી રસિકતા 


” દીલજાન ” તમારામાં એ જાતનો લોહચુંબકનો ગુણ મુક્યો છે જે મ્હારા મનને ખેંચી હંમેશા તમારી પાસે જ રાખે છે,, જોર કરવું એ એક જાતનું કષ્ટ છે તો જેમ લોઢું લોહચુંબકને નહિ મળે, ત્યાં સુધી ,લોઢું અને લોહચુંબક એ બન્નેમાનું એકપણ સ્થિર રહેશે નહિ, તેમ જ્યાં સુધી આપણે નહિ મળીયેત્યાં સુધી આપણાંમાનું એકનું મન સુખી રહેશે નહિ ”

એજ લાંબા પ્રેમપત્રમાં શૃંગાર રસ છલકાવતા કલાપી લખે છે ….

ખેર! હું અધરામૃતથી હંમેશા તૃષિત છું, તે મારી તૃષા ક્યારે મટે ? જયારે મ્હારી પ્રાણથી વધારે પ્રિય એવી મારી રંભાને મળું ત્યારે !! એ મધથી ઇન્દ્ર જેવા પણ તૃપ્ત થયા નથી તો હું કોણ? માત્ર?

હવે મારા મનના અને પ્યારના બે-ભાગ થયા છે . પહેલાતો ચોપડીઓ જ મ્હારા મનને શાંત કરતી પણ હવે તેનું પરાક્રમ તમે છીનવી લીધું છે..

અહો !! વલ્લભા !! આ સાડાત્રણ માસ ક્યારે વીતશે ? અને ક્યારે હું આવીને તમને આલિંગન કરું !!

કોલેજની રજાઓમાં લાઠીમાં કરેલા આનંદપ્રમોદ પછી ફરી રાજકોટ જતા ”વિરહી કલાપીએ રમાબાને લખ્યું ”

”પ્રાણપ્રિયે ”અહાહા ! હું કઈ સ્થિતિમાં હતો , હાલ કઈ સ્થિતિમાં છું , ને હવે મને પરમેશ્વર કઈ સ્થિતિમાં મુકશે? એક વખત હું મારી પ્રાણથી પ્યારીની પાસે બેસી, હસી, રમી ,જમી, સુઈ, આળોટી, અતિશય આનંદમાં જ મસ્તી કરી, સુખ ભોગવતો હતો . વળી કોઈ વખતે તેમાં આનંદી, કોઈ વખત રીસથી ઊંચા ચડેલા, તો કોઈ વખતે પ્રેમથી આતુર થયેલા, તો કોઈ વખતે રતી સમાગમ થી તૃપ્ત થયેલ કટાક્ષની ખૂબી નીરખી આનંદ પામતો વળી તેના પરવાળા જેવા હોઠમાંથી અતિ મધુર, સુખકર અમૃતનો સ્વાદ અનુભવતો, તે કેટલો મધુર ……

ટ્રેનમાં મારી શું હાલત હતી ? એક કોચ પર પડ્યો પડ્યો ”મારી પ્યારીનું આવું મુખ – એ મુખ ચંદ્ર પણ નહિ ,તેમ સુર્યપણ નહિ,, કારણકે તેમાનું કશું મને એટલું સુખ આપતું નથી, આવું તેનું નાક ,,આવા તેના પ્રીતથી ભર્યા મૃગનયન – જે મને હમેશાં આનંદ ઉપજાવતા હતા !! આવા તેના કોમળ હાથીની સૂંઢ જેવા હસ્ત જે મને વેલની માફક વીંટળાય દાબતા હતા, આવા કેળના થંભ જેવા તેના પગ પર રહી તેને દબાવતા હતા ,, આવું તેનું વિશાળ થયેલું પેટ, આવા પાકી ગયેલી કેરી જેવા સ્તન અને પેટના ભારથી લચકાતી કમર , વિચાર કરી સુખ લેવા મથતો હતો, પણ આ સુખ કેવું ?? ધુમાડાના બાચકા જેવું !! સાચું સુખ તો પ્રિયા સાથે રહ્યું !!


કિશોર વ્યાસ


કલાપીના અમર-આત્માની ક્ષમા યાચના સાથે… કારણકે તેમણે આ પત્રો લખ્યા હશે ત્યારે તેમને કલ્પના પણ નહિ હોય કે તેમના મૃત્યુના 115-વર્ષ પછી કોઈ ફેસબુક જેવા જાહેર માધ્યમમાં આ રીતે જગ-જાહેર કરશે

Poems of Kalapi on Facebook: kalapi.the.poet.of.love

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators