September 15, 2026

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

January 7, 2014  ·  1 મિનિટ વાંચન

સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,
ને રાખજો રૂડી રીત રે,
અજાણ્યા સાથે વાત નવ કરજો,
ને જેનું મન સદા વિપરીત રે … સ્થિરતાએ.

આગળ ઘણાં મહાત્મા થઈ ગયા
ને તેણે કુપાત્રનો કર્યો નિષેધ રે,
એક આત્મા જાણીને અજ્ઞાની પ્રબોધિયો
ને ઉપજાવે અંતરમાં ખેદ રે … સ્થિરતાએ

લિંગ વાસનામાં જેનું ચિત્ત લાગ્યું,
ને આસક્ત છે વિષયમાંય રે,
એવાને ઉપદેશ કદી નવ કરવો
ને જેને લાગે નહિ લેશ ઉરમાંય રે … સ્થિરતાએ.

ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું
ને ચુકવો નહિ અભ્યાસ રે,
ગંગા સતી રે એમ બોલિયાં રે,
ત્યાં ટકે નહિ દુરજનનો વાસ રે … સ્થિરતાએ.

– ગંગા સતી

સંબંધિત લેખ