September 12, 2026

ઊઠો

October 18, 2014  ·  1 મિનિટ વાંચન

ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર
જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર.

સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન,
મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે :
બે’ની ! બંકા આપણ ભરથાર. – ઊઠો.

દુશ્મન કેરાં નોતરાં, બે’ની ! બથ ભરી મળવા કાજ;
રક્તનાં કેસરછાંટણાં છંટાશે, ખેલાશે રસબસ રાસ રે:
કંઠે પે’રી આંતરડાંની માળ. – ઊઠો.

કાળ તણી એ કચેરીઓમાં બેઠા પછી ન ઉઠાય;
કંથ કોડીલાનાં કાળાં કવચ ત્યાં તો રાતે શોણિતે રંગાય રે:
બાજે રણરંભાના ઠમકાર. – ઊઠો.

અંતરની કાળી ઝાળો ઓલવવા કાળગંગાને ઘાટ,
નણદલવીર એ નીરમાં ન્હાતા ત્યાં સામસામી દૈ થપાટ રે:
ગાંડાતૂર જેવા ગજરાજ. – ઊઠો.

જીતીને વળશે તો રંગે રમાડશું : મરશે તોયે શા ઉચાટ !
ખોળે પોઢીને ચડશું ચિતા માથે : હસતાં જાશું સુરવાટ રે:
એવા ઉગ્રભાગી અવતાર. – ઊઠો.
[૧૯૨૫]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…