Temples Satadhar Dham

Gate to enter at Satadhar Dhamસતાધારની જગ્યાનું સ્થળ:
સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો ગિરનું જંગલ ત્યાંથી કપાતુ દુર નીકળી ગયુ છે. બારેમાસ વહેતી આંબાઝરના પહોળા સુકા પટમાં પથ્થરા ઊડી રહ્યા છે. એક કાળે ગિરનું જંગલ ઠેઠ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર, શીંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વહેતા હતાં. વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોતતી જગ્યાએ આપાગીગાએ સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતુ. અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ જ છે.

Sant Shri Aapa Giga at Satadhar Dhamસંતશ્રી આપાગીગા:
આપાગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપાદાનાએ તેનુ નામ લાખુ રાખ્યુ હતુ જેથી તે નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનુ નામ ગીગો રાખ્યું. મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપાદાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ.આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વરધણીને જેને ઓરતા હતા તે ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપાગીગાનો પ્રાદુર્ભાવ થયો.
આમ આપાગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપાદાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપાવિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયા રાખતા હતા. એક દિવસ આપાવિસામણે આપાદાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો મારો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપાદાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો. ત્યાર બાદ થોળા સમય પછી ગીગાને આપાદાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છુટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે કે મને નોખો થવાનુ કહો છો. ત્યારે આપાદાને હસતા હસતા કહ્યુકે ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભિયાગતોને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.
આમ આપાગીગા પોતાના ગુરૂ આપાદાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરીભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી ૧૦૮ ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ. થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે. આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર ના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારેતરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલુ સદાવ્રત અને અભ્યાગતોનો આદર-સત્કાર એકધારી ચાલી આવે છે.

Samadhi Satadhar Dhamસંત પરંપરા:
સતાધારની જગ્યામાં આપાગીગા પછી તેમના શિષ્ય કરમણભગત સતાધારની ગાદીએ આવ્યાં. તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષમણબાપુ ગાદીએ આવ્યા. શ્રી લક્ષમણબાપુપણ એક પ્રતાપી સંત થયા જે ૩૨ વર્ષ ગાદીએ રહ્યા. ત્યાર બાદ તેમના શિષ્ય એવા મહાન સંતશ્રી શામજીબાપુ ગાદીએ આવ્યા તે સતાધારની ગાદીએ ૩૧ વર્ષ સુધી મહંત પદે રહ્યા. સતાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિધ્ધિ શામજીબાપુએ અપાવી હતી. તેઓ પાંચ વર્ષની ઉંમરે સતાધારની જગ્યામાં આવ્યા હતા. તેમના ગુરૂશ્રી લક્ષમણબાપુએ તેમને ઉછેર્યા અને પછીના સમયે તેમને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતાં. તે સમયે સતાધારની જગ્યા અને શામજીબાપુ એકબીજાના પર્યાય બની ગયા હતાં. એક સમયે ભારત વર્ષનાં સાધુસંતોએ અલ્હાબાદ ના કુંભના મેળામાં શામજીબાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કર્યુ હતું. આવુ સન્માન કોઇક સંતને ભાગ્યેજ મળતું હોય છે. આમ તે ઈ.સ.૧૯૮૩ ની સાલમાં ૭૮ વર્ષની ઉંમરે બ્રહમલીન થયા. શામજીબાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજબાપુને તિલક કરી ગાદીએ બેસાડયા હતાં.

Temples Satadhar Dhamદેવસ્થાનો અને ધર્મશાળા:
સતાધારની જગ્યામાં શ્રી હનુમાનમંદીર, શ્રી શિવમંદીર, શ્રી આપાગીગાનું સમાધીસ્થાન તેમજ તે જગ્યાનાં મહંતોની સમાધીઓ આવેલી છે. જેમ કાલાવડ પાસેની શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર માં શ્રી નાથજીદાદા ગુર્જર રાજપુતનાં ચૌહાણ શાખના હોવાથી ત્યા તે કુટુમ્બ દ્વારા જ ધજા ચડે છે તેવીજ રીતે સતાધારમાં પણ આપાગીગા ગધઈ સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. સતાધારનુ વિશાળ રસોડુ અને જબ્બર અતિથિગ્રૂહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ ત્રણથી ચાર હજાર માણસો નિરાંતે રહી શકે તેવા અતિથિગ્રૂહ છે જેનું નામ બ્રહમલીન શ્રી શામજીબાપુ નાં નામ ઉપરથી શ્યામભવન રાખવામાં આવ્યુ છે.
Ambazar river near Satadhar Dhamઆ સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે. તેના પર શ્રી શામજીબાપુએ ઘાટ, બગીચો અને કુંડ બનાવળાવ્યા છે. રાજુલાના પથ્થરમાંથી બનેલા આ ઘાટ હરદ્વાર, અલ્હાબાદ કે વારાણસીની યાદ આપે છે. શામજીબાપુએ પોતાના ગુરૂના નામથી તેનુ નામ લક્ષમણઘાટ રાખવામા આવ્યુ છે. તેમજ તેનાં સામા કાંઠે નયનરમ્ય સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે જે આંખોને ખરેખર શીતળતા આપે છે.

Satadhar Dhamઉજવાતા ઉત્સવો:
આ જગ્યામાં આમ તો કાયમી જુનાગઢનાં ગિરનારની પરકમ્મા તથા યાત્રાએ આવતા યાત્રાળુઓમાંથી મોટાભાગના સતાધારની જગ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. તેમજ આ જગ્યામાં અષાઢી બીજ, ભાદરવી અમાસ, કાર્તિકી પુર્ણીમા, દિવાળીનો પડવો અને શ્રાવણ માસ આખો અહીં ઉજવાતા મહત્વનાં તહેવારો છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર અને મનને શાંતિ આપનારુ પાવનકારી છે.

નહીં જેના દરબારમાં ભૂપત ભીખારીના ભેદ;
વાણીમાં ચારેય વેદ ગાતા સદગુણ ગીગવા.

આંબાઝરનો ઝીલણો નાવા સરખા નીર,
ધજા ફરુકે ધર્મની પરગટ ગીગો પીર,
સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘુર ગિર,
સરવા સતાધારમાં પરગટ ગીગેવ પીર.

PHOTO GALLERY: Satadhar

Posted in ઈતિહાસ, ફરવા લાયક સ્થળો, મંદિરો - યાત્રા ધામ, સંતો અને સતીઓ Tagged with: , , , ,

Somnath Mahadev Temple

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે.

પુરાણકથા
પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્‍નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું તેજ નાશ થઈ ગયું અને પૃથ્‍વી ઉપર અમૃત વરસાવવા ચંદ્ર અશક્ત થઈ ગયો. ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી ૨૭ પત્‍નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામવાળી પત્‍ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્‍ન રહેતાં. બાકીની ૨૬ પત્‍નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિ‘ પિતા દક્ષ દિકરીઓને દુ:ખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્‍નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહીઉ ૨૬ દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજે આથી ‘ચંદ્ર તારો ક્ષય થાવ‘ આવો શ્રાપ આપ્‍યો.
દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્‍ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્‍ટ થવા લાગી. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્‍વી અને અવકાશ વચ્‍ચેના આ સ્‍થળે પ્રભાની આશા સાથે તપસ્‍યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુન: પ્રભાયુક્ત થઈ ગયો અને ત્‍યારથી આ મુખ્‍ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્‍યાત થયું છે. ત્‍યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્‍થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્‍યું. ત્‍યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લીંગ ગણાય છે.

ઈતિહાસ
પ્રભાસ આ સમયકાળનું સૌથી વધારે પવિત્ર સ્‍થળ હતું પાપ નિવારણ કરવાનો આ ક્ષેત્રનો ગુણધર્મ હતો. કૃષ્‍ણ – બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખુબ જ પ્રિતિ હતી. ભગવાન શ્રી કૃષ્‍ણએ જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળીને દેહત્‍યાગ પણ અહીંજ કર્યો છે. દેવયોગે પ્રૌત્ર વ્રજનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું છે. પતન સંસ્‍કૃત શબ્‍દ છે જે ઉપરથી પાટણ થયું છે. યાદવોનાં પતન પછી ભગવાન શ્રી કૃષ્‍ણ દ્વારકા છોડીને આ સ્‍થળે વૃક્ષ નીચે, સ્થિર આસને આડો પગ રાખી બિરાજતા હતા ત્‍યારે જર નામના શિકારીનું બાણ આડા પગનાં તળીયામાં લાગ્‍યું. ભલ્‍લ કહેતા બાણથી ઘવાઈ શ્રી કૃષ્‍ણે દેહત્‍યાગ કર્યો તેથી ભાલકા તીર્થ કહેવાયું છે. અહિં ભગવાન શ્રી કૃષ્‍ણનાં આ અંતિમ સ્‍વરૂપનાં દર્શન થાય છે વેરાવળથી પાટણ જતા રસ્‍તામાં પ્રથમ ભાલકા તીર્થના દર્શન થાય છે.

શ્રી કૃષ્‍ણના નશ્વર દેહનો અગ્નિ સંસ્‍કાર થયો તે સ્‍થળ અરબી સમુદ્રના કાંઠે ત્રિવેણી સંગમ ઉપર છે. સરસ્‍વતી, કપિલા અને હિરણ નદીના ત્રિવેણી સંગમ સ્‍થાને આવેલ આ સ્‍થળને દેહોત્‍સર્ગ ક્ષેત્ર કહેવાયું છે. ઘાટ ઉપરનાં પીપળાનાં વૃક્ષને ભાવિકો પાણી સિંચે છે. આ સ્‍થળે શ્રી કૃષ્‍ણ ભગવાનનું સુંદર મંદિર છે. મંદિરનાં ૧૮ આરસનાં સ્‍તંભ ઉપર ગીતાનાં દરેક અધ્‍યાય કોતરેલા છે. જેથી ગીતામંદિર પણ કહેવાય છે. શ્રી કૃષ્‍ણના મોટાભાઈ બલરામજી પણ શ્રી કૃષ્‍ણની જીવન લીલા પુરી થતા, દેહોત્‍સર્ગનું અંતિમ કાર્ય પુરૂ કરી આ સ્‍થળેથી અતલ પાતાળમાં માનવ રૂપ બદલાવી શેષનાગના સ્‍વરૂપે પ્રવેશ કરી ગયા છે. આ સ્‍થળને બલદેવજીની ગુફા કહેવાય છે. અહીં શેષનાગની સિંદુર ચડાવેલ મૂર્તિ અને ગુફા વિવર છે.અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્‍ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્‍મી-વિષ્‍ણુનું સુંદર મંદિર છે. તથા અહીંયા વૈશ્નવાચાર્ય મહાપ્રભુ વલ્‍લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુની ૮૪ બેઠકમાંની એક બેઠકજી આ પાવન જગ્‍યાએ છે. આ સિવાય રૂદ્રેશ્વર મહાદેવ, જીર્ણ સૂર્ય દેવળ, શંકરાચાર્યજીની ગાદી, વેણેશ્વર મહાદેવ, દૈત્‍યસુદન વિષ્‍ણુનું મંદિર અને ભીડીયા પાસેના સમુદ્રનાં જળમાં બાણગંગા શિવલિંગ, ભીડીયા ગણેશજી, શશિભૂષણ મહાદેવ વગેરે પ્રાચીન પાવનકારી સ્‍થળો છે.

સોમનાથના બસ સ્‍ટેશન પાસે જ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દુર રાણી અહલ્‍યાબાઈનું સ્‍થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્‍ટ્ર સર કર્યું. ત્‍યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્‍યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ. સ. ૧૭૮૩માં બંધાવ્‍યું છે. નીચે ભૂગર્ભમાં ભવ્‍ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતે જ લઈ શકે છે. સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્‍યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચદન કાષ્‍ટનું વિશાળ શિવમંદિર બનાવેલ. કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે. અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્‍ણુતાથી રત્‍નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે. સમયાંતરે ભારતની સંસ્‍કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્‍થાપના કર્યા જ કરી છે.

સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્‍યારે ઈ. સ. ૧૯૪૭માં ભારતના લોકપ્રિય ‘લોખંડી પુરૂષ‘ સરદાર વલ્‍લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના જીર્ણ – શીર્ણ પુરાણા ખંડીયેર, ભગ્ન શિવમંદિરની જગ્‍યાએ જ નવું સોમનાથનું મંદિર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈ. સ. ૧૯૫૦ના ૮મી મેના રોજ થયો. ઈ. સ. ૧૯૫૧ના ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ – ૫ ના દિવસે પ્રભાતે ૯ – ૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્‍ઠા વિધિ કરી છે.

છેલ્‍લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે, જ્યાં આજે જ્યોતિર્લીંગ સોમનાથ નવા બંધાયેલ ‘મહામેરૂ પ્રસાદ‘ મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુન:પ્રતિષ્‍ઠાને ઈ. સ. ૨૦૦૦માં ૫૦ વર્ષ પુરા થતા મંદિરનો સુવર્ણ મહોત્‍સવ થયો હતો. સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્‍ય, બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અને સાંજે સૂર્ય અસ્‍ત થવાના સમયે થાય છે. સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્‍યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્‍થાનકો આ ચોગાન મધ્‍યે છે. પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્‍વીજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્‍યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાંજ રાજ્ય સરકારનું મ્‍યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્‍થરના શિલ્‍પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.

Posted in ઈતિહાસ, મંદિરો - યાત્રા ધામ Tagged with: ,

Rukmani Devi Temple Dwarikaઆ મંદિર દ્વારકા શહેરથી માત્ર 2 કિ.મી. દૂર આવેલું છે. આ અંતર માટે એક જૂની પુરાણકથાની સ્થાનિક સ્પષ્ટતા આપવામાં આવે છે. તેઓ કહે છે, એક વખત ભગવાન કૃષ્ણ અને તેમનાં પત્ની રુકમણી ઋષિ દુર્વાસાને દ્વારકા જમવા આવવાનું નિમંત્રણ આપવા માટે ગયા હતા. તેઓ એક જ શરતે આવવા તૈયાર થયા કે તેમનો રથ કોઈ પ્રાણી નહીં પણ કૃષ્ણ અને રુકમણી ખેંચે. દંપતી રાજીખુશીથી તેમ કરવા તૈયાર થયું. રથ ખેંચતી વખતે વચ્ચે રુકમણીને તરસ લાગી, એટલે ભગવાન કૃષ્ણે જમીનમાં પોતાના અંગૂઠો ખોસીને પવિત્ર ગંગા જળનું ઝરણું પ્રગટ કર્યું. રુકમણીએ દુર્વાસાને ધર્યા વિના પહેલો ઘૂંટડો લીધો. તેની આ વિવેકહીનતાથી ક્રોધિત થયેલા દુર્વાસાએ રુકમણીને તે પોતાના પ્રિય પતિથી છૂટી પડી જશે એવો શાપ આપ્યો. અને એટલે જ રુકમણી મંદિર, દ્વારકાના જગત મંદિરથી 2 કિ.મી. દૂર સ્થિત છે. આ મંદિર કદાચ 2500 વર્ષ જૂનું છે, પણ ઘુંમટાકાર મંડપ અને પગથિયાંવાળું ગર્ભગૃહ ધરાવતું તેનું આજનું રૂપ 12મી સદીથી વધુ પુરાણું હોઈ શકે નહીં. રુકમણી મંદિરનો બાહ્યભાગ ખૂબ સુંદર કોતરણી ધરાવે છે. તેના પાયામાં નરાથારસ (મનુષ્યાકૃતિઓ) અને ગજાથારસ(હાથીઓ)ની શિલ્પાકૃતિઓની હાર છે. મુખ્ય તીર્થસ્થાનના પરંપરાગત શિખર સાથે મંડપનો અર્ધગોળાકાર ઘુંમટ તીવ્ર વિસંવાદ રચે છે. અત્યારે ગર્ભગૃહમાં એક ગોખલામાં ભગવાન કૃષ્ણના પત્ની રુકમણીની છબિને બેસાડવામાં આવી છે. આ પવિત્ર મંદિરની બહારના ભાગમાં સામાન્ય રૂપે જોવા મળતી દેવ અને દેવીઓની, નર-નારી સ્વરૂપો સહિતની શિલ્પાકૃતિઓ જોવા મળે છે…….

અહી કઈ રીતે પહોચી શકાય?
સડક માર્ગેઃ જામનગરથી દ્વારકાના રાજ્ય ધોરીમાર્ગ પર દ્વારકા આવેલું છે. અમદાવાદ અને જામનગરથી દ્વારકા જવાની સીધી બસો ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃ અમદાવાદ-ઓખા બ્રોડ ગેજ રેલવે લાઈન પર દ્વારકા સ્ટૅશન છે, ટ્રેનો દ્વારકાને જામનગરથી (137 કિ.મી.), રાજકોટથી (217 કિ.મી.) અને અમદાવાદથી (471 કિ.મી.) જોડે છે. અને કેટલીક ટ્રેનો વડોદરા, સુરત, મુંબઈ, ગોવા, કર્ણાટક અને કેરળમાં ભારતના દક્ષિણ છેડા સુધી નિયમિત દોડતી ટ્રેનો દ્વારકાને જોડે છે.
હવાઈ માર્ગેઃ સૌથી નજીકનું વિમાની મથક જામનગર છે (137 કિ.મી.)

Rukmini Devi Temple:
This temple stands 2 km away from Dwarka City. The local explanation given for this distance is an old legend. They say, once Lord Krishna and his wife Rukmini went to the sage Durvasha to invite him for dinner at Dwarka. He agreed on the condition that Krishna & Rukmini would have to pull his chariot instead of any animal. The couple happily obliged. While pulling the chariot, Rukmini became thirsty so Lord Krishna prodded his toe into the earth to draw a spring of the holy Ganga water. Rukmini took a sip without offering Durvasha. Annoyed by her impoliteness he cursed Rukmini that she would be separated from her beloved husband. Hence Rukmini temple is located 2 kms away from Dwarka’s Jagat Mandir. Maybe 2500 years old, but its domed mandapa and stepped sanctuary cannot be older than the 12th century in its present form.

The exterior of the Rukmini Temple is richly carved. It has a panel of sculpted naratharas (human figures) and a panel of sculpted gajatharas (elephants) at the base. The traditional spire of the main shrine contrasts strongly with the hemispherical dome of the pavilion. The garbhagriha (inner sanctum) has a recessed seat on which the present image of Rukmini, wife of Lord Krishna, was consecrated. The usual sculptures of god and goddesses, along with male and female figures, are seen on the exterior of the shrine.

{as Per Gujarat Tourism Website}

PHOTO GALLERY: Rukmani Devi Temple Dwarika

Posted in ઈતિહાસ, મંદિરો - યાત્રા ધામ Tagged with: , ,
Natha Bhabha Modhavadiya

નાથા ભાભા મોઢવાડિયા અને એની વીસ દુહાની વીશી….

મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી,
ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતાં ,વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો,

એક દિવસ વણગાને ઘેર છત્રાવા ગામનો રાણો ખૂંટી નામનો મેર એકસો માણસને લઇને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો,
વાળું કરીને રાતે ચંદ્રમાને અજવાળે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે,
એમાં નાથા ભાભા ની વાત નીકળી છે, એમાં રાણા એ વાત ઉચ્ચારી : ” વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભા ના દુહા બોલે છે”

” કોણ? રાજો બારોટ ? ”
” હા, રાજો, બારોટ, બોલાવો તેને ઇંણે ; દુહા તાં સાંભળીએ !”
” રાણા, ઇ બારોટ જરાક બટકબોલો છે, તું એને બોલ્યે કાંવ ધોખો તો નહિ ધર ને? ”
” ના ,ના, દુહા સાંભળવામાં ધોખો વળી કિવાનો ? ઇ તોજિવાં કામાં ઇવાં નામાં . ”

રાજા બારોટ ને તેડાવામાં આવ્યો,
” કાં બારોટ ! નાથા ભાભાની દુહાની તેં ઓલી ” વીશી ” બનાવી છે, ઇ અમારા મે’માનને સાંભળવાનુ મન છે,
સંભળાવીશ ને ? ”

” પણ બાપ, કોઇને વધુ-ઘટુ લાગે તો ઠાલો દખધોખો થાય, માટે મારી જીભને આળ આવે એવું શીદ કરાવો છો? ”

” ના, ના , તું તારે મન મોકળું મેલેને બોલ, શૂરવીરની તારીફ નહિ સાંભળીયે તો બીજું સાંભળવું શું ?”

” ઠીક ત્યારે લ્યો બાપ.”

એમ કહીને રાજા બારોટ હોકો પડતો મૂકીને નાથા બહારવટિયાની ” વીશી ” બુલંદ અવાહે શરૂ કરી :

એક તેં ઉથાપિયા , ટીંબા જામ તણા,
(તેનિયું) સુણિયું સીસોદરા, નવખંડ વાતું , નાથિયા!

[હે સિસોદિયા રજપૂતના વંશમાંથી ઊતરેલા નાથા મેર! પ્રથમ તો તેં જામ રાજાનાં કંઇક ગામડા ઉજ્જ્ડ કર્યા,
તેની કીર્તિની વાતો ચોમેર પ્રસરી ગઇ છે.]

બીજે નાનાં બાળ, રોતાં પણ છાનાં રહે ,
પંચ મુખ ને પ્રોંચાળ, નાખછ ગડકું , નાથિયા!

[તારી ખ્યાતિ તો એવી છે કે તું સાવજ સરીખો એવી તો ગર્જના કરે છે કે રોતાં છોકરાં પણ એ ત્રાડ સાંભળીને ચૂપ થઇ જાય, પંચમુખો , પ્રોંચાળો એ સિંહનાં લોક-નામો છે.]

ત્રીજે જાડેજા તણું , મોઢા છોડાવ્યું માણા,
ખંડ રમિયો ખુમાણ, તું નવતેરી , નાથિયા!

[ત્રીજી વાત : તે જાડેજા વંશના જામ રાજાનું માન મુકાવ્યું છે, ભીમ જેમ એક હાથમાં નવ અને બીજા હાથમાં તેર હાથી લઇને નવતેરી નામની રમત રમતો હતો, તેમ તું પણા એકસામટાં શત્રુદળને રમાડતો યુદ્ધ્ની રમતો રમ્યો છે.]

ચારે દાઢે ચાવ, બારાડી લીધી બધી ,
હવ્ય લેવા હાલાર, નાખછ ધાડાં , નાથિયા!

[ચોથું : તેં તો જામનો બારાડી નામનો આખે પ્રદેશ દાઢમાં લઇને ચાવી નાખ્યો, અને હવે તો તું એની હાલારની ધરતી હાથ કરવા હલ્લા લઇ જાય છે.]

પાંચે તું પડતાલ, કછિયુંને કીધા કડે,
મોઢા ડુંગર મુવાડ , નત ગોકિરા, નાથિયા!

[પાંચમું : તેં કચ્છી જાડેજા લોકોને પણ સપાટામાં લઇ કબજે કર્યા છે, અને હે મોઢવાડીયા ! ડુંગરની ગાળીમાં તારા નાદ નિરંતર થયા જ કરે છે]

છઠ્ઠે બીજા ચોટ ,(કોઇ) નાથાની ઝાલે નહિ,
કરમી ભેળ્યો કોટ, તર જ દેવળિયા તણો

[નાથા બહારવટિયાની ચોટ કોઇ ખમી શકે તેમ નથી , દેવળિયાનો કોટ તો તેં હે ભાગ્યવંત ! ઘડી વારમાં તોડી નાખ્યો.]

સાતે તું ડણકછ સુવણ, મોઢા ડુંગર માંય ,
(ત્યાં તો) થરથર જાંગું થાય , રજપૂતાંને રાત દી

[હે મોઢવાડિયા ! તું સિંહ સરીખો ડુંગરમાં ત્રાડો દઇ રહ્યો છે, તેથી દિવસ અને રાત રજપૂતોનાં પગની જાંઘો થરથર કાંપે છે.]

આઠે વાળું હે કરે, વેડા મૂકે વાણ,
તણ નગરે ગરજાણ, નાખે મૂતર નાથિયા!

નવે સારીતો નહિ, હાકમને હંસરાજ,
વશ તેં કીધો વંકડા, રંગ મૂછે નથરાજ !

[અમરેલી નો સૂબો હંસરાજ , મોટા રાજાઓને પણ ન ગાંઠતો તેને હે નાથા તેં વશ કર્યો, તારી મૂછોને રંગ છે.]

દસમે એક દહીવાણ, દરંગો આછાણી દલી,
(તેમ) ખંડ બરડે ખુમાણ, નર તું બીજો , નાથિયા!

[જેમ દિલ્લી પર આક્રમણ કરનાર વીર દુર્ગાદાસજી રજપૂતાનામાં પાક્યા હતા, તેવો બીજો મર્દ તું બરડામાં નીવડ્યો.]

અગિયારે મેર અભંગ , લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત , (જો) વંશમાં વાશિયાંગરાઉત !

[અને હે નાથા ! જો તારો જન્મ મેર્રોના વંશમાં ન થયો હોત તો સાચેસાચ આખી મેર જાતિ શૂદ્ર્ જેવી લેખાત હે વાશિયાંગના પુત્ર !]

” બારોટ, ઇ દુહો જરા ફરી વાર બોલ જો તાં ” ….રાણા ખૂંટીએ વચ્ચે બોલીને વેગમાં ચડેલ બારોટ ને અટકાવ્યો..

” હા લ્યો બાપ ! ”
” અગિયારે મેર અભંગ , લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત , (જો) વંશમાં વાશિયાંગરાઉત !”

હં હજી એક વાર કહો તો !”
ફરી વાર બારોટે દુહો ગાયો,

પછી આગળ ચલાવ્યું ,..

બારે બીલેસર તણું , ઉપર મોઢા એક ,
ત્રેપરજાંની ટેક, નાથા, તેં રાખી નધ્રુ!

તેરે તેં તરવાર , કછિયુંસું બાંધી કડ્યો ,
હવ્ય લેવા હથિયાર , નાખછ ધાડાં નાથિયા!

[અત્યાર સુધી તો તેં આ કચ્છમાં આવેલા જામને માટે કમ્મરે તરવાર બાંધી હતી , પણ હવે તો આખો હાલાર લેવા તું હલ્લા કરી રહ્યો છે.]

ચૌદે ધર લેવા ચડે , ખુમારા ખરસાણ ,
(એને) ભારે પડે ભગાણ , નગર લગણ નાથિયા !

[દુશ્મનોની સેના તારા ઉપર ચડાઇ કરે છે, પણ પાછું એને જામનગર સુધી નાસી જવાનું પણ મુશ્કેલ પડે છે.]

પંદરે તુંને પાળ , ભડ મોટા આવીને ભરે,
ખત્રી હવ્ય ખાંધાળ, ન કરે તારી નાથિયા !

[મોટા મોટા સમર્થ ગામધણીઓ પોતાનાં ગામોના રક્ષણ બદલ તને પૈસા ભરે છે, તારી છેડ હવે કોઇ ક્ષત્રિય કરતો નથી.]

સોળે નવસરઠું તણા, બળિયાં દંઢછ ખાન ,
કછિયું તોથી કાન , નો રે ઝાલ્યા , નાથિયા !

[આખા સોરઠના મોટામોટા માણસોને કેદ કરીને તું દંડ વસૂલ કરે છે.]

સતરે શૂરાતન તણો, આંટો વળ્યો અછે,
બાબી એ જાડો બે , (તને) તેં નમાવ્યા, નાથિયા !

[શૂરાતન એવું તો તને આંટો લઇ ગયું છે કે તે જૂનાગઢના નવાબ બાબીને તથા નગરના જામ જાડેજાને , બંનેને તોબા પોકરાવી છે.]

અઢારે ઈડર તણો , નકળંક ભેરે નાથ,
હાકમ પેટે હાથ, તેં નખાવ્યા , નાથિયા !

[તારી સહાયમાં તો ઇડરનો ગોરખનાથજી અવધુત ઊભો છે, તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.]

ઓગણીસે ઓસરિયા , જાડી ને બાબી જે,
કેસવ ભૂપત કે’ ,લૂંને નમિયા પખેણો , નાથિયા !

[જાડેજા અને બાબી જેવાને તે નમાવ્યા , માત્ર કૃષ્ણ પ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.]

વીસે તું સામા વડીંગ , ધરપત થાકા ધ્રોડ ,
ચાડ્યા ગઢ ચિત્રોડ , નર તેં પાણી . નાથિયા !

[તારી સામે ઘોડા દોડાવીને રાજાઓ હવે થાક્યા છે, તેતો તારા અસલના પૂર્વજ સિસોદિયાઓના ધામ ચોતોડને પાણી ચડાવ્યું.]

આ ” વીશી ” બોલી બારોટ બોલ્યા…
” લ્યો બાપ ! નાથા ભાભાની આ “વીશી” ,” ને ફરી હોકો હાથમાં લીધો,

” ડાયરામાં વાહ બારોટ ! વાહ !” એમ ધન્યવાદ થવાં લાગ્યા..

” હું તો બાપ, મારા પાલણહારની કાલીઘેલી આવડી તેવી કાવ્ય કરું છું , હું કાંઇ મોટો કવેસર નથી. ”

જયારે બહુ વાહ વાહ થઇ ત્યારે રાણો ખુંટી મર્મમાં હસવા લાગ્યો..

” કેમ બાપુ હસવુ આવ્યું ?” રાજા બારોટે પૂછ્યું.
” હસવું તો આવે જ ના , બારોટ ! અટાણે તો નાથો ભાભો આખી મેર ભોમ નો શિરોમણી છે ને તમે એના આશ્રિત છો,
એટલે તમે એને સોને મઢો , હીરેય મઢો, રાજા કહો , કે ભગવાન , પણ ઓલ્યા અગિયારમા દુહામાં જરાક હદ છાંડી જવાણું છે , બારોટ !”
” અને નાથો ન જન્મ્યો હોત તો મેર જાતી તમામ શિદ્ર માં લેખાત ! બસ ! એક નાથો જ કાંવ શેર લોઢું બાંધી જાણે છે ? બીજાં બધા કાંવ રાંડીરાંડના દીકરા છે ?”

” તો વળી એની ખળે ખબર્યુ પડશે બાપ ! ”

બીજે દિવસે રાણા સંગાથી હારે દ્વારકાજીને પંથે પડી ગયા.
થોડા સમય પછી પાછા ફર્યા ને વણગા પટેલ ને ત્યાં ઉતારો રાખ્યો.
કોઇકે રાજા બારોટ ને જઇ ને સમાચાર આપ્યા કે રાણા ખૂંટી દ્વારકાથી પા્છા આવ્યા છે ને તેમની પાસેથી જામનગરના ચીલાવાળાએ ભોગત ગામને પાદર દાણ પડાવ્યું છે,
ત્રણસો કોડી નું.

તે રાતો રાત માથે’થી પાઘડી ઉતારી સોગિયું લાઠિયું બાંધી પગપાળા પાલેપાણે પોચી અને પરોઢિયે બહારવટીયા ઉઠે જ બારોટ ને દીઠાં,
” ઓહો હો ! બારોટ તું અટાણે કીવો ? કાંઇ માઠા સમાચાર છે?”
” હા બાપ, નાથો ભાભો પંડ્યે જ પાછો થયો છે?”
” કેમ બારોટ અવળાં વેણ?”
” અવળાં નથી બાપ, સાચે જ નાથો મરી ગયો બાકી દ્વારકાની જાત્રાએ જાતાં મેરની પાસેથી જામના ચાકર ત્રણસો કોરી દાણ કઢાવે?”

પછી નાથા એ બારોટની બધી વાતો સાંભળી અને એની છાતીએ ઘા પડ્યો,

” ભાઇ કો’ક દોત કલમ લાવજો તો ”

ખડીયો કલમ હાજર થયાં, અને કાગળની ચબરખી બનાવી,
” લે બારોટ, હું લખાવાં ઇં તું લખ , લખ કે ભોગતના દાણા લેવાવાળાઓ !,
છત્રાવાના મેર રાણા ખૂંટી પાસેથી તમે જે ત્રણસો કોરીનું દાણ લીધું છે,
તેમાં ત્રણસો કોરી દંડની ભેળવી ને કુલ છસો કોરી તમારા જ ગામોટ્ની સાથે પરબારા મોઢવાડે પાછી મોકલી દેજો,
નીકર નાથા મોઢવાડિયાનું સામૈયુ કરવાની સાબદાઇ મા રે’જો,”

ચબરખી લઇ એક સાંઢીયા સવારને ભોગત રવાના કર્યો અને બારોટ ને વળાવ્યાં,
બપોરે મોઢવાડે વણગા પટેલની ડેલી એ એક ખેભર્યો સાંઢીયો સામે આવીને ઝૂકીયો,
સાંઢીયા ના અસવારે કોરીની પોટલી રાણા ખૂંટી ને સોંપી,
“આ શું છે ભાઇ !”
“આ ત્રણસો કોરી તમારા દાણની અને બીજી ત્રણસો નાથા ભાભા એ નગર પાસેથી લીધેલ દંડ ની, સંભાળી લ્યો ”

” પણ ક્યાંથી ?”
” ભોગાતથી ,જામ્ના ચીલાવાળા પાસેથી ”

રાજા ખૂંટી ડાયરામાં આખી વાતની જાણ થઈ નીચું જોઇ ગયો,
અને બારોટ સામે પોટલી ધરી બોલ્યા,
” આ લે દેવ ! આ તુંને સમરપણ !”

” ઇ કોરિયું ની વાત પછી પ્રથમ તો મને રજા આપો કે હવે અગિયારમો દુહો બોલવાની મને રજા છે, બાપ ?”

” ભલે ભાઇ, તારી મરજી ! સો વાર કબૂલ છે ”

તરત જ બારોટ ગોઠણભેર થઇને, બરડા ડુંગર તરફ બંને હાથ લંબાવી વારણા લેતો લેતો બોલ્યો

અગિયારે મેર અભંગ , લોકુંમાં લેખાત,
નાથા જલમ ન થાત , (જો) વંશમાં વાશિયાંગરાઉત !

આવી હતી ખાનદાની અને શોર્યની વાતો….

Photo Gallery: Nathabhabha Modhvadiya Temple

Posted in ઈતિહાસ, દુહા-છંદ, બહારવટીયાઓ, શુરવીરો, શૌર્ય કથાઓ Tagged with: , , , , , , , , , , ,

પરમાત્મા પરિગ્રહ નથી કરતા. તે પોતાને જોઈતી વસ્તુ રોજરોજ બનાવી લે છે. – ગાંધીજી

Posted in સુવિચાર