કલાકારો અને હસ્તીઓ

શાહબુદ્દીન રાઠોડ

Shahabuddin Rathod

Shahabuddin Rathodભારતનાં વિશ્વવંદનીય સંતો, મોટા ગજાનાં નેતાઓ, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતીઓ, ઉચ્ચક્ષાનાં અધિકારીઓ, પ્રતિષ્ઠિત તબીબોથી માંડી નાનામાં નાના માણસસુધી સૌ કોઈ શાહબુદ્દીન રાઠોડને સમાન આદરથી સાંભળે તે એમનાં વકતવ્યનો જાદુ છે. તેઓ આ કક્ષા સુધી કેવી રીતે પહોંચી શક્યા હશે તે સમજવા માટે એમના જીવનનાં ઘટનાક્રમને સંક્ષિપ્તમાં જોઈ લઈએ.

જન્મ: સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ ગામે તા. 09-12-1937 ને ગુરુવારની વહેલી સવારે જન્મ.

અભ્યાસ: ધો. 1 થી 4નું શિક્ષણ થાનગઢથી પ્રાથમિક શાળામાં લીધું. સ્ટાન્ડર્ડ ફર્સ્ટથી સીક્સનું.

માધ્યમિક શિક્ષણ થાનગઢની બલવીરસિંહજી મિડલ સ્કુલમાં લીધુ. મેટ્રિક એટલે સાતમા ધોરણની પરીક્ષા ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કુલમાં આપી. મેટ્રીકમાં દરરોજ બે ટંક જમવાની જોગવાઈ નહોતી. તેથી મોટા ભાગે એક ટંક જમીને વરસ પસાર કર્યું. 1955માં મેટ્રીક થયા પછી છેક 1961માં બી.એ. થયા. 1969માં પી.ડી. માલવીયા ટીચર્સ કોલેજ રાજકોટમાં બી.એડ. કર્યું. ડ્રોઈંગનો શોખ હોવાથી અને આજે પણ ફુરસદનાં સમયમાં કુદરતી દ્રશ્યો દોરતાં હોવાથી 1958માં એલીમેન્ટરી અને 1959માં ઇન્ટરમીડીયેટ એમ ચિત્રકળાની પરીક્ષાઓ પાસ કરી.


નોકરી: જે શાળામાં અભ્યાસ કર્યો એજ શાળામાં તા. 1-2-1958નાં રોજ શિક્ષકની નોકરી મળી અને તા. 14-6-1971નાં રોજ આચાર્યની બઢતી મળી અને તા. 31-5-1996નાં રોજ વયમર્યાદાનાં કારણે નિવૃત થયા, આમ સળંગ તેર વરસ શિક્ષક અને પચીસ વરસ પ્રિન્સીપાલ તરીકે કુલ આડત્રીસ વરસ શિક્ષણ આપ્યું. તેમણે હાસ્યથી શિક્ષણને હળવુ બનાવ્યું અને શિક્ષણની હાસ્યને ગંભીર બનાવ્યું, છેલ્લા ચૌદ વરસથી નિવૃત છે. હવે 8-અ અને 9-બ જેવા વર્ગ નથી પરંતુ એક બહુ મોટો વર્ગ આજે પણ સાંભળે છે અને તે છે ચાહકવર્ગ.

લગ્નજીવન: તેઓ આચાર્ય થઈ ગયા બાદ છ મહીને એટલે કે ચોત્રીસ વરસની મોટી ઉંમરે મુંબઈની યુવતી સાબીરા સાથે લગ્ન કરે છે, દાંપત્યજીવનમાં બે પુત્ર અને બે પુત્રી એમ ચાર સંતાનો પ્રાપ્ત થયા છે.

હાસ્યકલાકાર:

નાટકો લખવા અને ભજવવાનો શોખ નાનપણથી હતો, એમના લખેલા નાટકો રાજ્યકક્ષા સુધી ઇનામ મેળવી ચૂક્યા છે પરંતુ તા. 14-11-1969નાં દિવસે શાહબુદ્દીન રાઠોડ લીંબડી ખાતે હાસ્યકલાકાર તરીકે જીવનનો પ્રથમ કાર્યક્રમ આપે છે, ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે બત્રીસ વરસની ઉંમરે જીવનનો પ્રથમ કાર્યક્રમ આપનાર આ કલાકાર ગુજરાતી ભાષાનાં સર્વશ્રેષ્ઠ હાસ્યકલાકાર સિદ્ધ થશે.

હાસ્ય લેખક:

લગ્ન કરવામાં તથા હાસ્યકલાકાર થવામાં મોડુ કરનાર આ માણસ 1992માં પંચાવન વરસની પાકટ ઉંમરે મુ. હરિન્દ્ર દવેનાં અતિ આગ્રહને વશ થઈને હાસ્યલેખન શરુ કરે છે, તેમને લખવાની પ્રેરણા આપનાર અન્ય મહાનુભાવોમાં મુ. જ્યોતિન્દ્ર દવે, વિનોદ ભટ્ટ, ડૉ. વસંત પરીખ, તારક મહેતા અને રતિલાલ બોરીસાગર મુખ્ય છે. તેમની પાસેથી કુલ દસ પુસ્તકો ગુજરાતીમાં અને એક પુસ્તક હીન્દીમાં એમ અગીયાર પુસ્તકો પ્રાપ્ત થાય છે. આ પુસ્તકોમાંથી અતિ ઉત્તમ પ્રકરણો અલગ તારવી તેમાંથી હાસ્ય તથા ચિંતનને અલગ પાડી ડૉ. જગદીશ ત્રિવેદીએ ચાર પુસ્તકોનું સંપાદન કર્યુ છે જેને ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે.

વનેચંદનો વરઘોડો: શાહબુદ્દીન રાઠોડ પાસેથી કેસેટ, સી.ડી., વી.સી.ડી.નાં ઘણાં વોલ્યુમ પ્રાપ્ત થયા છે પરંતુ એમની ‘વનેચંદનો વરઘોડો’ નામની સી.ડી.ને જે લોકપ્રિયતા મળી છે તેવી પ્રસિદ્ધ કોઈપણ હાસ્યકલાકારની એકપણ સી.ડી.ને મળી નથી, કારણ છેલ્લાં ચાલીસ વરસથી વનેચંદનાં વરઘોડામાં અને જાનમાં થતાં હાસ્યરસિક પ્રસંગોને વિશ્વભરનાં ગુજરાતીઓ વારંવાર સાંભળે છે. આ હાસ્યકથા અને શાહબુદ્દીન રાઠોડની રજુઆતની વિશિષ્ટતા એ છે કે એ આબાલવૃદ્ધ, અમીર-ગરીબ, શિક્ષિત-અભણ તથા શહેરી-ગામડીયાને સમાન અસરથી રાજી કરે છે.

શાહબુદ્દીન રાઠોડનો હાસ્યબગીચો:
આ નામથી શાહબુદ્દીન રાઠોડનાં ટિકીટ શૉ મુંબઈ તથા ભારતભરમાં તથા સમયાંતરે પરદેશમાં આજે પણ યોજાય છે, કોઈ ગુજરાતી હાસ્યકલાકારનાં નામથી ટિકીટ શૉ વરસો સુધી હાઉસફુલ થાય તેવી અપ્રતિમ લોકચાહના શાહબુદ્દીન રાઠોડને મળી છે.

હાસ્ય દરબારનાં પ્રણેતા: આજથી ચાલીસ વરસ પહેલા લોકડાયરા થતા પરંતુ હાસ્યદરબાર (COMEDY SHOW) થતાં નહોતા. ડાયરામાં ગાતાં અને વગાડતાં કલાકારોને ચા-પાણી પીવા હોય ત્યારે હાસ્યકલાકાર રજુ થતો હતો.

એ જમાનામાં ગીત-સંગીત અને લોકસાહિત્યનું જેટલું મહત્વ હતું એટલુ હાસ્યરસનું નહોતુ, અને તે વખતનાં ચલચિત્રો, નાટકો અને ભવ|ઈમાં જે હાસ્ય રજુ થતું એ પણ મહદ્અંશે અશ્લિલ, દ્વિઅર્થી અને સપાટી ઉપરનું હોવાથી સમાજમાં હાસ્યરસને ગરીમા મળી નહોતી, આમ પણ ભરતમૂનિએ હાસ્યરસને શૃંગારરસની આડપેદાશ કહીને સ્વતંત્ર રસનો દરજ્જો પણ આપ્યો નથી.

શાહબુદ્દીન રાઠોડ એ સમયે ડાયરામાં ખાલી પડેલી જગ્યાને ‘વનેચંદનો વરઘોડા’થી ભરતાં હતા, તેમણે હાસ્યરસને ગૌણમાંથી મુખ્ય બનાવ્યો, હાસ્યરસનાં સ્વતંત્ર કાર્યક્રમો શરુ થયા, બે-ચાર હાસ્યકલાકારો સાથે બેસીને ગીત-સંગીત-સાહિત્ય વગર માત્ર હાસ્યની વાતો કરે અને લોકો મન ભરીને માણે એવા ‘હાસ્યદરબાર’ શરુ થયા, હાસ્યકલાકારોને લોકો માનથી જોતા થયા. આમ ગુજરાતી હાસ્યકલાકાર આર્થિક તથા સામાજીક રીતે સમૃદ્ધ થયો એના પાયામાં ગુજરાતી હાસ્યનાં ભિષ્મ પિતામહ જેવા શાહબુદ્દીન રાઠોડનો પરીશ્રમ પડેલો છે.

ડૉ. જગદીશ ત્રિવેદી


 

Shahabuddin Rathod is a well known and highly reputed Gujarati humorist and a scholar. His unique style is highly respected for being quite intelligent, free of vulgarity and cheap humor and for inculcating social values and fostering communal harmony and deeper understanding of core concepts of various religions including, Hinduism, Buddhism, Islam, Jainism, etc. Recordings of his performances as CDs and cassettes have been selling in Gujarat for more than 20 years. One of his notable recordings is Vanechand No Varghodo. By putting another feather, authorities from ‘SAB TV’ will start new comic series named ‘Paapad pol, Shahabuddin Rathod ki Rangeen Dunia’ soon.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators