September 15, 2026

પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું

January 7, 2014  ·  1 મિનિટ વાંચન

પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું,
ને આપું જોને નિર્મળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે … પરિપૂર્ણ.

નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવો બેસો એકાંતમાં ને તમને,
પદ આપું નિર્વાણ રે … પરિપૂર્ણ.

સદા રહો સતસંગમાં ને
કરો અગમની ઓળખાણ રે,
નુરત સુરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે … પરિપૂર્ણ.

મેલ ટળે ને વાસના ગળે,
ન કરો પુરણનો અભિયાસ રે,
ગંગા રે સતી એમ બોલિયાં,
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે … પરિપૂર્ણ.

– ગંગા સતી

સંબંધિત લેખ