Mother and Child

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે.

કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી;

મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોદ્ધા જોવાને,
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને;

નિજ ગૌરવ કેરે ગાને
જખ્મી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;

અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળાં નવ કોઇ બહેની લાવી;

કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબરે પુછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યા ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી:

કોઇનો લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં:

આતમ-દીપક ઓલાયા,
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો:

પાસે ધૂપસળી ધરજો,
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે:

સહુ માતા ને ભગિની રે!
ગોદ લેજો ધીરે ધીરે!

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;

રે! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજ અહર્નિશ પ્રભુને પાયે પડતી;

ઉરની એકાન્તે રડતી
વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયા હોશે કર બે કંકણવંતા:

વસમાં વળામણાં દેતા,
બાથ ભીડી બે પળ લેતા.

એની કૂચકદમ જોતી અભિમાનભરી મલકાતી,
જોતી એની રૂધિર-છલક્તી ગજગજ પહોળી છાતી;

અધબીડ્યાં બારણિયાંથી
રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે:

કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;

લખજો: ‘ખાક પડી આંહી
કોઇના લાડકવાયાની’
[૧૯૩૦]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

૧૮૯૭ માં ગુજરાતનાં ચોટીલા ગામમાં જન્મેલ ઝવેરચંદ મેઘાણી પચાસ વર્ષની વયે અવસાન પામ્યા. સૌરાષ્ટ્રની રસધાર કૃતિથી અત્યંત લોકપ્રિય બનેલ રાષ્ટ્રીય શાયર મેઘાણીની અમર કૃતિઓમાંની આ કૃતિથી બ્લોગ પર સાહિત્યયાત્રાની શરૂઆત કરું છું. Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના ગીતનું મેઘાણીએ કરેલું ગુજરાતી રૂપાંતર એટલે આ ગીત. આ ગીતના શબ્દો એટલા તો વીંધી નાખે એવા છે કે વાત નહીં. યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે તેમાં એક લાશ હજુ કોઈએ ઓળખી નથી એટલે એમનેમ પડી છે. એ પણ કોઈ માતાનો લાડકવાયો છે એ વ્યથા આ કાવ્યનું સંવેદનકેન્દ્ર બને છે.

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં, લોકગીત, શૌર્ય ગીત Tagged with: ,

Rajkot City Gate
રાજકોટ નગર આજી નદીના કાંઠે ૧૬૧૦ની સાલમાં વસ્‍યું એ સમાનાં ઠાકોર વિભાજીએ આ શહેરની સ્થાપના કરી. ર૮ર ચો. સ્‍કવેર. માઇલ અને ૬૪ ગામો ધરાવતું રાજ હતું. ૧૭ર૦ની સાલમાં સોરઠ પ્રાંતના નાયબ ફોજદાર માસુમખાને ઠાકોર મેરામણજી બીજાને લડાઇમાં હરાવા અને રાજકોટ સર કર્યુ અને રાજકોટનું નામ માસુમાબાદ રાખવામાં આવ્યુ. ફરી પાછું ૧૭૩રમાં ઠાકોર મેરામણજીના પાટવી કુંવર રણમલજીએ પિતાનું વેર લેવા માસુમખાનને રાજકોટમાં ઠાર કર્યો અને રાજકોટ જીતી લીધું. આ વિજયની સાથે આ નગરનું નામ ફરીથી રાજકોટ રખાયું.

Posted in ઈતિહાસ, શહેરો અને ગામડાઓ Tagged with: ,

ઘણાં લોકો એકલા પડી જાય છે કેમકે તેઓ દીવાલ બાંધે છે..પુલ નહીં..

Posted in સુવિચાર
Painting of Love

પ્રેમ કથા
લુંઘીયા ગામના બહારવટિયા બાવાવાળાનું પાળ સાગમટે સરધારપુર ગામ પર ત્રાટક્યું હતું. તેમની સામેના આ ધીંગાણામાં સરધારપુર ગામનો લાખા નામનો જ્ઞાતિએ મેઘવાળ એવો જણ લડવામાં મોખરે હતો. પોતાના ગામને બહારવટિયાનાં હાથે ભાંગવા ન દેવું તેવી ખેવના અને તમન્ના સાથે તે પૂરી તાકાત અને ઝનૂનથી લડતો હતો પણ ત્યાં કોઈ બહારવટિયાની બરછીનો જીવલેણ ઘા વાગ્યો અને લાખો ત્યાને ત્યાં ઢળી પડ્યો….

લાખાનું લગ્ન બીલખા પાસેના બંધાળુપીપરીયા ગામે થયું હતું. તે વખતે લાખાની ઘરવાળી, નામે વાલી તેનાં માવતરે ગઈ હતી અને પાછળથી આ બનાવ બન્યો હતો.લાખો ધીંગાણામાં આમ કામ આવી ગયો હતો, ગામનું રક્ષણ કરતાં વીરગતિને પામ્યો હતો.

વાલી પોતાના માવતરને ત્યાં બે-ચાર દિવસ રોકાઇને, પાછી સાસરે આવતી હતી. સાથે તેને ભાઈ હતો. સરધારપુર આવતા રસ્તામાં, ભેંસાણ અને તડકા પીપળીયા ગામની સીમમાં ઉબેણ નદી નીકળે છે. ત્યાં ઉબેણીયા નાગની જગ્યા છે. અહીં વાલીને તડકાપીપળીયા ગામનો રૂપા મેઘવાળ નામનો માણસ સામે મળે છે. બન્ને વચ્ચે ઓળખણ થાય છે. વાતોએ વળગે છે.

રૂપો થોડી સોખમણ અનુભવતો વાલીને પૂછે છે: ‘કયાં ગયાં હતાં, વાલીબેન!?’

‘માવતરે મળવા ગઈ’તી..’ વાલી જવાબ આપે છે.

રૂપો કશું બોલ્યો નહિ એટલે વાલીના મનમાં શંકા જાગી. બન્ને એકબીજાના મોં સામે વકાસી રહ્યાં. પણ વાલીથી વધુ સહેવાયું નહિ એટલે બોલી: ‘રૂપાભાઈ, જે હોયતે હાચેહાચું કૈ દ્યો!’

રૂપો કળપતા સ્વરે બોલ્યો: ‘પાલણપીરની ખફામરજી થઇ તે ન થવાનું થઈને ઉભું ર્યું છે!’

‘પણ વાત તો કરો રૂપાભાઈ..!’ વાલી ફણાભેર થઇ ગઈ.

રૂપાએ હૈયું હાથ રાખીને કહ્યું: ‘ વાલીબેન, લાખોતો ધિંગાણું ખેલતાં….’

‘ધિંગાણું ખેલતાં….’ વાલી એકદમ અધીરીને બેબાકળી થઇ ગઈ.

‘ઈ..પાલણપીરના ધામમાં પુગી ગ્યો…’ આમ કહી રૂપો ઢગલા થઇ નીચે બેસી ગયો.

વાલીને ઘડીભર સમજાયું નહી, સમજાયુ તો ગળે ઉતર્યું નહિ.તે ઝાડની જેમ અવઢવમાં ઉભી રહી. રૂપો અને તેનો નાનોભાઈ વાલીનાં વરવા અને વસમાં રૂપ સામે આંખો ફાડીને જોતાં રહ્યા.

વાલી અને લાખાનાં લગ્ન થયાને હજુ એકાદ દિવાળી ગઈ હશે. પણ બન્ને વચ્ચે હેતની રીતસરની સરવાણીઓ ફૂટે. ઘડીકેય આંખોથી અળગાં ન થાય. માવતરે મળવા જાય તોય બે-ચાર દિવસમાં વાલી પાછી આવે. નોખા રહેવું પળભર પાલવે નહિ તેનાં બદલે ભવનાં છેટા પડી ગયાં.

વાલી ચિતરામણનાં જેમ ચિતરાઈ, આળેખાઈ ગઈ. માથેથી ચુંદડી પડી ગઈ, અંબોડો છૂટી ગયો, પીઠ સુધીના લાંબાવાળ પવનમાં ઉડવા લાગ્યાં…વાલીને ચિતભ્રમ થઇ ગયું. તેનાં મોંમાંથી વેણ વછૂટવા લાગ્યાં: હે..લાખા, તું તો માયાળુ મનેખ છતાંય માયા છોડીને હાલતો થયો? તુંને યાદ તો છે ને કે તારા પાછળ કોઈ રોનારું છે, રંડાપો વેંઢારનારું છે. તું એકલો નો’તો આ જગતમાં, હું પણ હતી..ઇ એ ભૂલી ગ્યો મારા વા’લા…તું તો ભારે ભૂલકણો..!

રૂપાએ જોયું તો વાલીને બકવાસ ઉપડી ગયો હતો. તેને હવે કોઈ જાતની સાધ કે ભાન રહ્યું નહોતું. સ્થળ-કાળ, જગત અને જાત ભૂલી લાખાને વાગોળવા અને વલખવા લાગી હતી. હવે તેનાં માટે સઘળું નકામું બની ગયું હતું. પોતાની પણ પરવા રહી નહોતી. રૂપો પાસે જઇ વાલીને સાંભળવાનો પ્રયાસ કરવા લાગ્યો પણ વાલીનું રૂપ જ બદલાઈ ગયું હતું. સામે જોઈ કે શરીરે હાથ દઇ શકાય એમ નહોતું. લાખાના વીરગતિની જાણ કરવા બદલ રૂપને ભારોભાર અફસોસ થવા લાગ્યો. પણ હવે તો તીર કમાનેથી છૂટી ગયું હતું, પાછું વાળી શકાય એમ નહોતું.

વાલીને સનેપાત થઈ ઉપાડી ગયો. તે લાખો જાણે સન્મુખ ઉભો હોય તેમ લાખા સાથેની એક-એક વાતને સંભારી સંભારીને કહેવા લાગી: લાખા, લાખા…તું તો મારો જીવ, મારા હૈયાનું હાડકું…ને તોય તારા મોતના હમાચાર હંભળતા મારું હૈયું ફાટી કેમ નો પડ્યું!!?

પછી વાલી પોતાના હૈયાને ઠપકો દેવા લાગી : ફટ રે ભૂંડા હૈયા, તું તો મારી છાતીમાં પથ્થર થઇ પડ્યો છો…!

-અરેરે… ઉબેણીયા, મારે હવે તારા જળમાં જીવ દીધા વગર્યનો કોઈ આરો ઓવારો નથી. વાલીએ પાણીના ઘૂના સામે જોઈને કહ્યું.

રૂપો વાલીની વાતને, ઈરાદાને પામી ગયો પણ વાલીનું રણચંડી જેવી રૂપ જોતાં તે ઠરીને ઠીકરું થઇ ગયો.કાંઇ કરી શક્યો નહિ.

‘મારાં લાખા તારા વગર્ય તો એક ઘડીકેય નો રે’વાય, જીવવું નકામું છો. જીવ હાલ્યો જાય પછી આ ખોળિયાને રખાવાનો કોઈ અરથ નથી….’ આમ કહેતી વાલીએ ઉબેણીયાનાં ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું અને પોતાના પિયુ પાછળ કાયમના માટે ચાલી….

Posted in ઈતિહાસ Tagged with: , ,

Dwarikadhish Temple Dwarika

શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજાનું સ્વરૂપ અલૌકિક છે. તે પોતાની આગવી વિશિષ્‍ટતા ધરાવે છે. (૧) આધિભૌતિક (૨) આધ્‍યાત્મિક (૩) આધિદૈવિક

(૧) આધિભૌતિક:
આધિ એટલે આવાસ (સ્‍થાન) અને ભૌતિક એટલે પંચત્તત્‍વ (કાપડ)માંથી, આ ધ્‍વજા બનેલી છે, તેમાં ૫૨ (બાવન)ગજ કાપડ વાપરવામાં આવે છે, જેમાં પ્રત્‍યેક ગજનું સ્‍વતંત્ર અસ્તિત્‍વ બતાવવા ધ્‍વજાની ફરતી કિનારી પર બાવન નાના પતાકાઓ જોડવામાં આવે છે. જે શ્રી દ્વારકાધીશના મહેલમાં પ્રવેશવાનાં સ્‍વર્ગદ્વાર અને મોક્ષદ્વારના પ્રતિકરૂપ પણ છે, હાલ છપ્‍પનસીડી તરફનું દ્વાર, સ્‍વર્ગદ્વાર અને ભગવાન દ્વારકાધીશની નગરીમાં પ્રવેશવાનું દ્વાર, મોક્ષદ્વાર તરીકે જાણીતું છે. આ રીતે શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા, દ્વારકાના પ્રવેશદ્વાર અને યાદવોના આવાસ બન્‍નેનું એકત્રિત આધિભૌતિક સ્‍વરૂપ છે.

(૨) આધ્‍યાત્મિક:
આ શબ્‍દ અતિશય માનવાચક અને પવિત્ર છે. ધ્‍વજાનું નામ સાંભળતાં જ પ્રત્‍યેક માનવના મનમાં પૂજ્યભાવ અને આદરભાવ ઉત્‍પન્‍ન થાય છે. ધ્‍વજાનું બીજું નામ ઝંડો છે. જેવી રીતે ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ રાષ્‍ટ્રીય પ્રતિક છે અને ભારતનો નાનામાં નાનો માનવી તેનો માન-મોભો જાળવે છે, તેને પોતાની ફરજ અને કર્તવ્‍ય માને છે, તેનું અપમાન દેશનું અપમાન ગણે છે અને રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન કરનાર શિક્ષાને પાત્ર થાય છે, આ જ પ્રમાણે ધ્‍વજાની બાબતમાં પણ માન-સન્‍માનનું મહત્વ છે. તેથી ધ્‍વજાના આધ્‍યાત્મિક સ્વરૂપને માનથી અને પુજ્યભાવથી જોઈ, લોકો તેનો આદર સત્‍કાર કરી તેને માનપૂર્વક મસ્‍તક પર ધારણ કરે છે અને નમસ્‍કાર કરે છે.

(૩) આધિદૈવિક સ્વરૂપ:
જે રીતે ભારતનો કેસરી, સફેદ અને લીલો અશોકચક્ર યુક્ત ધ્‍વજ દૈવિક સ્વરૂપને સમજાવે છે તે રીતે બાવન ગજની શ્રી દ્વારકાધીશજીની ધ્‍વજા દૈવિક સ્વરૂપ સમજાવે છે. જ્યાં સુધી ધ્‍વજાનું કાપડ દુકાનદારને ત્‍યાં હોય છે ત્‍યાં સુધી તે કાપડ છે. પરંતુ તે કાપડ જ્યારે યથાયોગ્‍ય સ્‍વરૂપે સિવાઈ જાય છે ત્‍યારે તે શ્રી દ્વારકાધીશની ધ્‍વજા દૈવિક સ્વરૂપ ધારણ કરે છે. આ ધ્‍વજામાં શ્રી દ્વારકાધીશના સ્‍વરૂપનો વાસ થઈ જાય છે. શ્રી દ્વારકાધીશજીની દૈવિક સ્‍વરૂપવાળી ધ્‍વજા ભક્તના આવાસે જ્યાં સુધી હોય ત્‍યાં સુધી દૈવી સ્‍વરુપે તેમના ઘરે શ્રીદ્વારકાધીશ વાસ કરે છે અને તેમના આવાસ અને પરિવારને પવિત્ર બનાવે છે.

Posted in મંદિરો - યાત્રા ધામ Tagged with: