ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી,
આવે ઊછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી,
કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોરાળી
હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી……
આંકડિયાવાળી હેલળિયાળી વેલ્યુંવાળી વખવાળી,
અવળા આંટાળી, જામી જાળી, ભેખડિયાળી ભેવાળી,
તેને દઈ તાળી જાતા ભાળી, લાખ હિલ્લોળી નખરાળી
હિરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી……
આંબા આંબલીયું, ઉંબ ઉંબરિયું, ખેર ખીજડિયું બોરડિયું,
કેહુડા કળિયું વા વખરિયું હેમની કળિયું આવળિયું
પ્રથવી ઊતરિયું સરગી પરિયું વળિયુંવાળી જળધારી,
હીરણ હલકારી, જોબનવાળી નદી રૂપાળી નખરાળી……
રાણ્યુ કદંબા, લઈ અવડંબા, ધૂડ ધડંબા જળબંબા
કરી કેશ કલબા બીખરી લંબા જય જગદંબા શ્રી અંબા
દાદલ દિલરંગી, છંદ ત્રિભંગી, બની ઉમંગી બિરદાળી
હીરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી…….
-કવિ દાદ