September 14, 2026

શિવાજીનું હાલરડું

January 6, 2014  ·  1 મિનિટ વાંચન

http://youtu.be/_eSKWMjzSbg

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે
બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે : સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા ! ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે : ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા ! માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા ! ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે ધણણણ ડુંગરા બોલે.

– ઝવેરચંદ મેઘાણી

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…