સૌરાષ્ટ્રમાં ગવાતું એક હાલરડું

Gujarati Halardu

હાં આં…..આં હાલાં ! હાલ્ય વાલ્ય ને હાંસીનો,
રાતો ચૂડો ભાઇની માશીનો;
માશી ગ્યાં છે માળવે,
ભાઇનાં પગલાં રે જાળવે.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હાંસી
લાડવા લાવશે ભાઇની માશી,
માશી ગ્યાં છે મ’વે
લાડવા કરશું રે હવે.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હલકી,
આંગણે રોપાવો રે રૂડી ગલકી;
ગલકીનાં ફૂલ છે રાતાં,
ભાઇનાં મોસાળિયાં છે માતાં;
માતાં થૈને આવ્યાં,
આંગલાં ટોપી રે લાવ્યાં;
આંગલાં ટોપીએ નવનવી ભાત
ભાઇ તો રમશે દા’ડો ને રાત;
મોસાળમાં મામી છે ધુતારી
આંગલાં લેશે રે ઉતારી;
મામાને માથે રે મોળિયાં,
ભાઇનાં ઉતરાવશે હિંગળોકિયાં ઘોડિયાં.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હેવૈયો,
ભાઇને ભાવે રે લાડુ સેવૈયો;
સેવૈયો પડ્યો છે શેરીમાં,
ભાઇ તો રમશે મા’દેવની દેરીમાં;
દેરીએ દેરીએ દીવા કરું,
ભાઇને ઘેરે તેડાવી વિવા કરું,
વિવા કરતાં લાગી વાર,
ભાઇના મામા પરણે બીજી વાર.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્યના રે હાકા,
લાડવા લાવે રે ભાઇના કાકા;
હાલ્ય વાલ્ય ને હુવા,
લાડવા લાવે રે ભાઇના ફુઆ;

ફુઆના તો ફોક,
લાડવા લાવશે ગામનાં લોક;
લોકની શી પેર,
લાડવા કરશું આપણે ઘેર;
ઘરમાં નથી ઘી ને ગોળ,
લાડવા કરશું રે પોર;
પોરનાં ટાણાં વયાં જાય,
ત્યાં તો ભાઇ રે મોટો થઇ જાય.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હેલ્ય,
વગડે વસતી રે ઢેલ્ય;
ઢેલ્યનાં પગલાં તો રાતાં,
ભાઇના કાકા મામા છે માતા.
હાં…..હાં હાલાં !

હાલ્ય વાલ્ય ને હડકલી,
ભાઇને ઓઢવા જોવે ધડકલી.
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે વણઝારો,
સવાશેર સોનું લઇ શણગારો;
સોનું પડ્યું છે શેરીમાં,
ભાઇ મારો રમશે મા’દેવજીની દેરીમાં.
હાં…..હાં હાલાં !

ભાઇને દેશો નૈ ગાળ,
ભાઇ તો રિસાઇ જાશે મોસાળ;
મોસાળે મામી છે જૂઠી,
ધોકો લઇને રે ઊઠી;
ધોકો પડ્યો છે વાટમાં,
ને ભાઇ રમે રે હાટમાં,
હાં…..હાં હાલાં !

ભાઇ મારો છે ડાયો,
પાટલે બેસીને રે નાયો;
પાટલો ગ્યો રે ખસી,
ભાઇ મારો ઊઠ્યો રે હસી,
હાં…..હાં હાલાં !
ભાઇ મારો છે સાગનો સોટો,
આવતી વહુનો ચોટલો મોટો;
હાં…..હાં હાલાં !

ભાઇ મારો છે લાડકો,
જમશે ઘી-સાકરનો રે વાડકો;
ઘી-સાકર તો ગળ્યાં;
ભાઇના વેરીનાં મો બળ્યાં;
ઘી-સાકર ખાશે મારા બચુભાઇ,
વાટકો ચાટે રે મીનીબાઇ.
હાં…..હાં હાલાં !

ભાઇ મારો છે રે રાંક,
હાથે સાવ સોનાનો છે વાંક;
વાંકે વાંકે રે જાળી,
ભાઇની સાસુ છે કાળી !
વાંકે વાંકે રે ઘૂઘરી,
ભાઇની કાકી મામી છે સુઘરી !
વાંકે વાંકે મોતી થોડાં,
ભાઇને ઘેરે ગાડી ને ઘોડાં;
ઘોડાની પડઘી વાગે,
ભાઇ મારો નીંદરમાંથી જાગે;
ઘોડા ખાશે રે ગોળ,
ભાઇને ઘેરે હાથીની રે જોડ.
હાં…..હાં હાલાં !

ભાઇ મારો છે ગોરો
એની ડોકમાં સોનાનો રે દોરો;
દોરે દોરે રે જાળી,
ભાઇની કાકી રે કાળી.
હાં…..હાં હાલાં !

ભાઇ મારો છે અટારો,
ઘી ને ખીચડી ચટાડો;
ખીચડીમાં ઘી થોડું,
ભાઇને સારુ વાઢી ફોડું.
ઘી વિના ખીચડી લૂખી,
ભાઇના પેટમાં રે દુઃખી !
હાં…..હાં હાલાં !

ભાઇ ભાઇ હું રે કરું,
ભાઇ વાંહે ભૂલી ફરું;
ભાઇને કોઇએ દીઠો,
ફૂલની વાડીમાં જઇ પેઠો;
ફૂલની વાડી વેડાવો,
ભાઇને ઘેરે રે તેડાવો.
હાં…..હાં હાલાં !

હડ્ય તુતુડાં હાંકું,
ભાઇને રોતો રે રાખું;
તુતુડાં જાજો દૂર,
ભાઇ તો શિરાવશે દૂધ ને કૂર;
દૂધ ને કૂર તો લાગે ગળ્યાં,
ભાઇના આતમા રે ઠર્યા;
હડ્ય તુતુડાં હસજો,
વાડીમાં જઇને રે વસજો.
હાં…..હાં હાલાં !

Posted in ગીત-કવિતા-બાળગીતો-હાલરડાં Tagged with:

આ પણ વાંચો...

1)    આદર્શ માતા 2)    કવિતા -કવિ દાદ
3)    કાઠીયાવાડી છે 4)    ઊઠો
5)    ભોમિયા વિના મારે 6)    વિદાય
7)    ઝૂલો ઝૂલો પારણીયામાં લાલ છે 8)    સૂના સમદરની પાળે
9)    આરઝી હકૂમત 10)    ગોંડલનું રાજગીત
11)    ગોપાલ મારો પારણીયે ઝુલે રે 12)    ઉઘાડી રાખજો બારી
13)    દીકરો મારો લાડકવાયો 14)    સ્વતંત્રતાની મીઠાશ
15)    ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી 16)    મારે ઘેર આવજે બે’ની
17)    કોઈનો લાડકવાયો 18)    જય જય ગરવી ગુજરાત
19)    જાવ ! હજી ફાસ્ટફૂડ ખાવ 20)    ભાગું તો મારી ભોમકા લાજે
21)    કેસર કેરી 22)    મા મને કોઈ દી સાંભરે નઇ
23)    રૂપાળું ગામડું 24)    નદી રૂપાળી નખરાળી
25)    મારા કેસરભીના કંથ 26)    ગિરનાર સાદ પાડે
27)    મહાજાતિ ગુજરાતી 28)    વારતા રે વારતા
29)    કસુંબીનો રંગ 30)    નવ કહેજો!
31)    વીર જતીન્દ્રનાં સંભારણા 32)    બૂરા ક્યા?
33)    છેલ છબીલો ગુજરાતી 34)    છેલ્લી પ્રાર્થના
35)    યજ્ઞ-ધૂપ 36)    ભીરુ
37)    મોતનાં કંકુ-ઘોળણ 38)    તરુણોનું મનોરાજ્ય
39)    ઝંખના 40)    કાલ જાગે
41)    કવિ તને કેમ ગમે 42)    હાલોને જાયેં સોનુંરે વીણવા
43)    ગામડાનો ગુણાકાર 44)    અમરલોકથી આવ્ય અમારા શાયર
45)    સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ 46)    ગાંધીને પગલે તું ચાલીશ ને ગુજરાત?
47)    રંગીલા રાજકોટ નું રંગીલું ગીત 48)    જનનીની જોડ સખી!
49)    અમે અમદાવાદી 50)    શિવાજીનું હાલરડું
51)    તમે મારાં દેવનાં દીધેલ છો 52)    હાં…હાં હાલાં -હાલરડું