September 15, 2026

ધ્યાન ધારણા કાયમ રાખવી

January 7, 2014  ·  1 મિનિટ વાંચન

ધ્યાન ધારણા કાયમ રાખવી,
ને કાયમ કરવો અભ્યાસ રે,
ભાળી ગયા પછી તૃપત ન થાવું,
ને વિશેષ રાખવો ઉલ્લાસ રે … ધ્યાન.

ગુરુના વચનમાં સાંગોપાંગ ઊતરવું;
ને કાયમ કરવું ભજન રે,
આળસ કરીને સુઈ નવ રહેવું,
ભલે કબજે કર્યું પોતાનું મન રે … ધ્યાન.

આઠે પહોર રે’વું આનંદમાં,
જેથી વધુ ને વધુ જાગે પ્રેમ રે;
હંમેશા અભ્યાસ મૂકવો નહિ,
ને છોડી દેવું નહિ નેમ રે … ધ્યાન.

નિત્ય પવન ઊલટાવવો,
ને રમવું સદા હરિની સંગ રે,
ગંગાસતી એમ બોલિયાં રે,
પછી ચડે નહિ દૂજો રંગ રે … ધ્યાન.

– ગંગા સતી

સંબંધિત લેખ