જાણવા જેવું

રાજકોટીયન ખમીર

Mafat Copy

૧૫ વર્ષના પાંચ તરુણોએ એવો આઇડિયા લગાવ્યો કે, ઉદ્યોગપતિઓ પણ દંગ રહી જાય

એક પણ પૈસો લેવો નહીં, અને છતાં પણ કમાણી કરવી એ શક્ય બને ? આવો પ્રશ્ન પૂછીએ તો જવાબ એ જ મળે કે, ‘‘અરે ! ભલા માણસ ! શું આવી વાહિયાત વાત કરો છો !’’ પણ, રાજકોટના પાંચ વિદ્યાર્થીઓએ કાંઇક એવી અદ્દભુત વ્યાવસાયિક કોઠાસૂઝ બતાવી અને એક એવો અફલાતૂન આઇડિયા લગાવ્યો કે ‘મફત સેવા’માં પણ માલ મળે.

આ ભેજાબાજ વિદ્યાર્થીઓ છે એસ. એન. કે. સ્કૂલના. નામ છે રાહિષ રાહુલભાઇ કાલરિયા, ધ્રુવિન રાજેન્દ્રભાઇ દોશી, નિલ સંજયભાઇ પૂંજાણી, જીગર નરેન્દ્રભાઇ પરસાણા અને તન્મય અજયભાઇ વાછાણી. એ બધા ૧૦મા ધોરણમાં અભ્યાસ કરે છે. બધા ૧૫-૧૬ વર્ષના છે. એસ. એન. કે. સ્કૂલ કેમ્બ્રિજ બોર્ડમાં એન્ટરપ્રાઇઝના વિષયમાં એક પ્રોજેક્ટ તરીકે તેમણે કોઇ પણ એક વ્યવસાય કરવાનો હોય છે.

આ તરુણોએ પહેલા તો કેન્ટિનન્ટ અખતરો કર્યો. પણ, એમને લાગ્યું કે, ઠીક ! આ તો એક પરંપરાગત વ્યવસાય છે. એવું જ કરીએ તો તેમાં ‘અસાંજો માભો કુરો…’ ! બધાને એક રૂઢીમાં બંધાવું નહોતું. વ્યવસાયિકમર્યાદાના ચોકઠામાં કેદ નહોતું રહેવું. એમને તો સિમાડાઓ તોડવા હતા. કાંઇક નવું ખેડાણ કરવું હતું. આ ‘પંચટોળી’એ કેટલુંય વિચાર્યું. અંતે, એક વિચાર ઝબૂકયો. બધા ઉછળી પડ્યા. એકબીજાને તાળીઓ આપી અને પછી કમર કસી પોતાના નવા પ્રોજેક્ટના અમલ માટે.


આ છાત્રોએ નક્કી કર્યું કે, આપણે મફત ઝેરોક્ષ કોપી કાઢી આપીએ અને એ દરેક કોપીની પાછળ વેપારીઓની જાહેરાતો લઇએ. બધાએ ગણતરી માંડી. સંભવિત અંદાજિત ખર્ચ અને સંભવિત આવકના આંકડા માંડ્યા અને શરૂ કર્યો એક નવતર વ્યવસાય.

પહેલા તો બધાએ એક ઝેરોક્ષની દુકાનમાં જઇને ઝેરોક્ષ કોપી કઇ રીતે કાઢવી તેનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લીધું. પછી એક ઝેરોક્ષ મશીન ભાડે લીધું. યુનિ. રોડ ઉપર ઇન્દિરા સર્કલ નજીક ફૂટપાથ ઉપર એક કામચલાઉ સ્ટોલ બનાવ્યો અને પછી ઉતરી પડ્યા પૂરી તાકાત સાથે મેદાનમાં.

આ પાંચ તરુણોનો આઇડિયા રંગ લાવ્યો છે. આજે દરરોજ ૨૫૦૦ કોપીએ આંકડો પહોંચી ગયો છે. છાત્રોને જાહેરખબરો પણ પૂરતી માત્રામાં મળવા લાગી છે. આ છાત્રોએ કોર્ષના એક ભાગરૂપે શરૂ કરેલ આ પ્રોજેક્ટને એવી પ્રચંડ સફળતા મળી છે કે, આ તરુણો કહે છે કે, અમે તો શહેરના વિવિધ વિસ્તારોમાં ‘મફત કોપી’ ની બ્રાન્ચ ખોલવા પણ તૈયાર છીએ.

અને હા ! હવે મુદ્દાની વાત ! નફો કેટલો થયો? છાત્રો કહે છે ‘‘૧૫ જુલાઇથી અમે પ્રોજેક્ટ શરૂ કર્યો, અત્યારે અમે દુકાન ભાડે રાખી છે, અમે પાંચ શાળાએ હોઇએ ત્યારે કોપીઓ કાઢવા માટે માણસો રાખ્યા છે. તેમને પગાર આપીએ છીએ. રો-મટિરિયલ્સ, ઝેરોક્ષ મશીનનું ભાડું, ઈલેક્ટ્રિસિટી અને અન્ય ખર્ચાઓ સાથે આવકની તુલના કરીએ છીએ ત્યારે અત્યારે અમારો નફો છે…૫૦ હજાર !’’ આને કહેવાય ‘‘એક આઇડિયા જો બદલ દે જિંદગી !’’ આપણા રાજકોટના આ પાંચ ભાવિ ધીરૂભાઇ અંબાણીઓની સૂઝ, સાહસિકતા અને પુરુષાર્થને દાદ દેવી પડે કે નહીં.?

મફત કોપીનો વ્યવસાય જ શા માટે ?
છાત્રો કહે છે, અમે ‘ડિમાન્ડ’ના પરબિળને મહત્વ આપ્યું અને અમારા મનમાં ઝેરોક્ષ કોપીનો વિચાર ઝબૂકયો. અમે શહેરની ઝેરોક્ષની દુકાનો ઉપર જઇને ગ્રાહકોના ધસારાનો સર્વે કર્યો અને અંતે ઝંપલાવ્યું.

મફત કોપીનો વ્યવસાય જ શા માટે ?
છાત્રો કહે છે, અમે ‘ડિમાન્ડ’ના પરબિળને મહત્વ આપ્યું અને અમારા મનમાં ઝેરોક્ષ કોપીનો વિચાર ઝબૂકયો. અમે શહેરની ઝેરોક્ષની દુકાનો ઉપર જઇને ગ્રાહકોના ધસારાનો સર્વે કર્યો અને અંતે ઝંપલાવ્યું.

પ્રારંભિક નિરાશા પછી સફળતાનો સૂર્યોદય:
છાત્રો કહે છે કે, વિજ્ઞાપનો મેળવવા માટે અમે અનેક વેપારી, કંપનીઓને ફોન કર્યા. તેમાંથી માત્ર દસ વેપારીએ રૂબરૂ મળવાની મંજૂરી આપી. તેમાંથી માત્ર બે એ વિજ્ઞાપન આપી. દેખીતી રીતે જ ખર્ચ સરભર કરવા માટે એ પૂરતું નહોતું. પણ, અમે હિંમત ન હાર્યા, આજે તો સ્થિતિ એ છે કે, વિજ્ઞાપનકારો માટે પણ વેઈટિંગ લિસ્ટ બનાવવું પડે તેમ છે. છાત્રો ઉમેરે છે ‘‘અમે આ પ્રોજેક્ટ પૈસા કમાવા માટે નહોતો કર્યો, આ તો અમારા અભ્યાસક્રમનો એક ભાગ છે. પણ, અમને એ અનુભવ મળ્યો છે કે, કોઇ પણ “ક્ષેત્રમાં ક્યાંય ક્ષિતીજ હોતી જ નથી. સ્કાય ઇઝ ધી લિમિટ !’’

Facebook Page: MafatCopy

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators