દુહા-છંદ

વરસાદી કહેવતો

દેશી કહેવતોના આધારે વરસાદનું અનુમાન

આપણા બાપ દાદા ના વખતમાં જયારે વેધર ફોરકાસ્ટ જેવી સુવિધાઓ નહોતી ત્યારે અમુક નિશાનીઓ પરથી વરસાદ નું અનુમાન લગાવવામાં આવતું હતું અને એને અનુલક્ષી ને દુહા અથવા કહેવતો પણ ખુબ પ્રચલિત હતી એવી જ ૯ કેહવતો અહીં રજૂ કરી છે.

હોય પાણી કળશ્યે ગરમ
ઈંડાળી કીડી દીસે તો વરષા બહુ થાય.

પાણી પીવાના કળશ્યામાં પાણી ગરમ થઈ જાય, આંગણાની ચકલીઓ પાંખો ફફડાવીને ઘૂળમાં ન્હાવા માંડે, કીડીઓ ઈંડા લઈને દોડતી જણાય એ ભારે વરસાદ આવવાનાં ચિહ્નો છે એમ ભડલી ભણે (કહે) છે.


શુક્રવારી જો વાદળી, રહે શનિશ્ચર છાય,
ભડલી તો એમ જ ભણે, વિણ વરસે નવા જા

શુક્રવારનાં વાદળ શનિવાર સુધી આકાશમાં છવાયેલાં રહે તો ભડલી કહે છે વરસ્યા વગર ન રહે.


પિત્તળ કાંસા લોહને, જે દિન કાળપ હોય,
ભડલી તો તું જાણજે, જળધર આવે સોય.

પિત્તળ અને કાંસના વાસણો કાળાં પડવા માંડે, લોઢું કટાવા માંડે ત્યારે જાણવું કે હવે વરસાદ આવવાની તૈયારીમાં છે.


કારી ક્કરમેં આથમે, રતી પ્રો વિહાય,
ભડલી એ સંસારમેં પાની ન સમાય.

અર્થાત કાળાડિબાંગ વાદળાની વચ્ચે સૂરજ મહારાજ આથમી જાય અને વહેલી સવારના રતુંબળા આભમાંથી સૂરજ કોર કાઢે તો પૂર આવે કે પ્રલય થાય એટલો ભારે વરસાદ વરસે.


પવન થાક્યો તેતર લવે, ગુડ રસીદે નેહ,
ભડલી તો એમ જ ભણે, એ દિન વરસે મેહ.

વહેતો પવન પડી જાય, તેતર પક્ષીઓ ટોળે મળી કળાહોળ કરી મૂકે. ઘરમાં મૂકેલા માટલાના ગોળમાં ચીકણી રસી થાય એ વરસાદ આવવાની એંધાણી ગણાય.


બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ,
પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ.

ઝાડ માથે બેસેલા મોરલા આકાશી વાદળાં ભાળીને ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મે…આવ મે…આવ મે…આવ કરતાં બોલવા માંડે. દોણાંમાં પડેલી મોળી છાશ ખાટી તૂર થઈ જાય એ એવી આશા આપે છે કે હવે મેધરાજાના મંડાણ થઈ રહ્યા છે.


ઊગે સૂર્ય પશ્ચિમ દિશા, ધનુષ ઊગતો જાણ,
તો દિન ચોથે પાંચમે રુંડમુંડ મહિ માન.

સૂર્ય ઊગતાં જ પશ્ચિમ દિશામાં મેઘધનુષ રચાય તો થોડા સમયમાં ધરતી રુંડમૂંડથી ભરાઈ જાય. ભયંકર દુષ્કાળ અને


સાવન વહે પૂરબિયા, ભાદર પશ્ચિમ જોર,
હળ-બળદ વેચીને કંથ ચલો કઈ મેર.

જો શ્રાવણ મહિનામાં પૂર્વનો વાયુ અને ભાદરવામાં પશ્ચિમનો વાયુ જોરથી વાય છે. હે કંથ! હળ-બળદ વેચીને પેટિયું રળવા દૂર દેશાવર જતાં રહીએ. અહીં આ વરસે કાળઝાળ દુકાળ પડશે.


રવિ આથમતે ભડ્ડલી જો જલબુંદ પડંત,
દિવસ ચોથે પંચમે, ઘન ગાજી બરસંત.

દિવસ આથમવાની વેળાએ જો છાંટા શરૂ થાય તો ચોથે કે પાંચમે દિવસે વરસાદ થાય.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *