September 14, 2026

ઝંખના

February 5, 2014  ·  1 મિનિટ વાંચન

મારી માઝમ રાતનાં સોણલાં ચમકી ચમકી ચાલ્યાં જાય :
મારી આતમ-જ્યોતના દીવડા ઝબૂકી ઝબૂકી ઝંખવાય.

જંપે જરી રોતાં લોચનિયાં, ત્યાં
ઝબકીને જાગી જવાય;
આઘે આઘે આછા યુગનર કેરા
પડછાયા પથરાય રે :
મહાવીર દૂરે દરશાય. -મારી

આભ લગી એનાં મસ્તક ઊંચા ને
પગ અડતા પાતાળ;
જુગજુગના જેણે કાળ વલોવ્યા ને
ડોલાવી ડુંગરમાળ રે :
ફોડી જીવનરૂંધણ પાળ. -મારી

ઠપકા દેતી હસતી મૂરતી એ
ઝળહળાતી ચાલી જાય:
સ્વપ્ન સરે, મારે કાન પડે
મારા દેશની ઊંડેરી હાય રે:
એનાં બંધન ક્યારે કપાય ! – મારી

ઘન ઘન અંધારાં વીંધણહારો
જાગે ન કો ભડવીર;
ડરતાં ડરતાં ડગલાં ભરતાં આ તો
વામન સરખાં શરીર રે:
અણભીંજલ ઊભાં છે તીર. -મારી

જરીક જરીક ડગ માંડતાં મારી
જનનીને ના વળે જંપ,
આવો વિપ્લવ ! આવો જ્વાલામુખી !
આવો રૂડા ભૂમિકમ્પ રે :
ભેદો જીર્ણતા-દારુણ થંભ. – મારી
[૧૯૨૯]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…