કહેવતો જાણવા જેવું

બારેય મેઘ ખાંગા થવા

12 types of Rain

શ્રાવણમાં શિવકૃપાના બારેય મેઘ ક્યા? એ ક્યારે ખાંગા થાય?

મિત્રો વડીલો ના મોઢે  તમે ઘણી વાર સાંભળ્યું હશે કે આજે તો બારેય મેઘ ખાંગા થયા, મોટે ભાગે અનરાધાર વરસાદ માટે આવું બોલવા કે લખવામાં આવે છે, પણ આનો મતલબ શું? શબ્દ બારેય મેઘ પરથી એટલું તો પાક્કું કે મેઘ એટલે કે વરસાદ ના બાર પ્રકાર હોવા જોઈએ અને આ બારેય પ્રકાર ના વરસાદ એકી સાથે પડે એટલે કેહવાય કે બારેય મેઘ ખાંગા થયા, બારેય મેઘ ના પ્રકાર આ છે..

  1. ફરફર,
  2. છાંટા,
  3. ફોરા,
  4. કરા,
  5. પછેડીયો,
  6. નેવાધાર,
  7. મોલીયો,
  8. ઢેફા ભાંગ,
  9. અરધીયો,
  10. અનરાધાર,
  11. સાંબેલાધાર અને
  12. હેલી…

આમ તો મેઘ(વરસાદ-વરુણ)ના દેવ ઇન્દ્ર છે પણ દેવાધિદેવ મહાદેવ તો ઇન્દ્રના પણ દેવ છે. શ્રાવણમાં મેઘકૃપારૂપે શિવકૃપા વરસે છે. જેવી જેની દૃષ્ટિ એવી વૃષ્ટિ થતી હોય છે. આપણી દૃષ્ટિ અને વૃત્તિ અનુસાર આપણને જે તે મેઘકૃપાનો લ્હાવો મળતો હોય છે. ભક્તની ભાવના પર એનો આધાર છે. શિવકૃપારૂપે આ બારેય મેઘની કેવી વર્ષા થાય છે તે જોઇએ. પ્રત્યેકનું અર્થઘટન કરીએ તો

ફોરાંરૂપ વરસાદ એટલે ભક્તને કર્મરૂપ મળતો પ્રસાદ. ધોધમાર વરસાદ ફોરાંરૂપે જ શરૂ થતો હોય છે. કરાનો વરસાદ એટલે તાંડવ કરતા શિવના રૌદ્રરૂપની જેમ આક્રમક. પછેડિયો વરસાદ જાણે શરીરરૂપી કપડાને સત્કર્મથી ભીંજવે છે. સદભાવ થકી સત્કર્મ થાય છે. નેવાંધાર વરસાદમાં ઘરની છત રેલાઇ ઊઠે છે.આપણું કર્મસ્થાન એવું શુદ્ધ રાખવું કે શિવકૃપા વરસે. જીવનના ખેતરમાં મૂલ્યો-સત્કર્મોનાં વાવેતર કરનાર પર મોલિયા વરસાદની જેમ શિવકૃપા થાય છે.

મોલ એટલે પાક. ઢેફાંભાગ વરસાદ અહંકાર-અજ્ઞાનનાં ઢેફાં તોડે છે, જેનાથી જ્ઞાનરૂપ શિવ મળે છે.થોડો તડકો હોય છતાં વરસાદ પડે એવો સુયોગ એટલે અડધિયો વરસાદ, જેમાં મેઘધનુષ-રેઇનબો ખીલે છે. જીવન રેઇનબો જેવું સપ્તરંગી છે, એને દિવ્યરંગી બનાવો. ભક્તની સંપૂર્ણતાનું પ્રમાણ એટલે અનરાધાર વર્ષા.જીવ-શિવ, પુરુષ-પ્રકૃતિ એમાં એકાકાર થઇ જાય છે. આંતરર્બાહ્ય એકરૂપતા સાથેની શિવઆરાધનાનો પરિપાક સાંબેલાધારરૂપે વરસે છે, જાણે શિવજટામાંથી વહેતી ગંગા.


કોઇ અપેક્ષા-એષણા વિના નિરંજન-નિરાકારની બસ ‘શિવોહમ’ ની આહલેક શ્રાવણની અનારાધાર હેલી રૂપે આવે છે. શિવજી પર્જન્યદેવ છે, જેઓ પ્રાણજન્ય વર્ષા વરસાવે છે. વરસાદ ખેંચાયો ત્યારે ટેરઠેર પર્જન્ય યજ્ઞો થતા.વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન બાદ થતો વરસાદ પ્રાણજન્ય છે. વેદમાં ય પ્રાણજન્ય વરસાદની કલ્પના કરાઇ છે. કર્મ-નિષ્ઠા-મૂલ્યો-માનવતા-સમર્પણની સંગાથે શ્રાવણની ભક્તિહેલીનેય પ્રાણજન્ય બનાવીએ.

બિલિપત્ર છત્રી વરસાદને તો નથી રોકી શકતી પણ વરસાદમાં ઊભા રહેવાનો આત્મવિશ્વાસ જરૂર આપે છે. મગજ અને છત્રી કાયમ ઉઘાડાં રહે તો જ એની ઉપયોગિતા નહીં તો બોજારૂપ.

નવગુજરાત સમય (મયંક વ્યાસ)

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators