પોરબંદરમાં બને છે રોજની હજારો કિલો ખાજલી
અનેક શહેરો ખાદ્ય ચીજ વસ્તુઓ માટે પ્રખ્યાત બનતા હોય છે પરંતુ જેનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ખાજલી છેલ્લા આઠથી દસ દાયકાથી પોરબંદરની ઓળખ બની ગઈ છે.
રોજની હજારો કિલો ખાજલી પોરબંદર શહેરમાં બને છે. પોરબંદરની એક આગવી ઓળખ બની ગયેલી આ ખાજલી સહેલાણીઓને પણ આકર્ષે છે. ખાજલીને મેંદો, ઘી અને પાણીના ઉપયોગથી બનાવી તેને તેલમાં તળવામાં આવે છે. મોળી, મીઠી અને મસાલાવાળી એમ ત્રણ પ્રકારની ખાજલી બજારમાં મળતી હોય છે.
આમ તો ઘણા શહેરોમાં છેલ્લા થોડા વર્ષોથી ખાજલી બનાવવાનું શરુ કરવામાં આવ્યું છે પરંતુ પોરબંદરના એક અનોખા વાતાવરણ અને ચોક્કસ કારીગરોને કારણે પોરબંદરની ખાજલી જેવો સ્વાદ અન્ય જગ્યાએ મેળવી શકાતો નથી. પોરબંદરમાં આ ખાજલીના ગૃહ ઉદ્યોગ જેવા વ્યવસાયને કારણે 500થી પણ વધારે પરિવારોનું ગુજરાન ચાલે છે. આમ તો ખાજલીનો ઉપયોગ લોકો સવારના નાસ્તામાં કરતા હોય છે પરંતુ મીઠી ખાજલી લોકો ભગવાનના મંદિરમાં પણ પ્રસાદ તરીકે ચડાવે છે અને વારે તહેવારે લોકો એકબીજાને મીઠાઇની સાથે ભેટમાં પણ આપતા હોય છે. આ ખાજલી વિદેશોમાં પણ મોટા પાયે એક્ષપોર્ટ થતી હોવાના કારણે ખાજલીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પૂરું વળતર પણ મળી શકે છે.