ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ

નવલખા સૂર્યમંદિર

Navlakha Sun Temple
નવલખા સૂર્યમંદિર

 

Navlakha Sun Temple
નવલખા સૂર્યમંદિર

જેઠવા-જાડેજાની લડાઈમાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલું સુંદર નવલખા સૂર્યમંદિર

ભારતના નકશા મુજબ પશ્ચિમમાં હસ્તસંપુટનો આકાર રચતો સૌરાષ્ટ્ર પ્રદેશ ખરેખર ખોબા જેવડો જ લાગે, પરંતુ આ ખોબામાં ૫૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન સાંસ્કૃતિક વિરાસત અને પાષાણયુગ સુધી પગેરું પહોંચાડતાં ઐતિહાસિક તવારીખનાં જળ છલોછલ ભર્યાં પડ્યાં છે. અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, વઢવાણ, ભૂજ જિલ્લાઓની સીમાઓને નાનકડું પતંગિયું પણ મોજથી ઊડતાં ઊડતાં જ ફરી વળે. સીમાઓને જળથી પખાળતો સાગર, ગીરમાં ડણકતો વનરાજ, મીઠાં જળ વહાવતી અનેક નદીઓ, નદીઓના મૂળ સમા ડુંગરા – પર્વતો, મૃગજળમાં સ્નાન કરતું કચ્છનું રણ અને મુઠ્ઠી ઊંચેરાં મનેખથી ઊભરાતા આ પ્રદેશની અનેક અજાયબીઓ છે. આજે ઘુમલી-ભુમલી ગામના પાદરમાં બરડા ડુંગર પર સૂર્યકિરણને ગર્ભમાં પ્રવેશ આપતા એક પુરાણા સૂર્યમંદિરે જવું છે. જામનગર અને પોરબંદરના સીમાડા પર તે આવ્યું છે. બન્ને જિલ્લાના લોકો કોઈ વિવાદ વગર ‘આ મંદિર તો અમારું’ કહે છે. નવલખા મંદિર તરીકે પણ લોકો તેને ઓળખે છે. સૌરાષ્ટ્રના લોકોમાં સ્વતંત્રતા તેજ સ્વભાવ છે. નાનાં નાનાં રજવાડાં અને ટુકડાં ટુકડાં ખેતરો તેની પ્રતીતિ આપે છે. જેઠવા અને જાડેજા વચ્ચેની લડાઈઓ અને હારજીતની વાત આપણે નથી કરવી. તેના ઝઘડામાં વિનાશ અને નિર્માણના ઈતિહાસની મૂંગી વ્યથા સાચવી બેઠેલા સુંદર સૂર્યમંદિરની વાત કરવી છે. ૧૧મી સદીમાં ઘુમલી ગામમાં આ નવલખા સૂર્યમંદિરનું નિર્માણ જેઠવા વંશના રાજાઓ દ્વારા થયું. ૧૩મી સદીમાં જાડેજાઓએ તેનો ધ્વંશ કર્યો. બરડા ડુંગર પરનું આ મંદિર, આશાપુરા માતાજીનું મંદિર અને વિકી વાવ અહીંનાં આકર્ષણ સ્થાનો છે. જૂનામાં જૂનું સૂર્યમંદિર અને ઊંડામાં ઊંડી પુરાતન વાવ તરીકે આ સ્થાપત્યોની નામના છે. આશાપુરામા આશપૂર્તિ માટે જૂનું શ્રદ્ધાસ્થળ છે.

પ્રવેશતાની સાથે આ પૂર્વાભિમુખી ભવ્ય નવલખા સૂર્યમંદિરનું ૧૫૦૦૦ ચોરસ ફૂટનું વિશાળ તલથર અને કીર્તિ તોરણનું સ્વાગત જ શ્રદ્ધાળુ અને સ્થાપત્યપ્રેમીઓને પ્રવાસ સફળ થયાના અણસારથી વધાવે છે. ઊંચા તલથરની નીચેની પડથારની દીવાલો પર સૂંઢને એકબીજામાં ભેરવી બે પડછંદ હાથીઓ પૂર્ણ બળથી બાખડતા હોય તેવું શિલ્પ જાણે તે સમયકાળની માનસિકતાનું પ્રતીક તો છે જ પણ સાથે સાથે સોલંકીકાળના મારુ-ગુર્જર સ્થાપત્યશૈલીનું પ્રતીક પણ છે. બે માળમાં વિભાજિત આ મંદિર વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરની ભવ્યતા સામે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરતું ઊભું છે. અહીં ભદ્રગવાક્ષમાં બ્રહ્મા અને સાવિત્રીનાં, પશ્ચિમ ભાગમાં શિવ અને પાર્વતીનાં અને ઉત્તર ભાગમાં લક્ષ્મી અને નારાયણનાં સુંદર શિલ્પો છે. અહીં ઘણા શિલ્પો ભગ્ન હાલતમાં પણ છે જેની હવે ગુજરાતના પુરાતત્ત્વ વિભાગ દ્વારા કાળજી લેવાઈ રહી છે. તલથર પર અદ્ભુત કોતરણીયુક્ત સ્તંભો છે. વિશાળ સભાગૃહ, શૃંગાર ચોકીઓ – નૃત્યમંડપો, પ્રદક્ષિણાયુક્ત સ્તંભો છે. વિશાળ સભાગૃહ, શૃંગારચોકીઓ – નૃત્યમંડપો, પ્રદક્ષિણાપથ, ઝરૂખાઓ અને તેનાં શિલ્પો આંખો માટે આનંદનો પ્રસાદ લઈ ઊભાં છે. સમય આગળ ધક્કો ન મારે તો આંખ એનાથી અળગી ન થાય. ગર્ભગૃહની કલ્પનાથી સંતોષ માનવો રહે તેવો ધ્વંશ થયો છે. તે સમયે નવ લાખ રૂપિયા કરતાં વધુ લાગતથી આ મંદિરનું નિર્માણ થયું હતું. અર્થશાસ્ત્રીઓ આજની કિંમત પ્રમાણી શકે, પરંતુ અવશેષોથી પણ આ મંદિર અમૂલ્ય બની રહ્યું છે. મંદિરની બહાર અને અંદર, લાલભૂખરા રંગના પથ્થરોના કણ કણ કોતરણીના કસબની મૌનવાણીથી ઘણું કહે છે. કર્ણથી નહીં આંખ અને મનથી એ સંભળાશે. સ્થાપત્યના આ ઉત્તમ ઉદાહરણની પ્રતીતિ કર્યા પછી પરિસરમાં જ ઘુમલી ગણેશનું મંદિર પણ જોવાલાયક અને સુંદર છે.


બરડા ડુંગરની આજુબાજુનો પ્રદેશ ગાઢા જંગલથી ઘેરાયેલો છે. ગીરના જંગલના સિંહોને વધારાના વસવાટ તરીકે અહીંની ભલામણ થઈ છે. અહીં વનશ્રીની વિવિધ રંગલીલા જોવી ગમે તેવી આકર્ષક હોય છે. વરસાદની ઝરમરમાં કે વરસાદ પછી પ્રકૃતિ અહીંના માનવકૃત સ્થાપત્યને વધાવવા વધુ સૌંદર્ય વિખેરે છે જાણે જોવા, માણવા સહુને નિમંત્રે છે.

શિલ્પસંવાદ – કનુ સૂચક (સ્થાપત્યક્ષેત્રના પર્યવેક્ષક)
મુંબઈ સમાચાર.કોમ

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators