દુહા-છંદ

પાળીયા બોલે છે

અમે અમથા નથી ખોડાણા,
ખાંડા તણા ખેલ ખેલાણા

ધર્મ ધીંગાણે માથા મુકાણા,
એટલે અમે સિંદુરે રંગાણા

તમે કયારેક બસ માં ટ્રેન મા કે કાર માં ગામડે થી પસાર થતા હોવ.. અને ગામ ના પાદર માં આવા પાળિયા જુઓ તો દૂર થી પણ એક વાર એને નમસ્કાર કરજો કારણ એ અમસ્તા ત્યાં નથી ખોડવા મા આવ્યા એની પાછળ ભવ્ય ભૂતકાળ છે.. વતન માટે, પોતાના ગામ ની ગાયો માટે.. અને આ ઘાસ ખાય એ જ ગાયો નહીં ગામની બેન દીકરી (ગવતરી)ની ઇજ્જત માટે, અને સ્વાભિમાન ની રક્ષા માટે શહિદ થયેલા એ યુવાનો ના પ્રતિક રૂપી પાળિયા છે… આવા પાળિયા ને જોઇ ને એક કવિ એને પ્રશ્ન પૂછે .. સૌરાષ્ટ્ર ના ચારણકવિ શ્રી” દાદ” લખે છે..

આજ પૂછુ તને પાળિયા રે…
તારા દલડા કેરી વાત રે…
પાદર માં કેમ ખોડાણાં….?
સિંદૂરે કેમ રંગાણા…?

અને કવિ એ મુક પાળિયા માં વાચા મુકે છે…
પાળિયો જવાબ આપે છે…

વાર ચઢી જે દિ ગામ’મા રે..
અને બુંબીયા વાગ્યા ઢોલ રે..જે દિ બુબીંયા વાગ્યા ઢોલ…
ખાંડા ના ખેલ ખેલાણા…
તેથી અમે આંઈ. ખોડાણાં…

(હે….કવિ, ગામ ઉપર જ્યારે આફત આવી..
ઘરે ઘરે થી રાજપૂતો નિકળ્યા અઢાર વર્ષની મારી ઉંમર મારો બાપ પણ ધીંગાણામાં ખપી ગયેલો ઘર માં હું એક જ મરદ હતો પણ ગામ ઉપર સંકટ આવે અને હું જો ઘર મા બેસી રહુ તો રજપૂતાણી નુ ધાવણ લાજે..એટલે મારી માં એ કીધું બેટા….જાવ…મારા ધાવણ ને ઉજળુ કરજે..અને હું ધીંગાણામાં આવ્યો અને અહીં શહિદ થયો..ત્યાર થી અહીં ખોડાણો છું..
પણ કરૂણતા ની ચરમ સીમા તો ત્યારે આવે છે જ્યારે કવિ બીજો સવાલ કરે છે..

કે સિંદૂરે કેમ રંગાયા…?

યુવાન નો પાળિયો બોલે છે..
હે કવિ..જ્યારે મે રણમેદાન તરફ ડગ દિધા ત્યારે નવી પરણીને આવેલી રજપૂતાણી એ મારા ભાલે કુમકુમ તિલક કર્યું અને કીધુ

”મારજો કે મરજો પિયુ ન દેજો પિઠ લગાર..
નહીંતર સાહેલી. મેણા મારશે તું તો કાયર કેરી નાર…
એ કોડ ભરેલી જેનિ હાથ ની મહેંદી પણ હજી સુકાણી નહોતી એના સેંથા નૂ જે સિંદૂર ભૂંસાયૂ ને એનો આ રંગ છે..
હવે ઝાઝું મને પૂંછમા રે… કવિ કરવા દે વિશ્રામ રે….કરવા દે વિશ્રામ..
સેંથી ના સિંદૂર ભૂંસાયા… તે થી અમે આંઈ રંગાણા….