September 15, 2026

જીવ ને શિવની થઈ એકતા

January 7, 2014  ·  1 મિનિટ વાંચન

જીવ ને શિવની થઈ એકતા
ને પછી કહેવું નથી રહ્યું કાંઈ રે,
દ્વાદશ પીધો જેણે પ્રેમથી ને તે
સમાઈ રહ્યો સુનની માંય રે … જીવ ને.

તમે હરિ હવે ભરપૂર ભાળ્યા
ને વરતો કાયમ ત્રિગુણથી પાર રે,
રમો સદા એના સંગમાં
ને સુરતા લગાડો બાવન બાર રે … જીવ ને.

મૂળ પ્રકૃતિથી છૂટી ગયા
ને તૂટી ગઈ સઘળી ભ્રાંત રે,
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું,
ને જ્યાં વરસો સદા સ્વાંત રે … જીવ ને.

સદા આનંદ હરિના સ્વરૂપમાં જે
જ્યાં મટી મનની તાણા વાણ રે;
ગંગા રે સતી એમ બોલિયાં રે,
તમે પદ પામ્યા નિર્વાણ રે … જીવ ને.

– ગંગા સતી

સંબંધિત લેખ