સેવાકીય કર્યો

ભગવાનનો ભાગ

Meena Ben Fatepara

અચૂક વાંચો મીના બહેનની સેવાભાવની વાત

રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય નામની શાળામાં મીના નામની એક વિદ્યાર્થીની પોતાની નાની બેન સાથે અભ્યાસ કરતી હતી. પપ્પા સામાન્ય નોકરી કરે અને મમ્મી બીજાના ઘરના કામ કરવા જાય. એકવાર પપ્પા ખુબ બીમાર પડ્યા એમને હોસ્પીટલમાં દાખલ કર્યા. મમ્મીએ પપ્પાની સેવામાં રહેવું પડતું અને બીજાના ઘરના કામ બંધ થતા આવક પણ બંધ થઇ. બંને બહેનોની ફી ભરી શકાય તેમ ન હતી આથી એક શિક્ષિકાબેનની મદદથી બધી જ વિદ્યાર્થીનીઓએ ફાળો કરીને આ છોકરીઓની ફી ભરી. બીજા એક શિક્ષિકાએ મીનાને ટોણો માર્યો ‘ ફી ભરવાની ત્રેવડ ન હોય તો લોકો શું કામ સારી શાળામાં ભણવા આવતા હશે ‘ બસ મીનાએ આ જ સમયે નક્કી કર્યુ કે જ્યારે હું મોટી થઇશ ત્યારે જેની ફી ભરવાની ત્રેવડ ન હોય એવા હોશીયાર વિદ્યાર્થીઓને સારી શાળામાં ભણાવવાની વ્યવસ્થા મારે કરવી છે.

આજે મીનાબેન પોતાના પતિ અને 2 સંતાનો સાથે રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહે છે. બ્યુટી ટ્રીટમેન્ટની સેવા ઘરે-ઘરે જઇને આપે છે અને મહીને 12000 થી 15000 કમાઇ લે છે. રોજની જેટલી કમાણી થાય એ બધી જ કમાણી સાંજે ઘરમાં રાખેલા ભગવાનના મંદિરમાં મુકવાની અને પછી એમાથી 10% રકમ જુદી કાઢીને એક ડબ્બામાં રાખવાની. આ ડબ્બા પર લખ્યુ છે ‘ ભગવાનનો ભાગ ‘. આ રકમનો કોઇ અંગત ઉપયોગ નહી કરવાનો પણ જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને સીધી જ મદદ કરવાની.

ભગવાનના ભાગની આ રકમમાંથી મીનાબેન આજે ઘણી વિદ્યાર્થીનીઓની ફી ભરે છે. એમની શેરીમાં આવતા કામવાળા બેન કે કચરો લેવા આવતા બેનની દિકરીઓના ભણવાના સ્પોન્સર મીના બહેન છે. મીનાબેનના પતિ મહીને માત્ર 4000ની એક કારખાનામાં મજુરી કરે છે આથી ઘણીવારએ મીનાબેનને કહે , ” તું આ સેવા રહેવા દે અને આપણા માટે બચત કર. ” મીનાબેન હસતા હસતા જવાબ આપે , ” હું જેટલુ કમાઉં છું એના 9 ભાગ તો મારી પાસે રાખુ છુ એક ભાગ તો કોઇ બીજા માટે વાપરવો જોઇએ ને! ”


મીનાબેનના દિકરાને કાનનું ઓપરેશન કરાવવાનું હતુ તો એમણે પોતાની સોનાની બે ચેઇન પણ વેંચી નાખી હતી પણ પછી આ ભગવાનનો ભાગ બંધ કરીને ચેઇન લેવાની એને ક્યારેય ઇચ્છા નથી થઇ. એકવાર એની દિકરીએ ઘરે આવીને કહ્યુ , ” મમ્મી, અમારી સ્કુલમાં 8-10 છોકરીઓ એવી છે જે આવી કડકડતી ઠંડીમાં પણ સ્વેટર પહેર્યા વગર જ આવે છે. એને ઠંડી નહી લાગતી હોય ? ” મીનાબેને જાત તપાસ કરતા ખબર પડી કે એ છોકરીઓ સ્વેટર ખરીદી શકે એવી સ્થિતીમાં નથી તો મીનાબેને તાત્કાલિક એમના માપના 10 સ્વેટર ખરીદીને શાળાને આપ્યા.આવા તો અનેક કાર્યો સતત થતા રહે છે.

મિત્રો , ભગવાનના નામે ઉઘરાવવામાં આવતો ભગવાનનો ભાગ પણ પોતે જ ખાઇ જાય એવા લોકોના સમાજ વચ્ચે મીનાબેન ફતેપરા જેવી વ્યક્તિઓ સમાજ માટે યથાશક્તિ કંઇક કરીને એના અવર્ણનિય આનંદની અનુભૂતિ કરે છે. કરોડોની કટકી કરતા અધિકારીઓ, લાખોની લુંટ કરતા વેપારીઓ અને મસમોટો પગાર લઇને પણ કંઇ ન કરતા કર્મચારીઓને ‘ ભગવાનના ભાગ ‘ વિચાર કેમ નહી આવતો હોય?

સૌજન્ય: શૈલેશ સગપરીયા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators