તળ ઉંડા જળ છીછરાં, કામન લંબે કેશ;
નર પટાધર નીપજે, કોડીલો કચ્છ દેશ.
ગુજરાતનો મોટો વિસ્તાર રોકીને પડેલાં કચ્છનો ભાતીગળ ઈતિહાસ છે. કચ્છના જાડેજા રાજવીઓ માતંગ તથા મેઘવંશને સન્માનતા આવ્યા છે.હજારો વર્ષ પૂર્વે શ્રી ઘણી માતંગ દેવે સિંધુપતિ લાખા ધુરારાજીને નગરસમૈ ખાતે રાજતિલક કરી રાજગાદીએ બેસાડ્યા. ત્યારથી સમાવંશ ક્ષત્રિય કુળમાં માતંગી રાજતિલક કરવાની પરંપરા શરૂ થઈ. જાડાવંશ (જાડેજા)માંથી ઓઠા વંશાવલી (જામ ઓઠોજીના વંશજ) એ આજ સુધી આ પરંપરા જાળવી રાખી છે. જ્યારે કચ્છના રાજવીઓ રાજ ટિલાટ બેસે ત્યારે સોપારી, પાગ, રાજતિલક માતંગ ગુરુના હાથે કરાવતાં આવે છે. રાવશ્રી પૃથ્વીરાજસિંહજી (પ્રાગમલજી-૩) નું રાજતિલક શ્રી માતંગ જગુ લધા લાલણ અને તેમનાં અવસાન પછી તેમનાં નાનાભાઈ હનુવંતસિહજી સાહેબે કચ્છ રાજ પરિવારના મોભી તરીકે શ્રી માતંગ ધરમશી જગુ લાલણ પાસે રાજતિલક કરાવીને એ પરંપરા જાળવી રાખી છે. આ ઉપરાંત કચ્છમાં પ્રથમ પાટવી પુત્રનો જન્મ થાય ત્યારે પ્રથમ કાપર કપડું પાટવી કુંવરને મેઘવારના ઘરનું પહેરાવવામાં આવે છે.
કચ્છના રાજદરબારમાં મેઘવાળ પણ ભાયાતોની સાથે દરબારમાં બેસતાં અને સમય આવ્યે રાજ આબરુ બચાવવા સામી છાતીએ લડીને મોતને મીઠું કરતા. એ વીર ઓરસો હોય કે જારાના યુદ્ધમાં શહીદ થનાર મેઘવાળ વીરો હોય. ક્યારેય પીછેહઠ નથી કરી. મિત્રની સખાતે ચડી મોતને મીઠું કરનાર કપૂરા મેઘવાળની વાત પણ કંઇક આવી જ છે.
કચ્છના કેરાકોટ (કપિલકોટ)માં કપૂરા નામનો મેઘવાળ રહેતો હતો. ચર્મકામ અને ઘોડાનાં જીન (ઘોડાનું પલાણ) વગેરે બનાવવાનો ધંધો હતો. આર્થિક રીતે સુખી હતો. જામ લાખા ફુલાણીનો તે પરમ મિત્ર હતો. લાખા ફુલાણીને કપૂરા માટે ખૂબ જ માન તેથી પોતાના દરબારમાં સ્થાન આપ્યું હતું. બધા ભાયાતોની સાથે કપૂરો પણ દરબારમાં બેસતો. જામ લાખા ફુલાણીની દાતારી જોઈને રાજી થતો. પોતે પણ ઉદાર દિલનો એટલે રોજ મનમાં વિચાર કરે કે, જામ લાખાના હાથમાંથી દાનની સરિતા અખંડ વહ્યા કરે છે તો મારા ગજા પ્રમાણે હું પણ કંઇક એવું કરતો જાઉં કે મારું જીવન ધન્ય બની જાય. એના મનમાં આવા અનેક વિચારોનાં ઘોડા દોડતા, પણ શું કરવું તે સૂઝતું નથી. આખરે એક રસ્તો સૂઝ્યો. જામ લાખો ચારણ કે કવિને દાનમાં જે ઘોડો આપે તે ઘોડાની જીન (પડછી, તંગ, પાદળા સુદળા) તૈયાર કરી આપવી. ભાટ-ચારણો દાનમાં મળેલો ઘોડો લઈને કપૂરા પાસે આવતા અને કપૂરો પણ એ ઘોડાને પૂરી સજાવટથી શણગારી દેતો. હવે તો કપૂરનાનું નામ પણ જામ લાખા ફુલાણીની જોડાજોડ બોલાવા લાગ્યું.લાખો જામ ઘોડાનું દાન આપે અને કપૂરો ઘોડાનાં પલાણનું. કપૂરાની કીર્તિ ચારેબાજુ ફેલાવા લાગી. કવિઓ લાખાની દાનવીરતા સાથે કપૂરાની દાતારીને પણ બિરદાવવા લાગ્યા.
લાખા ફુલાણી અને કપૂરા મેઘવાળની ઉદારતા અને બહાદુરીનાં ગુણગાન ગાતા કવિઓએ ગાયું છે :
લાખો દાની લખેંજો, કપૂરો પણ કરણ;
મોત જિની જી મુક મેં તે કે મિઠો મરણ.
(લાખો ફુલાણી લાખોનો દાની હતો, તો કપૂરો પણ કરણ જેવો દાનવીર હતો. મોત જેની મુઠ્ઠીમાં છે તેને મરણ પણ મીઠું લાગે છે.)
ઘટના એવી બની કે, પાટણપતિ મૂળરાજ સોલંકી મોટી સેના સાથે વંથલી પર ધસતો આવે છે એવા સમાચાર મળતાં ગ્રહરિપુ ચૂડાસમા ઘડીભર તો મૂંઝાઈ ગયો. મૂળરાજના સૈન્યનો સામનો કરી શકે એટલું તેનું લશ્કરી બળ ન હતું. પણ લાખા ફુલાણી જેવો કચ્છનો સમર્થ રાજવી તેનો મિત્ર હતો. તેણે લાખા જામને સંદેશો મોકલ્યો કે, ‘મારા પર મોટી આફત ઝઝૂમી રહી છે. મૂળરાજ સોલંકી મોટી ફોજ સાથે ચડી આવે છે મારા એકલાથી સામનો થઈ શકે તેમ નથી. માટે તમે મદદે આવજો.’ લાખા ફુલાણીને સંદેશો મળતાં જ તેણે કચ્છની લડાયક જાતિઓના રણવીરો સમા, સુમરા અને સંઘારોને યુદ્ધના આમંત્રણ આપી બોલાવી મિત્ર ગ્રહરિપુની મદદે ચડી નીકળ્યો.
જામ લાખો ફુલાણી મિત્રની મદદે નીકળ્યા પછી કપૂરાના મનમાં વિચારોની ઘટમાળ ઘૂંટાવા લાગી. જામ લાખા જેવો મિત્ર જીવનની પરવા કર્યા વિના તલવારો અને ભાલાઓની ઝડીઓ વચ્ચે રણસંગ્રામમાં વીર હાક ગજાવે અને હું અહીં ચામડાં ચૂંથુ? ના. ના.
કપૂરાએ પોતાની બાજી સમેટવા માંડી. લાખો ફુલાણી એનો પરમ મિત્ર. એના પ્રત્યે એટલો પ્રેમ કે લાખા ફુલાણી વિનાનાં કેરાકોટમાં રહેવું એને મુશ્કેલ થઈ પડ્યું. તેનું હૈયું હાથમાં રહ્યું નહીં. પોતાના પાંચસો મેઘવાળ સાથીદારોને લઈ શસ્ત્રસજ્જ થઈ કચ્છનું રણ ઓળંગી આટકોટ પાસે જ્યાં જામ લાખા ફુલાણીની છાવણીનો પડાવ હતો ત્યાં આવી પહોંચ્યો. આવા કટોકટીના કાળે કપૂરાને રણસંગ્રામમાં આવી પહોચેલો જોઇને ફુલાણીના હૈયામાં ગૌરવનો સાગર ઘૂઘવાટા કરવા લાગ્યો. જામ લાખો ફુલાણી તેને બે હાથની બાથમાં લઈને ભેટી પડ્યો. કપૂરા પ્રત્યેનો લાખાનો પ્રેમ જોઈને તેના સરદારો પણ ચકિત થઈ ગયા. હવે કપૂરો અછૂત ન હતો પણ રણભૂમિનો સિંહ હતો.
એક બાજુ મૂળરાજ અને તેનો ઓરમાન ભાઈ – લાખા ફુલાણીની બહેન રાયાનો દીકરો જોધાર રાખાઈશ. તો બીજી બાજુ ગ્રહરિપુ, લાખો ફુલાણી અને તેનું કચ્છી સૈન્ય, કપૂરો મેઘવાળ અને તેના પાંચસો સાથીદારો.
કચ્છના કેરાકોટથી આવેલો કપૂરો મેઘવાળ જામ લાખા ફુલાણીનાં રક્ષણ માટે તેની સાથે ખભેખભા મિલાવીને ઊભો હતો. તેના સાથીદારો લાખાની આસપાસ ગોઠવાઇ ગયા હતા. તલવારોની ઝડીઓ વરસવા લાગી. શૂરવીર યોદ્ધાઓ સામી છાતીએ જંગના મેદાનમાં ઝઝૂમતા હતા. એક તરફ ‘હર હર મહાદેવ’ના પોકારો વાતાવરણમાં ભયંકરતા ભરતા હતા. તો બીજી બાજુ ‘જય આશાપુરા’ અને ‘જિયે રાં’ ના અવાજોથી શોણિતની છોળો ઉછળતી હતી. દારુણ યુદ્ધ મચી રહ્યું હતું. ગ્રહરિપુના હાથીની સૂંઢ સોલંકી સરદારોની તલવારના ઝાટકાથી કપાઇ પડતાં હાથી મોટા ચિત્કાર સાથે ધરતી પર ઢળી પડ્યો. સોલંકી સરદારો આ બનાવને જ વિજ્ય માની રંગમાં આવી ગયા. જામ લાખાના લશ્કરે પણ બમણા વેગથી લડાઈ ચાલુ રાખી. ‘મારો…કાપો…’ ના પોકારો ચારે તરફ ગાજતા હતા. તલવારો અને ભાલાઓ સૂર્ય પ્રકાશમાં ચમકતા હતા. આ વખતે મૂળરાજ અને તેનો ઓરમાન ભાઈ રાખાઈશ અન્ય સરદારો સાથે લાખા ફુલાણીને શોધતાં શોધતાં કચ્છી સૈન્ય તરફ વળ્યા.પોતાના પિતાનાં મૃત્યુનો બદલો લેવા જામ લાખાની નજીક આવી પહોંચ્યા. (લાખા ફુલાણીએ પોતાની બહેન રાયાના પતિનો વધ કરેલો) કપૂરા મેઘવાળની તલવાર સોલંકી સરદારોને હંફાવવા લાગી. કપૂરો બહાદુરીપૂર્વક લડતાં લડતાં વીરગતિ પામ્યો અને કચ્છનું પાણી બતાવતો ગયો. રાખાઈશે લાખાને પીઠ પાછળથી બરછીનો ઘા કર્યો અને બોલી ઊઠ્યો, ‘આ બાપનું વેર’ પીઠ પાછળ અણધાર્યા પ્રહારથી લાખો ચમકી ગયો. પાછળ ફરીને નજર કરે ત્યાં તો મૂળરાજ સોલંકીની તીખી તલવાર લાખા ફુલાણીની ગરદન પર ફરી વળી. જેમ ડુંગરનું શિખર ઊડી જાય તેમ લાખા ફુલાણીનું મસ્તક તેના ધડ પરથી ઊડીને જમીન પર પડ્યું. એકવીશ વાર મૂળરાજ સોલંકીને ભગાડ્યા પછી અંતે મૂળરાજ સાથેના યુધ્ધમાં લાખો ફુલાણી વીરગતિ પામ્યા.
નોંધ : જયમલ્લ પરમાર ‘ ભાગું તો ભોમકા લાજે’ માં નોંધે છે : ‘સેંકડો વરસથી તારા ખાંભી પાળિયાનું જતન કરતી અને તારા જાજરમાન જીવનને યાદ કરી ગૌરવ લેતી આટકોટની ધરતી જ તારી લીસી છીપરનું ચિરંજીવી સંભારણું બની ગયું છે અને જ્યાં તું હો ત્યાં જ તારા કપૂરા મેઘવાળનું સૈન્ય…’
કપૂરો મેઘવાળ પોતાના ૫૦૦ના કટક સાથે લાખા ફુલાણીની સખાતે આવી વેતરાઈ ગયો છે.
(“ઊર્મિ નવરચના” ઓકટો – નવે ૧૯૭૫)
માહિતી સૌજન્ય : દલપત ચાવડા – રાજકોટ ( ખેરવા)
● સંત શુરા અને સતીઓ ગ્રુપ ●