Veer Hamirji Gohilમહાકાવ્ય – હમીરજી ગોહિલ સર્ગ-૩ મિજબાનીના.અંશો

‘આ જેવો વર લાડકો કદિ ય તેં જોયો હતો – બેન ! શું ?’
‘જો જો ! ખડ્‌ગ સુનેરી એ કર મહીં કેવું દિસે છે રૂડું ?’
‘ઓહો ! અશ્વ કુદી રહ્યો પણ જરી આ સ્વાર ના ના ડગે !’
‘આહા ! એ મુખતેજથી શશી અને ઝાંખી મશાલો બને !’

‘ચંદાબેન તણો જ આ કર ગ્રહે ! કેવું બને તો – સખિ ?’
‘કોઈ વેગડભાઈને કહી શકે એ ગોળ ખાવા અહીં ?’

‘રે ! એ ભીલ ઠર્યો અને રજપૂતી ટેકી દિસે વીર આ !’
‘ચંદાને પણ ભીલડી ગણીશ ના” “એ કોઈ દેવી મહા !’

‘કિંતુ આ રજપૂત યુદ્ધ કરવા જાતો – સૂણ્યું મેં નકી !’
‘શું આ ઉછળતું જ પુષ્પ મરવા જાશે ? અરેરે ! સખિ !’
‘તો એ આ વ્યવિશાલનું કહીશ હું ચંદાની માતા કને !’
‘છે તો કૈં જ થવું નહીં !” “નિરખી આ છોને જરા તોય લે !’

‘કોઈ કાયર સાથ લાખ વરસો સ્વર્ગે ય જીવ્યા થકી !’
‘મ્હોટું ભાગ્ય સુવીરની કરલતા પૂરી ક્ષણે સ્પર્શવી !’
‘ચંદા પાસ રહી શીખેલ દિસ તું વાતો વડી બોલવી !’
‘બાઈ ! સૌ હરિએ લખેલ બનશે ! આ જોઈ લે તો જરી !

કલાપી

Posted in શૌર્ય ગીત Tagged with: ,
Rajasthani Painting Style

મારા કેસરભીના કંથ (વિરાંગનાનું ગાયેલું ગીત)

મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

આભ ધ્રૂજે ધરણી ધમધમે રાજ ઘેરા ઘોરે શંખનાદ
દુંદુભિ બોલે મહારાજના હો સામંતના જયવાદ
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

આંગણ રણધ્વજ રોપિયા હો કુંજર ડોલે દ્વાર
બંદીજનોની બિરદાવલી હો ગાજે ગઢ મોઝાર
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

પુર પડે દેશ ડૂલતા હો ડગમગતી મહોલાત
કીર્તિ કેરી કારમી રાજ એક અખંડિત ભાત
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

નાથ ચડો રણઘોડલે રે હું ઘેર રહી ગૂંથીશ
બખ્તર વજ્રની સાંકળી હો ભરરણમાં પાઠવીશ
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

સંગ લેશો તો સાજ સજું હો માથે ધરું રણમોડ
ખડગને માંડવ ખેલવાં મારે રણલીલાના કોડ
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

આવન્તાં ઝાલીશ બાણને હો ઢાલે વાળીશ ઘાવ
ઢાલ ફૂટ્યે મારા ઉરમાં રાજ ઝીલીશ દુશ્મન દાવ
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

એક વાટ રણવાસની રે બીજી સિંહાસન વાટ
ત્રીજી વાટ શોણિતની સરિતે હો શૂરના સ્નાનનો ઘાટ
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

જય કલગીએ વળજો પ્રીતમ ભીંજશું ફાગે ચીર
નહીં તો વીરને આશ્રમ મળશું હો! સુરગંગાને તીર
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

રાજમુગુટ રણરાજવી હો રણઘેલા રણધીર
અધીરો ઘોડીલો થનગને નાથ વાધો રણે મહાવીર
મારા કેસરભીના કંથ હો સિધાવોજી રણવાટ

-મહાકવિ નાનાલાલ

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં Tagged with:

Khodiar Mata Temple Galadhraખોડિયાર માતાજીનું ગળધરા મંદિર અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી મંદિર આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે. ત્યાં ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે. આ નદીને કિનારે હાલ મોટુ મંદિર બનાવવામાં આવ્યુ છે. તેમજ ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે. આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ બાંધવામાં આવેલ છે. જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્ર ભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુ ગામનાં ખેડુતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે.

અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે.

૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે છે. અમરેલી તાલુકાના ૨૪ ગામોને ખોડિયાર ડેમની નહેરોનો લાભ મળે છે. અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે.આ સ્‍થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની સામે નદીના કાળા પથ્‍થરોમાં પાણીનો ઝરો વહે છે. લાખો શ્રદ્ધાળુ લોકો અહીંની મુલાકાત લે છે.

જુનાગઢ નાં રાજા રા’નવઘણનાં માતા સોમલદેને ખોડિયાર માતાજી ઉપર ખુબજ શ્રધ્ધા હતી અને કહેવાય છેકે ખોડિયાર માતાજીનાં આશિર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો. આમ જુનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજીને ત્યારથી ચુડાસમા રાજપૂતો કુળદેવી તરીકે પુજવાનુ શરૂ કર્યુ હતું. રા’નવઘણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. કહેવાય છે કે જયારે રા’નવઘણ તેની જીભની માનેલી બહેન જાસલ(જાહલ)ની વારે ચડ્યો ત્યારે તે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે ૨૦૦ ફુટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માતાજીએ રક્ષા કરી હતી. જે સ્થળ હાલ પણ ઘુનાથી થોડે દુર છે. આમ શ્રી ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક આ ગળધરામાં આવેલું છે. અહીં પહોંચવા માટે ધારી થી પાકા ડામર માર્ગે એસ.ટી. બસ અથવા પ્રાઈવેટ વાહનથી પહોંચી શકાય છે. જેનો રસ્તો ખોડિયાર ડેમનાં બંધ ઉપરથી પસાર થાય છે. ચોમાસામાં અહીંનું કુદરતી સૌંદર્ય ખાસ માણવા લાયક હોય છે.

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: , , , , , ,

શિક્ષક – ચંપક… બતાવ તો ભારતમાં કેટલા રાજ્ય છે ?
ચંપક : મેડમ.. નેટ પર જોવુ પડશે, સવાર સુધી તો 28 હતા.

Posted in મનોરંજન Tagged with:

યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો,
ને આદરો તમે અભ્યાસ રે,
હરિ ભાળવા હોય તો હિંમત રાખો,
જેનો પરિપૂર્ણ સર્વમાં વાસ રે … યોગી.

રજોગુણી તમોગુણી આહાર ન કરવો,
ને સ્વપ્ને ન કરવી આશ રે,
સત્વગુણી આહાર કાયમ કરવો જેથી,
થાય બેઉ ગુણનો નાશ રે … યોગી.

સત્વગુણમાં ભેદ છે મોટો,
એક શુદ્ધ, બીજો મલિન કે’વાય રે,
મલિન ગુણોનો ત્યાગ કરવો
જેથી પરિપૂર્ણ યોગી થવાય રે … યોગી.

વિદેહદશા તેહની પ્રગટે,
જે ત્રણે ગુણથી થયો પાર રે;
ગંગાસતી એમ જ બોલિયાં રે,
જેનો લાગ્યો તૂરિયામાં તાર રે … યોગી.

– ગંગા સતી

Posted in ભજન-પ્રભાતિયા-પ્રાર્થના Tagged with: