ઇસરદાન ગઢવી ના પડછંદ અવાજે ચારણી શૈલીમાં ગવાયેલી હનુમાન ચાલીસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ.
બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર.
બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જય હનુમાન જ્ઞાન ગુન સાગર.
જય કપીસ તિહુઁ લોક ઉજાગર
રામદૂત અતુલિત બલ ધામા.
અંજનિ-પુત્ર પવનસુત નામા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
મહાબીર બિક્રમ બજરંગી.
કુમતિ નિવાર સુમતિ કે સંગી
કંચન બરન બિરાજ સુબેસા.
કાનન કુંડલ કુંચિત કેસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ.
કાઁધે મૂઁજ જનેઊ સાજૈ.
સંકર સુવન કેસરીનંદન.
તેજ પ્રતાપ મહા જગ બન્દન
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
વિદ્યાવાન ગુની અતિ ચાતુર.
રામ કાજ કરિબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા.
રામ લખન સીતા મન બસિયા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા.
બિકટ રૂપ ધરિ લંક જરાવા
ભીમ રૂપ ધરિ અસુર સઁહારે.
રામચંદ્ર કે કાજ સઁવારે
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
લાય સજીવન લખન જિયાયે.
શ્રીરઘુબીર હરષિ ઉર લાયે
રઘુપતિ કીન્હી બહુત બડાઈ.
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
સહસ બદન તુમ્હરો જસ ગાવૈં.
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં
સનકાદિક બ્રહ્માદિ મુનીસા.
નારદ સારદ સહિત અહીસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જમ કુબેર દિગપાલ જહાઁ તે.
કબિ કોબિદ કહિ સકે કહાઁ તે
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા.
રામ મિલાય રાજ પદ દીન્હા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
તુમ્હરો મંત્ર બિભીષન માના.
લંકેસ્વર ભએ સબ જગ જાના
જુગ સહસ્ર જોજન પર ભાનૂ.
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં.
જલધિ લાઁઘિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જેતે.
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
રામ દુઆરે તુમ રખવારે.
હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહૈ તુમ્હારી સરના.
તુમ રક્ષક કાહૂ કો ડર ના
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
આપન તેજ સમ્હારો આપૈ.
તીનોં લોક હાઁક તેં કાઁપૈ
ભૂત પિસાચ નિકટ નહિં આવૈ.
મહાબીર જબ નામ સુનાવૈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
નાસૈ રોગ હરૈ સબ પીરા.
જપત નિરંતર હનુમત બીરા
સંકટ તેં હનુમાન છુડાવૈ.
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
સબ પર રામ તપસ્વી રાજા.
તિન કે કાજ સકલ તુમ સાજા.
ઔર મનોરથ જો કોઈ લાવૈ.
સોઇ અમિત જીવન ફલ પાવૈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
ચારોં જુગ પરતાપ તુમ્હારા.
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે.
અસુર નિકંદન રામ દુલારે
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા.
અસ બર દીન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા.
સદા રહો રઘુપતિ કે દાસા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
તુમ્હરે ભજન રામ કો પાવૈ.
જનમ-જનમ કે દુખ બિસરાવૈ
અન્તકાલ રઘુબર પુર જાઈ.
જહાઁ જન્મ હરિ-ભક્ત કહાઈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
ઔર દેવતા ચિત્ત ન ધરઈ.
હનુમત સેઇ સર્બ સુખ કરઈ
સંકટ કટૈ મિટૈ સબ પીરા.
જો સુમિરૈ હનુમત બલબીરા
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જૈ જૈ જૈ હનુમાન ગોસાઈં.
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈં
જો સત બાર પાઠ કર કોઈ.
છૂટહિ બંદિ મહા સુખ હોઈ
hanumaan-chalisa-01 hanumaan-chalisa-01
જો યહ પઢૈ હનુમાન ચાલીસા.
હોય સિદ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા.
કીજૈ નાથ હૃદય મઁહ ડેરા
hanumaan-chalisa-01
પવનતનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ.
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ
Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના
Madhavpur Ghed

સ્થળ:
માધવપુર ઘેડ (Madhavpur Ghed) ગામ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયનાં પોરબંદર જિલ્લાનાં પોરબંદર તાલુકામાં આવેલું મહત્વનું દરિયાકાંઠાનું ગામ છે. આ ગામ પોરબંદર શહેરથી આશરે ૬૦ કિ.મી.નાં અંતરે પાકા ડામર માર્ગે જોડાયેલ છે. જયાં પહોંચવા માટે એસ.ટી.બસ અથવા ખાનગી વાહન દ્વારા જઈ શકાય છે. તેનાં આજુબાજુનાં પંથકને ઘેડ પ્રદેશ તરીકે ઓળખાય છે. સિંહોની ત્રાડ જેવા ઘુઘવાટા કરતો પશ્ચિમ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, લીસી રેશમ જેવી રેતી, અફાટ જળરાશિ, નાળિયેરીના અખુટ વન અને અમાપ લીલોતરીથી આંખો અને હદયને ભરી દેતુ માધવપુરનું કુદરતી સૌંદર્ય ચારે તરફ પથરાયેલ જોવા મળે છે. આ ભુમિ ખાસતો ભગવાનશ્રી કૃષ્ણની લગ્નભુમિ તરીકે વધારે પ્રખ્યાત છે. મધુવંતી ને વન મધુ, ત્રીજા દરિયાલાલ; મધમીઠાં જીવતર તિહાં, જિહાં માધવ પરમ કૃપાલ. આ ગામમાં આંગણવાડી, તાલુકા પ્રાથમિકશાળા, હાઈસ્કુલ, દુધની ડેરી, બસસ્ટેશન, હોસ્પીટલ વગેરે સગવડો આવેલી છે.

ગામનો ઈતિહાસ:
રાજાશાહીના સમયમાં માધવપુર ગામ ઉપર પોરબંદરના જેઠવા રાજપુતોનું રાજ હતું. તેઓને “મહારાજા રાણાસાહેબ” નો ખિતાબ પણ મળેલ હતો. જેથી તેઓ રાણા તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત માધવપુર ઘેડ કાંપવાળો ફળદ્રુપ પ્રદેશ હોવાને લીધે વસ્તીની સઘનતા છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન, માછીમારી, બેલાની ખાણ તેમજ ટ્રન્સપોર્ટનો છે.
ચોમાસામાં નદીઓના પાણી ઘેડમાં ભરાઈ રહે છે. ચોમાસુ ઉતરતા અહીં વાવણી શરૂ થાય છે. જેથી વાવણી પછી પાકને પાણી ઓછુ પાવુ પડે છે. અહીં કાંપનાં ભેજને કારણે મોલ પાકે છે. જે માધવપુર ઘેડ પંથકની એક આગવી ખાસિયત છે. તેમજ સૌરાષ્ટ્રમાં પ્રાચીન દ્વારકા જે કેટલાક સ્થળોએ હોવાનો દાવો થાય છે. તેમાં માધવપુર પણ એક છે. ઘેડપંથકની ઘણી જગ્યાએ એક હજાર વર્ષ પહેલાનાં અવશેષો મળી આવે છે.

ઘેડ પ્રદેશની ઓળખ:
માધવપુર ગામની આજુબાજુનો વિસ્તાર ઘેડ તરીકે ઓળખાય છે, તેની પણ એક અલગ વિશેષતા છે. સામાન્ય રીતે કોઈ પણ નદીનાં મુળથી મુખ સુધીમાં ત્રણ ભાગ હોય છે. જે ગિરિપ્રદેશ, મેદાન પ્રદેશ અને મુખ પ્રદેશ. જેમાં મુખ પાસે નદીનો વેગ ધોમો હોય છે. તેમાં કાંપને ઘસડી જવાની શક્તિ નથી હોતી. આથી મુખ પાસે કાંપ એકત્ર થતો જાય છે. નદીના આવા ભાગને ઘેડ કહે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકાથી સોમનાથ સુધીના વિસ્તારમાં બે ઘેડ મુખ્ય છે. એક બરડાઘેડ અને બીજો સોરઠઘેડ. સાની, સોરઠી અને વરતુનો ઘેડ તે બરડાઘેડ, પોરબંદર, કુતિયાણા, કેશોદ અને માંગરોલ, જૂનાગઢ જિલ્લો તાલુકાનાં નીચાણવાળા પ્રદેશમાં ભાદર નદી, ઓઝત નદી અને મધુવંતી નદીના ઘેડ પ્રદેશ આવેલા છે. પશ્ચિમ કાંઠાનો આ સૌથી મોટો ઘેડ છે.
ભાદર નદીથી બનતા ઘેડને ભાદરકાંઠો તથા ઓઝત નદી અને મધુવંતી નદીથી બનતા ઘેડને ઘેડ કહેવાય છે. ઘેડનો વિસ્તાર જયાંથી પુરો થાય, ત્યાંથી અલગ પડતા પ્રદેશને નાઘેડ કહેવાય છે. આમ ઓઝત-મધુવંતીનો માધવપુર ઘેડ તેના પ્રાચીન ધાર્મિક સ્થળોને કારણે ધર્મારણ્ય લેખાયો છે. આ પ્રદેશનાં મુખ્ય સંપ્રદાયો રામદેવપીર, સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ છે. ઘણા વૈષ્ણવ કવિઓ આ પંથકે પકવ્યા છે. વેલાબાવા અને રામૈયા જેવા સંતો ઘેડની નિપજ છે. મેર જ્ઞાતિમાંથી આઈ લીરબાઈમાં જેવા સ્ત્રીસંત પણ ઘેડમાં જન્મયા છે. અમરપુરી, મોતીગર, તપસી મહારાજ, યોગી વસનગર, રામગર, નેભાભગત વગેરે..જેવા તેજસ્વી ભકતોની વાણી માધવપુરનાં ગામડાઓમાંથી વહી છે.

શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર:
માધવપુર ઘેડમાં શ્રી માધવરાયજીનું પૌરાણિક મંદીર આવેલું છે,આ ભગ્નમંદીર સોલંકી ઢબનું ચૌદમી પંદરમી સદીનું ગણાય છે. મંદીર ઉતમ શિલ્પખચિત છે. તેની પ્રાચીનતા અને કલાસમૃધ્ધિ નયનાર્ષક છે. સમુદ્રકિનારા પર રેતીથી અર્ધ દટાઈને ઈતિહાસ જાળવીને હજુ પણ આ મંદીર બેઠુ છે. મંદીરનું શિખર વર્તુળાકાર છે. પુર્વે ઉત્ખન્ન દરમિયાન મંડોવરનો મહત્વનો નીચેનો ભાગ દટાયેલો મળી આવ્યો હતો. તેની આસપાસ જીર્ણવાવ, સપ્તમાતૃકા અને અન્ય મંદીરના ભગ્નાવશેષો પણ મળીઆવેલા છે. માધવરાયજીનાં આ મંદીરને ૧૬ થાંભલા છે. ૧૬ થાંભલાયુકત મંડપ “સિંહમંડપ” તરીકે જાણીતો છે. તેમાંના આઠ થાંભલા શિખરને ટેકવે છે. બાકીનાં આઠ સ્તંભ મંડપ તથા પ્રવેશની છતને ટેકવે છે.
માધવરાયજીનું આ જુનુ મંદીર પુરાતત્વનાં અવશેષરૂપે સાચવવામાં આવેલુ છે. નવું મંદીર લગભગ સતરમી સદીમાં બનાવેલુ છે. જે પોરબંદરનાં રાણા વિકમાતજી અને રૂપાળીબાએ બંધાવી આપેલ છે. આ નવા મંદીરમાં જુના મંદીરની જ પ્રતિમા (મુર્તિઓ) પધરાવવામાં આવેલ છે. કહેવાય છેકે સૌરાષ્ટ્રનાં વિખ્યાત બહારવટીયા મુળુ માણેક અને જોધા માણેક અહીં આવીને પ્રાચીન મંદીર પર ભગવાન કૃષ્ણની ધજા ફરકાવી ગયેલા હતા. હાલ આ મંદીરનો વહીવટ ખુબજ સરસ રીતે શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ સંભાળે છે. દર વર્ષે ભરાતા મેળા અને રૂક્ષ્મણી વિવાહનુ સુંદર આયોજન પણ ટ્રસ્ટ જ કરે છે.

માધવપુરનો મેળો:
પ્રારંભ
મનુષ્યનું જીવન વેદના અને સંવેદનાથી પસાર થાય છે. લોકો પોતાની વેદના અથવા આનંદ વ્યકત કરતા રહે છે. વ્યકત કરવા માટેનું માધ્યમ કાવ્ય કે લેખ બને છે અને અનુભવવા માટે અલગ અલગ જગ્યાએ યોજાતા મેળાઓમાં જાય છે. આમ પણ પ્રાચીનકાળથી જ ભારતમાં સૌથી વધુ મેળાઓ થાય છે. આમ સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મેળાઓ ભરાય છે, જેવાકે ભાદરવા સુદ ૫ એટલેકે ઋષિપંચમીના દિવસે તરણેતરનો મેળો યૌવન,રંગ,રૂપ,મસ્તી,લોકગીત,દુહા અને લોકન્રૂત્યનો મેળો ભરાય છે. જયારે બીજો ગરવા ગિરનારની ગોદમાં મહા વદ ૧૪ એટલેકે મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે. જયારે અહીં માધવપુરમાં ચૈત્ર સુદ ૯ એટલેકે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભકિત-કીર્તનનો પાંચ દિવસનો માધવપુરનો મેળો ભરાય છે. જે ચૈત્ર સુદ ૧૩ નાં દિવસે પુર્ણ થાય છે. કહેવાય છેકે આ મેળાની શરૂઆત લગભગ તેરમી સદીની આસપાસથી થઈ હશે.

ઐતિહાસિક કથા અને મહત્વ
વિશ્વમાં ઉજવાતા અલગ અલગ ઉત્સવોની પાછળ કાંઈકને કાંઈક કથાઓ જોડાયેલી છે. તેવીજ રીતે માધવપુર ઘેડમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી નાં લગ્ન પ્રંસંગની સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ વિદર્ભનાં રાજકુંવરી રૂક્ષ્મણીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિ નાં દિવસે ભરાતા ભવનાથનો મેળા માંથી અપહરણ કરીને શ્રીકૃષ્ણ માધવપુર લઈ આવેલ. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતાં. ત્યાર પછીથી તેમની યાદમાં દરવર્ષે અહીં ભારતીય શાસ્ત્રોકત વિધીથી લગ્નની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આ લગ્નમાં દેશવિદેશથી દરેક જ્ઞાતિનાં લોકો જોડાય છે, જેથી અલગ અલગ ક્ષેત્રનાં લોકો આ મેળામાં આવતાં હોવાથી દરેક પ્રદેશનાં પોશાકો, ભાષા, રિતરીવાજ તેમજ કૌશલ્ય જોવા મળે છે. આ લગ્ન પ્રંસંગની ઉજવણી બધાજ લોકો સાથે રહીને કરે છે. આમ પ્રાચીન સમયથી ચાલી આવતી લગ્ન પરંપરાને જીવંત રાખતો આ મેળો ઉજવાય છે.

પ્રંસંગો અને ઉજવણી
ભારતીય સંસ્કૃતિમાં લગ્નપ્રંસંગ એ બધાનાં જીવન સાથે વણાઈ ગયેલ છે. જે આદિકાળથી દેવી દેવતા અને સામાન્ય મનુષ્યમાં એમ દરેકનાં જીવનની સુમધુર ઉજવણી છે. આમ ભગવાન વિષ્ણુ નાં અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણને લાડ લડાવવા તેમનાં લગ્નની યાદની ઉજવણી માધવપુર ઘેડમાં પાંચ દિવસ ચાલે છે. આ મેળાનું સુંદર આયોજન અને બધી વ્યવસ્થા શ્રી માધવરાયજી મંદીર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. જેમાં આજુબાજુનાં ગામનાં સેવકો તથા મંડળોને અલગ અલગ સમિતીઓ બનાવીને જુદાજુદા વિભાગની જવાબદારીઓ સોપવામાં આવે છે. આ ઉપરાંત બહેનોને લગતી જવાબદારીઓ ત્યાનાં ધુનમંડળની મહિલાઓ ને સોપવામાં આવે છે. મેળામાં ફજર ફારકાઓ, વિવિધ પ્રકારની ચકરડીઓ, મેળામાં આવેલા રબારી, ઘેડીયા કોળી, મેર વગેરે જેવી જ્ઞાતિનાં લોકો પોતાનાં પરંપરાગત પોશાકની વેશભુષાથી સજ્જ થઈને અલગ અલગ જાતનાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજે છે.

(૧) શ્રી ગોપાલ લાલજીનું ફુલેકું :- શ્રી ગોપાલ લાલજી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપ. માધવપુરનો આ લોકમેળો ચૈત્ર સુદ ૯ એટલે કે રામનવમીનાં દિવસે સવારથી જ શરૂ થઈ જાય છે. જેથી ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ મેળાની રંગત જામતી જાય છે. તો બીજી બાજુ મંદીરમાં ભગવાનનાં ફુલેકાની તૈયારી શરૂ થઈ જાય છે. રામનવમીની સાંજે આ ફુલેકાની શરૂઆત થાય છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાય છે અને કિર્તનો અને લોકગીતો ની રમઝટો બોલે છે. આ ફુલેકું શ્રી માધવરાયજીનાં મંદીરેથી નીકળીને પુર્વનાં દરવાજા બહાર ઉતર બાજુનાં પૌરાણિક બ્રહ્મકુંડનાં પુર્વ કાંઠા પર આવેલ પાંચ પાંડવની દેરીઓ પાસે લાવવામાં આવે છે. આ દરમિયાન થોડાથોડા અંતરે રાસમંડળીઓ જમાવટ કરે છે. તે સમયે શ્રી ગોપાલ લાલજી મહારાજની મુર્તિનાં દર્શન કરીને લોકો કૃતાર્થ થાય છે. આમ ફરતા ફરતા કિર્તનોની રમઝટ વચ્ચે વરણાગી (પાલખી) અગીરેક વાગ્યાનાં સમયે પરત પોતાનાં નીજ સ્થાને પહોંચે છે. ફુલેકાનો આ ક્રમ ચૈત્ર સુદ ૯, ચૈત્ર સુદ ૧૦ અને ચૈત્ર સુદ ૧૧ આમ ત્રણ દિવસ ચાલે છે.

(૨) જાનનું આગમન અને સ્વાગત :- ભગવાનનાં ફુલેકાનાં ત્રણ દિવસની ઉજવણી પુર્ણ થયા બાદ ચૈત્ર સુદ ૧૨નાં દિવસની સવારે પોરબંદરનાં રાજવી પરીવાર દ્વારા મોકલાવામાં આવેલ ધજા લઈને માધવપુરની બાજુમાં આવેલ કડછ ગામનાં લોકો આવે છે. સૌ પ્રથમ મંદીરનાં ભકતજનો તરફથી ધજાનું વાજતે ગાજતે સામૈયું કરવામાં આવે છે. ત્યારબાદ આ ધજા શ્રી માધવરાયજી મંદીર ઉપર શાસ્ત્રોકત વિધી કરીને પછી ચડાવવામાં આવે છે. આ પ્રંસંગ પત્યા બાદ લોકમેળોતો ચાલુ જ રહે છે.
સાંજનાં ચારેક વાગ્યાનાં સમયે શ્રી માધવરાયજીનાં નવા મંદીરનાં પ્રાંગણમાં મોટો સમીયાણો ગોઠવવામાં આવે છે. ત્યાંથી બે ઘોડાઓવાળા લાકડાનાં શણગારેલા રથમાં ભગવાનનાં બે ફુલેકા નીકળે છે. આ પ્રંસંગ પછી તરત જ ભગવાનશ્રી કૃષ્ણની જાન પરણવા માટે વરઘોડા સ્વરૂપે મંદીરેથી નીકળે છે અને તે જયાં શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીનાં લગ્ન થયા હતાં તે જગ્યા રૂક્ષ્મણીમઠ ખાતે પહોંચે છે. આવા ખુશીનાં લગ્નોત્સવ પ્રંસંગે લોકો ઢોલ, શરણાઈ, નગારા તેમજ અલગ અલગ પ્રકારનાં વાંજીત્રો વગાડીને કિર્તન અને લગ્નગીતો ગાતા જાય છે અને આનંદવિભોર બની જાય છે. દુલ્હેરાજાનાં રથને ગામનાં પાદરથી હિમારીનાં વડ સુધી દોડાવવામાં આવે છે અને ત્યા વડ પાસે થોડો સમય રોકવામાં આવે છે. ત્યારબાદ વરઘોડાનાં રથની સાથે માનવમેદની મધુવન પહોંચે છે. જયાં વરરાજાની જાનનું ભવ્યાતીભવ્ય રજવાડી ઠાઠમ ઠાઠથી સ્વાગત (સામૈયું) કરવામાં આવે છે.

(૩) લગ્નવિધી પ્રંસંગ :- વરરાજાની જાનનાં સ્વાગત પછી દુલ્હેરાજા ભગવાન શ્રીકૃષ્ણને વિવાહ મંડપમાં લઈ આવવામાં આવે છે. જયાં વરરાજાને પોખવાની ભવ્ય વિધી કરવામાં આવે છે. આ વિધીનો લાભ લેવા માટે લોકો દ્વારા પૈસાની ઉચી બોલી બોલાય છે, જે પૈસાનો વધારે ચડાવો કરે તેને આ લાભ આપવામાં આવે છે. આ વિધી પુર્ણ થયાબાદ ભારતીય સંસ્કૃતિ મુજબ પરંપરગત શાસ્ત્રોકત વિધીથી લગ્નવિધી શરૂ થાય છે. આ દરમિયાન કન્યાપક્ષ એટલેકે માંડવાપક્ષનાં મહેમાનો અલગ બેસે છે અને વરપક્ષનાં મહેમાનો તેની સામેની બાજુએ પોતાનુ સ્થાન લે છે. લગ્નવિધી દરમિયાન બન્ને પક્ષ તરફથી વારાફરતી ફટાણાઓ (લગ્નગીત) ગવાય છે.
જેમ જેમ લગ્નવિધી આગળ ચાલતી જાય છે તેમાં કંસાર પીરસવાની વિધી, મંગલફેરાની વિધીઓ આગળ ચાલે છે. જે રીતે હિન્દુસમાજમાં લગ્ન માટેની જે વિધીઓ છે તેનો સંપુર્ણ અમલ થાય છે. આવા શુભ પ્રંસંગે બધાને પ્રસાદની પણ વ્યવસ્થા સરસ રીતે કરવામાં આવે છે. આમ કિર્તનો અને લગ્નગીતોની રમઝટ વચ્ચે લગ્નવિધી પુર્ણ થાય છે.

(૪) કન્યાવિદાય પ્રંસંગ :- મનુષ્યનાં જીવનમાં આવતો આ એક એવો કરૂણ પ્રંસંગ છે જે દરેક માણસને અંદરથી હચમચાવી નાખે છે. ખાસ કરીને આ પ્રંસંગ કોઈપણ દિકરીનાં બાપને વધારે દુ:ખ દે છે. આથી માધવપુરમાં ભલે આ લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીનાં હોય, પરંતુ તેમાં એકમય થયેલા દરેક માણસો આ પ્રંસંગે હર્ષ અને દુ:ખનાં આંસુ પાડીને કૃતાર્થ થાય છે. વાત પણ સાચી છે ને કે ક્યો એવો નિસ્ઠુર બાપ હોય જે પોતાની દિકરીનાં વિદાય પ્રંસંગે ના રડે ? સામાન્ય રીતે જાન વિદાયનાં સમયે જેવી રીતે બે વેવાઈઓ સામ સામે બાથ ભીડીને કરૂણ પ્રંસંગે એકબીજાને દિલાસો આપે છે, તે જ રીતે માધવપુરનાં પાદરમાં આવા દ્રશ્યો ખડા થાય છે. આમ તે રાત મધુવનમાં પસાર કરે છે. અને સવારે જાન પરણીને પરત જાય છે.
આમ ભગવાન શ્રીકૃષ્ણની જાન પરણીને પરત નીજ મંદીરે આવે છે. અહીં આવ્યાબાદ ફરીથી જાનનાં આગમન પ્રંસંગને અનુરૂપ રજવાડી ઠાઠથી સામૈયા થાય છે. જેમાં પણ ઢોલ શરણાઈ અને સંગીતનાં શુરો રેલાવીને લોકો આનંદમાં ડુબી જાય છે. આ પ્રંસંગની સમાપ્તીની સાથે જ મેળો પણ પુર્ણ થાય છે. આ દરમિયાન માધવપુર પધારેલા સૌલોકો આ લગ્નોત્સવનો અને મેળાનો આનંદ માણે છે. ખરેખર આવા મેળાઓ મનુષ્યનાં જીવનને આનંદથી ભરી દે છે અને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપે છે.

માધવપુરમાં દેવસ્થાનો:
માધવપુરમાં મુખ્યતો માધવરાયજીનું મંદીર આવેલુ છે. આ ઉપરાંત કપિલમુનિની દેરી, પાંચ પાંડવની દેરી, ગુજરાતમાં જમણી શુંઢના ગણેશના મંદીરો જુજ છે. તેમાંનુ એક મંદીર આવેલુ છે, આ મંદીરમાં ગણેશનાં ઘણા શિલ્પો છે. જેથી તે ગણેશજાળુ તરીકે પ્રખ્યાત છે. ગદાવાવ, બ્રહ્મકુંડ, પાળીયા, બળદેવજીનો મંડપ, રેવતીકુંડ, રામદેવપીરનું મંદીર દર્શનીય છે. આ ઉપરાંત વૈષ્ણવોનાં મહાપ્રભુજી ની ૮૪ બેઠકોમાંની ૬૬ મી બેઠક અહીં માધવપુરમાં આવેલી છે. શ્રી ઓશો આનંદ આશ્રમ પણ આવેલો છે. જયાં દેશ વિદેશમાંથી આ આશ્રમની મુલાકાતે આવે છે આમ પણ માધવપુરનો બીચ ખુબજ નયનરમ્ય છે. ગામથી થોડે દુર મધુવંતી નદીને કિનારે સુર્યમંદીર આવેલું છે. જયાં ભાદરવા સુદ અગિયારસે નદીકાંઠે મેળો ભરાય છે. તે દિવસે શ્રધ્ધાળુ ભકતો વરાહકુંડ, ગોમતીકુંડ, જ્ઞાનવાવ, મધુવંતી નદી તથા સમુદ્રસંગમે સ્નાન કરી કૃતકૃત્યતા અનુભવે છે.

માધવપુરની આસપાસનાં ધાર્મિક સ્થળો:
આ ગામથી થોડે દુર મધુવન (રૂપેણવન) આવેલું છે. આ વનમાં મધુ નામનો દૈત્ય રહેતો હતો અને કૃષ્ણએ તેનો સંહાર કરેલો. દૈત્યનાં નામ ઉપરથી મધુવન નામ પડ્યુ તેમજ મધુ દૈત્યનો સંહાર કર્યો એટલે કૃષ્ણ મધુસુદન કહેવાયા તેવી લોકવાયકા છે. અહીં નિલકંઠ મહાદેવનું પ્રાચીન સ્થાનક આવેલ છે.
આ ગામની નજીકમાં દિવાસા ગામ છે. જે ગામમાં દાડમા દૈત્યની જગ્યા આવેલી છે. કૃષ્ણએ દાડમા દૈત્યનો અહીં સંહાર કર્યો હતો તેમ મનાય છે. દિવાસા ગામમાં જુના સમયનો દરબારગઢ પણ આવેલો છે, જેની શિલાઓ ખુબજ મોટી અને જુની હોય તેવુ જણાય છે.
ઘેડ પંથકમાં બળેજ ગામ આવેલુ છે. બળેજનાં મંદીરમાં જુનાં સમયનુ પથ્થરનું અદભુત તોરણ જોવાલાયક છે. જૈતમાલનો પાળિયો પણ શૌર્યગાથાઓની યાદ અપાવે છે.
ઘેડમાં માંગરોલનાં રસ્તે મુળ માધવપુર ગામમાં અગિયારમી સદીનું ભગ્ન વિષ્ણુ મંદીર આવેલુ છે. જે તેનાં ઘુંમટનાં નાગદમનની કલાકૃતિ છે તે શિલ્પનો શ્રેષ્ઠ નમુનો છે. આમ પુરાવશેષોની દ્રષ્ટિએ માધવપુર પંથક સમુધ્ધ છે, તો માધવરાયજી મંદીરને કારણે તે જીવંત તિર્થધામછે.
માધવપુરની બાજુમાં આવેલા ઘોડાદર ગામે જય ગંજપીરની જગ્યા આવેલી છે. જયાં ફાગણ વદ ૧ એટલેકે ધુળેટી નાં દિવસે મેળો ભરાય છે, જે મેળાને લોકો આસ્થાનો મેળો કહે છે. આ મેળાની વિષેસતા એ છે કે લોકો આ દિવસે ગંજપીરને સાકર, ખજુર અને શ્રીફળની માનતા ચડાવે છે. આ મેળામાં લોકો એકસાથે ખુબજ મોટી સંખ્યામાં માનતા ચડાવતા હોવાથી સાકર, ખજુર અને શ્રીફળને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. માનતાનાં આ પ્રસાદને ઘોડાદર ગામની બહાર લઈ જવાની મનાઈ છે અને જો કોઈ લઈ જાય તો તે ગામની બહાર જઈ શકતા નથી. જેથી જે પ્રસાદ વધે તે પશુઓને ખવડાવી દેવામાં આવે છે. આમ લોકો પોતાના કાર્ય સફળ થયાનો આનંદ વ્યકત કરે છે. અને આ મેળો સવારથી શરૂ થાય અને સાંજે પુર્ણ થાય છે.

 

PHOTO GALLERY: Madhavpur Ghed

Posted in ઈતિહાસ, ફરવા લાયક સ્થળો, શહેરો અને ગામડાઓ Tagged with: , , , , ,

Aai Shri Khodiaarખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર (સતર) ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.

આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ(પાણી ખેંચવાનું સાધન) ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને (પાણીનો હોંકરો)ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ, ખોડિયાર માતાજીનાં ગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.

હાલ, અહીં માટેલ તિર્થધામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પુરી પાડે છે. અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે. જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખુબ જ સુંદર સગવડ વિના મુલ્યે ઉપલબ્ધ છે. આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખુબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ઘણા લોકો દુર દુરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે. અહીં માતાજીની લાપસી નો પ્રસાદ ધરવામાં આવે છે. તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું (પ્રસાદ) આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે.

PHOTO GALLERY: Khodiyaar Mata Temple Matel

Save

Save

Save

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: , , ,

Sorath

સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય;
જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર.

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ..

સોરઠ ધરા ન સંચર્યો,ન ચઢ્યો ગઢ ગિરનાર,
ન નાયો દામો રેવતી, એનો એળે ગયો અવતાર.

વન આંબાસર કોયલું , ડગ ડગ પાણીડાં ઘટ ,
નકળંક કેસર નીપજે , અમારો સરવો દેશ સોરઠ .

અમારી ધરતી સોરઠ દેશની ઊંચો ગઢ ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નરને નાર.

સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.

સંચરી સોરઠ દેશ,જે નહી જુનાગઢ ગયો,
લીધો ન તેણે લેશ,સાર્થક ભવ સંસાર માં.

ધન્ય ધારા સોરઠ આપણી…

Posted in દુહા-છંદ Tagged with: , , ,
Mother and Child

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઇ બહેની લાવી;

કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઇનો લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા,
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે:

સહુ માતા ને ભગિની રે!
ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી;

ઉરની એકાન્તે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા:

વસમાં વળામણાં દેતા,
બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રૂધિર-છલક્તી ગજગજ પહોળી છાતી;

અધબીડ્યાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે:

કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની’
[૧૯૩૦]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં જન્મેલ ઝવેરચંદ મેઘાણી પચાસ વર્ષની વયે અવસાન પામ્યા. સૌરાષ્ટ્રની રસધાર કૃતિથી અત્યંત લોકપ્રિય બનેલ રાષ્ટ્રીય શાયર મેઘાણીની અમર કૃતિઓમાંની આ કૃતિથી બ્લોગ પર સાહિત્યયાત્રાની શરૂઆત કરું છું. Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. આ ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે.

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, લોકગીત, શૌર્ય ગીત Tagged with: ,