મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે જ. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. આપણો દેશ કૃષિપ્રધાન છે, તેથી અહીં ખેતીમાં જેટલી પ્રધાનતા બળદની છે એટલી પ્રધાનતા અન્ય કોઈની નથી. પાડાઓ દ્વારા પણ ખેતી થાય છે, પણ ખેતીમાં જેટલું કામ બળદ કરી શકે છે, તેટલું પાડા નથી કરતા. પાડા બળવાન તો હોય છે પણ તે તાપ સહન કરી શકતા નથી. તાપમાં ચાલવાથી જીભ બહાર નીકળી જાય છે, જ્યારે બળદ તાપમાં પણ ચાલે છે. એનું કારણ એ છે કે પાડામાં સાત્વિક બળ હોતું નથી, જ્યારે બળદમાં સાત્વિક બળ હોય છે. આમ, તો ઊંટથી પણ ખેતી થાય છે, પણ ઊંટોની સંખ્યા તો પાડા કરતાં પણ ઓછી હોય છે. ઊંટ મોંઘાં પડે છે. ખેતી કરનાર દરેક માણસ ઊંટ નથી ખરીદી શકતો. આજકાલ તો સારા સારા જવાન બળદની કતલ થાય છે. મારી નંખાય છે, તે કારણે બળદ પણ મોંઘાં થઈ ગયા છે. તો પણ ઊંટ જેટલાં મોંઘાં હોતા નથી. જો ઘરે ઘરે ગાયો રાખવામાં આવે તો બળદો ઘરમાં જ પેદા થઈ શકે. ખરીદવાની જરૂર નહીં પડે. પરદેશી ગાયોના જે બળદ હોય છે તે ખેતીમાં કામ નથી આવી શકતા, તેમને ખૂંધ ન હોવાથી હળે જોડી શકતા નથી.
ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. ગાયના છાણ-મૂતર પણ પવિત્ર હોય છે. છાણ દ્વારા લીપેલાં ઘરોમાં પ્લેગ, કોલેરા વગેરે જેવા ભયંકર રોગો થતા નથી. યુદ્ધના સમયે ગાયના છાણથી લીપેલાં મકાનો પર બોંબની પણ એટલી અસર થતી નથી જેટલી સિમેન્ટ વગેરેથી બનાવેલાં મકાનો પર થાય છે. ગાયના છાણમાં ઝેર ખેંચી લેવાની વિશેષ શક્તિ હોય છે. કાશીમાં એક માણસ સાપ કરડવાથી મરી ગયો. લોકો એને અગ્નિદાહ આપવા ગંગા કિનારે લઈ ગયા. ત્યાં એક સાધુ રહેતા હતા. એમણે પૂછ્યું કે આ વ્યક્તિને શું થયું? લોકોએ કહ્યું આ સાપ કરદવાથી મૃત્યુ પામ્યો છે. સાધુ એ કહ્યું એ મર્યો નથી, તમે ગાયનું છાણ લઈ આવો. છાણ આવ્યું, સાધુએ વ્યક્તિનું માત્ર નાક રહેવા દઈને આખા શરીરે ઉપર નીચે ગાયના છાણનો લેપ કરી દીધો. અડધા કલાક બાદ ફરીથા લેપ કર્યો. એ વ્યક્તિનો શ્વાસ ચાલવા લાગ્યો અને એ જીવી ગયો. હ્રદય-રોગમાં ગો-મૂત્ર ઘણું જ ઉપયોગી છે. નાની વાછરડીનું ગો-મૂત્ર રોજ તોલા બે તોલા પીવાથી પેટના રોગ દૂર થાય છે. એક સંતને દમની ફરિયાદ હતી, એમને ગો-મૂત્રથી ઘણો ફાયદો થયો. આજકાલ તો ગાયના છાણથી અને ગો-મૂત્રથી અનેક રોગોની દવાઓ બનાવવામાં આવે છે. હવે તો છાણથી ગેસ (ગોબર-ગેસ) બને છે. જે ગેસ ચૂલા સળગાવવામાં કામ આવે છે.
ખેતરોમાં ગો-મૂત્ર અને છાણનું ખાતર આપવાથી જે અનાજ પેદા થાય છે તે પણ પવિત્ર હોય છે. ખેતરમાં ગો-મૂત્ર અને છાણથી જમીનની જેવી પુષ્ટિ થાય છે, એવી પુષ્ટિ વિદેશી રાસાયણિક ખાતરથી થતી નથી. જેમ કે, એક વાર દ્રાક્ષની ખેતી કરનારાઓએ પ્રયોગ કરીને બતાવ્યું કે છાણનું ખાતર આપવાથી દ્રાક્ષની લૂમો (ગુચ્છા) જેતલી મોટી-મોટી થાય છે, એટલી વિદેશી ખાતર નાખવાથી થતી નથી. વિદેશી ખાતર નાંખવાથી થોડાં જ વર્ષોમાં જમીન ખરાબ થઈ જાય છે એટલે કે એની ઉપજાઉ શક્તિ નષ્ટ થઈ જાય છે. પરંતુ ગોબર-ગોમૂત્રથી જમીનની ઉપજાઉ શક્તિ જેવી ને તેવી જળવાય રહે છે. વિદેશોમાં રાસાયણિક ખાતરોથી ઘણાં બધાં ખેતરો ખરાબ થઈ ગયાં છે, જેમને ફરીથી ઉપજાઉ બનાવવા માટે લોકો ભારતમાંથી છાણ મંગાવે છે અને ભારતમાંથી છાણના જહાજો ભરાઈને વિદેશોમાં જઈ રહ્યાં છે.
આપણા દેશની ગાયો સૌમ્ય અને સાત્વિક હોય છે. તેથી તેમનું દૂધ પણ સાત્વિક હોય છે. એ દૂધ પીવાથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. એ દૂધ પીવાથી બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. સ્વભાવ શાંત અને સૌમ્ય થાય છે. વિદેશી ગાયોનું દૂધ પ્રમાણમાં તો વધારે જ મળે છે, પણ એ ગાયોમાં ગુસ્સો બહુ હોય છે તેથી એ ગાયોનું દૂધ પીનારા મનુષ્યોનો સ્વભાવ પણ ક્રૂર હોય છે. આમ તો ભેંસોનું દૂધ પણ પ્રમાણમાં વધારે હોય છે, પણ તે દૂધ સાત્વિક હોતું નથી, એનાથી સાત્વિક બળ આવતું નથી. સૈનિકોના ઘોડાઓને ગાયનું દૂધ પીવડાવવામાં આવે છે તેથી આ ઘોડા ખૂબ જ તેજ દોડનારા બને છે. એક વાર સૈનિકોએ પરીક્ષા લેવા માટે જ કેટલાક ઘોડાઓને ભેંસનું દૂધ પીવડાવ્યું, તેનાથી ઘોડા પાણીમાં બેસી ગયા, ભેંસો પાણીમાં જ બેસે છે ને! તેથી એ જ સ્વભાવ-સંસ્કાર ઘોડાઓમાં આવી ગયો. ઊંટડીનું દૂધ પણ કાઢવામાં આવે છે પણ એ દૂધનું દહીં-માખણ થતું નથી. એનું દૂધ તામસી હોવાને કારણે દુર્ગતિ આપનાર થાય છે. સ્મૃતિઓમાં ઊંટ, કુતરાં, ગધેડા વગેરેને અસ્પૃશ્ય ગણાવવામાં આવ્યાં છે.
સઘળાં ધાર્મિક કાર્યોમાં ગાયની મુખ્યતા છે. જાતકર્મ, ચૂડાકર્મ, ઉપનયન વગેરે સોળ સંસ્કારોમાં ગાયનો, એના દૂધનો, ઘીનો, ગોબરનો વગેરેનો વિશેષ સંબંધ રહે છે. ગાયના ઘીથી યજ્ઞ થાય છે. સ્થાન શુદ્ધિ માટે ગાયના ગોબરનો લેપ કરવામાં આવે છે. શ્રાદ્ધકર્મમાં ગાયના દૂધની ખીર બનાવવામાં આવે છે. નરકથી બચવા માટે ગોદાન કરવામાં આવે છે. ધાર્મિક કાર્યોમાં ‘પંચગવ્ય’ ઉપયોગમાં લેવાય છે. પંચગવ્યમાં ગાયનું દૂધ, દહીં, ઘી, છાણ અને મૂત્ર એ પાંચનો સમાવેશ થાય છે.
કામનાપૂર્તિને માટે થનારા યજ્ઞોમાં ગાયનું ઘી કામમાં આવે છે. રઘુવંશની પ્રગતિમાં ગાયની જ પ્રધાનતા હતી. પૌષ્ટિક, વીર્યવર્ધક ચીજોમાં પણ ગાયના દૂધ અને ઘીનું મુખ્ય સ્થાન છે.
નિષ્કામભાવે ગાયની સેવા કરવાથી મુક્તિ મળે છે. ગાયની સેવા કરવાથી અંતઃકરણ નિર્મળ બને છે. ભગવાન શ્રીકૃષ્ણે પણ પગરખાં પહેર્યા વિના જ ગોચારણની લીલા કરી હતી, એથી જ તો એમનું નામ ‘ગોપાલ’ પડ્યું. પ્રાચીન કાળમાં ઋષિ લોકો વનમાં રહેતા હતા અને પોતાની પાસે ગાયો રાખતા હતા. ગાયના દૂધ-ઘીથી એમની બુદ્ધિ પ્રખર અને વિલક્ષણ થતી હતી. અને તે દ્વારા મોટા-મોટા ગ્રંથોની રચના કરતા હતા. ગાયના દૂધ-ઘીથી તે લોકો દીર્ઘાયુ થતા હતા. તેથી જ ગાયના ઘીનું એક નામ ‘આયુ’ પણ છે. મોટા-મોટા રાજા લોકો પણ એ ઋષિઓ પાસે આવતા અને તેમની સલાહથી રાજ્ય ચલાવતાં હતા.
ગો-રક્ષા માટે બલિદાન આપનારાઓની કથાઓથી ઇતિહાસ-પુરાણ ભરેલાં પડ્યા છે. બહુ દઃખની વાત છે કે આજે દેશમાં પૈસાના લોભે કરીને હજારોની સંખ્યામાં ગાયોની કતલ થઈ રહી છે ! જો આવી જ રીતે ગો-હત્યા ચાલુ રહી તો એક સમય એવો આવશે કે ગો વંશ જ સમાપ્ત થઈ જશે. જ્યારે ગાયો જ નહિ રહે, ત્યારે દશા શી થશે? કેટ કેટલી આફતો આવશે – એનો અંદાજ પણ લગાવી શકાતો નથી. જ્યારે ગાયો સમાપ્ત થઈ જશે ત્યારે છાણિયું ખાતર પણ નહીં મળે અને જમીન પણ ફળદ્રુપ નહીં રહે. જો જમીન જ ફળદ્રુપ નહીં હોય તો ખેતી કેવી રીતે થશે? ખેતી નહીં હોય તો અન્ન તથા વસ્ત્ર (કપાસ) કેવી રીતે મળશે? લોકોના શરીર-નિર્વાહ માટે અન્ન, જળ અને વસ્ત્ર પણ મળવા મુશ્કેલ થઈ જશે. ગાય ને એનું દૂધ-ઘી-છાણ વગેરે નહીં રહે તો પ્રજા બહુ વર્તમાનમાં દુષ્કાળ, અનાવૃષ્ટિ, ધરતીકંપ અને આંતરિક કલહ વગેરે થવામાં ગો-હત્યા મુખ્ય કારણ છે. તેથી આપણે પૂરી શક્તિ લગાવીને દરેક પરિસ્થિતિમાં ગાયોની રક્ષા કરવી જોઇએ. તેમને કતલખાનામાં જતાં રોકવી એ આપણું પરમ કર્તવ્ય છે.
ગાયોની રક્ષાને બહાને ભાઈ-બહેનોએ ગાયોનું પાલન કરવું જોઇએ. એમને ઘેર રાખવી જોઇએ. ગાયનું જ દૂધ, ઘી ખાવું, ભેંસ વગેરેનું નહીં. ઘરોમાં ગોબર ગેસનો પ્રયોગ કરો. ગાયોના રક્ષણ માટે ગોશાળા બનાવો. જેતલી ગોચર ભૂમિ છે એની રક્ષા કરો અને સરકાર પાસેથી ગોચર ભૂમિ છોડાવી લો. સરકારની ગોહત્યા નીતિનો વિરોધ કરો. અને સરકારને અનુરોધ કરો કે દેશની રક્ષા માટે સમગ્ર દેશમાં તત્કાલ અસરથી પૂર્ણરૂપે ગો-હત્યા બંધ કરો.
“જીવનનું સત્ય” પુસ્તક માંથી
– સ્વામી રામસુખદાસ
—————————————
લાલચટ્ટાક કંકુના ચાંદલા પર
ચોખા ચોડાયા કપાળમાં
લીલુંછમ્મ ઘાસ નિરાયું
ધન્ય ધન્ય ગાયમાતા
શેઢકડાં દૂધ આપ્યાં
સવારસાંજ વર્ષોનાં વર્ષો
ગાય હવે બેઠી છે પાંજરાપોળમાં સુક્કુંભઠ્ઠ ખડ વાગોળતી.
– જયા મહેતા