Aai Shri Khodiaarખોડિયાર માતાજીનું માટેલ મંદિર ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ છે. આ ગામ વાંકાનેર થી આશરે ૧૭ કિ.મી.એ આવેલું છે. અહીં ઊંચી ભેખડો ઉપર ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. જે ઢોળાવ ચડીને મંદિરમાં જવાય છે. અહીં જે જુનું સ્થાનક છે, તેમાં ચાર મુર્તિઓ છે. આ પ્રતિમાઓ આવડ, ખોડિયાર, હોલબાઈ અને બીજબાઈની છે. તેમાં શ્રી ખોડિયાર માતાજીની મુર્તિ ઉપર સોના-ચાંદીનાં છત્ર (સતર) ઝુમે છે. તેમ જ માતાજીને ચુંદડી ચડાવેલ હોય છે. આ મંદીરની બાજુમાં જ નવું મંદિર બનેલું છે. તેમાં ખોડિયાર માતાજીની આરસની સુંદર મુર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે. તેની નીચે ખોડિયાર માતાજીનાં બહેન એવા જોગડ, તોગડ અને સાંસાઈનાં પાળીયા ઉભા છે.

આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ઘુનો આવેલો છે. જે માટેલીયા ધરા તરીકે ઓળખાય છે. આ મીઠા પાણીનાં ધરામાં ઉનાળામાં પણ પાણી ખુટતું નથી. આખુ માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે. હાલ પણ આ ધરાનાં પાણીને ગરણામાં ગાળ્યા વગર જ પીવાની પ્રથા છે. આ ધરાની થોડો આગળ એક નાનો પાણીનો ધરો આવેલો છે. તેને ભાણેજિયો ધરો કહેવામાં આવે છે. કહેવાય છે કે આ ધરામાં ખોડિયાર માતાજીનું જુનું સોનાનું મંદિર આવેલું છે. જેને જોવા માટે બાદશાહે નવસો નવાણુ કોસ(પાણી ખેંચવાનું સાધન) ધરે મંડાવ્યા હતાં. ત્યારે ધરાનું પાણી કોસ દ્વારા ખેંચી લેવાતાં, ધરામાં રહેલ મંદિરની ઉપરનું સોનાનું ઇંડુ જોવા મળ્યું હતું. કહેવાય છે કે ત્યારે ખોડિયાર માતાજીએ ભાણેજિયાને (પાણીનો હોંકરો)ને બોલાવ્યો અને તેમાં એટલું બધું પાણી આવેલ કે ધરે મંડાયેલ નવસો નવાણુ કોસને તાણીને ફરીથી ધરો પાણીથી ભરી દીધેલ. આમ માતાજીએ સત દેખાડીને પરચો પુર્યો હતો. આ વાતનો ઉલ્લેખ, ખોડિયાર માતાજીનાં ગળધરેથી માજી નિસર્યા ગરબામાં જોવા મળે છે. અહીં મંદિર પાસે અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન બની રહી છે.

હાલ, અહીં માટેલ તિર્થધામ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે. જે માટેલ ખોડિયાર માતાજીએ દર્શને આવતા યાત્રિકોને સારી એવી સગવડ પુરી પાડે છે. અહીં તેઓએ મોટી ધર્મશાળાઓ બંધાવેલ છે. જેથી અહીં રાત્રિ રોકાણ માટે ખુબ જ સુંદર સગવડ વિના મુલ્યે ઉપલબ્ધ છે. આ મંદિરે વર્ષ દરમિયાન લોકો ખુબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. ઘણા લોકો દુર દુરથી માતાજીની પગપાળા માનતા ચડાવવા પણ આવે છે. અહીં માતાજીની લાપસી નો પ્રસાદ ધરવામાં આવે છે. તેમ જ આ મંદિરે અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જેમાં દરેક માણસોને વિનામુલ્યે ત્રણેય ટાઈમ જમવાનું (પ્રસાદ) આપવામાં આવે છે. જેમાં લાપસી, શાક, રોટલી, દાળ અને ભાત પ્રસાદ તરીકે પિરસવામાં આવે છે. અહીં આવવા માટે એસ.ટી બસ તેમજ પ્રાઈવેટ વાહન દ્વારા આવી શકાય છે. તેમજ વાંકાનેર સુધી ટ્રેન પણ આવે છે.

PHOTO GALLERY: Khodiyaar Mata Temple Matel

Save

Save

Save

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: , , ,
Swami Dharma Jivandasji

“સ્વામી! આમ ક્યાં લગી ફર્યા કરશો!” કવિશ્રી ત્રિભોવન ગૌરીશંકર વ્યાસ બોલ્યા:” આપના જેવા વિદ્વાન અને શક્તિશાળી હવે ક્યાં સુધી હાથ જોડીને બેસી રહેશે?”

રાજકોટની બજાર વચ્ચે સ્વામી ધર્મજીવનદાસજી, કવિના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મરકમરક હસવા લાગ્યા.” નવી પેઢીનું ઘડતર કરવું તે સાધુ-સંતોનું પરમ કર્તવ્ય છે. આપે મંદિરોના જીર્ણોદ્ધાર તો ખૂબ જ કર્યાં, હવે ચૈતન્ય મંદિરોનું કાંઈક કરીએ તો…..”

“સમાજનાં ઘડતર માટે જેટલું સંતોનું કર્તવ્ય છે એનાથી સહેજ પણ ઓછું કર્તવ્ય કવિનું નથી. કવિ સ્વપ્નદ્રષ્ટા છે. આર્ષદ્રષ્ટા છે.” સ્વામી બોલ્યા.

જનકલ્યાણનો એક મંગળ સંદેશ લઈને હિમાલયની યાત્રાએથી સ્વામી ધર્મજીવનદાસજી વિહાર કરતાં કરતાં પાછા ફર્યા.ત્યાં રાજકોટમાં આ કવિશ્રીનો ભેટો થઇ ગયો.

અમરેલી પાસેના તરવડા ગામમાં પધારેલાં સ્વામી બાલમુકુંદદાસજી પાસે બાર વરસના નાનકડા છોકરાએ વિનંતી કરી હતી: ‘સ્વામી મને કંઠી બાંધોને!” ભુરાભાઈ લાખાણીના આ દીકરાની શ્રદ્ધા જોઈ સ્વામી રાજી થયા હતા. નેત્રોમાં ઊભરાતી તેજસ્વિતા જોઈ તેણે કંઠી બાંધી હતી. કિશોર અવસ્થામાં વૈરાગ્યના અંકુર ફૂટવા લાગ્યા હતા. સંસાર છોડી સાધુ થવાની તીવ્ર ઝંખના, વારંવાર ઘર છોડીને ભાગી જવું ને છેવટે ત્યાગીની દીક્ષા લેવી. આ એવો જ સમય સામે આવીને ઊભો રહ્યો હતો. તેથી જુનાગઢ મંદિરના મહંતપદેથી નિવૃત્તિ લઇને હિમાલયની પુનિતયાત્રાએ ઊપડી ગયા હતા.

સાધુ-સંતોના પ્રેરણાસ્રોત સમા નગાધિરાજ હિમાલયનાં દર્શન કર્યાં હતાં. મનને શાતા વળી હતી. કાંઈક કરી છૂટવાની ભાવના વધુ પ્રજજ્વલિત થઇ હતી. ભગવાન સ્વામીનારાયણના સિદ્ધાંતોમાં નિષ્ક્રિય બેસી રહેવા કરતાં નિષ્કામ સેવાપ્રવૃત્તિ કરવી એ શ્રેષ્ઠ માર્ગ છે. બસ… ત્યાંથી જ સ્વામીના મનમાં પ્રાચીન ગુરુકુળોની ભવ્ય પરંપરા મનમાં વસી ગઈ હતી. તેમાં આ કવિરાજનો ભેટો થઇ ગયો.

“કવિરાજ! હિમાલયમાંથી આ સંકલ્પ લઈને નીકળ્યો છું. સલાહ દેનારા ઘણાં મળે છે પણ સાથ દેનારા ભાગ્યે જ મળે છે. એક તમે મળ્યા.”

પ્રાચીનકાળમાં ગુરુકુળની વ્યવસ્થા ઘણી ઉત્તમ હતી. ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાનું તેમાં પ્રતિબિંબ ઝીલાતું હતું. પણ આજના સમયમાં તેને સાકાર કેમ કરવી? આ મોટો સવાલ હતો.

સ્વામી ધર્મજીવનદાસજી ધનનો સંગ્રહ કરવામાં માનતા નહોતા. વળી આજીવન ટેક લીધી હતી કે ક્યારેય ફંડફાળા કરવા નહીં. છતાંય નવતર ચીલો પાડી, સામા ચઢાણ ચઢવા હતાં. સ્વામી કહે, ”આમ હું બાવો ને ત્રિભોવનભાઈ બ્રાહ્મણ. ઓછામાં પૂરું હોય તેમ પાછા કવિ. બન્ને પાસે કાંઈ જ ન મળે. તેમાં આવાં મંડાણ માંડવા કેમ?” આ બાજુ ઊગતી આઝાદી હતી. ઢેબરભાઈ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. દેશી રજવાડાની સોંપણીની કાર્યવાહી ચાલતી હતી.

એક સમયે જાહેર હેતુ અને કેળવણી માટેની ચર્ચા થતી હતી. ત્યાં કોઈ કામ સબબ કવિ ત્રિભોવનદાસ ત્યાં હાજર. તેમણે આખી બાબતને પામી જઈ તરત જ સ્વામીનારાયણ ગુરુકુળ ટ્રસ્ટ વતી દસ હજાર ચોરસવાર જમીનની માંગણી મૂકી દીધી. અરજી સ્વીકારતી વખતે રેવન્યુ અધિકારીએ જે સવાલ કર્યા હતા તેના કવિએ પૂર્તતા સાથેના જવાબો આપ્યા હતા. તે વખતે સ્વામી જુનાગઢમાં હતા. જમીન તો મંજૂર થઇ પણ રેવન્યુ રાહે ભરવાની થતી રકમ કયાંથી ભરવી? પણ કવિના પ્રયાસથી અને ઢેબરભાઈ તથા જેઠાલાલ જોશીના સદભાવથી રૂપિયા પાંચના બદલે વાર જમીન પાવલીના ભાવે મળી. તે રકમ વેરાવળના એક ઘીના વેપારી તરફથી ભરાઈ ગઈ.

વિક્રમ સંવત ૨૦૦૪, વસંતપંચમીના પવિત્ર દિવસે ભાડાના મકાનમાં ગુરુકુળનો પ્રારંભ થયો. ત્યારે વિદ્યાર્થી હતા સાત. ત્યારબાદ મહંત સ્વામી શ્રીકૃષ્ણજીવનદાસજીની ઉપસ્થિતિમાં અને મેંગણીના દરબાર કુંવરશ્રી પ્રદ્યુમ્નસિંહજીના હસ્તે ગુરુકુળના મકાનનું ખાતમુહૂર્ત થયું હતું.

સ્વામીને કોઈએ સત્સંગીનાં જ બાળકો રાખવાનું કહ્યું ત્યારે, “એ કેવી રીતે બને?” સ્વામીએ કહ્યું, ”મારે મન તો સમસ્ત વિશ્વ ઇશ્વરનું સંતાન છે. માટે આ ગુરુકુળમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાં જ બાળકોને પ્રવેશ મળશે.” ગરીબોનાં બાળકોને તક આપવી અને તેમના જીવનમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શુભ સંસ્કારોનું સિંચન કરવું.

કોઈએ કહ્યું, તમે સાધુ થઇ ગૃહસ્થનાં છોકરાં ભણાવવાની પંચાતમાં ક્યાં પડ્યાં? તો કોઈએ કહ્યું, તમે વિદ્વાન છો તમારે તો પ્રભુની માળા ફેરવવી જોઈએ!

સ્વામીએ કહ્યું: “માળા તો હું ફેરવું જ છું, પણ મારી માળા લાકડાંની નથી, ચૈતન્ય છે. તમારો લાકડાંનો પારો જવાબ ન આપે. પણ મારો આ એક એક પારો તમને જવાબ આપે. સ્વામીનારાયણ, સ્વામીનારાયણ બોલે.” થોડીવાર અટકીને સ્વામી ભાવ અને ભારપૂર્વક બોલ્યાં: “તમારા લાકડાંના પારા જવાબ આપે છે ખરા!?”

આમ સ્વામી ધર્મજીવનદાસજીએ ભારતીય પરંપરાની વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતાં ચૈતન્ય મંદિર, ગુરુકુળ પ્રણાલીના પાયા નાખ્યા હતા.

Posted in ઈતિહાસ, મંદિરો - યાત્રા ધામ, સંતો અને સતીઓ, સેવાકીય કર્યો Tagged with: , , , , , ,
Ganga Sati

ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ,
પછી પસ્તાવો થાશે રે;
અગમ અગોચર રસનું નામ છે,
એ તો પુરણ અધિકારીને ઠેરાશે … ઝીલવો જ હોય

માન રે મેલ્યા પછી રસ તમને મળશે પાનબાઈ!
જુઓને વિચારી તમે મનમાં રે,
દૃશ્ય પદારથ નથી રે’વાના પાનબાઈ,
સુણો ચિત્ત દઈને વચનમાં રે… ઝીલવો જ હોય.

આ તો ગુંજાનો લાડવો પાનબાઈ,
અહંભાવ ગયા વિના ન ખવાય રે.
કોટિ જનમની મટાડો ઝંખના ત્યારે,
જાતિ રે પણું વયું જાય … ઝીલવો જ હોય.

દૃષ્ટિ રાખો ગુપત ચાખો પાનબાઈ,
તો તો સહેજે આનંદ વરતાય રે,
ગંગા સતી એમ બોલિયાં રે પાનબાઈ,
આપમાં આપ મળી જાય … ઝીલવો જ હોય.

– ગંગા સતી

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with:

Somnath Mahadev Temple

જૂનાગઢથી સોમનાથ પાટણ રોડ રસ્‍તે ૯૮ કિલોમીટર છે. રેલ રસ્‍તે જવા જૂનાગઢથી વેરાવળ પશ્ચિમ રેલ્‍વેનું છેલ્‍લું સ્‍ટેશન છે. ત્‍યાંથી રોડ રસ્‍તે ૫ કિલોમીટર દુર સોમનાથ આવેલ છે. પશ્ચિમના સમુદ્ર તટ ઉપર જ્યાં સરસ્‍વતી નદી સાગરમાં મળે છે ત્‍યાંથી ભાદર સુધી નદી સુધીનો પ્રદેશ, ગીરના જંગલોમાં તુલસીશ્‍યામથી માધવપુર સુધીનો વિસ્‍તારમાં ભગવાન શંકર અતલ સુધી રહેલ હતા. અવકાશ અને પૃથ્‍વીની વચ્‍ચેના આ પ્રભામંડલમાં શિવજીની આરાધના કરવાથી પ્રભા અર્થાત તેજ-કાંતિ પ્રાપ્‍ત થાય તેવી આશા અને શ્રદ્ધાનું આ પવિત્ર સ્‍થળ તેથી ‘પ્રભાસ‘ કહેવાયું છે.

પુરાણકથા
પુરાણકથા મુજબ એક સમયે કલાનિધાન ચંદ્ર પોતાની ચાતુરી ખોઈ બેઠો. વડીલની આજ્ઞા ન માનવાથી અને પત્‍નીઓનું અપમાન કરવાથી ચંદ્રનું પોતાનું તેજ નાશ થઈ ગયું અને પૃથ્‍વી ઉપર અમૃત વરસાવવા ચંદ્ર અશક્ત થઈ ગયો. ચંદ્રદેવને નક્ષત્ર નામવાળી ૨૭ પત્‍નીઓ છે, તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહીણી નામવાળી પત્‍ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્‍ન રહેતાં. બાકીની ૨૬ પત્‍નીઓ જે બધી સગી બહેનો જ હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિ‘ પિતા દક્ષ દિકરીઓને દુ:ખી જાણી દુ:ભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે કૃપા કરી દરેક પત્‍નીઓ સાથે સરખો પ્રેમભાવ રાખો. પણ ચંદ્ર મહારાજે વડીલ સસરાની આજ્ઞા માની નહીઉ ૨૬ દિકરીઓને ઉદાસ રાખી અપમાનીત કરનાર ચંદ્રથી દુ:ખી પિતા દક્ષરાજે આથી ‘ચંદ્ર તારો ક્ષય થાવ‘ આવો શ્રાપ આપ્‍યો.
દિન પ્રતિદિને ચંદ્રની પ્રભા નષ્‍ટ થઈ ગઈ. ચંદ્રના તેજ વગર અન્ન ઔષધી રસ વગરના થઈ ગયા અને પ્રજા નષ્‍ટ થવા લાગી. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી ચંદ્રએ રોહીણી સાથે પૃથ્‍વી અને અવકાશ વચ્‍ચેના આ સ્‍થળે પ્રભાની આશા સાથે તપસ્‍યા શરૂ કરી. તપથી પ્રસન્ન થયેલ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપથી અંશત છુટકારો થયો અને પુન: પ્રભાયુક્ત થઈ ગયો અને ત્‍યારથી આ મુખ્‍ય તીર્થ પ્રભા આશ કે પ્રભાસના નામથી વિખ્‍યાત થયું છે. ત્‍યાર પછી બ્રહ્માજીએ અર્ધચંદ્રને ધારણ કરનાર ભગવાન શિવજીનું સ્‍થાપન ચંદ્ર અને રોહીણી પાસે સુવર્ણમય મંદિરમાં કરાવ્‍યું. ત્‍યારથી અહીં સોમ-નાથ કે ચંદ્ર-પ્રભુના જ્યોતિર્લીંગ ગણાય છે.

ઈતિહાસ
પ્રભાસ આ સમયકાળનું સૌથી વધારે પવિત્ર સ્‍થળ હતું પાપ નિવારણ કરવાનો આ ક્ષેત્રનો ગુણધર્મ હતો. કૃષ્‍ણ – બલરામ અને યાદવોની આ પવિત્ર ભૂમિ ઉપર ખુબ જ પ્રિતિ હતી. ભગવાન શ્રી કૃષ્‍ણએ જીવનની અંતિમ ક્ષણો પણ આ ભૂમિ ઉપર ગાળીને દેહત્‍યાગ પણ અહીંજ કર્યો છે. દેવયોગે પ્રૌત્ર વ્રજનાભ સિવાય સમગ્ર યાદવકુળનું અહીં પતન થયું છે. પતન સંસ્‍કૃત શબ્‍દ છે જે ઉપરથી પાટણ થયું છે. યાદવોનાં પતન પછી ભગવાન શ્રી કૃષ્‍ણ દ્વારકા છોડીને આ સ્‍થળે વૃક્ષ નીચે, સ્થિર આસને આડો પગ રાખી બિરાજતા હતા ત્‍યારે જર નામના શિકારીનું બાણ આડા પગનાં તળીયામાં લાગ્‍યું. ભલ્‍લ કહેતા બાણથી ઘવાઈ શ્રી કૃષ્‍ણે દેહત્‍યાગ કર્યો તેથી ભાલકા તીર્થ કહેવાયું છે. અહિં ભગવાન શ્રી કૃષ્‍ણનાં આ અંતિમ સ્‍વરૂપનાં દર્શન થાય છે વેરાવળથી પાટણ જતા રસ્‍તામાં પ્રથમ ભાલકા તીર્થના દર્શન થાય છે.

શ્રી કૃષ્‍ણના નશ્વર દેહનો અગ્નિ સંસ્‍કાર થયો તે સ્‍થળ અરબી સમુદ્રના કાંઠે ત્રિવેણી સંગમ ઉપર છે. સરસ્‍વતી, કપિલા અને હિરણ નદીના ત્રિવેણી સંગમ સ્‍થાને આવેલ આ સ્‍થળને દેહોત્‍સર્ગ ક્ષેત્ર કહેવાયું છે. ઘાટ ઉપરનાં પીપળાનાં વૃક્ષને ભાવિકો પાણી સિંચે છે. આ સ્‍થળે શ્રી કૃષ્‍ણ ભગવાનનું સુંદર મંદિર છે. મંદિરનાં ૧૮ આરસનાં સ્‍તંભ ઉપર ગીતાનાં દરેક અધ્‍યાય કોતરેલા છે. જેથી ગીતામંદિર પણ કહેવાય છે. શ્રી કૃષ્‍ણના મોટાભાઈ બલરામજી પણ શ્રી કૃષ્‍ણની જીવન લીલા પુરી થતા, દેહોત્‍સર્ગનું અંતિમ કાર્ય પુરૂ કરી આ સ્‍થળેથી અતલ પાતાળમાં માનવ રૂપ બદલાવી શેષનાગના સ્‍વરૂપે પ્રવેશ કરી ગયા છે. આ સ્‍થળને બલદેવજીની ગુફા કહેવાય છે. અહીં શેષનાગની સિંદુર ચડાવેલ મૂર્તિ અને ગુફા વિવર છે.અહીં બલદેવજીની મૂર્તિની પ્રતિષ્‍ઠા કરેલ છે. બાજુમાં જ લક્ષ્‍મી-વિષ્‍ણુનું સુંદર મંદિર છે. તથા અહીંયા વૈશ્નવાચાર્ય મહાપ્રભુ વલ્‍લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત પારાયણ કરેલ છે. મહાપ્રભુની ૮૪ બેઠકમાંની એક બેઠકજી આ પાવન જગ્‍યાએ છે. આ સિવાય રૂદ્રેશ્વર મહાદેવ, જીર્ણ સૂર્ય દેવળ, શંકરાચાર્યજીની ગાદી, વેણેશ્વર મહાદેવ, દૈત્‍યસુદન વિષ્‍ણુનું મંદિર અને ભીડીયા પાસેના સમુદ્રનાં જળમાં બાણગંગા શિવલિંગ, ભીડીયા ગણેશજી, શશિભૂષણ મહાદેવ વગેરે પ્રાચીન પાવનકારી સ્‍થળો છે.

સોમનાથના બસ સ્‍ટેશન પાસે જ સોમનાથ મહાદેવનું પ્રાંગણ આવે છે. થોડે દુર રાણી અહલ્‍યાબાઈનું સ્‍થાપેલ સોમનાથનું જૂનું શિવ મંદિર આવેલ છે. મોગલોના પતન પછી મરાઠા સરદાર ધનાજી જાદવે સૌરાષ્‍ટ્ર સર કર્યું. ત્‍યારે ઈંદોરના હોલકર મહારાણી અહલ્‍યાબાઈએ પુરાણા ખંડિત શિવમંદિરથી થોડે દુર સોમનાથનું આ શિવમંદિર ઈ. સ. ૧૭૮૩માં બંધાવ્‍યું છે. નીચે ભૂગર્ભમાં ભવ્‍ય શિવલીંગ સહ ઉમાની કાળાપાષણની મૂર્તિના દર્શન અને પૂજન કરવાનો બેવડો લાભ યાત્રિક જાતે જ લઈ શકે છે. સોમનાથના મંદિરો હજારો વર્ષમાં વારંવાર બન્‍યા છે. રાજા રાવણે રજતનું મંદિર બનાવેલ, રાજસૂય યજ્ઞ પછી સમ્રાટ યુધિષ્ઠિરે સુગંધી ચદન કાષ્‍ટનું વિશાળ શિવમંદિર બનાવેલ. કાળાંતરે અનેક સમ્રાટો, મહારાજ ભોજ, રાજા ભીમે, રાજા મહીપાલે શિવમંદિર બનાવેલ છે. અને ગિજનીના મહંમદે, અલાઉદ્દીન ખીલજી, મહંમદ બેગડો, મોગલશાહ ઔરંગઝેબે ધર્મની અસહીષ્‍ણુતાથી રત્‍નો અને સંપત્તિયુક્ત મંદિરો તોડીને લુંટ્યા છે. તેનો નાશ કર્યો છે. સમયાંતરે ભારતની સંસ્‍કૃતિએ ભગવાન શંકરના આ સનાતન જ્યોતિર્લીંગની અહીં ફરી સ્‍થાપના કર્યા જ કરી છે.

સમયના અનેક વહેણ વહી ગયા પછી દેશ આઝાદ થયો ત્‍યારે ઈ. સ. ૧૯૪૭માં ભારતના લોકપ્રિય ‘લોખંડી પુરૂષ‘ સરદાર વલ્‍લભભાઈએ સમુદ્રનું જલ હાથમાં લઈ સોમનાથના જીર્ણ – શીર્ણ પુરાણા ખંડીયેર, ભગ્ન શિવમંદિરની જગ્‍યાએ જ નવું સોમનાથનું મંદિર કરવાનું નક્કી કર્યું. શિવજીના મહામેરૂપ્રસાદ મંદિરનો અહીં શિલારોપણ ઈ. સ. ૧૯૫૦ના ૮મી મેના રોજ થયો. ઈ. સ. ૧૯૫૧ના ૧૧મી મે, વિક્રમ સંવત ૨૦૦૭ના વૈશાખ સુદ – ૫ ના દિવસે પ્રભાતે ૯ – ૪૭ કલાકે ભારતના પ્રથમ રાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્રપ્રસાદે ભગવાન સોમનાથની પ્રતિષ્‍ઠા વિધિ કરી છે.

છેલ્‍લા હજારો વર્ષથી આ તેજ બ્રહ્મશિલા તેમની તેમજ છે, જ્યાં આજે જ્યોતિર્લીંગ સોમનાથ નવા બંધાયેલ ‘મહામેરૂ પ્રસાદ‘ મંદિરમાં પ્રકાશી રહ્યું છે. સોમનાથ મંદિરની પુન:પ્રતિષ્‍ઠાને ઈ. સ. ૨૦૦૦માં ૫૦ વર્ષ પુરા થતા મંદિરનો સુવર્ણ મહોત્‍સવ થયો હતો. સોમનાથ મહાદેવની આરતી સવારે ૭ વાગ્‍ય, બપોરે ૧૨:૦૦ વાગ્‍યે અને સાંજે સૂર્ય અસ્‍ત થવાના સમયે થાય છે. સવારના ૬ થી રાત્રીના ૯ વાગ્‍યા સુધી દર્શન થઈ શકે છે. સોમનાથ મંદિર માટે પ્રાણ આપનાર હમીરજીનો પાળીયો અને કર્પદી ગણેશ તથા હનુમાનજીના સ્‍થાનકો આ ચોગાન મધ્‍યે છે. પ્રાચિન ગ્રંથો અને ઈતિહાસના આધારે શ્રી દિગ્‍વીજય દ્વાર નવાનગરના રાજમાતાએ તૈયાર કરાવ્‍યું છે. દ્વાર સામે જ સરદારની પ્રતિમા શોભી રહી છે. બાજુમાંજ રાજ્ય સરકારનું મ્‍યુઝીયમ છે. જેમાં પુરાણા સોમનાથ મંદિરના પથ્‍થરના શિલ્‍પો-શિલાલેખોની વિશાળ શ્રેણી પ્રદર્શિત છે.

Posted in ઈતિહાસ, મંદિરો - યાત્રા ધામ Tagged with: ,

Veer Hamirji Gohil

शहीदों में खडा होना आसान नहीं
जिसे इश्क हो वतन से वही गरदन कटवा सकता है

વીર યોધ્ધા હમીરજી ગોહિલ: કાઠીયાવાડી ખમીર

Posted in શુરવીરો Tagged with: , , ,