Guru Gorakhnath

ગોરખનાથ અથવા ગોરક્ષનાથ અગિયારમીથી બારમી સદીમાં થઇ ગયેલા હિંદુ નાથ યોગી હતા. તેઓ મત્સ્યેન્દ્રનાથના પટ્ટ શિષ્ય હતા. તેમની આધ્યાત્મિક વંશાવલી વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. મત્સ્યેન્દ્રનાથનાં બે મહત્વનાં પંથમાંના એક શૈવપંથ સાથે તેઓ સંકળાયેલા હતા, બીજો પંથ ’ચૌરંગી’ છે. આદિનાથ અને મત્સ્યેન્દ્રનાથ તેમનાં પૂર્વના ગુરુઓ મનાય છે. એક વિચાર આદિનાથ અને તેમની વચ્ચે પાંચ અને અન્ય છ ગુરુઓની પરંપરા માને છે. પણ હાલનાં પ્રચલિત વિચાર પ્રમાણે આદિનાથની ઓળખ ભગવાન શિવ તરીકે અને તેમને સીધા મત્સ્યેન્દ્રનાથનાં ગુરુ તથા મત્સ્યેન્દ્રનાથને ગોરખનાથનાં ગુરુ તરીકે મનાય છે.

નાથ સંપ્રદાયનો ગોરખનાથનાં સમયમાં ખૂબજ વિકાસ વિસ્તાર થયેલો. તેમણે ઘણું લખ્યું હતું. તેમણે લખેલું પ્રથમ પુસ્તક ’લય યોગ’ ગણાય છે. ભારતમાં ઘણી ગુફાઓ, ઘણાં મંદિરો તેમનાં નામે છે, જ્યાં કહેવાય છે કે ગોરખનાથ ધ્યાન સાધના કરતાં હતા. ભગવાન નિત્યાનંદનાં કહેવા પ્રમાણે, ગણેશપુરી (મહારાષ્ટ્ર)થી એક કિમી.દૂર આવેલાં વજ્રેશ્વરી મંદિર પાસેનું નાથ મંદિર ગોરખનાથનું સમાધિ સ્થળ છે.

રૉમોલા બુટાલિયા, યોગ ઇતિહાસના ભારતીય લેખકે, નીચે પ્રમાણે ગોરખનાથ દ્વારા લખાયેલાં કેટલાંક પુસ્તકોની યાદી આપી છે.

ગોરક્ષ સંહિતા, ગોરક્ષ ગીતા, સિદ્ધ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ માર્તંડ, યોગ સિદ્ધાંત પદ્ધત્તિ, યોગ-બિજ, યોગ ચિંતામણી.

Posted in ઈતિહાસ, સંતો અને સતીઓ Tagged with: ,
Aarzi Hakumat Junagadh Logo

Aarzi Hakumat Junagadh Logo જુનાગઢ આરઝી હકુમતનો સીમ્‍બોલ

૨૫ સપ્ટેમ્બર એટલે ‘આરઝી હકુમત’નો સ્થાપના દિવસ. ખેદની વાત છે કે અમારી પેઢીનાં મોટા ભાગનાં લોકોને આરઝી હકુમત એટલે શું એ પણ ખબર નથી. જ્યારે જૂનાગઢનાં પાગલ નવાબે તેમનાથી પણ પાગલ દિવાનભુટ્ટોની સલાહ માની જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનું નક્કી કર્યું તેની સામે જૂનાગઢની પ્રજાની સશસ્ત્ર લડત એટલે આરઝી હકુમત

Aarzi Hakumat Junagadh
જુનાગઢ જિલ્‍લાના બીલખા ગામે ગ્રામજનોની મળેલી બેઠક નો એક ફોટોગ્રાફ

જરા વિચારો કે જો આરઝી હકુમત ન સ્થપાઇ હોત તો શું થાત? કદાચ કાશ્મીરની જેમ જૂનાગઢ પણ ભારતનાં માથાનો દુઃખાવો હોત. ગિરનાર પર્વત આપણો ના હોત. નરસિંહ મહેતા અને મનોજ ખંડેરિયાનો સાહિત્યવારસો લોપાઇ જાત. અરે ગુજરાતની અસ્મિતાનું પ્રતિક સમું સોમનાથપાટણનું મંદિર આજે ના હોત. કલ્પનાં જ ભયાનક છે. ધન્ય છે આ વીરો કે જેણે જૂનાગઢને બચાવ્યું.

કવિ સાદુળ ભગતની આ પરિસ્થિતિને અનુલક્ષીને એક રચના વાંચીયે.

સાદુળ ગ્યા’તા શહેરમાં, રાખી બંધ મકાન;
આવ્યાં ત્યાં તો ઘર મહીં પેઠું પાકિસ્તાન.

તાળાં તોડીને ઓરડે, સિંધી વસ્યા ચાર;
ઘરવખરી ઉઠાવીને, ફેંફી આંગણા બહાર.

સાદુળ કહે આ શું કરો? લાગે મને નવાઇ;
વણમાગ્યા વણનોતર્યા, આવ્યા ક્યાંથી ભાઇ?

સિંધી બોલ્યા ચૂપ રહે, દીઠી છે આ છરી?
કાયદા કેરા કાયદા, અહીંયા વળ્યા ફરી.

મકાન મળ્યું મનગમતું, વસશું ધરી પ્રીત;
દુનિયા દેખે આ નવી, રાજ કર્યાની રીત.

(નોંધ – કાવ્યમાં જ્યાં જ્યાં સિંધીનો ઉલ્લેખ આવે છે ત્યાં જૂનાગઢના દિવાન ભુટ્ટોને સમજવા. સામાન્ય સિંધી પ્રજા સાથે તેને કોઇ નિસબત નથી.)

Sardar Vallabh bhai Patelસરદારનું પોતાનુ વતન ગુજરાત હોવાને કારણે તેમના માટે જુનાગઢ ખુબ મહત્તવનું હતુ. સર શાહનવાઝ ભુત્તોના દબાણને વશ થઈને ત્યાંના નવાબે પાકિસ્તાનમાં વિલિનીકરણ સ્વીકાર્યું કે જ્યારે તે પાકિસ્તાનથી ઘણું દુર હતું તેમજ ત્યાંની ૮૦ ટકા પ્રજા હિંદુ હતી. સરદારે મુત્સદ્દીગીરી તથા બળનો સમન્વય કરતા નવાબ પાસે માંગણી કરી હતી કે તેઓ પાકિસ્તાન સાથેના વિલિનીકરણને ર‌દ્‌ કરીને ભારત સાથે સમન્વિત થઈ જાય. તેમણે પોતાનો ઈરાદો પુરવાર કરવા જુનાગઢની હકૂમત નીચેના ૩ પ્રદેશોનો તાબો લેવા સેનાને મોકલી હતી. મોટાપાયાના આંદોલનો તેમજ લોક સરકાર, કે જેને ‘આરઝી હુકુમત’ કહેવામા આવી, તેના બન્યા પછી ભુત્તો તેમજ નવાબ બન્ને કરાચી પલાયન થઈ ગયા અને સરદારના આદેશાનુસાર ભારતિય સેના તેમજ પોલીસની ટુકડીઓએ રાજ્યમાં કુચ કરી તાબો લીધો. ત્યાર બાદ લેવાયેલા મતદાનમાં ૯૯.૫ ટકા મતો ભારત સાથેના વિલિનીકરણની તરફેણમાં પડ્યા હતા. જુનાગઢનો તાબો લીધા બાદ ત્યાંની બહાઉદ્દીન કોલેજમાં ભાષણ આપતી વખતે સરદારે હૈદરાબાદ માટેની ઉત્સુકતા વર્ણવી હતી કે જે તેમના મતે ભારત માટે કાશ્મિર કરતાં પણ વધુ મહત્તવનુ રાજ્ય હતું. તેમણે કહ્યું હતુ કે:

“જો હૈદરાબાદ દિવાલ ઉપરના લખાણને અવગણશે તો તેની પરિસ્થિતી પણ જુનાગઢ જેવી થશે. પાકિસ્તાને કાશ્મિર ને જુનાગઢની બદલે લેવાનો પ્રયત્ન કર્યો. જ્યારે અમે લોકશાહીથી મામલાને ઉકેલવાનો સુઝાવ કર્યો ત્યારે તેમણે (પાકિસ્તાને) તુરંત જવાબ આપ્યો કે જો આપણે કાશ્મિર માટે તેમ કરશું તો તેઓ તૈયાર છે. અમારો પ્રત્યુત્તર હતો કે જો તમે હૈદરાબાદ માટે તૈયાર હો તો અમે કાશ્મિર માટે તૈયાર છીએ.”

Aarzi Hakumat Junagadhઆરઝી હકુમતનું પ્રધાનમંડળ…. આ ફોટામાં જમણેથી દુર્લભજી ખેતાણી, ભવાની શંકર ઓઝા, શામળદાસ ગાંધી, નરેન્દ્ર નથવાણિ, મણિલાલ દોશી
આરઝી હકૂમત: સરકારની ફાળવણી
શામળદાસ ગાંધી – વડાપ્રધાન અને વિદેશમંત્રી
દુર્લભજી ખેતાણી – નાયબ વડાપ્રધાન અને વ્યાપારમંત્રી
નરેન્દ્ર નથવાણી – કાયદો અને વ્યવસ્થા
ભવાનીશંકર ઓઝા – નિરાશ્રીતોનું ખાતું
મણીલાલ દોશી – ગૃહપ્રધાન
સુરગભાઈ વરૂ – સંરક્ષણપ્રધાન
રતુભાઈ અદાણી – સરસેનાપતિ

Aarzi Hakumat Junagadh નવાબ સામે જનમતનો પ્રચંડ વિજય,
આઝાદીની લડત આખા દેશમાં ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે પૂર્ણ થઇ ગઇ,પરંતુ જૂનાગઢમાં હજુ ત્રિરંગો નહોતો ફરક્યો. આઝાદી પછી જુનાગઢ ગુજરાતનું હૈદરાબાદ હતું અને જો સરદાર ન હોત તો આજે કદાચ શિવરાત્રિનો મેળો જે ઉત્સાહથી ભરાય છે તે ન થતો હોત, ગિરનાર ચડવા જવું હોય તો પાસપોર્ટ-વિઝાની જરૂર પડત. કારણ કે તો જુનાગઢ પાકિસ્તાનમાં હોત. આમ તો સરહદ સાથે જુનાગઢને કાંઇ સંબંધ નહીં, ૮૦ ટકા વસતી પણ હિન્દુઓની અને છતાં જુનાગઢ સ્ટેટ એટલે કે નવાબે ઇરાદો જાહેર કર્યો પાકિસ્તાનમાં ભળવાનો.૩૩૩૭ ચો.મીટરના એ વિસ્તારમાં રહેતી પ્રજાની ઊંઘ હરામ થઇ ગઇ. ૨૨ એપ્રિલ ૧૯૪૭એ દીવાન ખાનબહાદુરે જાહેર કર્યું કે જુનાગઢ પાકિસ્તાનમાં જોડાવા ઇચ્છે છે.

Aarzi Hakumat Junagadh

મંત્રીશ્રી રતુભાઇ અદાણી સાથે આગેવાનની બેઠક

બસ પછી તો વાતાવરણ જામ્યું. એક તરફ કાશ્મીર અને હૈદરાબાદનું કોકડું તો બીજી બાજું આવડુંનાનું જુનાગઢ. દેશ આઝાદ થયો, પરંતુ નવાબની જીદ તો યથાવત હતી. ૨૫મી સપ્ટેમ્બર,૧૯૪૭ને ગુરુવારે મુંબઇના માધવબાગમાં જુનાગઢ માટે નવી પ્રજાકીય સરકાર-આરઝી હુકુમતની રચના થઇ. ધર્મયુધ્ધની ઘોષણા થઇ, શામળદાસ ગાંધી, ભવાનીશંકર ઓઝા, દુર્લભજી ખેતાણી, સુરગભાઇ વરૂ,મણીભાઇ દોશી વગેરે તેના સભ્યો હતા. શામળદાસ ગાંધીએ કહ્યું, હું જુનાગઢનો પ્રજાજન છું, બારખલીદાર છું….. આજે જુનાગઢ રાજ્યની પ્રજાએ આરઝી હુકુમત રચી છેતે જગતના તમામ સુધરેલા દેશોએ સ્વીકારેલા લોકશાહીના સિધ્ધાંતોને અનુસરે છે.’ પછી તો ઢંઢેરો પીટાયો, આ ગામમાં નવાબ મહોબ્બતખાંના શાસનનો અંત આવે છે. પ્રજાએ આરઝી હુકુમતના હુકમનું પાલન કરવું વેગેર…જુનાગઢમાં લાંબી લડત, રાજકોટમાં જુનાગઢના નવાબના ઉતારા પર પિકેટિંગ અને ત્રિરંગા ધ્વજનું આરોહણ એવી સતત ઘટનાઓના અંતે ૧ નવેમ્બરે હિન્દી સંઘના લશ્કરે બાબરિયાવાડ અને માંગરોળનો કબજો લીધો. નવાબ કરાંચી નાસી ગયા.

Aarzi Hakumat Junagadh

બીલખા ખાતે શ્રી દુર્લભજીભાઇ નાગ્રેચા ગ્રામજનોની સભા સંબોધે છે.

નવમી નવેમ્બરે બ્રિગેડિયર ગુરુદયાલસિંઘની હાજરીમાં કેપ્ટન હાર્વેએ હિંદ સરકારના ચીફ સેક્રેટરી બુચને જુનાગઢનો કબજો સોંપ્યો….શાંતિ સ્થપાયા બાદ પ્રજાની ઇચ્છા જાણવા ૧૯૪૮ની ૨૦મી ફેબ્રુઆરીએ લોકમત લેવાયો,૧,૯૦,૮૭૦ મતદારો માંથી ૯ મતદારોએ પાકિસ્તાન જવા તરફી મતદાન કર્યું. અને અંતે જુનાગઢ પણ અખંડ ભારતનો ભાગ બની ગયું. જૂનાગઢની આઝાદી તો અગત્યની છે જ. પરંતુ, સરદારનું એક અત્યંત ઉલ્લેખનીય કાર્ય તે સોમનાથ મંદિરનો જીણોgધ્ધાર. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન સરદાર રાજકોટ આવ્યા હતા તો આઝાદી પછી તેમણે જ દેશની અસ્મિતાસમાન સોમનાથની મુલાકાત લઇ તેના પુન: નિર્માણનો સંકલ્પ કર્યો હતો. હૈદરાબાદને નિઝામના કબજામાંથી છોડાવનાર ક.મા. મૂનશી મશિન સોમનાથમાં પણ અગ્રેસર હતા.

તમે રાજકોટની પ્રજા એકત્રિત અવાજે માગણી કરો છો એ યાદ રાખી છેક સુધી શુધ્ધ લડત લડજો અને તમારાથી બને તેટલું કરી છુટજો. બધાની આંખ તમારા ઉપર છે. અનેક દેશી રાજ્યો તમે શું કરી રહ્યા છો એ જોઇ રહ્યા છે. તમો હારસો તો કંઇ હરક્ત નથી. પણ, નામોશી કોઇ જાતની આવે તેવું કામ કદી નહીં કરતા, મારી માગણી એટલી જ છે

Aarzi Hakumat Junagadhઇતિહાસ:
૧૯૪૭માં ભારત તો આઝાદ ઘોષીત થઇ ગયું હતું, પણ હજું ભારતમાંના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. આવા સમયે જૂનાગઢમાં નવાબ મહોબતખાનનું રાજ હતું. શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનો ખ્યાલ નવાબ મહોબતખાનના દિમાગમાં ઠસાવી દીધો. નવાબે દિલ્લી સરકારને જાણ કર્યા વગર જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કરી દીધું. આ દરમિયાન, જૂનાગઢના કેટલાક આવેવાનો પોતાના બળે નવાબી હકૂમતનો છેડો લાવવા મેદાનમાં આવ્યા અને આરઝી હકૂમત સ્થાપવાનું નક્કી કર્યું. ૨૫ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ કેટલાક લોકો મુંબઇના માધવ બાગમાં ભેગા થયા, જેમનું નેતૃત્વ શામળદાસ ગાંધી તથા અમૃતલાલ શેઠે લીધું. ત્યાં આરઝી હકૂમતનાં પ્રધાન મડંળની રચના કરવામાં આવી.

Aarzi Hakumat Junagadh

ભારતના તત્‍કાલીન વડાપ્રધાન મોરારજીભાઇ દેશાઈ બીલખાની મુલાકાતે

આરઝી હકૂમત : કાર્યો,
હકૂમતની લોકસેના માટે શસ્ત્રસરંજામ મેળવવાની જવાબદારી રસિકલાલ ૫રિખે સંભાળી, જ્યારે સનત મહેતા અને જશવંત મહેતા જેવા કાર્યકરોને વિવિધ લશ્કરી ટુકડીઓને દોરવણી આપવાનું કામ સોંપવામાં આવ્યું. નવાબના શાહી સૈન્યમાં ૧૭૭ અશ્વારોહી સૈનિકો, ઇન્ફન્ટ્રીના ૨૪ સૈનિકો અને ૧૦૭૧ હથિયાર બંધ પુલિસમેન હતા. આરઝી હકૂમતનું પ્રધાન મંડળ લડતનો કાર્યભાર સંભાળવા માટે ટ્રેન દ્વારા રાજકોટ પહોંચ્યું અને ૩૦ સપ્ટેમ્બર,૧૯૪૭ ના રોજ તેના સશસ્ત્ર યુવાનોએ ત્યાંનાં જૂનાગઢ હાઉસ પર છાપો મારી તે આલીશાન મકાનને કબજે કર્યું અને ત્યાં આરઝી હકૂમતની કચેરી સ્થાપી. દરમિયાન રતુભાઈ અદાણી યુવાનોને શસ્ત્રો ચલાવવાની તાલિમ આપી રહ્યા હતા. (આરઝી હકૂમત પાસે પોતાની ફોજ હતી જેનું નામ હતું “આઝાદ જૂનાગઢ ફોજ”. જેમાં આશરે ૪૦૦૦ જેટલા સૈનિકો હતા.) આરઝી હકૂમત દ્વારા “આઝાદ જૂનાગઢ રેડીયો” નામના ગુપ્ત સ્ટેશનેથી “ચલો જૂનાગઢ એકસાથ” અને “આરઝી હકૂમત ઝીંદાબાદ” રેકર્ડ વગાડવામાં આવતી. Aarzi Hakumat Junagadh૨૪ ઓક્ટોબર, ૧૯૪૭ની તારીખે તેઓ જૂનાગઢ રાજ્યના પૂર્વ સીમાડામાં પ્રવેશ્યા. તેજ દિવસે આરઝી હકૂમતે જૂનાગઢના ૧૧ ગામો પર અંકુશ મેળવ્યો અને ત્યારબાદ લગભગ ૩૬ ગામો પર અંકુશ પ્રાપ્ત કર્યો. માંગરોળ, બાંટવા અને માણાવદર પણ મુક્ત થયા પછી જૂનાગઢ રાજ્યનું કુતિયાણા અલગ પડ્યું. એ વખતે કુતિયાણામાં ૧૩૦૦૦ મુસ્લિમો અને ૧૦૦૦ હિન્દુ લોકો હતા. મુસ્લિમ લીગના આગેવાનો કાઝી તાજુદ્દીન અને હાસમ ખોખરે “આઝાદ કુતિયાણા સરકાર”ની ત્યાં સ્થાપના કરી હતી. હેન્ડ ગ્રેનેડ, બ્રેનગન, રાયફલો અને તમંચા વડે કુતિયાણાનો જંગ કલાકો સુધી ચાલ્યો, જેમાં તાજુદ્દીન અને ખોખર બન્ને માર્યા ગયા. થોડા જ કલાકોમાં ભારતીય લશ્કરના જવાનો આવી પહોંચ્યા અને કુતિયાણાનો હવાલો તેમણે સંભાળી લીધો.

Aarzi Hakumat Junagadhઆરઝી હકૂમતની જીત
હવે જૂનાગઢ ચોતરફથી ઘેરાયેલું હતું. બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા હતા. હવે માત્ર હિન્દુ નહિ, મુસ્લિમ જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો. આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ ૪ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ પુલિસ કમિશ્નર કે.એમ. નક્વીને લેખીત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરની સહાય માગવા કરાચી મોકલ્યો. પણ એ પાછા આવ્યા જ નહિ. આથી જૂનાગઢના નવાબ મહાબતખાન જૂનાગઢનું ઉંબાડીયું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયા. તે રૂ.૧૨૯૩૪૭૦૦ ની ચલણી નોટો, ઝવેરાત, પાંચ બેગમો, અઢાર સંતાનો તથા માનીતા કૂતરા અને બે ડોક્ટરો લઇને પાકિસ્તાન જતો રહ્યો, જ્યાં કરાંચીમાં તેનું “જૂનાગઢ હાઉસ” નામનું મહેલાત જેવું મકાન હતું. ત્યારબાદ ભુટ્ટો પણ પાકિસ્તાન જતા રહ્યા.

PHOTO GALLERY: Rare Collection of Photos:Aarzi Hakumat Junagadh

Posted in ઈતિહાસ, ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, શહેરો અને ગામડાઓ, શુરવીરો, શૌર્ય કથાઓ Tagged with: , , , , , , ,

ક્ષાત્રત્વ અને શોર્ય ની પરાકાષ્ટા એટલે
ચૌલુક્ય કુલભૂષણ સોલંકી સૂર્ય વીર વચ્છરાજ

શરણાગત સોંપે નહિ ,એવી રજપૂતો ની રીત
મરે પણ મૂકે નહિ , ખત્રીવટ ખચીત…
સિંધુ રાગ સોહામણો , શુર મન હરખ ન માય
શીર પડે ને ધડ લડે,એના વધામણા વૈકુઠ જાય..
એકલ દેતા દાન જે , એકલ ઝુઝતા જંગ ,
એકલ જગ નીંદા સહે , એ મરદો ને રંગ …

બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભુમિ છે.અને રણ કાંઠો કમભમિ છે.એવા યુગ પુરુષ દાદા વચ્છરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતીને વહાલી કરી અમરત્વ પામ્યા છે.લાખો ભાવિકો ની શ્રધ્ધા અને આસ્થાના દેવ બન્યા છે.કાલરી ગામની પવિત્ર ભુમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુવર લગ્નનીચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુકિત અપાવવા યુધ્ધે ચડયા હતા.અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતી પામ્ય હતા.આવા અમરત્વ પામનાર દાદા વચ્છરાજ લાખો ભાવિકોની મનોકામના પુરી કરનાર જાગતા વીર તરીકે પુજાઈ રહયા છે.આથી કાલરી ગામે અને તેઓના સમાધી સ્થળે ચૈત્ર મહિનામા મેળો ભરાય છે.
ત્યારે તેમની ગૌરવગાથા અને ઈતિહાસની યાદ શ્રધ્ધાળુ માટે પ્રેરણા દાઈ બની રહેશે. સમી તાલુકાના રણ કાંઠે આવેલ કોડધા ગામના રણમાં વિર વચ્છરાજ સોલંકી નુ સમાધી સ્થાન આવેલ છે. આ પવિત્ર સ્થાનની ઐતિહાસિક ધટના એવી છે કે :-

ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રિડિયા સંભળાણા.“દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારુંઓ હાંકી જઈ રહ્યા છે.”
“હે વત્સરાજ! તને અમારા ઝાઝેરા ધન્યવાદ છે. ક્ષત્રિયો માટે ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળના બિરુદને તે યથાર્થ કર્યું છે. કાલરી ગામ અને કુવર ગામને કેટકેટલાં છેટાં છે તેમ છતાં જાણે આજે તું પાડોશીની જેમ પડખે આવી ઊભો રહ્યો, અમારું નાક રાખ્યું. તારા ભુજબળે ગામ આખાની ગાયો પાછી આવી પણ મારી વેગડ ગાય પછી આવી નથી.”
“માડી, તમે ખાતરી કરી?” મીંઢોળબંધા જુવાને આઈ દેવલ સામે પ્રશ્ન કર્યો.
“હા, દીકરા બધે જ ખાતરી કરી છે, વગડા સામી નજર નોંધી નોંધીને પણ જોયું છે. વેગડ તો મારા કુટુંબનું માણસ ગણાય. મેં એના વિના અન્ન જળ હરામ કર્યાં છે! જુવાન, મારી ગાય મારા આંગણે લાવી આપ.” ચારણ્યે ધા નાખી.
કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરી વાર ગુંજતા થયા છે. એવે ટાણે માંડવે મહાલતા જુવાન વરરાજવી વત્સરાજ સોલંકી અને વિધવા ચારણ્ય આઈ દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યા મુજબ વાતોનો દોર સંધાણો. જાનૈયા અને માંડવિયા મોદમાં બેઠા છે. ગોર મહારાજ લગ્નવિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. જોબન છલકતા વરરાજવી વત્સરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકીટવાળો સાફો અને કલગી ધારણ કર્યાં છે. જરિયન જામો ઝળાંઝળાં થઈ માંડવામાં પ્રતિબિંબો પાડે છે.
બીના તો એવી બનેલ છે કે આ વત્સરાજ સોલંકી એટલે આઈ બેચરાજીનાં જ્યાં બેસણાં છે તે સ્થાનકેથી ત્રણ કિમીના અંતરે આવેલ કાલરી નામના ગામના ગિરાસદાર હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન. સેવા, ત્યાગ તેમજ પરહિતની લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરની નજરે જોતા. બાર બાર વરસ સુધી ધર્મપરાયણતા અને ગૌ સેવા કરવા છતાં તેમનાં રાજપૂતાણી કેસરબાનો ખોળો ખાલી હતો. ગિરાસદારને શોભે તેવી દોમદોમ સાહ્યબીનો વારસદાર ન હોવાથી દંપતીનું આયખું ડુંગર જેવડું ભારે થઈ ગયેલું. તેમણે ગોકુળ, મથુરાની જાતરાનો વિચાર કરી તે તરફ પ્રયાણ કર્યું અને યમુનાનાં જળમાં જીવનલીલા સંકેલવાનો નિર્ણય કરેલો, પરંતુ જળમાં ઝંપલાવતાં કોઈ ગેબી અવાજનો આદેશ સંભળાયો. પછી તેમને ત્યાં પ્રથમ પુત્ર બલરાજ અને બીજો પુત્ર વત્સરાજે જન્મ લીધો. થોડા સમય પછી માતાપિતા બંનેએ લાંબાં ગામતરાં કર્યાં. ગિરાસદારી વહીવટ બલરામ સંભાળવા માંડયા જ્યારે ગૌધણનું તેમજ અન્ય કામ વત્સરાજે માથે લીધું. તેવામાં સમીથી નજીકની ભોમકા ઉપર બેઠેલા લોલાડા ગામના મામા સામતસંગ રાઠોડને કોઈ સંતાન ન હોવાથી લોલાડાની જાગીરના અધિપતિ વત્સરાજને નીમ્યા, ખોળે લીધા. યુવાન વત્સરાજે મામાના હૈયામાં અદકેરું સ્થાન લેતાં સામતસિંહ રાઠોડે કુવર ગામના તેમના ભાયાત વજેસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે તેમનું સગપણ કરાવ્યું. ટૂંકા સમયમાં જ લગ્ન લેવાણાં. ચોરીમાં લગ્નવિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રિડિયા સંભળાણા. “દોડો દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારુંઓ હાંકી જઈ રહ્યા છે.” બૂંગિયો ઢોલ વાગ્યો ને વત્સરાજના કાને સંભળાયો,એના પગ થંભી ગયા. મોં ઉપરનો ઉલ્લાસ અલોપ થયો! આખોમાં ખનખન અંગારા ઝરવા માંડયા. લગ્નની છેડાછેડીને તલવારના એક ઝાટકે તોડીને કોઈની પણ રાહ જોયા વિના પોતાની રતન ઘોડી માથે છલાંગ મારી. આંખના પલકારામાં આ બધું બની રહ્યું. રતન વાયુ વેગે ઊપડી. લૂંટારું જે દિશામાં ગયા હતા તેનો કેડો પકડયો. લૂંટારુઓનો ભેટો થતાં તલવાર, ભાલાની બટાઝટી બોલી, મારો-કાપોની કિકિયારીઓ સંભળાણી. વચ્છરાજ તે’દી મરણિયો થયો. લૂંટારુંઓ ગૌધણ પડતું મૂકીને ભાગ્યા.
હરખની હેલી મંડાણી ને ગોર મહારાજે અધૂરા ફેરા પૂરા કરવા ફરી વાર હાકલ કરી, ત્રીજો ફેરો ફરવા વરકન્યા જ્યાં આગળ ડગ મૂકે છે ત્યાં વિધવા ચારણ્ય દેવલબાઈની વેદના, વચ્છરાજના કાને પ્રારંભમાં જણાવ્યા મુજબ સંભળાણી.
“પોપટ ને પારેવા તણી રાણા તું રમતું મેલહવે ધર ખાંડા ના ખેલ વેગળ વરણ હે, વાછરા”
એણે હાંક મારી, “ગોર મહારાજ થંભાવી દો આ વિધિ. હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો.” એવાં વેણ સાથે રતન ઘોડી ઉપરનો એ અશ્વાર ઊપડયો. ગણતરીની પળોમાં એને લૂંટારુંઓનો ભેટો થયો. અને..

“પડકારા યુદ્ધ ના પડે , સુરવીરો ઘોડલે ચડે
વીર હાંક સુણી ઉઠયા વીરો , કર લીધી કરમાળ
અંગ રુવા જેના અવળા , બનીયા ક્રોધ બંબાળ
શરણાઈ માંથી સિંધુળો છૂટ્યો , રણ નો રૂડો રાગ
ઝરે રે જ્યાં દુશ્મનને જોતા,આંખ vથી જ્વાળા આગ
મરદો કેરું યુદ્ધ મંડાણું , ખણેણે ભાલા ખાગ
પંજાળા દુશ્મન પાળના કરે , ભાગ ખાગે બે ભાગ
રણ ઘેલુડા રણ માં રમે , ઘોર કરીને ઘાવ
પટ્ટાબાજી માં નર પટાધાર,પાછા ભારે નઈ પાવ
દુશ્મન દળ નો દાટ વાળીને , શહીદ થયા શુરવીર
“ભૂપત બારોટ”કહે રણ ભૂમી માં, રૂડા લાગે રણધીર…

અઢાર અઢાર લૂંટારુંઓને એણે જનોઇવઢ ઘાથી વેતરી નાખ્યા. લૂંટારુંઓ ભાગ્યા પરંતુ એક જણે વચ્છરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વચ્છરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઈતિહાસ ની સૌપ્રથમ અદભૂત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના એ ઇતિહાસ માં સાબિત થયેલ ઘટના છે, આમ રજપૂતો ના મસ્તક પડે ને ધડ લડતા શુકામ? કારણ કે એ શૂરવીરતા એની પરાકાષ્ઠા એ પોહચી હોય આવું રાજપૂતોમાં જે “ક્ષાત્રતત્વ” હોય છે એને કારણે બને છે. પછી તે વેગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો. દેવલબાઈ, પૂનાબા બંને પણ પાછળ હતાં. વચ્છરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગૌખરી બેટ નજીક પડેલાં. ગામલોકો, જાનૈયા, માંડવિયા, કાલરી ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વચ્છરાજની વીરતાને વંદી રહ્યાં. દેવલબાઈ, પૂનાબા, હીરા ઢોલી વગેરેએ પણ ત્યાં પ્રાણાર્પણ કર્યા. મોતીયો કૂતરો અને રતન ઘોડી ઝૂરીઝૂરીને મર્યાં. રણક્ષેત્રના માંડવે એમણે મહોબ્બત કરી. ખુમારીના આ ખમીરને યાદ કરતા વાછરા બેટની એ ભોમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે. ગૌરક્ષક અને હડકવાને હાંકી કાઢવા માટે તે પૂજાય છે.

-ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)

Jay Veer Vachchraj Solanki

પીઠી ભરેલા અંગડે, મીંઢોળ બાંધી નીકળો હતો
તલવાર લીધી હાથમા, ઘોડલીયે અસવાર હતો.

મંગલ વરતવા માંડવે, બાજોટીયે બેઠો હતો
રજપૂતી ના રંગમા, મુછે તા દેતો હતો.

વાત સુણી વેગડની, હાકોટા કરતો હતો
રણ મેદાન માં રમવા પડકારા કરતો હતો.

સેના નોતી સાથમા, એકલડો અસવાર હતો
વેગડ વારવા વિરલો સોલંકી સરદાર હતો.

માથુ પડયુ મેદાન માં, ધડથી તોય લડતો હતો
મરદ મંડી ગ્યો મારવા દુસ્મન ત્યાં ડરતો હતો.

ગાયુ લઇને ગામ માં; પાછો જ્યાં ફરતો હતો
વાહરે વાહ વચ્છરાજ તુ મોજથી મરતો હતો.

રંગ છે વિર રજપૂત ને. સોલંકી સરતાજ હતો.
ધરમ કાજ ધીંગાણા કરે એવો વિર વચ્છરાજ હતો.

જય વીર વછરાજ, વાછરા દાદા , વત્સરાજ સોલંકી, વચ્છરાજ સોલંકી

Posted in ઈતિહાસ, શુરવીરો, શૌર્ય કથાઓ Tagged with: , , ,
Farmer with Bull Cart

દિલાવરી ની વાર્તા

દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.

શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે.
એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’
વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’

અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.

ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.

જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’

અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.

‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.

આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’

હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’

એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’

દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’

પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’

આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.

તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.]

– ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધારમાંથી સાભાર

Posted in ઈતિહાસ, ઉદારતાની વાતો Tagged with: ,
Saraswati Mata

या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना।
या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा॥

અર્થ : સૌંદર્યમંડિત છે જે શુભ્ર શશિ સમ માળા છે જેની સુંદર જળબિન્દુ સમ ધવલ વસ્ત્રો છે જેને અતિ શોભતા વીણાદંડ સોહે જેના કર કમળમાં વિરામ આસન છે જેનું શ્વેત પદ્મનું સદા વંદન કરે જેને સર્વ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશ સહ પૂજ્ય ભાવે એવી દેવી મા સરસ્વતી દૂર કરજો અમ બુદ્ધિ કુંઠિત કરતા તિમિરને

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના