September 15, 2026

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ

January 7, 2014  ·  1 મિનિટ વાંચન

રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ,
મેલી દઈ લોકની મરજાદ રે,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે,
ન હોય ત્યાં વાદવિવાદ રે … રમીએ

કર્તાપણું કોરે મૂકીને રમતાં
આવશે પરપંચનો અંત રે,
નવધા ભક્તિમાં નિર્મળ રહેવું
એમ કહે છે વેદ ને સંત રે … રમીએ

સાંગોપાંગ એકરંગ થઈને રમો
લાગે નવ બીજો રંગ રે,
સાચાની સંગે કાયમ રમતાં
કરવી ભક્તિ અભંગ રે … રમીએ

ત્રિગુણરહિત થઈ કરે નિત કરમ
એને લાગે નહીં કર્તાપણાનો ડાઘ રે,
ગંગા સતી એમ બોલિયાં પાનબાઈ
તેને નડે નહીં કરમનો ભાગ રે … રમીએ

ગંગા સતી

સંબંધિત લેખ