Manoj Khanderia
કલાકારો અને હસ્તીઓ

કવિ શ્રી મનોજ ખંડેરિયા

કાઠીયાવાડનું ખમીર જુનાગઢ માં જન્મેલા –કવિ શ્રી મનોજ ખંડેરિયા


વેબ સાઈટ: manojkhanderia.com


કવિ શ્રી મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના એક અગ્રણી સર્જક છે. ગુજરાતી કવિતા ક્ષેત્રે સાતમા દાયકામાં સક્રિય થયેલા ને પછીથી પોતાની આગવી કવિવ્યક્તિતા સ્થિર અને સિદ્ધ કરી ચૂકેલા કવિ શ્રી મનોજ ખંડેરિયાનું કાવ્યસાહિત્યના ઇતિહાસમાં માનભર્યું સ્થાન છે. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ છે.

ઈ.સ. ૧૯૪૩ની છઠ્ઠી જુલાઈએ જૂનાગઢ મુકામે મનોજ ખંડેરિયાનો જન્મ. પિતા વ્રજલાલભાઈ અને માતાનું નામ વિજયાબહેન. પિતાજી મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. પરિણામે એમને ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ, જામનગર જેવા અનેક શહેરોમાં સ્થળાન્તર કરવાનું બનતું રહ્યું. આ વિવિધ સ્થળોએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લઈને તેઓ ૧૯૬૫માં બી.એસસી.ની પદવી મેળવી. ૧૯૬૭મા એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો. સાથોસાથ કેટલોક સમય વાણિજ્ય કાયદાના વિષયનું અધ્યાપનકાર્ય પણ એમણે કર્યું. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે પણ સંકળાયા. અલબત્ત, ઉદ્યોગ નિમિત્તે પથ્થરની સાથે પનારો પાડવા છતાં પણ, સૌ કોઈએ હંમેશા એમની વ્યક્તિતા અને કવિતામાં તો પુષ્પસહજ સુકુમારતાનો જ અનુભવ કર્યો છે.

નરસિંહની ભૂમિમાં જન્મ અને ગઝલ મળવાને પરિણામે પોતાની જાતને ધન્ય સમજતા કવિ શ્રી મનોજ ખંડેરિયાનો જૂનાગઢ સાથેનો મજ્જાગત એવો અનુબંધ રહ્યો છે. એમના સર્જક-વ્યક્તિત્વને ઘડવામાં પણ જૂનાગઢના સાહિત્યિક વાતાવરણનો જબરો હિસ્સો છે. અહીં, ‘મંગળવારિયું’ અને ‘મિલન’ સંસ્થાના નેજા હેઠળ કવિ મિત્રો મળતા. એ નિમિત્તે મનોજભાઈના આરંભકાલીન કાવ્યસર્જનને કાવ્યમર્મજ્ઞ પ્રો. તખ્તસિંહ પરમારના સાહિત્યિક સૂચન-માર્ગદર્શનનો લાભ મળ્યો. આ ઉપરાંત મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ કે પાજોદ દરબાર – કવિ શ્રી રુસ્વા મઝલૂમી જેવા સર્જકોનો સંપર્ક-સંસર્ગનો પણ એમને લ્હાવો મળ્યો.

મનોજભાઈ અને તેમના પત્ની પૂર્ણિમાબહેન સાથે મૈત્રીપૂર્ણ દામ્પત્યજીવન. વહાલસોયા સંતાનો વાણી-ઋચા-અભિજાત અને પૌત્રી હ્રિષા પણ એટલાં જ પ્રેમાળ. મનોજભાઈને પૂજ્ય મોરારીબાપુ અને વંદનીય શ્રી નાથાલાલ જોષી જેવા સંતના આશીર્વાદ પામવાનું સદભાગ્ય મળ્યું: તો રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, અનિલ જોશી, ચિનુ મોદી, પ્રફુલ્લ નાણાવટી જેવા સર્જકોનું સખ્ય પણ સાંપડયું. આ ઉપરાંત સુરેશ દલાલ, રઘુવીર ચૌધરી, ચંદ્રકાન્ત શેઠ, ધીરુ પરીખ, કુમારપાળ દેસાઈ, વિનોદ જોશી, હરિશ્ચન્દ્ર જોશી જેવા અન્ય અનેક સાહિત્યકારોને પણ મનોજભાઇ પ્રત્યે નિર્વ્યાજ અને નિતાન્ત પ્રેમ.

મનોજ ખંડેરિયાએ કાવ્યસર્જનના શ્રીગણેશ તો ૧૯૫૬-૧૯૬૦ થી કર્યા હતા, પરંતુ કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની પરમાર સાહેબની – ગુરુજીની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર, ૧૯૬૫ માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દિવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ ના ‘કુમાર’ માં પ્રકાશન પામી. ચારેક દાયકાના સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના સુફળરુપે મનોજભાઈ પાસેથી ‘અચાનક’ (૧૯૭૦) અને ‘અટકળ’ (૧૯૭૯) કાવ્યસંગ્રહો; અંજની કાવ્યો નો સંગ્રહ ‘અંજની’ (૧૯૯૧) તેમજ કેવળ ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત (૧૯૯૧) સાંપડે છે. ‘કોઈ કહેતું નથી’ (૧૯૯૪) નામે એમની ગઝલોનું સંપાદન પણ થયું છે, કવિની તમામ પ્રકારની રચનાઓમાંથી સવાસો કાવ્યો ‘એમ પણ બને’ (૨૦૦૪) શીર્ષકથી સંપાદિત થયો છે. ‘ક્યાંય પણ ગયો નથી’ કવિનો છેલ્લો ગઝલસંગ્રહ છે. કવિના ‘અચાનક’, ‘અટકળ’ અને ‘અંજની’ સંગ્રહો અનુક્રમે ગુજરાત રાજ્ય સરકાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે; તો ‘હસ્તપ્રત’ને અકાદમી અને પરિષદ બંનેના પારિતોષિકો મળ્યા છે. ૧૯૯૯માં આઈ.એન.ટી. (મુંબઈ) દ્વારા કલાપી એવૉર્ડ અર્પણ કરીને, કવિની સર્જકપ્રતિભાનું યથોચિત અભિવાદન થયેલું. એવૉર્ડની પૂરેપૂરી રકમ એમણે આઈ.એન.ટી.ને પરત કરી અને એમાંથી વર્ષ દરમ્યાન પ્રગટ થયેલા ઉત્તમ ગઝલસંગ્રહને ‘બાલાશંકર કંથારિયા પારિતોષિક’ આપવાનું સૂચન કર્યુ. કવિની હયાતીમાં જ જાહેર થયેલો ૨૦૦૨ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક પણ એમના પરિવારજનોને અર્પણ કરવામાં આવ્યો. કવિના સત્વશીલ સર્જક કર્મની એ રીતે વ્યાપક સ્તરે આદરપૂર્વક નોંધ લેવાતી રહી છે. આ સાથે તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી એમણે નિર્ભર રહીને અને નિષ્ઠાપૂર્વક રીતે બજાવેલી.

સાચા સર્જકને છાજે એવા સંયમ અને વિવેક પણ મનોજ ખંડેરિયાના આગવા ગુણ. ખોટી વાહવાહથી સર્જકને માર પડે છે એવી એમની દ્રઢ માન્યતા હતી અને અંદરની ‘નીડ’ જણાય કે અનિવાર્યતા ઊભી થાય ત્યારે જ લખવું જોઇએ એવી એમની સ્પષ્ટ સમજ હતી. લખ્યા પછી પણ, તરત જ અને બધું જ પ્રગટ કરવાને બદલે એ રચનાના હીરની પોતાને પ્રતીતિ થાય પછી જ પ્રગટ કરવું એવી પક્વતા પણ તેઓ ધરાવતા હતા. સિલેક્શન-રિજેક્શનનો એમનો વિવેક જબરો હતો.

મનોજ ખંડેરિયાનાં વ્યક્તિત્વ અને કૃતિત્વ વચ્ચે પણ અવિનાભાવી એવો અનુબંધ. પીંછા સમી મૃદુતા અને કમળતંતુ સમી મુલાયમતા એમની વ્યક્તિતા અને કવિતાના પોતીકા લક્ષણો. એમના પ્રત્યક્ષ-પરોક્ષ પરિચયમાં આવનાર સૌ કોઈ સ્વાભાવિક રીતે જ, એમના વ્યક્તિત્વથી અંજાય ને એમના મુલાયમ કવિત્વથી પણ ભીંજાય. સરળતા અને સહૃદયતા, મનોજભાઈના વ્યક્તિત્વ સાથે અવિનાભાવે જોડાયેલાં ગુણ-લક્ષણો. એમને મળનાર સૌ કોઇ, એક મોટા ગજાના કવિની સરળતા-સાલસતા વિશે સુખદ આશ્ચર્ય અનુભવે. શ્રી અને સરસ્વતીનો ભાગ્યે જ જોવા મળતો મણિકાંચનયોગ મનોજભાઇમાં થયેલો. પરંતુ શબ્દ અને સંપત્તિની અઢળક સમૃદ્ધિની વચ્ચે પણ તેઓ હંમેશા જાતને જળકમળવત્ રાખી શક્યા. એમને ન તો શબ્દનું ચપટીકેય ગુમાન કે ન તો સંપત્તિનું લેશમાત્ર અભિમાન.

પ્રેમના પ્રદેશના આવા મૃદુ માણસને કેન્સરનું દર્દ હોવાનું નિદાન થયું ત્યારે સૌ કોઇએ આંચકો અનુભવ્યો. જોકે બધાને પ્રેમથી વશ કરનાર મનોજભાઈએ, અસાધ્ય વ્યાધિને પણ વશ કરી લીધો હતો ને સફળતાપૂર્વકના ઓપરેશન બાદ તબીબોએ પણ એમને ચિંતામુક્ત જાહેર કર્યા હતા. પરંતુ તેમ છતાંય એકાએક જ કોણ જાણે કેમ આ કવિ અચાનક આપણી વચ્ચેથી એમ જ ઊઠી ગયા!

‘આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ ,
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.
સમૃદ્ધિ આ અખંડ દીવાની તને દઈ-
ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ.’

(ક્યાંય પણ ગયો નથી)

– એવું કહેનારા ‘અચાનક’ ના કવિ સત્તાવીસમી ઑક્ટોબર, ૨૦૦૩ ની વહેલી સવારે અચાનક જ ચાલ્યા ગયા! એમના અવસાન પછીથી ત્રણ સંગ્રહ બહાર આવ્યા એમના પરિવારજનો અને સહૃદયોની મહેનતથી – ‘વરસોનાં વરસ લાગે’ (મનોજ ખંડેરિયાની સમગ્ર કવિતા), ‘શબ્દ જન્મ્યા પરવાળામાં (મનોજ ખંડેરિયાના કાવ્યોનો આસ્વાદ), ‘હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે’ (મનોજ ખંડેરિયા વિશેના સ્મરણલેખો-અભ્યાસલેખો).

મનોજ ખંડેરિયાનાં ગીત, અંજની ગીત, ગઝલ કે છાંદસ-અછાંદસ કાવ્યોમાંથી પ્રગટ થતા રમણીય રૂપો કવિને, એક નિતાંત સૌન્દર્યરાગી કવિ તરીકેની પ્રતિષ્ઠા અપાવે છે. એમના કાવ્યોમાંની સૂક્ષ્મ સંવેદનશીલતા અને શુદ્ધ સૌન્દર્યાભિમુખતા, ઇન્દ્રિયગ્રાહ્યતા – કલ્પનરાગિતા અને પ્રતીકાત્મકતા કવિની નિજી વ્યક્તિતા ઉપસાવે છે. એમાંયે સૌન્દર્ય-સુકૌમાર્યના ગુણથી સોહતી એમની ગઝલ વિશેષ સ્પ્રુહણીય બને છે. પીંછાં સમી મૃદુ અને કમળતંતુ સમી મુલાયમ ગઝલોથી ગઝલ-કવિતાને રળિયાત કરતાં મનોજ ખંડેરિયા ગુજરાતી ગઝલનું નાજુક-નમણું સીમાચિન્હ બની રહેશે.


ગુજરાતી સાહિત્ય પરિષદ
સવિશેષ પરિચય:મનોજ ખંડેરિયા
ખંડેરિયા મનોજ વ્રજલાલ (૬-૭-૧૯૪૩) : કવિ. જન્મ જૂનાગઢમાં. ૧૯૬૧માં એસ.એસ.સી. ૧૯૬૫ માં બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢથી રસાયણશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્ર વિષયો સાથે બી.એસસી. ૧૯૬૭માં એલએલ.બી. ૧૯૭૨ થી ૧૯૮૪ સુધી લૉના ખંડસમયના વ્યાખ્યાતા. સાથે સાથે ૧૯૬૮ થી વકીલાત.

આધુનિક કવિતાના ભાગરૂપે આવેલી નવી ગઝલના કેટલાક પુરસ્કર્તા કવિઓમાં એમનું સ્થાન છે. નાજુક અભિવ્યક્તિ અને પ્રયોગમુખર બન્યા વગર સંવેદનશીલ રીતે ઊભા થતા ભાષાકર્મથી એમની ગઝલોનો વિશેષ કમાલ છે. સૌરાષ્ટ્ર અને ખાસ તો જૂનાગઢના અધ્યાસોનો વિનિયોગ પણ એમની ગઝલોમાં વિશિષ્ટ બન્યો છે. ‘અચાનક’ (૧૯૭૦)માં ‘પીછું’ કે ‘રસ્તા વસંતના’ જેવી ગઝલો કે ‘શાહમૃગો’ જેવી લાંબી રચના સર્જકતાની એંધાણી આપે છે. ‘અટકળ’ (૧૯૭૯) સંગ્રહમાં ‘ક્ષણોને તોડવા બેસું તો’ જેવી અત્યંત સર્જક ગઝલ સાંપડે છે. આ ઉપરાંત કેટલાંક ગીતો અને અછાંદસ રચનાઓ છે. અંજનીગીતના પ્રયોગો ઝાઝા સફળ નથી છતાં ધ્યાન ખેંચે છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા

અટકળ (૧૯૭૯) : મનોજ ખંડેરિયાનો કાવ્યસંગ્રહ. અહીં ૭૨ ગઝલો-મુકતકો, ૧૧ ગીત, ૧૦ અછાંદસ અને ૭ દીર્ઘકાવ્ય રચનાઓ સંગૃહિત છે. ગઝલની સંખ્યા તેમ જ ઈયત્તા સૂચવે છે કે સર્જકનો મુખ્ય ઝોક ગઝલ પરત્વે છે. શબ્દનું ગયા ભવનું લેણું ચૂકવવા કાવ્યસર્જન થઈ રહ્યું છે-એવી કવિશ્રદ્ધા વ્યકત કરતાં સંખ્યાબંધ શેર અને ગઝલો સંગ્રહની વિશિષતા બને છે. ‘વરસોના વરસ લાગે’ એવી સુદીર્ઘ રદીફ-કાફિયા ધરાવતી ગઝલથી આરંભાતો કવિનો આ બીજો સંગ્રહ તેમની વિકાસગતિ પણ આલેખે છે.
– રમેશ ર. દવે